આવતી 1 અને 5 ડિસેમ્બરે જેને માટે મતદાન થવાનું છે અને 8 ડિસેમ્બરે મતગણતરી તથા પરિણામનો દિવસ નક્કી કરાયો છે તે ગુજરાત વિધાનસભા ચૂંટણી-2022ના જંગના પ્રથમ તબક્કામાં ઉતરેલાં 89 મતક્ષેત્રોનાં તમામ 788 ઉમેદવારો કોઈ ગુનાઈત ઈતિહાસ ધરાવે છે કે નહીં, એમણે કઈ શૈક્ષણિક લાયકાત હાંસલ કરી છે અને એમની પાસે કેટલી સંપત્તિ છે તે વિશે ગુજરાત ઈલેક્શન વોચ અને ADR દ્વારા એક વિશ્લેષણ કરવામાં આવ્યું છે. આ વિશ્લેષણ ઉમેદવારોએ નોંધાવેલા સોગંદનામાના આધારે જ કરવામાં આવ્યું છે. તેનો અહેવાલ નીચે મુજબ છેઃ
નામદાર સર્વોચ્ચ અદાલતના 25/09/2018 અને 13/2/2020 ના ચુકાદા સંદર્ભે ચૂંટણી પંચ દ્વારા જારી કરવામાં આવેલ (તા. 10/10/2018 અને 6/3/2020 ના) પત્ર અનુસાર ઉમેદવારે અને રાજકીય પક્ષોએ ગુનાઇત ઇતિહાસ અને આવા ઉમેદવારોને પસંદ કરવાના કારણો જાહેર કરવાના થાય છે.
ચૂંટણી પંચનો તા. 6/2/2020 નો પત્ર (સર્વોચ્ચ અદાલતના 13/2/2020 ના નિર્દેશઅનુસાર)
1) રાજકીય પક્ષોએ જે ઉમેદવારો પર ગુનાઓ દાખલ થયેલ હોય, અદાલતમાં પડતર હોય તેવા તમામ ઉમેદવારો વિશેની માહિતી તેમના વેબસાઇટ પર પ્રસિદ્ધ કરવી ફરજીયાત છે. તેમાં ગુનાની વિગત, પ્રકાર, જો તેમણે ચાર્જ નક્કી થયેલ હોય તો તેની વિગત, જે કોર્ટ માં કેસ ચાલતો હોય તેની વિગત વગેરે દર્શાવવાની હોય છે.
2) રાજકીય પક્ષોએ આવા ગુનાઇત ઇતિહાસ વાળા ઉમેદવારોને કેમ પસંદ કર્યા અને બીજા સ્વચ્છ છબી વાળા ઉમેદવારોને કેમ પસંદ ન કર્યા ? તેનું કારણ પણ દર્શાવવું ફરજીયાત છે.
૩) આવા કારણોમાં તેમની ગુણવત્તા, શિક્ષણ, સિદ્ધિઓ, તેમની લાયકાત, વગેરે બાબત ધ્યાને લેવી જોઈએ. માત્ર જીતવાની શક્યતા વધારે હોવાનું કારણ પૂરતું નથી.
4) આવી માહિતી એક સ્થાનિક અખબારમાં, એક રાષ્ટ્રીય અખબારમાં અને સોશ્યલ મીડિયા પર (ફેસબુક અને ટ્વીટર) પર પ્રસિદ્ધ કરવી ફરજીયાત છે.
5) આવી માહિતી ઉમેદવારની પસંદગી થયાના 48 કલાકમાં જાહેર કરવી જોઈએ,.
6) રાજકીય પક્ષોએ 72 કલાકમાં ECI ને આ બાબતે અહેવાલ આપવો ફરજીયાત છે.
સુપ્રીમ કોર્ટના ચુકાદાની વિગતો જાણવા માટે ક્લિકો કરશોઃ
Supreme Court’s Judgement can be accessed here:
https://adrindia.org/sites/default/files/judgment_on_de-criminalization_25-Sep-2018.pdf
સર્વોચ્ચ અદાલત ના તા: 25/09/2018 ના નિર્દેશના અનુસંધાને ચૂંટણી પંચ દ્વારા જારી કરવામાં આવેલ તા: 10/10/2018 નો પત્ર ઉમેદવારો માટે:
- ચૂંટણી પંચ દ્વારા નક્કી કરેલા ફોર્મેટમાં દરેક ઉમેદવાર તમામ જરૂરી અને પૂરેપૂરી માહિતી આપશે.
- તેમના પર જે ગુનાઓ દાખલ થયેલ હોય અને પડતર હોય તો તે અંગે “bold” મોટા અક્ષર (ફૉન્ટ) માં જણાવશે.
૩. ઉમેદવારે પક્ષ ને પણ તેમના પર દાખલ થયેલા અને પડતર ગુનાઓ અંગે જાણ કરવી ફરજીયાત છે.
રાજકીય પક્ષો માટે
- જે તે રાજકીય પક્ષોએ ઉમેદવારો વિશેની ગુનાઇત ઇતિહાસની વિગતો તેમની વેબસાઇટ પર મૂકવી ફરજીયાત છે.
ઉમેદવાર અને રાજકીય પક્ષ બંને માટે
1)ઉમેદવાર અને રાજકીય પક્ષોમાટે એ ફરજીયાત છે, કે ગુનાઇત ઇતિહાસ વાળા ઉમેદવાર વિશેની વિગતો ચૂંટણી પહેલા 3 વાર 3 જુદી જુદી તારીખોમાં પ્રસિદ્ધ કરવા જરૂરી છે. પ્રથમ તબક્કામાટે
18/11/2022 થી 21/11/2022 સુધી 22/11/2022 થી 25/11/2022 સુધી
26/11/2022 થી 29/11/2022 સુધી
2) જો ઉમેદવાર અથવા રાજકીય પક્ષો દ્વારા આનું પાલન કરવા ન આવે તો તે માટે એક રિમાઇન્ડર (સ્મૃતિપત્ર) મોકલવું જરૂરી છે. અને આખરી તારીખ સુધી જો તેનું પાલન ન કર્યું, તો તે અંગે રિટર્નિંગ ઓફિસર મુખ્ય ચૂંટણી અધિકારીનું ધ્યાન દોરશે. અને આવા કિસ્સામાં ECI આખરી નિર્ણય લેશે. સ્મૃતિપત્રનું ફોર્મેટ ECI દ્વારા જારી કરેલ ગાઈડલાઇનમાં છે.
3) તમામ રાજકીય પક્ષોએ CEO (મુખ્ય ચૂંટણી અધિકારી)ને અહેવાલ આપવાનો રહેશે કે તેમના દ્વારા ગુનાઈત ઈતિહાસ ધરાવતા ઉમેદવારો અંગેની વિગતો ઉપરોક્ત જણાવ્યાનુસાર પ્રસિદ્ધ કરેલ છે. સીઈઓ ત્યારબાદ 15 દિવસની અંદર ECIને અહેવાલ સુપરત કરશે.
સમરી અને મુખ્ય મુદ્દાઓ
ગુજરાત ઈલેક્શન વોચ અને ADR દ્વારા ગુજરાત વિધાન સભાની પ્રથમ તબક્કાની 89 વિધાનસભા મતક્ષેત્રમાં ચૂંટણી લડનાર તમામ 788 ઉમેદવારોના સોગંદનામાંનું વિશ્લેષણ કર્યું છે. તેનો અહેવાલ નીચે મુજબ છે.
ગુનાઇત ઇતિહાસ
- પ્રથમ તબક્કામાં ચૂંટણી લડતા કુલ 788 ઉમેદવારો માંથી 167 (21%) ઉમેદવારો ગુનાઓ ધરાવે છે, એવું એમના સોગંદનામામાં જણાવ્યુ છે. 2017 માં પ્રથમ તબક્કામાં ઉભા રહેલા 923 ઉમેદવારોમાંથી 137 (15%) ઉમેદવારો ગુનાઇત ઇતિહાસ ધરાવતા હતા.
- 167 ગુનાઇત ઇતિહાસ ધરાવતા ઉમેદવારો માંથી 100(13%) સામે ગંભીર ગુનાઓ દાખલ થયેલા છે. 2017 માં આ સંખ્યા 78 (8%) હતી.
*ગંભીર ગુનાઓ: 5 વર્ષ કે તેથી વધુ સજા થઈ શકે તેવા ગુનાઓ * નોન-બેલેબલ ગુનાઓ, * ચૂંટણી ને લગતા ગુનાઓ, (IPC171 E, લાંચ રૂશ્વત) * સરકારી તિજોરીને નુકસાન થાય તેવા ગુનાઓ, * લોક પ્રતિનિધિત્વ ધારા અંતર્ગતના ગુનાઓ, * લાંચ રૂશ્વત પ્રતિબંધક ધારો, * મહિલાઓ સામેના ગુનાઓ
પક્ષપ્રમાણે ગુનાઈત ઈતિહાસ ધરાવતા ઉમેદવારોની સંખ્યાઃ મુખ્ય પક્ષોની વાત કરીએ તો, AAPના 88 ઉમેદવારોમાંથી 32 (36 ટકા)એ તેમની સામે ગુના નોંધાયા હોવાનું સોગંદનામામાં જણાવ્યું છે. INC પક્ષના 31 (35 ટકા) ઉમેદવારો સામે ગુના નોંધાયા છે. તો ભાજપના 89માંથી 14 (16 ટકા) ઉમેદવારો સામે ગુના નોંધાયા છે. બીટીપીના 14 માંથી 4 (29 ટકા) ઉમેદવારો સામે ગુનો નોંધાયો છે.
ગંભીર ગુનાવાળા ઉમેદવારો (પક્ષવાર): મુખ્ય પક્ષોની વાત કરીએ તો AAP પક્ષના કુલ 88 ઉમેદવારોમાંથી 26 (30%), INC ના કુલ 89 ઉમેદવારોપૈકી 18 (20%), BJP ના 89 11 (12%) અને BTP ના 14 ઉમેદવારો પૈકી 1 (7%) ઉમેદવારો ગંભીર ગુનાઓ વાળા છે.
- મહિલાઓ સામેના ગુનાઓ ધરાવતા ઉમેદવાર : કુલ 9 ઉમેદવાર ની સામે મહિલાઓ સામે અત્યાચારના ગુનાઓ દાખલ છે.
- મર્ડર ને લગતા ગુનાઓ – 3 ઉમેદવારો સામે IPC -302 મુજબ ના ગુનાઓ દાખલ થયેલા છે, જ્યારે 12 ઉમેદવારની સામે IPC 307 મુજબના ગુનાઓ દાખલ થયેલા છે, તેવું ઉમેદવારોએ જાહેર કર્યું છે.
- 25 વિધાનસભા મતક્ષેત્રોમાં ત્રણ થી વધુ ઉમેદવારો ગુનાઇત ઇતિહાસ ધરાવે છે, એટલે એમને રેડ એલર્ટ મતક્ષેત્રો કહેવામા આવ્યા છે. 2017 માં રેડ અલર્ટ મતક્ષેત્રોની સંખ્યા 21 (24%) હતી.
પક્ષપ્રમાણે ઉમેદવારોની સંપત્તિઃ
મોટા ભાગના પક્ષો વધુ પૈસા ધરાવતા ઉમેદવારોને ચૂંટણીની ટિકિટ આપે છે. મુખ્ય પક્ષોની વાત કરીએ તો, ભાજપના 89 ઉમેદવારોમાંથી 79 (89%) કરોડપતિ છે. જ્યારે કોંગ્રેસના 89 ઉમેદવારોમાંથી 65 (73%) કરોડપતિ છે. અને AAPના 88 ઉમેદવારોમાંથી 33 (38%) કરોડથી વધુની સંપત્તિ ધરાવે છે.
સરેરાશ મિલકતઃ પ્રથમ તબક્કામાં, ચૂંટણી લડતા ઉમેદવારોની સરેરાશ મિલકત 2.88 કરોડ રૂપિયા છે. 2017ની ચૂંટણી વખતે તે રૂ.2.16 કરોડ હતી.
સરેરાશ મિલકત પક્ષપ્રમાણેઃ ભાજપના કુલ 89 ઉમેદવારોની સરેરાશ મિલકત 13.40 કરોડ થાય છે. જ્યારે કોંગ્રેસના 89 ઉમેદવારની સરેરાશ મિલકત રૂ. 8.38 કરોડ છે. AAP ના 88 ઉમેદવારોની સરેરાશ મિલકત રૂ. 1.99 કરોડ થાય છે. જ્યારે ભારતીય ટ્રાઈબલ પાર્ટીના 14 ઉમેદવારોનો સરેરાશ મિલકત રૂ. 23.39 કરોડ છે.
ઝીરો મિલકતવાળા ઉમેદવારઃ રાજકોટ પશ્ચિમ મતક્ષેત્રના અપક્ષ ઉમેદવાર ભૂપેન્દ્રભાઈ ભવાનભાઈ પટોળિયા દ્વારા એમની મિલકત ઝીરો હોવાનું દર્શાવ્યું છે.
ઓછી મિલકતવાળા ઉમેદવારોઃ સૌથી ઓછી મિલકતવાળા ઉમેદવારોની વિગત નીચે મુજબ છેઃ
સૌથી વધુ જવાબદારી (દેવું) હોય તેવા ઉમેદવારોઃ 386 (49 ટકા) ઉમેદવારોએ તેમના સોગંદનામામાં તેમના પરની જવાબદારીઓની વિગતો આપી છે. તેમાં સૌથી વધુ દેવું, જવાબદારી હોય એવા ત્રણ ઉમેદવારની વિગત નીચે મુજબ છેઃ
પાન કાર્ડ અંગેની વિગતઃ 788 ઉમેદવારોમાંથી 37 (5 ટકા) ઉમેદવારોએ પાન નંબર જાહેર કર્યો નથી.
અન્ય વિગતો
- શૈક્ષણિક લાયકાત બાબતે: 492 (62%) ઉમેદવારોએ તેમના સોગંદનામાંમાં જાહેર કર્યું છે, કે તેમનું શિક્ષણ 5થી 12 સુધી નું છે. જ્યારે 185 (23%) ઉમેદવારો ગ્રેજ્યુએટ છે, અને 21 ઉમેદવારો ડિપ્લોમા હોલ્ડર છે, જ્યારે 53 ઉમેદવારોને માત્ર લખતા વાંચતાં આવડે છે, જ્યારે 37 ઉમેદવારોએ તેઓ નિરક્ષર છે, તેવું જાહેર કર્યું છે.
- ઉમેદવારોની વિગતો ઉમર પ્રમાણે: 277(35%) ઉમેદવારો 25 થી 40 ઉમર સુધી ના છે, 431 (55%) ઉમેદવારો 41 થી 60 સુધી ના છે, 79(10%) ઉમેદવારો 61 થી 80 વચ્ચે ઉમર ધરાવે છે, જ્યારે 1 ઉમેદવાર 80 વર્ષથી ઉપરના છે.
- ઉમેદવારોમાં મહિલાઓની ભાગીદારી: કુલ 788 ઉમેદવારોમાં 69(9%) મહિલા ઉમેદવારો પ્રથમ તબક્કામાં ચૂંટણી લડશે. 2017 માં કુલ 923 પૈકી 57 (6%) મહિલા ઉમેદવારો હતા.
ADR દ્વારા ભલામણો
- રાજકારણમાં વધતી જતી ગુનાખોરીનું પ્રમાણને રોકવા વખતો વખત જુદી જુદી સમિતિઓએ નાગરિક સંગઠનોએ કરેલ માંગણી મુજબ કઇંક નક્કર પગલાં લેવાવા જોઈએ. સર્વોચ્ચ અદાલત પાસેથી અપેક્ષા છે, કે ન્યાય અને વ્યવસ્થા જાળવવા માટેની સૌથી ઉચ્ચતમ જગ્યા હોવાના નાતે આ મુદ્દે રાજકીય પક્ષો સામે કોઈ નક્કર કાર્યવાહી કરે.
- જે ઉમેદવારોપર મહિલાઓ સામેના ગુનાઓ, મર્ડર, બળાત્કાર, કીડનેપીંગ જેવા ગુનાઓ દાખલ થયેલ હોય તેતેમના ચૂંટણી લડવા ઉપર પ્રતિબંધ કરવો જોઈએ.
- જે ઉમેદવારો પર ગંભીર પ્રકારના ગુનાઓના, અને ચાર્જ ફ્રેમ થયેલ છે, તેમના ચૂંટણી લડવા પર 5 વર્ષ સુધી પ્રતિબંધ મૂકવો જોઈએ.
- જે પક્ષ ગુનાઇત ઇતિહાસ ધરાવતા ઉમેદવારોને ચૂંટણી લડવામાટે ટિકિટ આપે તેમનું IT કાયદા અંતર્ગત મળેલ છૂટછાટ પાછી ખેંચી લેવી જોઈએ.
- રાજકીય પક્ષો ને RTI કાયદા હેઠળ પારદર્શી અને જવાબદેહી બનાવવા જોઈએ.
- જે પક્ષ જાણી જોઈને ગુનાઇત ઇતિહાસ વાળા ઉમેદવારોને ટિકિટ આપે છે, તેવા પક્ષોનું રજીસ્ટ્રેશન રદ કરવું જોઈએ.
- રાજકીય પક્ષોના હોદ્દેદારો પરના ગુનાઓ અંગેની વિગતો પણ જાહેર થવી જોઈએ.
- ફોર્મ 26 માં ખોટી માહિતી આપતા ઉમેદવારોની ઉમેદવારી રદ થવી જોઈએ.
- રાજકીય નેતાઓ અને પ્રતિનિધિ ઉપરના કેસીસ સમય મર્યાદામાં ચલાવવા જોઈએ.
- સર્વોચ્ચ અદાલતના આદેશ થી EVM મશીનમાં નોટાની જોગવાઈ આવી છે. જો કોઈ પણ ઉમેદવારથી NOTA ને વધુ મત મળે તો તેવા કિસ્સામાં નવેસરથી ચૂંટણીઓ થવી જોઈએ. અને અગાઉના ઉમેદવારો જેમને નોટા ના મત કરતાં ઓછા મત મળ્યા છે, તેમને ઉમેદવારી ન આપવી જોઈએ.
- એવું ધ્યાનમાં આવ્યું છે, સર્વોચ્ચ અદાલતના હુકમ બાદ પણ ઉમેદવારો અને રાજકીય પક્ષો સમય મર્યાદામાં ગુનાઇત ઇતિહાસ ધરવા ઉમેદવારોની યાદી અને વિગતો પ્રસિદ્ધ કરતાં નથી. જે રાજકીય પક્ષો આ આદેશનું પાલન કરવામાં ચૂક કરે તો તેમની સામે કડક પગલાં લેવાવા જોઈએ. જેમના ઉપર પક્ષોને સ્મૃતિપત્રો મોકલવાની જવાબદારી છે, તેમને પણ જવાબદાર ઠેરવવા જોઈએ. તેમજ ખોટા અથવા અધૂરી જાહેરાતો કરી હોય તો તાત્કાલિક ધોરણે પગલાં લેવા જોઈએ.
- ઉમેદવારોની સોગંદનામાંમાં જે માહિતી હોય છે તેનું સંક્ષિપ્ત સ્વરૂપ દરેક પોલિંગ બૂથ ઉપર મતદારોને મળે તેવી કોઈ વ્યવસ્થા હોવી જોઈએ. ખાસ કરીને ગુનાઇત ઇતિહાસ, શિક્ષણ અને સંપત્તિ ની વિગતો જાહેર કરેલી હોવી જોઈએ.
- ECI દ્વારા જે SVEEP કાર્યક્રમો કરવામાં આવે છે, તેના થકી, “ચૂંટણી દરમ્યાન ગીફ્ટ, બક્ષિસો જાહેર કરવા વેંચવા એ ગેરરીતિ છે”, તેવું મતદારોનું શિક્ષણ કરવું જોઈએ. દરેક પોલિંગ બૂથ ની બહાર ગુનાઇત ઇતિહાસ ધરાવતા ઉમેવારોની વિગતો છપાવી જોઈએ.
- રાજકીય પક્ષોને ઉમેદવારો 3 મહિના અગાઉ જાહેર કરવામાટે કહેવું જોઈએ.
- ગુજરાતની પ્રથમ તબક્કાની ચૂંટણી લડતા ઉમેદવારોના સોગંદનામાં જોઈએ તો ખ્યાલ આવે છે, કે ચૂંટણીમાં પૈસા અને બાહુબળ કેવી રીતે વધી રહ્યું છે. 38% થી માંડીને 89% સુધી ઉમેદવારો કરોડપતિ છે અને 16 થી માંડીને 36 % સુધી ગુનાઓ દાખલ થયેલા છે. પૈસા અને બાહુબળ એનો સીધો સબંધ ચૂંટણી લડતા ઉમેદવારોમાં જોઈ શકાય છે. આ સંજોગોમાં મતદારો નિરાશ થઈ જાય છે. જે “Free અને Fair” ચૂંટણીની વાત કરીએ તે પૈસા અને બાહુબળના જોરે કેટલી ફ્રી અને ફેર થઈ શકે છે? તેવો પ્રશ્ન ઊભો થાય છે.