શું છે ફ્યુજિટીવ ઈકોનોમિક ઓફેન્ડર્સ ખરડો?

દેશને લૂંટનારાઓ માટે ભવિષ્યમાં ગુનો કરીને દેશમાંથી ભાગી જવાનું શક્ય નહીં બને. વડા પ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળના કેન્દ્રીય પ્રધાનમંડળે ફ્યુજિટીવ ઈકોનોમિક ઓફેન્ડર્સ બિલ-2017ને મંજૂરી આપી દીધી છે એટલે કરોડો રૂપિયાની લોન લઈને બેન્કોને છેતરીને દેશમાંથી ભાગી જનારાઓનું હવે આવી બનશે.

રૂ. 100 કરોડથી વધુની છેતરપીંડીઓને નવા ખરડાના વ્યાપમાં આવરી લેવામાં આવી છે. રૂ. 100 કરોડ કે તેથી વધુની બેન્ક લોન લઈને છેતરપીંડી કરનાર વ્યક્તિને પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (PMLA) અંતર્ગત રચાયેલી વિશેષ અદાલત ફ્યુજિટીવ ઈકોનોમિક ઓફેન્ડર ઘોષિત કરશે.

આ ખરડાનો ઉદ્દેશ્ય એવી બેન્કોનું હિત સાચવવાનો છે જેમની હાલત મસમોટી રકમની લોન લઈને દેશમાંથી ફરાર થઈ જતા કોર્પોરેટ જગતના મહારથીઓને કારણે કફોડી થઈ જાય છે.

લીકર ઉદ્યોગના મહારથી વિજય માલ્યા અને જ્વેલરી બિઝનેસના માંધાતા નીરવ મોદી કરોડો રૂપિયાની બેન્ક લોન ચૂકવ્યા વિના દેશમાંથી ભાગી ગયા છે. આવા કૌભાંડો ભવિષ્યમાં ફરી ન બને એની તકેદારી રૂપે સરકારે નવો ખરડો ઘડ્યો છે. આ ખરડાને સંસદના બંને ગૃહની મંજૂરી મળ્યા બાદ તે જેવો કાયદો બનશે કે તરત જ તપાસ એજન્સીઓ લોન ડિફોલ્ટર વ્યક્તિઓ કે કોર્પોરેટ કંપનીઓને નિપટવા માટે વધુ સત્તા હાંસલ કરશે.

ઉલ્લેખનીય છે કે વિજય માલ્યા સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા સહિત અનેક બેન્કો પાસેથી રૂ. 9000 કરોડથી પણ વધુ રકમની લોન લઈને તે પરત કર્યા વિના બ્રિટન ભાગી ગયા છે.

બીજા અને તાજા કિસ્સામાં, જ્વેલરી બિઝનેસના મહારથી નીરવ મોદી પંજાબ નેશનલ બેન્કની મુંબઈ બ્રાન્ચ સાથે રૂ. 11,400 કરોડની છેતરપીંડી કરીને ભારતમાંથી ભાગી ગયા છે.

માલ્યાને ભારત પાછા લાવવાની કાનૂની પ્રક્રિયા ભારત સરકારે આરંભી દીધી છે. જ્યારે નીરવ મોદી સામે પણ જરૂરી પગલાં લેવામાં આવ્યા છે.

એવી જ રીતે, આઈપીએલ ક્રિકેટ સ્પર્ધાના ભૂતપૂર્વ આયોજક લલિત મોદી સામે પણ આરોપ છે કે એ ક્રિકેટ બોર્ડ (બીસીસીઆઈ)માંથી રૂ. 125 કરોડ ઉઠાવીને ભારતમાંથી ભાગી ગયા છે. હાલ એ લંડનમાં હોવાનું મનાય છે.

એવી જ રીતે, મોદી સરકારે નેશનલ ફાઈનાન્સિયલ રીપોર્ટિંગ ઓથોરિટીની પણ રચના કરી છે જે ખરડા અંતર્ગત ઓડિટીંગ અને એકાઉન્ટિંગના ધારાધોરણ સુધારવામાં આવશે.

ટૂંકમાં, ભવિષ્યમાં અધધધ રકમની બેન્ક લોન મેળવીને તે પરત ન કરનાર આર્થિક અપરાધીઓ વિદેશ ભાગી નહીં શકે અને ભાગી જશે તો એમની સંપત્તિઓથી એમણે હાથ ધોઈ નાખવા પડશે.

ફ્યુજિટીવ ઈકોનોમિક ઓફેન્ડર્સ બિલ-2017ના આ છે ખાસ મુદ્દાઃ

 • નવો ખરડો ચાલાક લોકોને દેશની અદાલતોના કાર્યક્ષેત્રની બહાર રહીને ભારતની કાનૂની પ્રક્રિયાથી છટકીને આર્થિક અપરાધો કરતાં રોકશે
 • રૂ. 100 કરોડ કે તેથી વધુની રકમના અપરાધો આ ખરડાના કાર્યક્ષેત્રની અંતર્ગત આવશે
 • કોઈ પણ વ્યક્તિને ભાગેડૂ આર્થિક અપરાધી ઘોષિત કરાયા બાદ એને વિશેષ અદાલત સમક્ષ હાજર કરાશે
 • તપાસ એજન્સીઓ કોઈ પણ પ્રકારના અવરોધ વગર ભાગેડૂ આર્થિક અપરાધી ઘોષિત થયેલી વ્યક્તિની સંપત્તિ જપ્ત કરી શકશે
 • આરોપી વ્યક્તિ સામે વિશેષ અદાલત નોટિસ ઈસ્યૂ કરશે
 • એવા અપરાધીઓની દેશમાં તેમજ વિદેશમાંની સંપત્તિઓને પણ જપ્ત કરી શકાશે અને વેચી શકશે
 • ભાગેડૂ આર્થિક ગુનેગારો જપ્ત થયેલી એમની સંપત્તિનો પુનઃ દાવો કરવાનો અધિકાર ગુમાવી દેશે
 • એવા અપરાધીઓ કોઈ પણ સિવિલ કોર્ટ કેસમાં પોતાનો બચાવ કરવા માટે અપાત્ર બનશે
 • આ ખરડાના વ્યાપમાં અનેક પ્રકારની છેતરપીંડીઓને આવરી લેવામાં આવશે જેમ કે, ડિપોઝીટની ચૂકવણી ન કરવી, ઈરાદાપૂર્વક ડિફોલ્ટ કરવું, બનાવટ કરવી, ઈલેક્ટ્રોનિક રેકોર્ડ્સ માટે બનાવટી દસ્તાવેજ રજૂ કરવા તેમજ છેતરપીંડીને લગતા આવા અન્ય કેસો.
 • ફ્યુજિટીવ ઈકોનોમિક ઓફેન્ડર એ વ્યક્તિ કહેવાશે જેનું નામ અરેસ્ટ વોરન્ટમાં દર્શાવેલું હશે તેમજ એવી વ્યક્તિ જે પોતાની વિરુદ્ધ કોઈ કાનૂની કાર્યવાહીમાંથી છટકવા માટે ભારતમાંથી ભાગી ગઈ હશે
 • આ ખરડો આગામી 6 માર્ચથી શરૂ થતા સંસદના બજેટ સત્રના દ્વિતીય હિસ્સામાં રજૂ કરવામાં આવશે
 • નવા કાયદામાં 3 શરત હશે: આરોપી વ્યક્તિ સામે એક ગુનો નોંધાયેલો હોવો જોઈએ, એની સામે વોરંટ ઈસ્યૂ થયેલું હોવું જોઈએ અને દેશમાં એની પ્રોપર્ટી હોવી જોઈએ
 • આ ખરડો કાયદો બનશે એ પછી જૂના હોય કે નવા, બધાય કેસોમાં ગુનેગારો સામે ત્વરિત કાર્યવાહી શરૂ કરી શકાશે
 • નવા કાયદામાં મુખ્ય ફરક આ હશે: સામાન્ય રીતે, કોર્ટ અપરાધ સાબિત કરે ત્યારબાદ અપરાધીની પ્રોપર્ટી જપ્ત થાય, પણ નવા કેસમાં વ્યક્તિ સામે ધરપકડનું વોરંટ ઈસ્યૂ કરાયું હશે એટલું પૂરતું થશે, એની સામેનો અપરાધ કોર્ટમાં સાબિત થયો હોય એ જરૂરી નહીં રહે
 • વર્તમાન કાયદા અંતર્ગત સત્તાધિશો અપરાધીઓની પ્રોપર્ટી જપ્ત કરવા છતાં વેચી શકતા નથી, પરંતુ નવા કાયદા અંતર્ગત તેઓ પ્રોપર્ટી વેચી પણ શકશે.
 • કાયદો અમલમાં આવશે એ પછી ભવિષ્યમાં કરોડો રૂપિયાની લોન લઈને ફરાર થઈ જવાની ચાલબાજી કરનારાઓ ગુનો કરતા અટકશે

 

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]