તેલંગણામાં ભીષણ એન્કાઉન્ટરમાં 6 મહિલા સહિત 12 બળવાખોર માઓવાદીઓ ઠાર

હૈદરાબાદ – તેલંગણા રાજ્યના જયશંકર ભૂપાલાપલ્લી જિલ્લામાં આજે પોલીસ સાથેના ગોળીબારમાં ઓછામાં ઓછા 12 માઓવાદીઓ ઠાર મરાયા છે જ્યારે એક પોલીસ જવાન શહીદ થયો છે.

માઓવાદીઓ વિરુદ્ધની આ કાર્યવાહીમાં ત્રણ પોલીસ જવાન ઘાયલ પણ થયા છે.

સામસામો ગોળીબાર તેલંગણા અને પડોશના છત્તીસગઢ રાજ્યની સરહદ પરના વેંકટપુરમ ગામ નજીકના જંગલમાં આજે વહેલી સવારે થયો હતો.

બંને રાજ્યની પોલીસે સાથે મળીને કામગીરી હાથ ધરતાં માઓવાદીઓના પક્ષે મોટી ખુવારી થઈ છે.

વેંકટપુરમ ગામ નજીકના જંગલમાં માઓવાદીઓ મોટી સંખ્યામાં ઘૂસ્યા હોવાની બાતમી મળ્યા બાદ માઓવાદીઓ વિરોધી દળ – ગ્રેહાઉન્ડ્સના જવાનો અને પોલીસ જવાનોએ સાથે મળીને મિશન આદર્યું હતું.

જવાનોએ માઓવાદીઓ જંગલના જે ભાગમાં છુપાયા હતા એને ઘેરી લીધો હતો અને ઉગ્રવાદીઓને શરણે આવી જવા કહ્યું હતું. તે છતાં માઓવાદીઓએ જવાનો પર ગોળીબાર કર્યો હતો અને જવાનોએ એનો વળતો જવાબ આપ્યો હતો.

માઓવાદીઓના પક્ષે માર્યા ગયેલા ટોચના નેતાઓમાં પ્રતિબંધિત કમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઈન્ડિયા (માઓઈસ્ટ)ના તેલંગણા એકમના સેક્રેટરી હરિભૂષણ ઉર્ફે જગનનો સમાવેશ થાય છે. મૃત ઉગ્રવાદીઓમાં છ મહિલા બળવાખોરનો પણ સમાવેશ થાય છે.

એન્કાઉન્ટરમાં ગ્રેહાઉન્ડ્સનો કોન્સ્ટેબલ સુશીલ કુમાર શહીદ થયો હતો. ઘાયલ થયેલા ત્રણ જવાનોને હેલિકોપ્ટર દ્વારા ભદ્રાચલમ શહેર લઈ જવામાં આવ્યા હતા અને ત્યાંની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. માઓવાદીઓનના મૃતદેહોને ઓટોપ્સી માટે ભદ્રાચલમ શહેર લઈ જવામાં આવ્યા છે.

ઘટનાસ્થળેથી એક એકે-47 રાઈફલ સહિત પાંચ બંદૂક મળી આવી હતી.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]