પ્રિયા દત્ત શિવ સેનામાંથી ચૂંટણી લડે એવું બને?

શિવ સેના ભાજપ કરતાંય વધારે રાષ્ટ્રવાદનું ગાણું ગાય છે. ભાજપ ફક્ત શાબ્દિક વિરોધ કરે, જ્યારે શિવ સૈનિકો પાકિસ્તાન સામેની ક્રિકેટ મેચ હોય ત્યારે પીચ ખોદી નાખે. પરંતુ પાકિસ્તાની ઇસ્લામી જેહાદી ત્રાસવાદીઓની સાથે મળીને મુંબઈમાં બૉમ્બ ધડાકા કરનારા ગુંડાઓની દોસ્તી કરનાર સંજય દત્તને સારો દેખાડવાની વાત આવી ત્યારે શિવ સેનાએ તેની તરફેણ કરી હતી. તેનું એક કારણ એ પણ હતું કે કોંગ્રેસના દિગ્ગજ નેતા બન્યા પછીય આખરે સુનીલ દત્તે સેનાના સર્વોચ્ચ નેતા બાલ ઠાકરેના શરણમાં જવું પડ્યું હતું. એકવાર તેઓ ચરણમાં નમી પડ્યા તે પછી સેનાનો સોફ્ટ કોર્નર દત્ત પરિવાર માટે રહ્યો હતો.

એવું પણ કહેવાય છે કે સંજય દત્તની સારપને સિક્કો મારવાના બદલામાં સુનીલ દત્ત સામે એકવાર ચૂંટણી ના લડવાનું પણ વચન લેવાયું હતું.

જોકે ચૂંટણી ના લડવાનું વચન પાળવાની વાત આવે તે પહેલાં જ તેમનું અવસાન થઈ ગયું હતું. તેમના મૃત્યુ વખતે જ સંજય દત્તે જે નિવેદન આપ્યું હતું તેના કારણે ખ્યાલ આવે છે કે કઈ રીતે દત્ત પરિવાર પોતાના અંગત સ્વાર્થ માટે કોંગ્રેસમાં હોવા છતાં સેનાને પણ રાજી રાખવા કોશિશ કરતો હતો. થયું હતું એવું કે સુનીલ દત્ત સામે જ ચૂંટણી લડનારા અને હારી ગયેલા સેનાના નેતા સંજય નિરુપમને 2005માં કોંગ્રેસમાં પ્રવેશ અપાવ્યો હતો. તેમના પ્રવેશનો વિરોધ સુનીલ દત્તે કર્યો હતો.

સંજય દત્તે જાહેરમાં આરોપ મૂક્યો હતો કે કોંગ્રેસના કારણે તેના પિતાનું અવસાન થયું. નિરુપમને કોંગ્રેસના ના લેવા માટે આગ્રહ રાખ્યો હોવા છતાં વાત માનવામાં ના આવી. તેથી આઘાતથી મોત થયું એમ તેનું કહેવું હતું. કોંગ્રેસે તેમને પાંચ પાંચ વાર સાંસદની ટિકિટ આપી અને પ્રધાન પણ બનાવ્યા તે ઉપકાર ભૂલીને ગુંડાઓની દોસ્તી રાખનારો અને ડ્રગનો બંધાણી દીકરો હવે એ જ પક્ષની ટીકા કરી રહ્યો હતો.

સંજય નિરુપમ આજ સુધી કોંગ્રેસમાં જ છે અને આજે મુંબઈ કોંગ્રેસમાં તેમનું જૂથ મજબૂત મનાય છે. બીજી બાજુ સુનીલ દત્તની જગ્યાએ, કોંગ્રેસની વંશપરંપરાની અને દેશને હાની કરનારી રાજનીતિ પ્રમાણે પુત્રી પ્રિયા દત્તને ટિકિટ આપી હતી. પ્રિયા દત્ત પણ બાપના જોર પર જીતી ગઈ હતી. જીતી ગયા પછી કદીય બીજા નેતા અને કાર્યકરોની જેમ પક્ષને ફાયદો થાય તે માટે પ્રવૃત્તિઓ કરી નથી. તેની સામેનો આ જૂનો આક્ષેપ ફરી તાજો થઈ રહ્યો છે. કેમ કે હાલના સમયમાં કોંગ્રેસે કેટલાક જન આંદોલનો કર્યા ત્યારે તડકો અને ધૂળ ખાવા માટે પ્રિયા રસ્તા પર આવી નહોતી. તેથી તેનું પત્તુ કાપી નાખવાની તૈયારીઓ ચાલી રહી છે.

એઆઇસીસીમાં પ્રધાન તરીકે પ્રિયાને હોદ્દો મળેલો હતો. છેલ્લે થયેલા ફેરફારમાં તેને પ્રધાનપદેથી હટાવી દેવાઈ છે. નિરુપમનું જૂથ આજે મુંબઈ કોંગ્રેસમાં વગદાર છે. તેના કારણે પ્રિયાને ફરીથી ટિકિટ ના મળે તે માટે પૂરતી કોશિશ કરશે. પ્રિયા આમ પણ 2014માં મોદી વેવમાં હારી ગઈ હતી. તેની સામે ભાજપે પણ પરિવારવાદ પ્રમાણે પુનમ મહાજનને ટિકિટ આપી હતી. સતત સાત ટર્મથી કોંગ્રેસ પાસે સહેલી મુંબઈ નોર્થ વેસ્ટ બેઠક આખરે ભાજપને મળી હતી.

પિતાના પગલે સતત બે વાર સહેલાઇથી સાંસદ બની ગયા પછી પ્રિયા 2014માં હારી ગઈ, પણ હવે સ્થિતિ ફરી બદલાઈ છે. કોંગ્રેસ અને એનસીપીનું ગઠબંધન ફરી થયું છે અને શિવ સેના આ વખતે મુંબઈ સહિત રાજ્યની બધી જ બેઠકો પર અલગથી લડવાની છે. તેનો અર્થ એ કે પેપર પર પ્રિયાને ફરી જીતવાના ચાન્સ છે. પણ આ જીતી શકાય તેવી બેઠક પર કદાચ નિરુપમની પોતાની નજર પણ છે. સેનાના ઉમેદવાર તરીકે સુનીલ દત્ત સામે હારી ગયા પછી એ જ બેઠક પર જીતવાની હવે તક તેમને દેખાતી હશે. પણ તે માટે પ્રિયા દત્તની ટિકિટ કપાવી પડે.

આ માટે એવી રજૂઆતો કરાઈ છે કે પ્રિયા માત્ર આરામનું રાજકારણ કરે છે. પક્ષના જોરે જીતી જતી હતી અને પક્ષ માટે કશું કામ કરતી નથી. વિરોધના કોઈ કાર્યક્રમોમાં ભાગ લેતી નથી. પોતાના મતવિસ્તારમાં બહુ ફરતી નથી. તેની સામે પ્રિયાના ટેકેદારો એવી દલિલ કરે છે કે વાયવ્ય મુંબઈનો મતદાર વર્ગ ભદ્ર છે. આ ક્લાસ એવો છે કે તેની વચ્ચે આંદોલન કરવાની જરૂર નથી. જોકે પક્ષના મંત્રી તરીકે સંગઠનનું કામ તો કરવું પડે. રાહુલ ગાંધી પ્રમુખ બન્યા તે પછી આરામપ્રિય નેતાઓની જગ્યાએ કામ કરે તેવા નેતાઓને થોડું મહત્ત્વ મળી રહ્યું છે. સંપૂર્ણપણે એ શક્ય બને તેવું નથી, પણ કેટલાક અંશે કામ કરનારા અને ફુલટાઇમ રાજકારણ કરી શકે તેવા લોકોને આગળ કરવામાં આવી રહ્યા છે.

તેના કારણે જ સંજય નિરુપમ જેવા ફાવે છે. નિરુપમની સામે મુરલી દેવરાના પુત્ર મિલિન્દ દેવરાનું જૂથ પણ છે. મિલિન્દ દેવરા નિરુપમને હટાવીને મુંબઈ કોંગ્રેસના અધ્યક્ષ બનવા માગે છે. જોકે હાલ પૂરતું નિરુપમનું જૂથ મજબૂત છે અને રાહુલ ગાંધીની ટીમમાં તેમનું ચાલે છે.

તેથી જ હવે લાગે છે કે પ્રિયા દત્તની જગ્યાએ સંજય નિરુપમ ચૂંટણી લડશે. તો શું પ્રિયા રાજકારણમાંથી નિવૃત્ત થઈ જશે? જાણકારો કહે છે કે સંજય અને પ્રિયા વચ્ચે હવે પહેલાં કરતાં વધારે સારા સંબંધો છે. જેલમાંથી છૂટ્યા પછી ફરી પગદંડો જમાવવા માટે ભાઈ-બહેનને મજબૂત રાજકીય ટેકાની જરૂર છે. કોંગ્રેસ નબળી પડી રહી છે ત્યારે ભાઈ-બહેન ભાજપ અને સેના તરફ ઝૂકી રહ્યા છે. સંજય દત્તે ડ્રગ્સ વિરુદ્ધની સરકારી ઝુંબેશમાં બ્રાન્ડ એમ્બેસેડર બનાવવાની વાત કરી ત્યારે ઉત્તરાખંડની સરકારે તે સ્વીકારી પણ લીધી.

સેનાએ સંજય દત્ત અંગેનું વલણ બાદમાં બદલ્યું પણ હતું. પબ્લિક ઓપિનિયન તેની વિરુદ્ધ હતું તેથી સેનાએ પણ કહેલું કે સંજય સામેના ગુનામાં તેને માફી આપી શકાય નહિ. તેની સામે થવી જોઈતી કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ. જોકે જેલમાંથી છુટ્યા પછી તે દૂધે નહાઈ આવ્યો હોય તેમ ફિલ્મ ઇન્ડસ્ટ્રી તેને બિચારો બતાવાની બેવકૂફી કરી રહી છે. આ દેશની વક્રતા છે કે ગુંડાઓ સાથે સંબંધો રાખનારા અને ત્રાસવાદીઓને પોષનારા લોકોએ આપેલા શસ્ત્રો રાખનારાને લોકો નિર્દોષ અને બિચારો ગણવા તૈયાર છે. તેના વિશેની ફિલ્મમાં ખોટી હકીકતો રજૂ થઈ અને સાચી વાતો છુપાવાઈ, છતાં તે કરોડોની કમાણી કરે તે દેશને ભગવાસ ભરોસે જ ગણવો પડે.

પરંતુ તે મામલો હવે સૂકાઈ ગયો છે. ચૂંટણીને આડે છ મહિના રહ્યા છે અને શિવ સેના હજી સુધી તો આકરા મૂડમાં છે. ભાજપ સાથે છેલ્લી ઘડીએ જોડાણ થઈ જશે કે કેમ તે અત્યારે કહેવું મુશ્કેલ છે. હાલમાં નિગમો અને બોર્ડમાં નિમણૂક થઈ તે સેનાએ હસતે મોઢે સ્વીકારી લીધી હતી. તે પછીય જોકે ભાજપની અને મોદી સરકારની ટીકા કરવાનું રાબેતા મુજબ સેનાએ ચાલુ રાખ્યું છે. તેથી અત્યારે એમ માનીને ચાલીએ કે સેના એકલા હાથે લોકસભા ચૂંટણી લડશે તો તે પણ પ્રિયા દત્તને ટિકિટ આપવાનું વિચારી શકે છે.

સેના પ્રિયા દત્તને તેની મૂળ બેઠક પર જ ટિકિટ આપીને એક કાંકરે ત્રણ પક્ષીઓ મારી શકે છે. પ્રથમ તો કોંગ્રેસના મજબૂત નેતાને તોડવાનો સંતોષ, કેમ કે કોંગ્રેસે સેનાને તોડીને સંજય નિરુપમને કોંગ્રેસમાં લીધા હતા. સંજય નિરુપમ આ જ બેઠક પર ચૂંટણી લડે તો તેની સામે પ્રિયાને મૂકીને નિરુપણની જીત ના દેવી. પક્ષ છોડીને ગયેલા નિરુપમ સામે બદલો લઈ શકાય છે. ત્રીજું, ભાજપને પણ મેસેજ આપી શકાય છે કે પોતાના સાથે વિના તે મુંબઈમાં બેઠકો જીતી શકે નહિ. આ રીતે પ્રિયા દત્તને શિવ સેનામાં લેવામાં આવે અને નિરુપણ સામે જ લડાવવામાં આવે તેવી ચર્ચા અત્યારે રાજકીય વર્તુળોમાં ચાલી રહી છે.