બીએસએનએલઃ સરકારી કંપનીને કામ કરતી કરવાની છે કે વેચવાની છે?

ભારતમાં સરકારી નોકરીઓમાં રેલવે અને સેના પછી સૌથી વધુ કર્મચારીઓ બીએસએનએલ અને એમટીએનએલના હતા, પણ હવે તેમાં જંગી ઘટાડો થવાનો છે. બંનેના મળીને લગભગ બે લાખ કર્મચારીઓ હતા, તેમાંથી 92,700 વીઆરએસ લઈ લેવાના છે. બીજા 6થી 8 હજાર આમ પણ નિવૃત્ત થવાના હતા એટલે લગભગ એક લાખ કર્મચારીઓ ઓછા થઈ જશે. સીધો જ 50 ટકાનો ઘટાડો.

બીએસએનએલના ચેરમેન પી. કે. પુરવારે થોડા વખત પહેલાં કહ્યું હતું કે પચાસ ટકા સ્ટાફ એટલે કે 78,300ની વીઆરએસ માટેની અરજી આવી છે અને 6000 નિવૃત્ત થવાના છે. તેથી 82,000 માથા ઓછા કરવાનો ટાર્ગેટ હતો તે પૂરો થઈ જશે. બીએસએનએલનું પગાર બીલ 14,000 કરોડ રૂપિયાનું હતું તે સીધું જ 7,000 કરોડનું થઈ જશે. એ જ રીતે એમટીએનએલના 14,378 કર્મચારીઓ વહેલી નિવૃત્તિ લઈ લેશે અને ત્યાં હવે માત્ર 4430 કર્મચારીઓ જ વધશે. એમટીએનએલના ચેરમેન સુનીલ કુમારે પીટીઆઈને જણાવ્યું હતું કે ‘અમારું પગાર બિલ 2272 કરોડ રૂપિયાનું હતું, તે ઘટીને માત્ર 500 કરોડ રૂપિયાનું રહી જશે.’ અહીં 1800 કરોડનો ફાયદો એટલે કુલ ફાયદો 8800 કરોડ રૂપિયાનો થશે.

જોકે એ યાદ રાખવાનું છે કે વીઆરએસ લઈ રહેલા કર્મચારીઓને તેમના બાકી રહેતા બધા મહિનાનો પૂર્ણ પગાર આપવામાં આવી રહ્યો છે. તેના માટે જંગી ચૂકવણું કરવું પડશે. વીઆરએસમાં સામાન્ય રીતે પૂર્ણ પગારની જગ્યાએ 60થી 75 ટકા રકમ અપાતી હોય છે, પણ અહીં બાકીનો પગાર એક સાથે મળી જતો હોય ત્યારે કોણ ઓફિસે ધક્કા ખાવાનું પસંદ કરે?

તેના કારણે જંગી પ્રમાણમાં કર્મચારીઓ ઓછા કર્યા પછી શું સૌને શંકા છે તે પ્રમાણે બીએસએનઅલ અને એમટીએનએલને વેચી નંખાશે? કંઈ કહેવાય નહિ. બંને સરકારી કંપનીઓને ભેગી કરીને, બે લાખની જગ્યાએ માત્ર એકાદ લાખ કર્મચારી સાથેની હળવા બોજ સાથેની, દેશભરમાં નેટવર્ક ધરાવતી, નાના ગામોમાં પણ જેના વાયર અને થાંભલા હજીય ઊભા છે તે ખરીદવા ખાનગી કંપનીને રસ પડે પણ ખરો.

પરંતુ બીજી એક શક્યતા એવી વહેતી થઈ છે કે સરકાર સ્ટ્રેટેજીક કારણોસર સંદેશવ્યવહાર કંપનીને ટકાવી રાખવા માગે છે. કાશ્મીરમાં ગરબડ ફેલાતી રોકવા માટે ફોન લાઈન બંધ કરવાની વાત આવી ત્યારે સરકારી કંપનીમાં તે કામ સરળ થયું હતું. સામી બાજુ ખાનગી કંપની પાસે તે કામ કરાવવામાં ઘણી જફા થઈ હતી. તેના કારણે આ સેક્ટરનું મહત્ત્વ સરકારને સમજાયું છે.

બીજી રીતે પણ સરકારી કંપનીની હાજરી હોય ત્યાં મોનોપોલી થતી અટકાવી શકાય છે. દાખલા તરીકે વાહનવ્યવહારમાં હજી પણ રેલવે અને સરકારની એસટી ચાલતી હોવાથી ખાનગી ટ્રાવેલ્સવાળા માપસર લૂંટ ચલાવે છે. દિવાળી, હોળી, જન્માષ્ટમી, વેકેશન અને લગ્નસરામાં થોડા દિવસ ભાડાં ડબલ કરી દે છે, પણ પ્રમાણમાં સ્પર્ધાના કારણે લોકોને બસસેવા મળી રહે છે. બસસેવામાં હજીય સ્પર્ધા છે, કેમ કે ઢગલાબંધ ટ્રાવેલ્સ કંપનીઓ છે. ટેલિકોમમાં હવે ત્રણ જ કંપનીઓ બચી છે. તે ત્રણેય કંપનીઓ કાર્ટેલ રચી દેશે ત્યારે કોઈને નવાઈ લાગવી ના જોઈએ.

કાર્ટેલની રચનાની શરૂઆત થઈ પણ ગઈ છે. સુપ્રીમ કોર્ટે ટેલિકોમ કંપનીઓને જંગી રકમ ચૂકવવા માટે આદેશ આપ્યો છે. તેનું બહાનું કરીને, રોદણાં રડીને ટેલિકોમ કંપનીઓએ 40 ટકા સુધીનું બિલ વધારવાની તૈયારીઓ કરી દીધી છે. ત્રણેય કંપનીઓ રેટ વધારવા માટે તૈયાર થઈ ગઈ છે કે વધારી દીધા છે. (એક રીતે કંઈ ખોટું પણ નથી. લોકો ફાલતુના વિડિયો જોયા કરે છે, સોશ્યલ મીડિયામાં પર ગંદકી ફેલાવતા મેસેજ ફોરવર્ડ કર્યા કરે છે, પોતાની આંખો, સમય અને સામાજિક સંબંધો બગાડી રહ્યા છે તે બંધ થાય તે પણ જરૂરી છે. રોજના બબ્બે બબ્બે જીબી ડેટાની જરૂર સામાન્ય માણસને નથી. ઓનલાઈન મનોરંજન બહુ મોટી હાની કરી રહ્યું છે. અસલી મનોરંજન મિત્રોને મળવામાં છે – પણ તે મુદ્દો જુદો છે.) બીજું કે આ ખાનગી કંપનીઓને ગામડાંમાં સર્વિસ આપવામાં રસ નથી, કેમ કે ત્યાંના લોકો માત્ર 50 રૂપિયાનું જ રિચાર્જ કરવા તૈયાર હોય છે. કંપનીઓ ઇચ્છતી હોય છે કે તેનો દરેક ઘરાક મિનિમમ મહિને 200 રૂપિયા ખર્ચે.

દેશમાં ડિજિટલ ક્રાંતિ કરવી હોય તો ગામડાં સુધી નેટવર્ક જોઈએ. એવું નેટવર્ક અત્યાર સુધી બીએસએનએલ નભાવતી આવતી હતી. તેના માટે કોમ્પેન્સેશન આપવાની વાત હતી. ખાનગી કંપની ગામડાંમાં સેવા ના આપે ત્યારે તેની પાસેથી થોડો ટેક્સ લઈને તે સરકારી કંપનીને આપવાની વાત હતી. તે માટે જ બન્યું હતું યુનિવર્સલ સર્વિસ ઑબ્લિગેશન ફંડ. આવું લગભગ 55,000 કરોડ રૂપિયાનું ફંડ ટેલિકોમ ડિપાર્ટમેન્ટ પાસે પડ્યું છે. આ નાણાં સરકારી ટેલિકોમ કંપનીને મળવા જોઈતા હતા, પણ અપાયા નહોતા. બીજું ખાનગી કંપનીઓને ફાયદો કરાવવા માટે એવા ખેલ પડ્યા કે બીએસએનએલે 4જી સ્પેક્ટ્રમ લીધા જ નહોતા.

એ બધી વાતો હવે જૂની થઈ ત્યારે મૂળ વાત જે શરૂઆતમાં કહેવાની હતી તે એ છે કે સરકાર કદાચ બીએસએનએલને ટકાવી રાખવા પણ વિચારતી હોય. તેના માટે બ્રિટન સુધી લાંબા થવું પડશે. ભારતની જેમ જ બ્રિટનમાં પણ ગામડાંમાં સરકાર બ્રોડબેન્ડનું નેટવર્ક ઊભું કરવા માગે છે. ગામડે ગામડે અને ત્યાં ઘરેઘરે બ્રોડબેન્ડ આપવાનું લેબર પાર્ટીનું લક્ષ્ય છે. ભારતની જેમ જ ત્યાં પણ ખાનગી કંપનીઓ સક્રિય છે અને ફાઇબર નાખવાનું કામ ઘણી કંપનીઓ કરી રહી છે. પણ રાબેતા મુજબ આ કંપનીઓ તાલુકા મથક સુધી જતી હોય છે. વચ્ચે આવતા ગામડાં લઈ લે ખરા, પણ અંતરિયાળ રહેલા કસ્બા સુધી લાંબા થવા કોઈ તૈયાર હોતું નથી.

બ્રિટીશ સરકારે વિચાર્યુ છે કે દરેક ઘરને પાણીની પાઈપલાઈનની જેમ બ્રોડબ્રેન્ડ માટે ઓપ્ટિકલ ફાઇબરનો છેડો આપવો. મફત અથવા મફતના ભાવે કનેક્ટિવિટી આપવાની વાત છે. તેના કારણે બ્રિટીશ ટેલિકોમને ફરીથી સરકારી કંપની બનાવવાની વાત છે.

જીહા, બ્રિટીશ ટેલિકોમ એક જમાનામાં સરકારી કંપની જ હતી. માર્ગારેટ થેચર વખતથી બધું જ ખાનગીકરણ કરી દેવાની હવા ચાલી હતી. બ્રિટીશ સ્ટીલથી માંડીને બ્રિટીશ ટેલિકોમ સુધીની સરકારી કંપનીઓને વેચી નાખવામાં આવી હતી. તેમાંથી હવે બ્રિટીશ ટેલિકોમનું ફરી સરકારીકરણ કરવાની વાત છે. ગામડે ગામડે ઓપ્ટિક ફાઇબર પહોંચાડવા માટે સરકાર આવું વિચારી રહી છે.

ભારતમાં હજીય ગામડામાં વિશાળ વસતિ રહેલી છે. હજીય બીજા ત્રણ દાયકા વધતી રહેવાની છે. તે વસતિ શહેરોમાં ઉમટતી રહેશે તો શહેરો રહેવા જેવા રહેશે નહિ. લોકો ગ્રામ્ય વિસ્તારમાં રહે, પણ દુનિયા સાથે કનેક્ટ થઈને રહે તેવી લાંબી દૃષ્ટિ રાખવી જરૂરી છે. તે માટે તેમને હાઇસ્પીડ બ્રોડબ્રેન્ડ મળે તેનાથી ઉત્તમ બીજું કશું નહિ. સરકારી કામકાજ માટે તાલુકા મથકે ધક્કા ખાવાની પણ જરૂર ના રહે. તે માટે ઘરે ઘરે અને કમ સે કમ દરેક પંચાયત કચેરીમાં અને વેપારીની દુકાને ઓપ્ટિકલ ફાઇબરનું કનેક્શન જોઈએ. તે આપવા માટે હજીય બીએસએનએલ જેવી સરકારી કંપની જ ઉપયોગી છે.

તેથી હવે જોવાનું એ રહે છે કે સરકારી ટેલિકોમ કંપનીને હળવીફૂલ કરીને, તેના માથેનું દેવું સરકારે ભોગવીને તેને તાજીમાજી કરી છે તે વેચી દેવા માટે છે, કે પછી ખરેખર ગામડાં સુધી નેટવર્ક પહોંચાડવા માટે તેને ચૂસ્ત કરવામાં આવી રહી છે.