કુંવરજીભાઈ કયા નસીબ પાયા… સવારે કોંગ્રેસ છોડી… બપોરે ભાજપમાં જોડાયાં અને સાંજે કેબિનેટ પ્રધાનપદ મળ્યું. કુંવરજીભાઈનું નસીબ તો ખરું… પણ ભાજપ વધુ ગેલમાં છે કે કોંગ્રેસમાંથી સૌરાષ્ટ્રમાંથી મોટી વિકેટ ખેરવી નાંખી.બીજી તરફ ભાજપમાં જ નારાજગી અને અસંતોષ છે, તેનું હવે શું થશે, તેનો વિચાર મોવડીમંડળે કર્યો છે ખરો..? કોંગ્રેસમાંથી આજે જ આવેલાને પ્રધાનપદ. અને તે પણ કેબિનેટ પ્રધાન. ભાજપમાં વર્ષોથી હોય તેવા કેટલાય દિગ્ગજ નેતાઓ છે કે જેમને કોઈ પદ નથી મળ્યું, આવો અસંતોષ તો રહેવાનો અને તે આગામી દિવસોમાં સામે આવવાનો જ છે.
કોંગ્રેસ પક્ષમાં ભારે નારાજગી છે, આંતરિક વિખવાદ છે. જાતિ અને જ્ઞાતિવાદના સમીકરણ છે. તો ભાજપમાં પણ એટલો જ અસંતોષ છે. આંતરિક વિખવાદ પણ કોંગ્રેસ જેટલો જ છે. તાજેતરમાં મધ્યગુજરાતના વડોદરાના મધુ શ્રીવાસ્તવ, કેતન ઈમાનદાર અને યોગેશ પટેલે પહેલા તો સરકાર સામે વિરોધનું બ્યૂગલ ફૂંક્યું પછી તરત જ સરકારી અધિકારીઓ તરફ આંગળી ચીંધી. અને વાત ફેરવી નાંખી. ગુજરાત વિધાનસભામાં 99 બેઠક ધરાવતું ભાજપ વધુ ડેમેજ ના થાય તે માટે સતત પ્રયત્નશીલ છે.મુખ્યપ્રધાન વિજય રુપાણી સહિત પ્રતિનિધિ મંડળ ઈઝરાયલના પ્રવાસે હતું, તે દરમિયાન મધુ શ્રીવાસ્તવ, કેતન ઈમાનદાર અને યોગેશ પટેલના અસંતોષ સામે આવ્યો, ડેપ્યુટી સીએમ નિતીન પટેલ ફરજ બજાવીને બધા ધારાસભ્યોને તાત્કાલિક ગાંધીનગર બોલાવવાનું તેડું મોકલ્યું અને અધિકારીઓ વાત નથી સાંભળતા તેમની ફરિયાદનો ઝડપી ઉકેલ લાવી દીધો હતો. અને અસંતોષને ઠારવાનો પ્રયત્ન કર્યો હતો. જો કે આ અસંતોષની પાછળ કંઈક બીજુ કારણ છે, પણ તે બહાર નથી આવ્યું. પણ નારાજ ધારાસભ્યોના મનમાં બીજુ રમી રહ્યું છે.
આજે જ્યારે કોંગ્રેસના ધારાસભ્ય કુંવરજી બાવળીયાએ સવારે વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીને રાજીનામુ આપ્યું, તે પછી બપોરે પ્રદેશ ભાજપ કાર્યાલય ભાજપમાં વિધિવત જોડાયા. ભાજપનું મોવડીમંડળ હાજર હતું, અને સાંજે ચાર વાગ્યે રુપાણી સાથેની બેઠક બાદ કેબિનટમાં પ્રધાનપદ અપાયું અને રાજ્યપાલ ઓ પી કોહલીએ શપથગ્રહણ કર્યા. કુંવરજીભાઈને સ્વર્ણિમ સંકુલ-2માં ઓફિસની પણ ફાળવણી થઈ ગઈ.
કુંવરજીભાઈ જેવા ભાજપમાં જોડાયા કે કોંગ્રેસમાં ભારે ગણગણાટ શરૂ થયો… હવે કોણ છે કે જે ભાજપમાં જોડાશે? પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ પ્રેસ કોન્ફરન્સ કરીને કુંવરજીભાઈને સત્તાના લાલચું કહી દીધા. આટલા સીનીયર નેતાની પક્ષમાં જ અવગણના થઈ છે. પાંચ ટર્મથી ધારાસભ્ય રહી ચુકયા છે, તેઓ ભાજપમાં જોડાયા એ વાત આજે ટોક ઓફ ધ ટાઉન રહી. કોળી સમાજે ફટાકડા ફોડીને આનંદ વ્યક્ત કર્યો.હવે 2019માં લોકસભાની ચૂંટણી આવી રહી છે, ત્યારે કુંવરજીભાઈ કેટલા લકી સાબિત થશે તે તો સમય બતાવશે. અને કોળી સમાજ કોને મત આપે છે, તે પણ જોવું પડશે. 2017માં યોજાયેલી વિધાનસભાની ચૂંટણીમાં સૌરાષ્ટ્રમાં ભાજપને માર પડ્યો હતો, અને કોંગ્રેસે ભાજપ પાસેથી કેટલીક બેઠકો આંચકી લીધી હતી. આથી કુંવરજીભાઈની વિકેટ ખરેવીને સૌરાષ્ટ્રમાં ભાજપને જમાવવા માટેનો પ્રયાસ છે. લોકસભાની ચૂંટણીમાં ભાજપ 26માંથી 26 બેઠક કબજે કરવા હજી અનેક રાજકીય રમત કરશે, અને કોંગ્રેસના નારાજ ધારાસભ્યોને પોતાની પડખે લેશે. તે વાતમાં કોઈ શંકા નથી. સામે પક્ષે કોંગ્રેસ પણ ભાજપની વિકેટ ખેરવવા પ્રયત્નો તો કરશે જ… જોઈએ હવે 2019ની લોકસભાનો જંગ જામશે તેમાં કોણ કોને હારજીતનો સ્વાદ ચખાડે છે.
રાજકોટ જિલ્લાના જસદણ તાલુકાના જનડા ગામે તા.૧૬મી માર્ચ ૧૯૫૫ના રોજ જન્મેલા કુંવરજીભાઇ બાવળિયાએ વિજ્ઞાનના વિષયમાં સ્નાતકની પદવી ઉપરાંત બી.એડ. અને એલ.એલ.બી. સુધીનો અભ્યાસ કર્યો છે. નોકરી સાથે ખેતી અને સમાજ સેવા જેવા કાર્યોમાં રસ ધરાવતાં બાવળિયા નવમી ગુજરાત વિધાનસભામાં ૧૯૯૫-૯૭ દરમિયાન, દસમી ગુજરાત વિધાનસભામાં ૧૯૯૮-૨૦૦૨ અને અગિયારમી ગુજરાત વિધાનસભામાં ૨૦૦૨-૨૦૦૭ દરમિયાન સભ્યપદે રહી ચૂક્યા છે. હાલ તેઓ ચૌદમી વિધાનસભામાં ૧૬ જસદણ મતક્ષેત્રનું પ્રતિનિધિત્વ કરી રહ્યા હતા. તેઓ અગાઉ સાંસદ તરીકે પણ ચૂંટાયા હતા. બાવળિયા જસદણ માર્કેટ યાર્ડના સભ્ય ઉપરાંત ડૉ. આંબેડકર યુનિવર્સિટી, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં સેનેટ સભ્ય, ગુજરાત રાજ્ય માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગરના કન્વીનર તેમજ આદર્શ સેકન્ડરી સ્કૂલમાં આચાર્ય તરીકે પણ સેવા આપી છે.