અમેરિકા-ઇરાનની લડાઈમાં ભારતનો ખો ન નીકળવો જોઈએ

મેરિકાનું ફરીથી ફટક્યું છે અને ઇરાન સામે ફરીથી પ્રતિબંધો મૂક્યાં છે. જગતનો જમાદાર થઈને ફરતો અમેરિકા મન ફાવે ત્યારે પ્રતિબંધો લગાવે અને દેશોએ તેમની સામે ઝૂકી જવું પડે. આર્થિક પ્રતિબંધોથી કામ ના થાય ત્યારે ઈરાકમાં લશ્કર મોકલીને સદ્દામને પાડી દીધો હતો તેવું પણ કરે. સદ્દામને પાડી દેવા જેવો જ હતો, પણ એ યાદ રાખવું પડે કે પોતાની ગરજ હોય ત્યારે અમેરિકા જ આવા ડિક્ટેટરોને મોટા કરે છે. તેને શસ્ત્રોની મદદ કરે છે અને તેનું શાસન ટકાવી રાખવામાં મદદ કરે છે. ઇરાનમાં શાહ પરિવારનું શાસન હતું ત્યારે અમેરિકાનો તેને ભરપૂર ટેકો હતો. શાહને ઉથલાવીને ધાર્મિક કટ્ટરપંથીઓ ઇરાનમાં શાસનમાં આવ્યા તે પછી અમેરિકાનો ગજ ત્યાં વાગતો નહોતો. ઇરાન અણુબોમ્બ બનાવે તે માટે પાકિસ્તાન ભરપુર મદદ કરતું હતું. ઇઝરાયલને આ ગમતું નહોતું. ભારતને પણ ગમતું નહોતું, કેમ કે ઇસ્લામી અણુબોમ્બ ગમે ત્યાં બને ભારત માટે તે કાયમ ખતરો ગણાય.
ઇઝરાયલની ગણતરી હતી કે ઇરાનના અણુમથક પર બોમ્બમારો કરીને તેને ઊડાવી મૂકવું. તે માટે ઇસ્લામી દેશોને વીંધીને હુમલો કરવો પડે. હુમલો કરવા જતી વખતે ચિંતા નહિ, પણ વિમાન પરત ફરે ત્યારે જોખમ ઊભું થાય. ભારતની મદદ માગવામાં આવેલી. ઇઝરાયલથી ઉપડેલું વિમાન ઇરાનના અણુમથકોને ઊડાવીને ભારત પહોંચે. ભારતમાંથી ફ્યુઅલ ભરીને પાછું ફરે.
એ થઈ શક્યું નહિ, કેમ કે ઇરાન સાથે ભારતને સારા સંબંધો રહ્યા છે. આજે પણ ઇરાન સાથે સારા સંબંધો રહ્યા છે અને ક્રૂડ ઓઇલ તથા ગેસની મોટા પાયે આયાત ઇરાનથી થાય છે. ઇરાનના પશ્ચિમમાં પાકિસ્તાનની નજીક ભારત ચાબહર બંદર વિકસાવી રહ્યું છે. ચાબહરથી કચ્છનો દરિયોકિનાર નજીક થાય એટલે ક્રૂડની હેરફેર ઝડપી બનશે. લશ્કરી રીતે પણ આ બંદર પાકિસ્તાનને ઘેરવામાં ભારતને કામ આવી શકે છે. આ સંજોગોમાં અમેરિકા ઇરાન સામે પ્રતિબંધ મૂકે ત્યારે ભારત તેને સાથ ના આપે. આપવો પણ ના જોઈએ, કેમ કે આપણા હિતો વધારે રહેલા છે.
અમેરિકાએ ટ્રેડ વોર શરૂ કરી છે, તેમાં ચીનની સાથે ભારતને પણ નુકસાન થઈ રહ્યું છે. તેવા સંજોગોમાં અમેરિકાની ઇચ્છા પ્રમાણે ભારત વર્તે તેવી આશા રાખવી વધારે પડતી છે. જોકે અમેરિકા આ મામલાને આંતરરાષ્ટ્રીય મામલો બનાવે છે અને પોતાના સાથી દેશોને સાથે રાખીને જગતના બાકીના દેશો પર દાદાગીરી કરે છે. તેના કારણે ભારતે દુનિયા સાથે રહેવા પ્રતિબંધોનો અમલ કરવો જરૂરી બને છે. અગાઉ ઇરાન સામે પ્રતિબંધો લાગ્યા ત્યારે ભારતે સામેલ થવું પડેલું, પરંતુ ભારતે વિશેષ સ્થિતિને આગળ કરીને ઇરાનમાંથી ક્રૂડની આયાત કરવાની છૂટ મેળવી હતી ખરી.
ભારતે આ વખતે પણ મચક આપ્યા વિના અમેરિકાના દબાણોનો સામનો કરવો પડશે. સંયુક્ત રાષ્ટ્રસંઘ ખાતેના અમેરિકાના પ્રતિનિધિ નિક્કી હેલી ભારતની મુલાકાતે આવી ગયા. તેમની ગણતરી ભારતને અમેરિકા સાથે રહેવા મનાવવાની હતી. ભારત રશિયા પાસેથી વધુ શસ્ત્રો ખરીદે છે તે અમેરિકાને ગમતું નથી. અમેરિકા પોતે ભારતને શસ્ત્રો વેચવા માગે છે. ભારત પોતે મિસાઇલ વિકસાવે છે, પણ અત્યાધુનિક મિસાઇલ ખરીદવી પડે છે. ભારત અને રશિયા વચ્ચે એસ-400 મિસાઇલનો સોદો થવાનો છે. અમેરિકાએ તેની સામે પોતાની પ્રેટિઅટ મિસાઇલ સિસ્ટમ વેચવાની ઓફર કરી હતી. જુદાજુદા કારણોસર ભારતે તે સ્વીકારી નથી.
નિકી હેલીએ આ મુદ્દાનો ઉલ્લેખ પણ ભારત મુલાકાત વખતે કર્યો હતો. ભારત રશિયામાંથી શસ્ત્રો ના ખરીદી અને ઇરાનમાંથી ક્રૂડની આયાત બંધ કરે તેમ ઇચ્છે છે. રશિયાના મુદ્દે ખાનગીમાં ચર્ચા થઈ હશે, પણ ઇરાનના મુદ્દે હેલીએ જાહેરમાં નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું કે ભારત ઇરાન સાથેના સંબંધો અંગ પુનઃવિચાર કરે એમ અમે ઇચ્છીએ છીએ.
નવેમ્બરથી ક્રૂડની આયાત બંધ કરવાની વાત છે. ભારત શું પ્રતિસાદ આપે છે તે જોવાનું રહ્યું. દરમિયાન ટ્રેડ વોરમાં પણ બંને દેશો આમનેસામને આવી ગયા છે. ભારત અને અમેરિકા વચ્ચે દ્વિપક્ષી વેપાર પર અસર થશે, કેમ કે બંને દેશોએ એકબીજાના ઉત્પાદનો પર આયાત જકાત લગાવવાનું નક્કી કર્યું છે.
ભારત અને અમેરિકા વચ્ચે સતત સુધરી રહેલા સંબંધોમાં ઘણા વર્ષો પછી આ વળાંક આવ્યો છે. ડોનાલ્ડ ટ્રમ્પ પ્રમુખ બન્યા તે પછી અમેરિકાની નીતિઓ અસ્પષ્ટ થવા લાગી છે. ટ્રમ્પ વાતવાતમાં ફરી જાય છે. ઘડિકમાં નોર્થ કોરિયા સામે આક્રમણ કરવાની વાત કરે અને ઘડિકમાં તેની સાથે વાટાઘાટો કરે. દરમિયાન નરેન્દ્ર મોદીએ ચીનના શી જિનપિંગ અને રશિયાના પુટીન સાથે એકથી વધુ વાર મુલાકાતો કરી છે. ટ્રમ્પ સાથે વધુ મુલાકાતો માટે ભારત તૈયાર હોય તેમ લાગતું નથી. ટ્રમ્પની આગતાસ્વાગતા કરવાનું હજી સુધી મોદીએ ટાળ્યું છે.
કદાચ તે જરૂરી પણ છે, કેમ કે ભારત સંબંધો સુધારવા આતુર હોય તેનો અર્થ એ નથી કે યુરોપના કેટલાક દેશો અમેરિકાના ખંડિયા દેશોની જેમ વર્તે છે, તેમ ભારત પણ વર્તે. ભારત સ્વતંત્ર દેશ છે અને મજબૂત દેશ છે. તેની અવગણના કરવાનું અમેરિકા વિચારી શકે નહિ. ભારતે પણ થોડી તકલીફ ભોગવીને અમેરિકાને મેસેજ આપવો રહ્યો કે યુરોપના બચૂકડા દેશો સુરક્ષા માટે તમારી પર નિર્ભર હોય એટલે તમારા ખંડિયા રાજ્યની જેમ વર્તે. ભારતને તેવી જરૂર નથી. ભારતની મદદ અમેરિકા કરશે તેવી આશા રાખવી પણ વ્યર્થ છે, કેમ કે ગમે તેવા સંજોગોમાં પણ અમેરિકા પાકિસ્તાનને પોતાના ખોળામાંથી હેઠું ઉતારવાનું નથી.
ઇરાન સાથે ભારત સંબંધો બગાડી શકે નહિ, કેમ કે પાકિસ્તાનના પૂર્વમાં એક ઇસ્લામી મિત્ર દેશ ભારતને સ્ટ્રેટેજિક ફાયદો કરાવે છે. ચાબહર બંદરનો દાખલો છે જ. પાકિસ્તાને ચીનને બંદર વિકસાવવા આપ્યું, તેની સામે ઇરાને ભારતને તેની નજીકમાં જ ચાબહર બંદર આપ્યું છે. પાકિસ્તાનમાં થઇને ગેસની પાઇપલાઇન શક્ય નથી, નહિતો ઇરાન ઉપરાંત મધ્ય એશિયાના મુસ્લિમ દેશોને પણ ભારતમાં ગેસ મોકલવાની ઇચ્છા છે. આવી ગેસ પાઇપલાઇન પાકિસ્તાનને પણ આર્થિક ફાયદો કરાવી શકે છે, પણ તે સમજવા માટે ત્યાં સેનાના જડબુદ્ધિ શાસકોની જગ્યાએ સમજદાર ચૂંટાયેલા મજબૂત શાસકોની જરૂર છે.
ભારત તેની રાહ જોઈને બેસી ના રહી શકે. ભારતે ઇરાનમાંથી ઓઇલની આયાત કરવાનું ચાલુ રાખવું જરૂરી છે. આર્થિક કારણોસર અને સ્ટ્રેટેજિક કારણોસર. આ ઉપરાંત અમેરિકા અને દુનિયાને મેસેજ આપવા માટે કે ભારતને દબાણમાં લાવીને કોઈ કામ થઈ શકે નહિ. ભારતના સહકાર વિના સામુહિક કોઈ નિર્ણય ના લઇ શકાય તેટલો મેસેજ આપવો જરૂરી છે.
લડાઇ અમેરિકા અને ઇરાનની હોય કે અમેરિકા અને રશિયાની હોય કે અમેરિકા અને ચીનની હોય, ભારતનો વચ્ચે ખો નીકળી જવો જોઈએ નહિ. આ દિવા જેવી ચોખ્ખી વાત છે. અમેરિકા, રશિયા અને ચીનના પોતપોતાના વૈશ્વિક હિતો છે, તેમ ભારતના પણ વૈશ્વિક હિતો છે અને ભારતે તેને જાળવી રાખવા માટે મક્કમ બનીને લડવું પડશે. થોડો સમય આંતરિક સમસ્યાઓને કોરાણે મૂકીને અને થોડું આર્થિક નુકસાન ભોગવીને પણ ભારતે અમેરિકાના ટ્રેડ વોરનો અને ઇરાન સામેના પ્રતિબંધોનો સામનો કરવો પડશે તે નક્કી છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]