અટલજી અમર રહેઃ ગુજરાત એમાંય સૌરાષ્ટ્ર-કચ્છ સાથે વાજપેયીને વિશેષ નાતો રહ્યો છે…

ફ્લૅશ-બૅક… – અને પંડિત દીનદયાળજીએ અટલજીને ‘નવડાવી’ નાખ્યા!


સૌ
રાષ્ટ્રના અગ્રણીઓ પાસે પણ અટલ બિહારી વાજપેયી સાથેનાં અનેક સ્મરણ છે. એમના દાંતનું ચોકઠું રાજકોટમાં ડૉ. પી.વી. દોશી બનાવતા એ બહુ જાણીતી વાત છે. કેટલાક કિસ્સા હજી પણ એવા છે, જે જૂની પેઢીને ખબર છે.

જૂનાગઢની જાહેરસભા સંબોધતા અટલજી

જૂનાગઢ ભાજપ અગ્રણી યોગી પઢિયાર ‘ચિત્રલેખા’ને કહે છે કે વિલ્સન કરાર  મુજબ કચ્છનો છાડબેટ વિસ્તાર પાકિસ્તાનને સોંપી દેવાનો નિર્ણય થયો એની વિરુદ્ધમાં શરૂ થયેલા કચ્છ સત્યાગ્રહ  વખતે જૂનાગઢની ૧૧ મહિલા પણ હતી. એમાં એક હતાં જીકુબા નારસિંહભાઈ પઢિયાર એટલે મારાં બા. અમારાં મોટાં બહેન ગીતાબહેનની ઉંમર ત્યારે આઠ મહિનાની હતી. મારી બા એમને લઈને સત્યાગ્રહમાં ગઈ હતી. ૧ એપ્રિલ, ૧૯૬૮ એટલે કે સત્યાગ્રહના પ્રથમ દિવસના અંતે જ્યારે ભૂજમાં જાહેરસભા થઈ ત્યારે આઠ મહિનાની એ બાળા-ગીતાને હાથમાં ઊંચકીને અટલજીએ કહ્યું હતું: ‘દેખો, આઠ માસ કી એ બાલિકા ભી સત્યાગ્રહમેં જા રહી હૈ…’

કચ્છ સત્યાગ્રહ વખતે જૂનાગઢથી ગયેલાં મહિલા કાર્યકર્તા-હાથમાં બાળકી તેડીને ઊભેલા જીકુબા નારસિંહભાઈ પઢિયાર – આ બાળકીને ઊંચકીને અટલજીએ કહ્યું હતું: ‘યે ભી સત્યાગ્રહ મેં જા રહી હૈ…’

મારા પિતા નારસિંહભાઈએ એક પ્રસંગ તો જોરદાર કહ્યો હતો. ૧૯૬૩માં જૂનાગઢમાં જનસંઘના કાર્યકર્તાની ત્રિદિવસીય શિબિર હતી. ભવનાથ તળેટીમાં લુહાર-સુતાર જ્ઞાતિની વાડીમાં ઉતારો હતો. સવારે જાગીને અટલજીએ કહ્યું: ‘જાજરૂ જવું છે.’  એમને સંડાસ બતાવ્યું તો કહે: ‘ના, મારે તો જંગલમાં જવું છે.’ નારસિંહભાઈ એમને જંગલમાં લઈ ગયા. હસતાં હસતાં વળી કહે: ‘ઈધર શેર મિલ ગયા તો ક્યા હોગા?’ નારસિંહભાઈ કહે: ‘ઔર ક્યા, શેર સે મુકાબલા હોગા.’ બન્ને હસી પડ્યા. ત્યાંથી પરત ફર્યા. ધર્મશાળાના ફળિયાંમાં ડંકી હતી ત્યાં નહાવા બેઠા. નારસિંહભાઈએ ડંકી ચલાવવાનું શરૂ કર્યું એટલામાં તો પંડિત દીનદયાળ ઉપાધ્યાય ત્યાં આવ્યા અને કહે: ‘આપ હટ જાઈએ. અર્જુનજી કો મૈં સ્નાન કરાઉંગા.’  એમ કહી એ ડંકી ચલાવવા લાગ્યા.

યોગીભાઈ ઉમેરે છે: ‘મારા જન્મ પહેલાંની વાત છે મને હેમાબહેન આચાર્યે કરી હતી. ૧૯૬૭ની આસપાસ અટલજી જૂનાગઢ આવ્યા ત્યારે જનસંઘે  એમને રૂપિયા ૨૫,૦૦૦ની રોકડની થેલી આપી હતી. એમાં ૧૧,૦૦૦ રૂપિયા તો એવા હતા કે કાર્યકર્તાએ ઘેર ઘેર જઈને એક-એક રૂપિયો ઉઘરાવ્યો હોય. અને કોંગ્રેસના અગ્રણી પેથલજી ચાવડાએ પણ એમાં થોડી રકમ આપી હતી.’

યોગી પઢિયાર કહે છે કે, ‘૧૯૯૭માં અટલજી જૂનાગઢ આવવાના હતા. અમે મજેવડી દરવાજે (જૂનાગઢનું પ્રવેશદ્વાર) સ્વાગત માટે ઊભા હતા. મોબાઈલફોન હજી જૂનાગઢમાં તો નહોતા આવ્યા. અટલજી મોટરમાં આવવાના હતા. ચાર કલાક મોડા પડ્યા. બે કલાક થયા કાર્યકર્તા થાક્યા. સૂર્યકાંત આચાર્ય અમારા વડીલ ને નેતા. એ કહે: ‘વાતાવરણ બનાવો.’  સૂર્યકાંતભાઈએ પોતે માથે રૂમાલ રાખ્યો અને કહે: ‘ચાલો, ગરબા લો.’ લગભગ એક કલાક બધાએ ગરબા લીધા અને એ આવ્યા ત્યારે એમનું સ્વાગત કર્યું. હેમાબહેન આચાર્ય અને એ પછી વર્ષો બાદ ભાવનાબહેન ચિખલિયા ચૂંટણી લડ્યા ત્યારે પણ અટલજી જૂનાગઢમાં જાહેરસભા માટે આવ્યા હતા.

જૂનાગઢની અન્ય એક ઘટના યાદ કરતાં રાજકોટ શહેર ભાજપના પૂર્વ કોષાધ્યક્ષ અને ભાજપની લાઈવ ડેટાબૅન્ક  ગણાતા કિરીટ પાઠક ‘ચિત્રલેખા’ને કહે છે કે, ‘કોંગ્રેસ વિરુદ્ધની એક રાજકીય ઝુંબેશના ભાગરૂપે ગુજરાતભરમાં પચાસ જાહેર સભાનું આયોજન કરવાનું નક્કી કરવામાં આવ્યું હતું. જૂનાગઢમાં સભા હતી. અટલજી રાજકોટ થઈને મોટરમાર્ગે ત્યાં પહોંચવાના હતા. અહીં આવ્યા ત્યારે ધોધમાર વરસાદ. અમે જૂનાગઢ પહોંચ્યા. ત્યાં પણ વરસાદ. સભાસ્થળે ત્રણેક હજાર માણસ હતા. એમાંથી ૫૦૦થી ૬૦૦ લોકો છત્રી લઈને ઊભા હતા અને એમણે વક્તવ્ય સાંભળ્યું. એ દ્રશ્ય જોઈને અટલજી ખૂબ ખુશ થયા હતા.’

કિરીટ પાઠક

૧૯૮૩માં રાજકોટના મેયર અરવિંદભાઈ મણિયારનું અવસાન થયું ત્યાર બાદ અટલજી આવ્યા. અરવિંદભાઈના નિવાસસ્થાને જઈને પરિવારને સાંત્વના પાઠવી પછી નાગરિક કાર્યકર્તા-આગેવાનો સાથે બેઠક હતી. અવસાન પહેલાં થોડા સમયે અરવિંદભાઈએ મેયરપદ છોડ્યું અને પક્ષના સંગઠનના કામમાં લાગ્યા હતા. આ ઉદાહરણ ટાંકીને અટલજી કહે: ‘વસ્ત્ર બદલાવતાં વાર લાગે એટલી વારમાં આવડું મોટું પદ એમણે છોડી દીધું આ જ આપણા પક્ષના સંસ્કાર છે.’

ગુજરાતમાં પૂર્ણ બહુમતથી ચૂંટાયેલી ભાજપની પ્રથમ સરકારમાં મંત્રી રહેલા ઉમેશ રાજ્યગુરુ ‘ચિત્રલેખા’ સાથે યાદ તાજી કરતાં કહે છે:

ભૂતપૂર્વ મંત્રી ઉમેશ રાજ્યગુરુ – અટલજી સાથે (કેસરી ખેસવાળા) બીજી તરફ ચીમનભાઈ શુક્લ

‘૧૯૯૫માં ધારાસભાની ચૂંટણીમાં ભાજપને જંગી બહુમતી મળી. હું મંત્રી બન્યો. થોડા સમય પછી કૉર્પોરેશનની ચૂંટણી પણ પૂર્ણ થઈ. તત્કાલીન શહેરપ્રમુખ કમલેશ જોશીપુરા, મેયર ભાવનાબહેન, હું મેયર બંગલે અટલજીની સાથે બેઠાં હતાં. ભાવનાબહેન હરખાઈને કહે: ‘૬૦માંથી ૫૯ બેઠક ભાજપને મળી છે.’ અટલજીએ તરત જ ટકોર કરી: ‘યે લોકતંત્ર કે લિયે આદર્શ સ્થિતિ નહી હૈ. સબલ વિપક્ષ હોના ચાહિયે!’

આજે પણ સંસદમાં આવી જ કંઈક પરિસ્થિતિ છે!

  • અહેવાલ – જ્વલંત છાયા