ગુજરાત અને ભારતને ચિંતા કરાવે છે ડોનાલ્ડ ટ્રમ્પ

મેરિકાની અગ્રણી કંપનીઓના સીઈઓએ ભેગા મળીને ચિંતા વ્યક્ત કરી છે કે H1-B વીઝાની ગૂંચ અમેરિકાના અર્થતંત્રને જ નુકસાન કરી શકે છે. અમેરિકાના પ્રમુખ તરીકે આવ્યા પછી ડોનાલ્ડ ટ્રમ્પની સરકારે વીઝાના નિયમોમાં મોટા પાયે ફેરફારો કરવાનું નક્કી કર્યું હતું. અમેરિકાની ઇમિગ્રેશન પોલિસીમાં મહત્ત્વના ફેરફારો માટે તેમણે પ્રક્રિયા શરૂ કરી હતી. તેની સીધી અસર H1-B વીઝા પર થઈ અને તેના કારણે ઉદ્યોગોમાં ચિંતા છે. ભારતને પણ ચિંતા થાય, કેમ કે ભારતમાંથી જ સૌથી વધુ H1-B વીઝા લેવામાં આવે છે. આઈટી સેક્ટરમાં મોટા પાયે આ વીઝા આધારે અમેરિકા જઈને ત્યાંની કંપનીઓમાં સર્વિસનું કામ થાય છે. ગુજરાતીઓને H1-B વીઝા સીધા સ્પર્શતા નથી, પણ મોટી સંખ્યામાં ગુજરાતી એનઆરઆઇ અમેરિકામાં હોવાથી વીઝાના નિયમોમાં કોઈ પણ ફેરફાર ગુજરાતી પરિવારનો પરેશાન કરે.
ટ્રમ્પ વહીવટીતંત્ર ઇમિગ્રેશન પર નિયંત્રણો રાખવા માગે છે તે જાણીતી વાત છે. દરેક દેશને એ હક છે કે પોતાને ત્યાં કોને આવવા દેવા અને કોને ના આવવા દે તે નક્કી કરે. નાગરિકોના લાંબા ગાળાના હિતને ધ્યાનમાં રાખીને ઇમિગ્રેશનના નિયમો દેશે બનાવવા જોઈએ. પણ અમેરિકાની સ્થિતિ દુનિયામાં સૌથી અલગ છે, કેમ કે સૌથી વધુ ઇમિગ્રેશન દુનિયામાંથી અમેરિકામાં થાય છે. સપના સાકાર કરવાના દેશ તરીકે દુનિયાભરના ટેલેન્ટેડ લોકોને અમેરિકા જતા રહેવાનું સપનું હોય છે. આ જ ટેલેન્ટને કારણે અમેરિકાની સમૃદ્ધિ છે અને તેના કારણે જ અમેરિકા મહાસત્તા બન્યો છે.
ગુજરાતીઓ લગભગ એક સદીથી અમેરિકા તરફ પ્રયાણ કરતા થયા હતા. છેલ્લા કેટલાક દાયકામાં તેનું પ્રમાણ વધ્યું હતું. પ્રારંભ માત્ર વેપાર માટે જતા હતા, પણ હવે શિક્ષણનું પ્રમાણ વધ્યું હોવાથી ભણવા માટે અને બાદમાં ત્યાં જ નોકરી કે વ્યવસાય આરંભ કરવાની ગણતરી સાથે ગુજરાતીઓ જાય છે. વર્ષોથી અમેરિકા જતા રહેલા લોકોના સગાઓ પણ ત્યાં જવા માગતા હોય છે.
અમેરિકાની કંપનીઓ ગ્રીન કાર્ડ હોય તેને કામ આપી શકે. ગ્રીન કાર્ડ મળતા વાર લાગે એટલે H1-B સહિતના વીઝા અપાતા હતા, જેના આધારે અમેરિકામાં જઈને કામ થઈ શકે. ગ્રીન કાર્ડમાં પણ વાર લાગે છે અને H1-B વીઝામાં મુશ્કેલીઓ વધી છે ત્યારે અમેરિકાની કંપનીઓને જ વધારે ચિંતા થવા લાગી છે. આ મુદ્દે સ્થાનિક દબાણ ઊભું થાય તો આડકતરી રીતે ભારતીયો અને ગુજરાતીઓને ફાયદો થાય. H1-B વીઝાની સંખ્યા વધે તો ભારતમાંથી વધારે યુવાનો આઈટી સહિતના સેક્ટરમાં કામ કરવા જઈ શકે. ગ્રીનકાર્ડ માટે મોટી સંખ્યામાં ગુજરાતીઓ રાહ જોઈને બેઠા છે, તેમને પણ ફાયદો થાય.
હાલમાં સ્થિતિ એવી છે કે પ્રમુખ ઇમિગ્રેશન મુદ્દે શું કરવા માગે છે તેની મૂઝવણ ઊભી થઈ છે. ટ્રમ્પ સામે નારાજી વધી છે અને તેમને ઇમ્પિચ કરવા માટેની કાર્યવાહી કદાચ અમેરિકન સંસદમાં થાય. આવી ચર્ચા વચ્ચે પ્રમુખ ટ્રમ્પે ચેતવણી પણ આપી કે પોતાના ઈમ્પિચમેન્ટની કાર્યવાહી થશે તો મંદી આવી શકે છે. આ જ વખતે રઘુરામન રાજને પણ ફરી ચેતવણી આપી છે કે 2008 જેવી મંદી ફરી આવી શકે છે. યાદ રહે કે ભૂતકાળમાં રઘુરામન રાજને જ ચેતવણી આપી હતી કે મંદી આવશે અને 2007થી 2008માં મહામંદી આવી હતી. રાજન બાદમાં ભારતમાં આરબીઆઈના ગર્વનર તરીકે પણ કામ કરી ગયા અને ફરી અમેરિકા જતા રહ્યા છે. તેમની ચેતવણીને પણ ગંભીરતાથી લેવામાં આવે છે.
અમેરિકા અને ચીન વચ્ચે ચાલી રહેલા ટ્રેડ વૉરમાં સમાધાનના બદલે સ્પર્ધા વધી રહી છે. હજી બીજી કેટલીક પ્રોડક્ટ્સ પર પણ આયાત જકાત નાખવામાં આવે તેવી શક્યતા છે. અર્થ એ થયો કે બંને દેશો વચ્ચે વેપારમાં સહકારના બદલે દુશ્મની વધી રહી છે. બંને મોટા દેશો હોવાથી તેમની વચ્ચેના ટ્રેડ વૉરની અસર બીજા દેશોની ઇકોનોમી પર પડે છે. રાજન સહિતના નિષ્ણાતોએ એવી પણ ચેતવણી આપી છે કે ટ્રેર વૉર લાંબું ચાલશે તો વૈશ્વિક અર્થતંત્રને અસર થઈ શકે છે.
અમેરિકાની પ્રસિદ્ધ કંપનીઓના વડાઓએ ચિંતા વ્યક્ત કરી છે ઇમિગ્રેશન નીતિમાં અસ્પષ્ટતાથી નુકસાન વધી રહ્યું છે. એપલના ટીમ કૂક, પેપ્સીકોના ઇન્દ્રા નૂઇ, માસ્ટરકાર્ડના અજગ બાંગા, સિસ્કોના ચક રોબિન્સે ભેગા મળીને (સીઈઓના એસોસિએશન) બિઝનેસ રાઉન્ડટેબલના સભ્ય અને ટ્રમ્પ સરકારમાં ગૃહપ્રધાન ક્રિસ્ટેન નિલસનને પત્ર લખ્યો છે.
ઇમિગ્રેશન પોલિસી નક્કી કરવાનું કામ સરકારનું છે અને તેમાં ખાનગી કંપનીઓનું હિત નહિ, પણ દેશનું હિત જોવાનું હોય તે વાત સાચી છે. પરંતુ આ સીઈઓની ફરિયાદ એ છે કે નીતિને આખરી સ્વરૂપ મળી રહ્યું નથી. ટ્રમ્પ પ્રમુખ બન્યા તે પછી એક પછી એક સુધારા થતા રહ્યા છે અને દર થોડા મહિને નિયમોમાં ફેરફાર થાય છે. પ્રારંભમાં નિયમો બદલાયા તે પછી કંપનીઓએ પ્રોસેસમાં ચેન્જ કર્યો હતો. તે પ્રમાણે કાર્યવાહી ચાલતી હતી ત્યારે જ નવા નિયમોને કારણે જૂની પ્રોસેસ પણ અટકી પડી હતી. હજી પણ એવું જ થઈ રહ્યું છે એવી ફરિયાદ છે. સ્થિતિ એવી થાય છે વર્તમાન નિયમોના આધારે વર્ક વીઝાની અરજીઓ થઈ જાય અને પ્રાથમિક રીતે મંજૂર પણ થઈ જાય, પણ મહિના પછી આખરી મહોર મારવાની વાત આવે ત્યારે નિયમમાં ફેરફારથી મુશ્કેલી થઈ શકે છે. ખાસ કરીને વીઝા રિન્યૂ કરવાનો સમય થઈ ગયો હોય અને ફેરફાર થાય ત્યારે સ્ટાફની વ્યવસ્થા કેવી રીતે કરવી તે કંપનીઓ માટે મૂઝવણ બને છે.
ભારત જેવા દેશોમાંથી મોટી સંખ્યામાં અમેરિકા જઈને આઇટીની નોકરીઓ લઈ લે તેથી સ્થાનિક લોકોને રોજગારી મળતી નથી તેવો મુદ્દો ચૂંટણી વખતે પણ ડોનાલ્ડ ટ્રમ્પનો હતો. આ મુદ્દો સ્થાનિક લોકોને આકર્ષ તેવો છે, પણ કંપનીઓના વડાઓનું કહેવું છે કે અમેરિકન નાગરિકોમાંથી પૂરતા પ્રમાણમાં આઇટીના નિષ્ણાતો મળતા નથી. તેના કારણે ભારત જેવા દેશોમાંથી એન્જિનિયરોને H1-B વીઝા પર નોકરીએ લઈ લેવાય છે.
આ ચર્ચામાં ગુજરાતીઓનું ધ્યાન ખેંચે તેવી વાત એ છે કે બિઝનેસ રાઉન્ડટેબલના સભ્યોએ ગ્રીનકાર્ડની પ્રોસેસ ઝડપી કરવાની માગણી પણ કરી છે. ગુજરાતીઓની મોટી સંખ્યા ગ્રીનકાર્ડ માટે રાહ જુએ છે, તેમને રાહત થાય તેવા આ સમાચાર છે, પણ રાહત નથી થવાની એ યાદ રાખવાનું છે. કેમ કે ગ્રીનકાર્ડની સંખ્યા વધારવાની વાત છે, તે વર્ક વીઝા કે અન્ય વીઝા પર આવીને વેપાર કરનારા માટેની વાત નથી. અમેરિકન યુનિવર્સિટીમાં ભણવા આવતા વિદ્યાર્થીઓને ઝડપથી ગ્રીનકાર્ડ મળી જાય તેવી ભલામણ સીઈઓ કરી રહ્યા છે. કુશળ માણસો ના મળતા હોવાથી વિદેશથી H1-B વીઝા પર એક્સપર્ટ લાવવા પડે છે. તેના બદલે જેમને ઓલરેડી સ્ટુડન્ટ વીઝા મળી ગયા છે અને અમેરિકન યુનિવર્સિટીમાં જ ભણીને ડિગ્રી મેળવી છે અને કુશળ પણ થયા છે, તેને ગ્રીનકાર્ડ આપી દેવા માટેની ભલામણ થઈ રહી છે. એડવાન્સ્ડ STEM ડિગ્રી મળી હોય તેમને ગ્રીનકાર્ડ મળે તો વર્કફોર્સની તંગી ઓછી થાય તેવી ગણતરી આ સીઈઓની છે.
અમેરિકાને અઢળક કમાણી કરાવી આપતી કંપનીઓના વડાઓની માગણીને કારણે સરકારે રાબેતા મુજબ જવાબ આપ્યો છે કે ગંભીરતાથી આ વિષય પર વિચાર થઈ રહ્યો છે. મેરિટ આધારિત વ્યવસ્થા ઊભી થાય તે માટે ઇમિગ્રેશનમાં જરૂરી સુધારા કરવા માટે તંત્ર સતત પ્રયાસો કરી રહ્યું છે એમ અધિકારીઓએ જણાવ્યું, પણ તેનાથી કંઈ કંપનીઓને કે ભારતીયો અને ગુજરાતીઓને રાહત થાય તેમ નથી.
ગુજરાતમાંથી ભણવા માટે અમેરિકા ગયા હશે, તેમને કદાચ આશા જાગે કે સીધા ગ્રીનકાર્ડની લાઇનમાં ઊભા રહેવા મળશે. H1-B વીઝા પર અમેરિકન કંપનીઓનું જ દબાણ વધી રહ્યું છે ત્યારે ભારતીયોને કદાચ આશા જાગશે કે ફરીથી છૂટથી આ વીઝા મળતા થશે. H1-B વીઝા પર એકવાર અમેરિકા પહોંચી ગયા પછી જોયું જાય છે એવી માનસિકતા પણ ભારતીયોની ગઈ નથી. પહેલાં તો H1-B વીઝાધારક પોતાની સાથે જીવનસાથીને પણ અમેરિકા લાવીને નોકરી કરાવી શકતા હતા. તેના કારણે આગળ જતા અમેરિકામાં જ સ્થાયી થવાની ગણતરીઓ રહેતી હતી. અમેરિકનો અને ટ્રમ્પના ટેકેદારો એટલે જ અકળાતા હતા. અમેરિકન કંપનીઓની જરૂરયાત માટે અને દેશના અર્થતંત્રને ફાયદા માટે વીઝા પોલિસી નક્કી થાય, પણ તેનો લાભ લઈને વધુ ને વધુ લોકો અમેરિકામાં સ્થાયી થવા લાગે તેની ચિંતા હવેના યુગમાં અમેરિકામાં પણ વધી છે. તેના કારણે નજીકના ભવિષ્યમાં અને ટ્રમ્પ બીજી વાર જીતી જાય તો પાંચ વર્ષ સુધી વીઝાના નિયમોમાં રાહત થાય તેમ લાગતું નથી. તેથી ગુજરાતીઓ અને ભારતીયોને પણ ચિંતા વધી છે.