નવજોત સિદ્ધુ પાકિસ્તાનમાં: વિવાદની ફટકાબાજી

વજોતસિંહ સિદ્ધુ જોરદાર ફટકાબાજ હતા તે વાત સહેલાઇથી ભૂલાઇ તેમ નથી, પણ તે પછીની તેની ઓળખ બહુ લાંબી થતી ગઈ છે. શીખ હોવાથી તે માથે પાઘડી પહેરે છે, પણ નવજોત બીજી અનેક પ્રકારની પાઘડી પહેરી શકે છે તે આટલા વર્ષોમાં આપણે જોયું છે. ટીવી શૉમાં ખડખડાડ હસતા અને શેરશાયરી ફટકારતા નવજોતસિંહ સિદ્ધુ રાજકીય આક્ષેપબાજીની પણ તડાફડી બોલાવી શકે છે. પાકા કિક્રેટર અને કોમેડિનયની જેમ સિદ્ધુ પાકા રાજકારણી પણ બની ચૂક્યા છે, કેમ કે તેમણે વર્ષો સુધી ભાજપમાં રહ્યા પછી ભાજપને તડકો મૂક્યો હતો. તેમણે પંજાબમાં પોતાનો અલગ પક્ષ રચવાની પણ કોશિશ કરી, પણ છેવટે કોંગ્રેસમાં જોડાવાનું પસંદ કર્યું. તે નિર્ણય ફળ્યો અને કોંગ્રેસની સરકારમાં પ્રધાન બનવા સાથે તેમની પાઘડીમાં એક છોગું ઓર ઉમેરાયું છે.વિવાદોનો સામનો કરવો નવજોત માટે નવો નથી, પણ પાકિસ્તાનમાં થયેલો વિવાદ તેની રાજકીય કારકીર્દિ માટે જોખમી પણ થઈ શકે છે. રાજકારણમાં અત્યાર સુધી ભાજપ તેમનો ઉપયોગ સભામાં મનોરંજન કરાવનારા અને ટોળું એકઠું તરીકે કરતો હતો. કોંગ્રેસમાં જોડાયા અને પંજાબની કોંગ્રેસી સરકારમાં પ્રધાન બન્યા પછી હવે તે પાકા નેતા છે અને તેમણે વિવાદમાંથી રસ્તો કાઢવો પડશે. પંજાબના કોંગ્રેસી મુખ્યપ્રધાન અમરિન્દર સિંહે પણ કહ્યું છે કે પાકિસ્તાની સેનાના વડાને તેઓ ઉમળકાથી ભેટી પડ્યા તે ઠીક નહોતું.

ઇમરાનખાન વડાપ્રધાન તરીકે શપથ લે ત્યારે ભારતમાંથી કોને આમંત્રણ મળશે અને કોણ જશે તેની ચર્ચા હતી. ક્રિકેટરોને આમંત્રણો મળ્યા છે અને ગાવસકર, કપિલદેવ વગેરે જશે એમ લાગતું હતું. કપિલદેવે કહ્યું કે આમંત્રણ મળશે તો જઇશ. ગાવસકરે કહ્યું કે સરકાર મંજૂરી આપશે તો પોતે જશે. સરકારી સ્તરે સાર્કના દેશોના નેતાઓને ઇમરાન ખાન આમંત્રણ આપશે કે કેમ તેની પણ ચર્ચા હતી. આખરે કોઈને આમંત્રણ ના મળ્યું, મળ્યું તેમણે ના જવાનું નક્કી કર્યું, માત્ર નવજોતસિંહ સિદ્ધુએ કહ્યું કે પોતે જશે, અવશ્ય જશે.

પંજાબના બે ટુકડા થયા હતા એટલે નવજોતસિંહે કહ્યું કે સરહદની બંને બાજુ ભાષા એક છે અને સંસ્કૃતિ પણ એક છે. વાઘા બોર્ડરથી પાકિસ્તાન ગયા પછી નવજોતે પંજાબીમાં પત્રકારો સાથે વાત કરી હતી. પોતે અમન અને પ્રેમનો સંદેશ લઈને આવ્યા છે વગેરે રાબેતા મુજબની વાતો કરી. પરંતુ વડાપ્રધાન તરીકે ઇમરાન ખાને શપથ લીધા તે વખતના સમારંભમાં વિવાદ થયો. પ્રથમ તો પાકિસ્તાનની સેનાના વડા બાજવા સાથે નવજોત સિંહ ઉમળકાથી ગળે મળ્યા તેના કારણે ભારતમાં વિવાદ થયો.

ભારતીય સરહદે સતત અટકચાળા કરતી પાકિસ્તાની સેનાના વડા સાથે આત્મિયતાનો દેખાવ સૌને વધારે પડતો લાગ્યો. તેની સામે નવજોતનો ખુલાસો હતો કે તેમણે પંજાબીયતની વાત કરી હતી. આપણે સમાન સંસ્કૃતિ ધરાવીએ છીએ એવી વાત કરી હતી, તેથી સહજ રીતે તેઓ ભેટ્યા હતા. બીજી ખાસ વાત એ હતી કે પાકિસ્તાનમાં આવેલા પવિત્ર ગુરુદ્વારાના દર્શન માટે પંજાબમાંથી સીધા પહોંચી શકાય તે માટેનું વચન પણ પાકિસ્તાની સેનાના જનરલે આપ્યું એમ નવજોતે કહ્યું.ગુરુ નાનકની 550મી જન્મજયંતિ, પ્રકાશપર્વ નિમિત્તે પંજાબમાંથી શીખોને કરતારપુર ગુરુદ્વારાના દર્શન કરવા મળે તેવી માગણી છે. આ માટે ચર્ચા પણ ચાલી રહી છે અને મોટા ભાગે સત્તાવાર રીતે અલગથી જાહેરાત થશે. પણ નવજોતસિંહનું કહેવું હતું કે કમર જાવેદ બાજવાએ સામેથી તેમને કહ્યું કે સેના સરહદે રસ્તો ખોલી આપશે, જેથી શીખો સીધા જ કરતારપુર સાહિબના દર્શન કરી શકે. 550મા પ્રકાશપર્વ નિમિત્તે સરહદને ખોલી દેવાની વાત કરનાર જનરલને સહજપણે ભેટી પડવામાં શું ખોટું છું એવો સવાલ નવજોતસિંહ સિદ્ધુએ ઉઠાવ્યો હતો.તેના પછી બેસવાની બાબતમાં પણ વિવાદ થયો. દરેક મહેમાન માટે નિશ્ચિત બેસવાની જગ્યા પ્રોટોકોલ પ્રમાણે હોય છે. અહીં પણ નવજોતનું કહેવું છે કે તેઓ મહેમાન હતા એટલે યજમાન જ્યાં બેસવા માટે કહે ત્યાં પોતે બેસે. પણ થયું એવું કે તેમને જ્યાં બેસાડવામાં આવ્યા ત્યાં તેમની બાજુની જ ખુરશીમાં બેઠા હતા પીઓકે એટલે કે પાકિસ્તાનના કબજાના કાશ્મીરના પ્રમુખ મસૂદ ખાન. ભારત પીઓકેની સરકારને માન્યતા આપતું નથી. પાકિસ્તાને આઝાદી વખતે જ હુમલો કરીને આ જગ્યા પર ગેરકાયદે કબજો કર્યો છે. ભારત તેને પોતાનો જ અખંડ હિસ્સો માને છે. અત્યારે માત્ર લાઇન ઓફ કન્ટ્રોલ (એટલે કે એલઓસીને) વચગાળાની વ્યવસ્થા તરીકે જ સ્વીકારવામાં આવી છે.
નવજોતનું કહેવું છે કે અહીં પણ પોતે કશું કરી શકે તેમ નહોતા. એક તો યજમાન જ્યાં બેસવાનું કહે ત્યાં પોતે મહેમાન તરીકે બેસે. બીજું, પ્રથમ હરોળમાં તેમને જગ્યા અપાઇ ત્યાં લાઇનમાં અનેક લોકો બેઠા હતા. તેમાંથી પોતાની બાજુમાં જ બેઠેલી વ્યક્તિ મસૂદ ખાન હશે તે તરત જાણવું તેમના માટે શક્ય નહોતું.

સિદ્ધુને પ્રથમ હરોળમાં બેસાડાયા તે પહેલાં તેઓ બીજી હરોળમાં બેઠા હતા. બીજી હરોળમાં પાકિસ્તાનના ભૂતપૂર્વ ક્રિકેટરો બેઠા હતા. તેમની સાથે જ જઈન સિદ્ધુ ગોઠવાઈ ગયા હતા, કેમ કે તેમના માટે એ કંપની વધારે મજા પડે તેવી હતી. જોકે પાકિસ્તાન સરકારના પ્રોટોકોલ ઓફિસરે ખાસ આવીને તેમને કહ્યું કે તમારા માટે પ્રથમ હરોળમાં જગ્યા ખાલી રાખવામાં આવી છે.
હવે એવી પણ ચર્ચા છે કે પાકિસ્તાની અધિકારીઓએ ઇરાદાપૂર્વક નવજોતને પ્રથમ હરોળમાં પીઓકેના પ્રમુખ સાથે બેસાડાયા હતા. નરેન્દ્ર મોદી વડાપ્રધાન બન્યા ત્યારે તેમણે નક્કી કર્યું હતું કે સાર્ક દેશોના વડાઓને શપથવિધિમાં આમંત્રણ આપવું. ઇમરાન ખાન પડોશી દેશોના નેતાઓને બોલાવે છે કે કેમ તેના પર સૌની નજર હતી. જોકે ઇમરાને ભારતના વડાપ્રધાન સહિત કોઈ પડોશી દેશના વડાને બોલાવ્યા નહોતા. તેના કારણે ભારતમાંથી કોઈની સત્તાવાર હાજરી હવે ત્યાં રહેવાની નહોતી. ક્રિકેટરો અને ફિલ્મસ્ટારોને અંગત હેસિયતથી આમંત્રણ આપવાની ચર્ચા ચાલી હતી, પણ વિવાદ વધશે તેમ લાગતા આમિર ખાન, કપિલ દેવ અને ગાવસકરે આખરે ના જવાનું પસંદ કર્યું. પરંતુ નવજોતસિંહ સિદ્ધુ અમસ્થા પણ માથાફરેલા માનવી છે. તેમણે કહ્યું કે પોતે જશે. પોતે અંગત મુલાકાતે આવ્યા છે, ભારત સરકારના કે પંજાબ સરકારના પ્રતિનિધિ તરીકે નહિ. તેવી સ્પષ્ટતા છતાં પંજાબની સરકારમાં તેઓ પ્રધાન છે અને તેમની દરેક હરકતની ભારતમાં અસર થશે તે વાત પાકિસ્તાનના અધિકારીઓ જાણતા હતા. તેના કારણે જ આખરે જે થવાનું હતું થયું અને નવજોતની મુલાકાત વિવાદાસ્પદ બની. રાજકીય રીતે ભાજપે તેમના પર પ્રહારો કર્યા, ત્યારે કોંગ્રેસ બચાવમાં વધુ કશું ના બોલવાનું પસંદ કર્યું છે. ખુલાસા કરવાનું નવજોત પર જ છોડવામાં આવ્યું, કેમ કે આ તેમની અંગત મુલાકાત હતી.

જોકે પંજાબના મુખ્યપ્રધાન અમરિન્દર સિંહે પણ કહ્યું કે તેમણે સેનાના જનરલને ભેટવું જોઈતું નહોતું, તેથી આગળ આ મુદ્દે ચકમક ઝરી શકે છે. પ્રધાન બન્યા પછી પણ સિદ્ધિએ ટીવી શૉ કરવાનું ચાલુ રાખ્યું છે. કોમેડી શૉમાં સિદ્ધુને ઉછળી ઉછળીને હસતા જોવા સૌ ટેવાયેલા છે, પણ પંજાબના કોંગ્રેસીઓને અને વિપક્ષને હજી આ વાત પચતી નથી. ભાજપમાંથી સિદ્ધુ આવ્યા અને તેમને મહત્ત્વ આપવું પડ્યું છે, તે પણ કોંગ્રેસીઓને અંદરથી ગમ્યું નથી. તેથી આગલા દિવસોમાં હજી આ મુદ્દે તણખા ન ઝરે તો જ નવાઈ લાગશે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]