ગુજરાતમાં આચાર સંહિતા લાગુ… કેવી રીતે થશે તેનો અમલ?

ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તારીખોની જાહેરાત થઈ ગઈ છે. ગુજરાતમાં બે તબક્કામાં 9 ડિસેમ્બર અને 14 ડિસેમ્બરે મતદાન યોજાશે. અને 18 ડિસેમ્બરે મતગણતરી થશે. ચૂંટણી પંચે તારીખોની જાહેરાત કરતાંની સાથે જ ગુજરાતમાં આચાર સંહિતા લાગુ થઈ ગઈ છે. શું છે આચાર સંહિતા અને તેનો અમલ કેવી રીતે થશે… તેના અંગે વિગતે જાણીએ.ચૂંટણીની તારીખો જાહેરાતની સાથે જ તાત્કાલિક અસરથી આદર્શ આચાર સંહિતાની જોગવાઇઓ અમલમાં આવી છે અને તે સામાન્ય ચૂંટણીઓ પૂરી થાય ત્યાં સુધી અમલમાં રહેશે. રાજ્યના મુખ્ય ચૂંટણી અધિકારી બી. બી. સ્વેને આચાર સંહિતા અંગે માહિતી આપી હતી.

 • રાજ્યમાં આદર્શ આચાર સંહિતાના અમલના સંબંધમાં જિલ્લા ચૂંટણી અધિકારીઓ (એટલે કે ડીઈઓ) સહિતના તમામ સંબંધિતોને મોકલવાની જરૂરી સૂચનાઓ/ પરિપત્રો રવાના કરવામાં આવ્યા છે.
 • આ પરિપત્રની નકલો માહિતી અને અનુપાલન માટે અલગ પત્ર દ્વારા તમામ રાજકીય પક્ષો/ મંત્રીઓ/રાજ્ય કક્ષાના મંત્રીઓ/ સંસદીય સચિવઓને પણ મોકલવામાં આવેલ છે.

આદર્શ આચાર સંહિતા અમલમાં આવવાથી…

 • નવી પરિયોજનાઓ અથવા કાર્યક્રમ અથવા રાહતો અથવા નાણાકીય ભંડોળ અથવા શિલાન્યાસ વગેરેની જાહેરાત કરવા પર પ્રતિબંધ છે. જો કે, આદર્શ આચાર સંહિતા અમલમાં આવ્યા પૂર્વેથી ખરેખર શરૂ થઇ ગયેલા કામો ચાલુ રાખી શકાશે.
 • ચૂંટણી કામગીરી સાથે સંબંધિત અધિકારીઓ/ કર્મચારીઓની બદલી, નિમણૂક અને રજાઓ પર સંપૂર્ણપણે પ્રતિબંધ રહેશે. જે કર્મચારીઓની રજા જિલ્લા સ્તરે મંજૂર થતી હશે તે જિલ્લા ચૂંટણી અધિકારી દ્વારા અને જે કર્મચારી/અધિકારીઓની રજા વિભાગ/રાજ્ય કક્ષાએ મંજૂર થતી હશે તે મુખ્ય નિર્વાચન અધિકારીની કક્ષાએથી મંજૂર કરાવવાની રહેશે.
 • ચૂંટણી પ્રચારના કામ માટે સરકારી વાહનોનો ઉપયોગ થઇ શકશે નહિ.
 • મંત્રીઓ તથા રાજકીય પદાધિકારીઓ ફક્ત સરકારી કામકાજ માટે તેઓના સત્તાવાર ઘરેથી તેમની કચેરીએ જવા-આવવા તેઓના સરકારી વાહનોનો ઉપયોગ કરી શકશે. જો કે, તેઓ તેમના ખાનગી વાહનોનો ઉપયોગ કરીને ખાનગી હેતુસરની મુસાફરી કરી શકશે.
 • કેન્દ્ર અથવા રાજ્યના મંત્રીઓ કોઇપણ રીતે તેઓના સરકારી પ્રવાસ સાથે ચૂંટણીની કામગીરી જોડી શકશે નહિ.
 • સરકારી અતિથિગૃહો, ભવનો અને રાજ્ય સદનો અથવા તેવી જગ્યાઓના કોઇપણ ભાગનો રાજકીય પ્રવૃત્તિઓ માટે ઉપયોગ કરી શકાશે નહિ.
 • સરકારી મિલકત/જાહેર મિલકતની શોભા બગાડવી (Defacement) અને જાહેર સ્થળોનો દૂરૂપયોગ તેમજ ખાનગી મિલકતની શોભા બગાડવા (Defacement) પર અંકુશ રાખવામાં આવશે.
 • રાજ્ય સરકારની સત્તાવાર વેબસાઇટ પર ઉપલબ્ધ મંત્રીઓ, રાજકીય પદાધિકારીઓ અથવા રાજકીય પક્ષોના તમામ સંદર્ભો હટાવી લેવાના રહેશે/ દૂર કરવાના રહેશે.
 • રાજ્ય જાહેર સેવા આયોગ અથવા અન્ય કોઇપણ વૈધાનિક સત્તાતંત્રો દ્વારા નિયમિત ભરતી/ નિમણૂક અથવા બઢતી આપવાનું ચાલુ રાખી શકાશે. પરંતુ બિન-વૈધાનિક સંસ્થાઓ દ્વારા ભરતી કરવા માટે ચૂંટણી પંચની પૂર્વ-મંજૂરી મેળવવાની રહેશે.
 • સત્તાધારી પક્ષ/ સરકારની સિદ્ધિઓ અંગે જાહેર ખર્ચે જાહેરખબરો પર સંપૂર્ણ પ્રતિબંધ રહેશે.
 • આદર્શ આચાર સંહિતાની જોગવાઇઓ કેન્દ્ર સરકાર અથવા રાજ્ય સરકાર દ્વારા સંપૂર્ણ અથવા આંશિક રીતે સહાયિત તમામ સંગઠનો/ સમિતિઓ/ નિગમો/ આયોગોને લાગૂ પડશે.
 • નગરપાલિકાઓ અને પંચાયતો દ્વારા અનિવાર્યપણે યોજવી જરૂરી હોય તેવી વૈધાનિક બેઠકો યોજવા અંગે કોઇ પ્રતિબંધ રહેશે નહિ. પરંતુ આવી બેઠકોમાં કોઇ નવા નીતિવિષયક નિર્ણયો અથવા જાહેરાતો કરી શકાશે નહી.

કાયદો અને વ્યવસ્થા

 • ભારતના ચૂંટણી પંચની તા. ૧/૯/૨૦૦૯ની વિગતવાર સ્થાયી સૂચનાઓ ગૃહ વિભાગ, ડી.જી.પી., તમામ પોલીસ કમિશનરો/ પોલીસ અધિક્ષકો અને ડી.ઇ.ઓ.ને પરિપત્રિત કરવામાં આવેલ છે. તદનુસાર નીચે મુજબના બહુવિધ પગલાં જિલ્લા સ્તરે લેવામાં આવશે.
 • ચૂંટણી સંબધી/ ફોજદારી ગુનાઓની સમીક્ષા
 • પરવાનો ધરાવતા હથિયારો લાવવા-લઇ જવા પર પ્રતિબંધ
 • પરવાના વિનાના હથિયારો/ દારૂગોળો જપ્ત કરવો
 • પરવાના ધરાવતા હથિયારોની ચકાસણી કરવી અને તે જમા કરાવવા
 • બિન જામીનપાત્ર વોરંટ્સની બજવણી
 • મતદારોમાં વિશ્વાસનુ વાતાવરણ ઊભુ કરવા માટેના પગલાં
 • ગેરકાયદેસર હથિયારો અને દારૂગોળાની હેરફેર પર ચાંપતી નજર
 • કાયદો અને વ્યવસ્થાની જાળવણી માટે લોકો જોઇ શકે તે રીતે પેટ્રોલિંગ
 • પોલીસ અને મૂલકી અધિકારીઓ દ્વારા સંયુક્ત રીતે સંવેદનશીલ વિસ્તારોની મુલાકાત

ચૂંટણી ખર્ચ પર દેખરેખ નિયંત્રણ

 1. ચૂંટણી ખર્ચ ઉપર દેખરેખ – નિયંત્રણ માટે વિવિધ ટીમો જેવી કે ફ્લાઇંગ સ્ક્વોડ, વિડીયો વ્યુઇંગ ટીમ, અને વિડીયો સર્વેલન્સ ટીમ અને એકાઉન્ટીંગ ટીમ સર્વે જિલ્લાઓમાં કાર્યરત થયેલ છે.
 2. સર્વે જિલ્લાઓમાં ખર્ચ દેખરેખ નિયંત્રણ એકમ કાર્યરત બનાવવામાં આવેલ છે.
 3. ઉમેદવાર અને રાજકીય પક્ષોને જરૂરી તમામ મંજૂરીઓ માટે સિંગલ વિન્‍ડો સિસ્ટમ સંબંધિત ચૂંટણી અધિકારી કક્ષાએ કાર્યરત કરવામાં આવેલ છે.
 4. ફ્લાઇંગ સ્ક્વોડ, સ્ટેટીક સર્વેલન્સ ટીમ દ્વારા જપ્ત કરાયેલ રોકડ તેમજ ચીજ વસ્તુઓ માટે જિલ્લા કક્ષાએ ફરિયાદ નિવારણ સમિતિની રચના કરવામાં આવેલ છે.
 5. ચૂંટણી પંચ દ્વારા દરેક ઉમેદવાર માટે ચૂંટણી ખર્ચ ની મર્યાદા સમગ્ર ચૂંટણી પ્રક્રિયા દરમિયાન મતવિસ્તારદીઠ રૂ. ૨૮ લાખ નિયત કરવામાં આવેલ છે.

 મતદાર યાદી

 • તા. ૧-૧-૨૦૧૭ ની લાયકાતના સંદર્ભમાં હાથ ધરવામાં આવેલ મતદાર યાદીની ખાસ સંક્ષિપ્ત સુધારણાના અંતે તા. ૫-૧-૨૦૧૭ ના રોજ મતદાર યાદીની આખરી પ્રસિદ્ધિ કરવામાં આવેલ હતી. આ સુધારણા કાર્યક્રમના અંતે તા. ૫-૧-૨૦૧૭ ના રોજ પ્રસિદ્ધ થયેલ આખરી યાદીમાં ૮,૦૮,૩૯૨ મતદારો ઉમેરાયા હતા.
 • તા. ૬-૧-૨૦૧૭ થી તા. ૩૦-૬-૨૦૧૭ દરમિયાન સતત સુધારણા કાર્યક્રમના અંતે ૧,૨૭,૩૬૯ મતદારો ઉમેરાયા હતા.
 • આગામી વિધાનસભાની સામાન્ય ચૂંટણીના સંદર્ભમાં બીજી ખાસ સંક્ષિપ્ત સુધારણા તા. ૧-૭-૨૦૧૭થી તા. ૨૫-૯-૨૦૧૭ દરમિયાન હાથ ધરવામાં આવેલ હતી. તા. ૨૫-૯-૨૦૧૭ ના રોજ પ્રસિદ્ધ થયેલ આખરી યાદીમાં ૬,૧૯,૨૯૪ મતદારો ઉમેરાયા હતા.
 • મતદાર યાદી સુધારણાના (તા. ૧-૭-૨૦૧૭ થી તા. ૨૫-૯-૨૦૧૭) અંતે પ્રસિદ્ધ થયેલ મતદાર યાદીની સોફ્ટ કોપી અને હાર્ડ કોપી સર્વે જિલ્લા ચૂંટણી અધિકારીઓ દ્વારા માન્ય રાજકીય પક્ષોના જિલ્લા એકમોને આપવામાં આવેલ છે. તે જ રીતે મુખ્ય નિર્વાચન અધિકારીની કચેરી તરફથી સર્વે માન્ય રાજકીય પક્ષોને મતદાર યાદીની સોફ્ટ કોપી આપવામાં આવેલ છે.
 • ચૂંટણી પંચની મંજૂરીના આધારે તા. ૨૫-૯-૨૦૧૭ પછી મતદાર યાદીમાંથી ફોર્મ ૭ ના આધારે કોઇ નામ ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ ન થાય ત્યાં સુધી કમી કરવામાં આવશે નહી. આમ છતાં ફોર્મ ૮ ના આધારે મતદારની વિગતોમાં સુધારા તેમજ ફોર્મ ૮ ક ના આધારે transposition (એક જ વિધાનસભા મતવિભાગમાં સ્થળાંતર) ચૂંટણીની જાહેરાત સુધી એટલે કે, આજની તારીખ સુધી કરવાની મંજૂરી આપવામાં આવેલ હતી. દરમિયાનમાં તા. ૯-૧૦-૨૦૧૭ થી તા. ૨૫-૧૦-૨૦૧૭ દરમિયાન પણ નોંધણી માટે બાકી રહેલ મતદારો માટે ખાસ કાર્યક્રમ હાથ ધરવામાં આવેલ છે.
 • તા. ૨૬-૯-૨૦૧૭ થી સતત સુધારણા નો કાર્યક્રમ હાથ ધરવામાં આવેલ છે. જે નામાંકન પત્રો ભરવાની છેલ્લી તારીખના ૧૦ દિવસ અગાઉની તારીખ સુધી ચાલુ રહેશે. તે મુજબ પ્રથમ તબક્કાની ચૂંટણી માટે તા. ૨૧-૧૧-૨૦૧૭ સુધી નામાંકન પત્રો ભરવાની છેલ્લી તારીખ હોઇ પ્રથમ તબક્કા માટે તા. ૧૦-૧૧-૨૦૧૭ સુધી મતદાર યાદીમાં નામ દાખલ કરવા માટેના ફોર્મ સ્વીકારી શકાશે. તે જ રીતે બીજા તબક્કાના ની ચૂંટણી માટે તા. ૨૭-૧૧-૨૦૧૭ સુધી નામાંકન પત્રો ભરવાની છેલ્લી તારીખ હોઇ બીજા તબક્કા માટે તા. ૧૬-૧૧-૨૦૧૭ સુધી મતદાર યાદીમાં નામ દાખલ કરવા માટેના ફોર્મ સ્વીકારી શકાશે.