દક્ષિણ ભારતીય અભિનેત્રીઓનું વધુ એક સેક્સ રેકેટ

કેનેડાની બોર્ડરની નજીક આવેલા એક અમેરિકન શહેરમાં તેલુગુ એસોસિએશન દ્વારા કાર્યક્રમનું આયોજન થયું હતું. તેમાં ઘણા બધા સાંસ્કૃતિક અને મનોરંજક કાર્યક્રમો હતા. આવી ઇવેન્ટમાં થતું હોય છે તેમ તેલુગુ ફિલ્મોના સ્ટાર્સને પણ આમંત્રણ અપાયું હતું. પરંતુ તેમાં કેટલીક એક્ટ્રેસ એવી પણ હતી, જે આ કાર્યક્રમના બહાને અમેરિકા અને કેનેડામાં ચાલતા સેક્સ રેકેટનો હિસ્સો બનવા જઈ રહી હતી. સામાન્ય રીતે આવી વાત બહાર આવતી નથી, પણ હાલના વર્ષોમાં હૈદરાબાદ, બેંગાલુરુ અને ચેન્નઇમાં પોલીસે ફાઇવ સ્ટાર હોટેલોમાં દરોડા પાડ્યા હોય ત્યારે થોડી ઓછી લોકપ્રિય હિરોઇનો પકડાઇ હોય તેવું બન્યું હતું. ફિલ્મોમાં કામ કરવા માટે મોટી સંખ્યામાં યુવતીઓ શહેરોમાં પહોંચે છે અને પછી સફળતા મળતી નથી ત્યારે ટકી જવું મુશ્કેલ હોય છે. ખાસ કરીને શરૂઆતની એક કે બે ફિલ્મો હિટ ગઈ હોય, પણ પછી ધીમે ધીમે ફિલ્મો મળવાનું ઘટવા લાગે ત્યારે હિરોઇન માટે બીજા પ્રોફેશનમાં જવું મુશ્કેલ હોય છે.
સંઘર્ષના આ દિવસોનો લાભ લેવા માટે ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાં એજન્ટો ફરતાં જ હોય છે. અમેરિકામાં કાર્યક્રમોનું આયોજન કરનારામાં એક વ્યક્તિ એવી પણ હતી, જે મૂળ હૈદરાબાદની હતી. વર્ષો સુધી તેણે તેલુગુ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં કામ કર્યું હતું. તે વ્યક્તિ હવે અમેરિકામાં સેટલ થઈ છે અને ત્યાંની સંસ્થાઓ કાર્યક્રમોનું આયોજન કરે ત્યારે તેલુગુ ફિલ્મના સ્ટાર્સ લોકોને લઇ આવવાનું કામ તે અને તેની પત્ની કરતાં હતાં. આ દંપતિની હાલમાં જ શિકાગોમાંથી ધરપકડ કરવામાં આવી છે. તેલુગુ એસોસિએશનના કાર્યક્રમમાં ભાગ લેવા માટે પાંચ તેલુગુ હિરોઇનો અમેરિકા પહોંચી હતી. આ પાંચેય સાથે મળીને આ દંપતિ એનઆરઆઇ ગ્રુપમાં સેક્સ રેકેટ ચલાવતા હતાં તેવો કેસ અમેરિકન પોલીસે ઊભો કર્યો છે. આ દંપતિ હૈદરાબાદમાં પ્રોડક્શન હાઉસમાં લાંબો સમય કામ કરી ચૂક્યું છે. જુદા જુદા સ્ટાર્સના મેનેજરો અને ફિલ્મ પત્રકારો સાથે તેઓ સતત સંપર્કમાં રહે છે.
અમેરિકામાં દરેક રાજ્યના અને દરેક રાજ્યની જુદી જુદી જ્ઞાતિના જુદા જુદા એસોસિએશન્સ બન્યા છે. દર વર્ષે આવી સંસ્થા એન્યુઅલ ફંક્શન્સ કરતી હોય છે. આ પણ એક મોટો બિઝનેસ થઈ ગયો છે. પોતાની ભાષાના સ્થાનિક કલાકારોને અમેરિકા બોલાવવામાં આવે છે. તેમાં ફિલ્મ સ્ટાર્સ અવશ્ય હોય. તેના કારણે તેલુગુ દંપતિની જેમ કેટલાકે ત્યાં સાઇડ બિઝનેસ પણ શરૂ કરી દીધો છે. કાર્યક્રમમાં ભાગ લેવા માટે હિરોઇનો આવે ત્યારે ધનિક એનઆરઆઇ લોકોની સેક્સ ભૂખ સંતોષવાનો ધંધો પણ ખીલ્યો છે. આ દંપતિ એવી હિરોઇનોને પસંદ કરતું હતું, જે હાલના સમયમાં બેકાર હોય. કાર્યક્રમમાં આમંત્રણ આપતી વખતે ઇશારા ઇશારામાં જણાવવામાં આવતું હોય છે કે અમેરિકામાં સારા ક્લાયન્ટ્સ પણ અમારી પાસે છે. આ રીતે પરસ્પરની ગરજથી આ બિઝનેસ ચાલે છે. હિરોઇનો માટે ભારતમાં આ પ્રવૃત્તિ જોખમી હોય છે, જ્યારે વિદેશમાં કાર્યક્રમો દરમિયાન ચાલતા સેક્સ રેકેટનો કોઈને અંદાજ પણ આવતો નથી.
અમેરિકા અને કેનેડાથી ટૂરમાં જુદા જુદા કાર્યક્રમોમાં ભાગ લેવા માટે પાંચથી આઠ લાખ રૂપિયા અપાતા હોય છે. તે સિવાય વધારાની કમાણી કરવાની હિરોઇનની જે ઇચ્છા હોય તે. 
કિશનની પત્ની વેભા
ગત એપ્રિલ મહિનાના અંત ભાગમાં શિકાગોમાંથી કિશન મોડુગુમુડી અને તેની પત્ની વેભાની ધરપકડ થઈ હતી. ઇલિનોઇસ રાજ્યમાં તેની સામે કેસ દાખલ થયો છે, જેમાં હિરોઇનોના નામ જાહેર કર્યા વિના ચાર્જશીટ ફાઇલ કરાઇ છે. આ પાંચેય માટે એરલાઇન્સની ટિકિટ અને હોટેલ બુકિંગનું કામ આ દંપતિએ કર્યું હતું. પોલીસે બરાબર તપાસ કરીને કેસ તૈયાર કર્યો છે. તેમાં અપાયેલી વિગતો અનુસાર પાંચેય હિરોઇનો વિશે ખાસ્સો પ્રચાર કરાયો હતો અને તેમનો ઉપયોગ કર્મશિયલ સેક્સ એક્ટ માટે કરાયો હતો. ફોન ટેપ થયા હતા, તેમાં થયેલી વાતચીતના અંશો ફરિયાદમાં જણાવાયા છે. તેમાં વેભા ક્લાયન્ટ સાથે ભાવતાલ કરતી જણાય છે. બેથી ત્રણ કલાક માટે તે એક હજારથી અઢી હજાર ડોલરના ભાવ માટે રકઝક કરતી જણાય છે. ગ્રાહકો માગે ત્યારે હિરોઇનોના ફોટા પણ વેભા મોકલી આપતી હતી.

જોકે આમાંની કેટલીક એક્ટ્રેસે પૂછપરછમાં ઇનકાર કર્યો કે પોતે કોઈ રેકેટમાં નથી. એક અભિનેત્રીએ કહ્યું કે ત્રણેક શહેરોમાં કેટલાક લોકોને તેના રૂમમાં મોકલવામાં આવ્યા હતા. તેમનો ઇરાદો કદાચ પ્રોસ્ટિટ્યૂશનનો હશે, પણ પોતે તે માટે તૈયાર નહોતી એવો ખુલાસો અભિનેત્રીએ કર્યો. તેણે એમ પણ કહ્યું કે પોતે માત્ર અડધો કલાક સાથે તેની સાથે વાતચીત કરી હતી અને સેક્સ એક્ટની કોઈ વાત નહોતી.

કિશન આ એપાર્ટમેન્ટથી પડકાયોઃ તસવીર સૌજન્ય શિકાગો ટ્રિબ્યૂન

જોકે તેનો ખુલાસો અમેરિકન પોલીસને માન્ય રહ્યો નહોતો. તેના વિઝા કાયમ માટે રદ કરી દેવાયા છે. પોલીસે ટ્રેપ ગોઠવીને વાતચીત રેકર્ડ કરી હતી, તેમાં રેકેટ ચલાવનાર દંપતિ સ્પષ્ટપણે સેક્સ રેકેટની વાત કરી રહ્યા હતા. પાંચમાંથી અન્ય એક અભિનેત્રી વિશે સ્પષ્ટપણે ફોનમાં સેક્સ માટે વાતચીત થતી નોંધાઇ છે. આ વાતચીતમાં એવો ખ્યાલ આવે છે કે હિરોઇન પણ સ્વેચ્છાએ આ કામ માટે જ અમેરિકા આવી હતી. અન્ય એક વાતચીતમાં કિશન એક ગ્રાહકને ત્રીજી એક હિરોઇન કઇ હોટેલમાં છે તે જણાવે છે. બે કલાક માટે ટેક્સાસની એક હોટેલમાં હિરોઇન માટે રૂમ બૂક કરાયો છે તેની જાણ કિશન ક્લાયન્ટને કરી રહ્યો હતો.
ઘણી વાર હિરોઇનને અમેરિકા પહોંચ્યા પછી ખ્યાલ આવે છે કે તેમને શું ઓફર થવાની છે. કેટલીક હિરોઇન તે નથી પણ સ્વીકારતી. આવી એક હિરોઇનના મેનેજર કહે છે તે પ્રમાણે આ દંપતિ ગ્રુપને પહેલાં શિકાગો જ લાવતી હતી. બે દિવસ ત્યાં હિરોઇનોને રાખવામાં આવે અને કહેવામાં આવે કે તમે શોપિંગ અને સાઇટસિઇંગ કરી શકો છો. જોકે જે હોટેલમાં ઉતારો હતો તેનો માહોલ જોઈને જ મેનેજરને શંકા ગઈ હતી. તેણે વિરોધ કર્યો હતો અને દંપતિને તાત્કાલિક ઇન્ડિયાની રિટર્ન ટિકિટો બૂક કરી દેવા જણાવી દીધું હતું. દંપતિએ બૂક કરાવેલી હોટેલમાં આ હિરોઇન અને તેમની ટીમ રોકાઇ પણ નહીં અને જાણીતાને ઘેર જતા રહ્યાં હતાં.
પોલીસે કેટલાક કસ્ટમર્સની પણ પૂછપરછ કરી હતી. તેમાંથી કેટલાકે જણાવ્યું કે વેભા તેલુગુ એનઆરઆઇ વર્તુળોમાં જાણીતી બની છે. હિરોઇનો સાથે સેક્સ માણવાની ઇચ્છાવાળા ધનિક તેલુગુ વેભાનો સંપર્ક કરતા હતા. છેલ્લાં પાંચેક વર્ષથી આ રેકેટ ચાલતું હતું તેવું તપાસમાં નીકળ્યું હતું. શિકાગોથી જ પાછી ફરેલી હિરોઇને નારાજ થઇને ફરિયાદ કરી હતી. તેને અંદાજ નહોતો કે અમેરિકામાં તેની પાસે આવી અપેક્ષા રખાશે. તેણે બાદમાં દંપતિને સ્પષ્ટપણે જણાવી દીધું હતું કે ફરી ક્યારેય તેનો સંપર્ક કરવો નહીં. એવું પણ લાગે છે કે દંપતિએ શરૂઆતમાં આ હિરોઇનને ધમકી પણ આપી હતી. કેમ કે હિરોઇને તેમને લખેલો ઇમેઇલ તપાસમાં ખુલ્યો છે. તેમાં હિરોઇને જણાવ્યું હતું કે તમે મને વારંવાર ફોન કરીને ધમકી આપો છો તે બરાબર નથી. હું હવે તમારી સાથે કોઇ વાતચીત કરવા માગતી નથી. મારો સંપર્ક કરવાની કોશિશ કરશો નહીં. તમારી સાથે બિઝનેસ કરવાનો અનુભવ બહુ ખરાબ રહ્યો. તમારી સાથે હવે ક્યારેય મારે કામ કરવું નથી, માટે હવે જો મારો સંપર્ક કરવાની કોશિશ કરશો તો હું તમારી સામે ફરિયાદ કરી દઇશ.
પાંચેય હિરોઇનોના નામ ફરિયાદમાં જાહેર કરાયા નથી, પણ આવી વાત ખાનગી રાખવી મુશ્કેલ છે. તેલુગુ એસોસિએશનના કાર્યક્રમ માટે કઇ અભિનેત્રીઓ ગઈ હતી તે તેલુગુ ફિલ્મ સર્કલમાં સૌ જાણે જ છે. આ ઘટના પછી તેલુગુ ફિલ્મમાં ચર્ચા વધી પડી છે. ભારતમાં પણ સેક્સ રેકેટ પકડાયા હતા અને વિદેશમાંથી પણ આવા સમાચાર આવે તો ફિલ્મઉદ્યોગ માટે સારી નિશાની નથી. હાલમાં જ એક અભિનેત્રીએ જાહેરમાં વસ્ત્રહિન થઇને પોતાનું કેવું શોષણ થાય છે તેની ફરિયાદ પણ કરી હતી. આ ઘટનાઓને ધ્યાનમાં લઇને ફિલ્મના એસોસિએશને કેટલીક એડવાઇઝરી પણ દાખલ કરી છે. વિદેશમાં કોઈ કાર્યક્રમોમાં જતા પહેલાં આયોજકો કોણ છે તે જાણી લેવાની સલાહ અપાઇ છે. કયા શહેરોમાં કાર્યક્રમો છે, ક્યાં ફરવાનું છે, કઇ હોટેલ્સમાં રહેવાનું છે તે આગોતરું જાણી લેવાનું ઇચ્છનીય છે તેવી સલાહો પણ અપાઇ રહી છે. આ ઉપરાંત સ્થાનિક ધોરણે પણ કેટલાક લોકો હિરોઇનની મજબૂરીનો લાભ લઈને રેકેટ ચલાવે છે તેની સામે સાવધાની રાખવાની પણ વાત છે.
જોકે આવી સલાહથી શું ફરક પડે તે વિચારવું રહ્યું. ફિલ્મનું ગ્લેમર અને કલાકારોને આકર્ષે છે. યુવાન અને યુવતીઓ પોતાની યુવાનીનો દાયકો સંઘર્ષમાં વીતાવી દે છે. તે પછી અન્ય સેક્ટરમાં કામ કરવું તેમના માટે મુશ્કેલ બની જાય છે. ખાસ કરીને એકાદ ફિલ્મ ચાલી ગઇ તે પછી વધુ સારી ફિલ્મ મળશે એ લાલચે હિરોઇનો આ વ્યવસાય છોડી શકતી નથી. સિરિયલોમાં કામ કરીશ તો ફિલ્મ નહીં મળે એમ સમજીને સિરિયલો પણ ના કરે અને આખરે આર્થિક તંગી વિકટ બને. તે વખતે કિશન અને વેભા જેવા દંપતિ તેમને રેકેટમાં લઇ જવા માટે તૈયાર જ બેઠાં હોય છે તે આ કિસ્સાથી બહાર આવી ગયું છે.
[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]