એલફિન્સ્ટન ફૂટ ઓવરબ્રીજ 117 દિવસમાં તૈયાર, હવે શું?

ફિશયન્સી એટલે કે કાર્યદક્ષતા શું કહેવાય તેનો એક નમૂનો મુંબઈમાં સેનાએ નવો ફૂટ ઓવરબ્રીજ બનાવીને આપ્યો. આમ તો ત્રણ ફૂટ ઓવરબ્રીજ સેનાએ બનાવ્યા, પણ તેમાં સૌથી વધુ ચર્ચા એલફિન્સ્ટન રોડ પરના ફૂટ ઓવરબ્રીજની થશે, કેમ કે અહીં મોટી કરુણાંતિકા સર્જાઇ હતી. બે ડઝન લોકો દોડધામમાં કચડાઇ મર્યા હતા. તે દુર્ઘટના ભારતીય સરકારી તંત્રની લાપરવાહનો વધુ એક નમૂનો હતો. સરકારી તંત્ર રગશિયા ગાડાની જેમ કામ કરે છે. ફૂટ ઓવરબ્રીજ સાંકડો હતો અને તેને પહોળો કરવો જરૂરી હતો. તે માટેની મંજૂરી પણ મળી ગઈ હતી અને બજેટ પણ ફાળવાઇ ગયું હતું. પણ થશે ત્યારે થશે તે માનસિકતાના કારણે ટેન્ડર વગેરેમાં કામગીરી લંબાતી રહી અને પ્રવાસીઓનો ભોગ લેવાઈ ગયો.

સેના બહુ કાર્યદક્ષ છે તે છાપ નાગરિકોમાં છે અને તે આના કારણે વધુ દૃઢ બની છે. પણ તેમાં સેનાના વખાણ કરતાં આપણા સરકારી તંત્રના લાસરિયાવેડાની પીડા વધારે છે. સેનાએ કંઈ ચમત્કાર નથી કર્યો. ફક્ત 117 દિવસમાં બ્રીજ તૈયાર થઈ ગયો. શિસ્તની કામ થયું અને કામ થઈ ગયું. શિસ્તથી અને ઝડપથી અને ખાસ તો એફિશિયન્સીથી કામ કરવા માટે તમારે સેનામાં હોઉં જરૂરી નથી. કોર્પોરેટ કલ્ચરમાં એફિશયન્સી સૌથી અગત્યની ગણાય છે. તે કલ્ચરનો જરાય રંગ આપણા સરકારી તંત્રને હજીય નથી લાગ્યો તે નિરાશાજનક છે.

આ ઘટનાએ તે વાત ફરી સાબિત કરી આપી છે. કોઈ વાર રાજ્યમાં એકાદ સારો મુખ્યપ્રધાન આવી જાય. તે વધારે કલાકો કામ કરે અને સરકારી બાબુઓને કઈ રીતે કામ કરતા કરવા તેમાં ફાવટ આવી જાય ત્યારે સરકારી કામોમાં થોડી ઝડપ આવતી હોય છે. પણ તે અપવાદરૂપ કિસ્સા છે. આપણે એફિશિયન્ટ નેતાઓની નહીં, એફિશયન્ટ સિસ્ટમની જરૂર છે. થોડા ડઝન નેતા લાંબા ગાળાનું હિત વિચારીને સિસ્ટમને એફિશયન્ટ કરવાની કોશિશ કરશે તો જ આ શક્ય બનશે.

બીજી ઉપાય નાગરિકોના આંદોલનનો છે. નાગરિકોએ તંત્રને એફિશિયન્ટ થવાની ફરજ પાડવા એફિશિયન્ટ આંદોલન કરવું પડશે. ઝડપી કામ એટલે કાર્યદક્ષ કામ એવું પણ નથી. ઝડપ તેનો એક અગત્યનો ભાગ છે, પણ જે પણ કામ થાય તે અસરકારક રીતે થાય તે જરૂરી છે. જે સમાજે કાર્યદક્ષતા કેળવી તેણે જગ જીત્યું છે. અશ્વો આપણી પાસે પણ હતા, પણ આપણે તેનો કાર્યદક્ષ ઉપયોગ નહોતો કરતા. આપણે રથ બનાવીને તેમાં અશ્વોને જોડ્યા. મોંગોલોએ અશ્વસવારીમાં કાર્યદક્ષતા કેળવી. છુટ્ટા હાથે તે અશ્વોને દોડાવી શકતા હતા અને છુટ્ટા થયેલા હાથોથી તીર તલાવી શકતા હતા. તેના કારણે દુનિયા જીતી ગયા.

રેલવેના પાટા નંખાયા ત્યારે તે જુદા પ્રકારની કાર્યદક્ષતા હતી. ફક્ત રેલવે નાખવાથી જ અંગ્રેજોને ફાયદો થયો હતો. પણ આગળ જતા રેલવેને પોતાને કાર્યદક્ષ બનાવવી રહી. ચીને બૂલેટ ટ્રેનો દોડાવાનું શરૂ કર્યું. તેમાં એફિશિયન્સી છે જ, પણ વધારે એફિશિયન્સી બૂલેટ ટ્રેનના નિર્માણમાં પણ હાંસલ કરી છે. બહુ ઝડપથી બૂલેટ ટ્રેન નાખી દેવી તે ચીન શીખી ગયું છે. ચીન જોશમાં આવીને દરેક કામમાં ઝડપ અને દક્ષતા દાખવી રહ્યું છે. બિલ્ડિંગ તોડી નાખવા બ્લાસ્ટિંગ થાય છે અને એક સાથે સેંકડો જેસીબી અને ટ્રકો કામ લગાડીને ગણતરીના કલાકોમાં કાટમાળ હટાવી દેવાય છે.
સાચી પ્રગતિ આ છે. ક્રમશ પ્રગતિ એની મેળે થયા કરે છે. દર વર્ષે થોડા કિમીના રસ્તા વધે, થોડા કિમીની રેલ લાઇન લંબાઇ જાય. એકાદ સિંચાઇ યોજના તૈયાર થઈ જાય અને શહેરમાં એક કે બે બ્રીજ બની જાય. તે પ્રગતિ નથી. મુંબઈની લોકલ ટ્રેનો એફિશિયન્ટ છે, કેમ કે તેમાં ચિક્કાર ભીડ રહે છે. દર ટ્રેન દીઠ ખોટ ઓછી છે અને તેના કારણે દર ત્રીજી મિનિટે લોકલ ચલાવી શકાય છે. પણ આ આયોજનના કારણે નહીં, અનાયાસે આવેલી એફિશિયન્સી છે. મુંબઈ પાઘડી પને વિકસ્યું છે. દક્ષિણથી ઉત્તર એમ શહેર લંબાતું ગયું અને ત્યાં પહેલેથી જ રેલવેના ટ્રેક હતા તેમાં ટ્રેનોની સંખ્યા વધતી ગઈ. પણ ભવિષ્યમાં ચાર ટ્રેક અને છ ટ્રેકની જરૂર પડશે તેનું આયોજન સરકારી તંત્ર નહોતું કરી શક્યું તેની તકલીફ આજેય નડે છે.

અમેરિકામાં એફિશિયન્સી જુદા પ્રકારે આવી છે. રિસોર્સીઝનો અભાવ ના હોવાથી વેડફાટ કરી શકવાની અમેરિકનોની ક્ષમતા છે, પણ મુક્ત અર્થતંત્રમાં સ્પર્ધાને કારણે તમારે પ્રોડક્ટ વધારે એફિશિયન્ટ બનાવવી પડે. કાર કંપનીઓ વચ્ચે સ્પર્ધા રહી કે કોણ વધારે માઇલેજ આપી શકે. તેના કારણે એન્જિન વધુ ને વધુ કાર્યદક્ષ બનતા રહ્યા છે. અનાયાસે આવેલી કાર્યદક્ષતા, સ્પર્ધાને કારણે આવેલી કાર્યદક્ષતાના ફાયદા જોયા પછી જે સમાજે કાર્યદક્ષતાનું મહત્ત્વ સમજીને તેના માટે પ્રયાસો કર્યા તે ફાવ્યો છે. ચીન આજે એ જ કરી રહ્યો છે. ભારતે પણ તે કરવું પડશે. થોડા વર્ષો પહેલાં અન્નાનું આંદોલન થયું. તે બહુ કાર્યદક્ષ હતું. આયોજન પદ્ધતિસર થયું હતું. ઓછા ખર્ચે, ઓછા સમયમાં, નાગરિકોને ઓછું નડતર થાય તે રીતે, બંધ કર્યા વિના, બસો સળગાવ્યા વિના, આંદોલન થયું હતું અને અસરકારક રહ્યું હતું. આમ જુઓ તો બહુ સિમ્પલ વાત છે, જો સમજાઈ જાય તો. ચૂલો સળગાવવા લાકડાં કાપવા પડે. લાકડાને પથ્થર પર પછાડી પછાડીને પણ તોડી શકાય. તેના પર અણિયાળો પથ્થર મારીને પણ તોડી શકાય. કુહાડીથી પણ કાપી શકાય અને પછી ધાર કાઢેલી કુહાડીથી, લાકડાને લાગ મળે તે રીતે ગોઠવીને એક જ ઘાએ બે ટુકડા કરી શકાય. લાકડા કાપવામાં કાર્યદક્ષતા શીખનારો ખેતીમાં કાર્યદક્ષ થયો હશે અને તે સમાજ ઝડપથી આગળ વધ્યો હશે.

નાગરિકોએ આ વાત સમજવી પડે. સરકારી તંત્રમાં પણ નાગરિકો જ છે. પરંતુ સરકારી તંત્ર પોતાની રીતે કામ કરી શકે તેવું નથી. તેમાં અધિકારી તરીકે રહેલો નાગરિક વ્યક્તિગત રીતે કશુંક હાંસલ કરવા કાર્ય કરે ત્યારે દક્ષતા આવે છે. પણ તેના પર આધાર રાખવાના બદલે નાગરિકો વિચારે કે હવે એક એવું આંદોલન કરીએ જે ઓવરઓલ કાર્યદક્ષતા લાવે. મુંબઈના લોકોમાં તે ક્ષમતા છે. મુંબઈ સ્પર્ધાને કારણે, સંજોગોના કારણે સૌથી એફિશિયન્ટ શહેર બન્યું છે. મુંબઈગરાએ સૌની સાથે દોડવા માટે એફિશિયન્ટ બનવું પડે છે. એલફિન્સ્ટન્ટ રોડની દુર્ઘટના પછી મુંબઈના નાગરિકોનો મૂડ જોઈને સરકારે અને તંત્રે અલગથી વિચારવું પડ્યું હતું અને ફૂટ ઓવરબ્રીજ બનાવવાનું કામ સેનાને સોંપી દેવાનું વિચારવું પડ્યું હતું

આવી રીતે અલગથી વિચારવાની ફરજ પડે તે માટે રાહ જોવાની જરૂરી નથી. અલર રીતે વિચારવાની ફરજ પડે તેવું આપણે સૌએ સામૂહિક રીતે કરવું જોઈએ. મુંબઈગરો નેતાગીરી લે તો દેશના બીજા નાગરિકો પણ તેમાં ઝડપથી જોડાશે. જોઈએ શું થાય છે.