ઓલિમ્પિક્સ એથ્લેટિક્સમાં ભારતને મેડલ? હજી સપનું જ જુઓઃ અંજુ બોબી જ્યોર્જ

મુંબઈ – વર્લ્ડ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં ભારતે મેડલ જીત્યો હતો એને એક દાયકાથી પણ વધારે સમય થઈ ગયો. 2003માં પેરિસમાં યોજાઈ ગયેલી એ સ્પર્ધામાં મહિલા લોન્ગ જમ્પર અંજુ બોબી જ્યોર્જે કાંસ્ય ચંદ્રક જીત્યો હતો અને તે સિદ્ધિ હાંસલ કરનાર અંજુ પહેલી જ ભારતીય હતી.

2004ની એથેન્સ ઓલિમ્પિક ગેમ્સમાં અંજુ પાંચમા ક્રમે આવી હતી, પણ એમાં તેણે નોંધાવેલો 6.83 મીટરનો રેકોર્ડ આજે પણ રાષ્ટ્રીય રેકોર્ડ તરીકે અકબંધ છે.

આ વર્ષે બે મોટી સ્પર્ધા યોજાવાની છે – એપ્રિલમાં કોમનવેલ્થ ગેમ્સ અને ઓગસ્ટમાં એશિયન ગેમ્સ. દેશના ટોચના એથ્લીટ્સે આ બંને સ્પર્ધામાં સારો દેખાવ કરવા પર એમનું ધ્યાન કેન્દ્રિત કર્યું છે.

અંજુ હાલ ટ્રેક એન્ડ ફિલ્ડ માટે સરકારે નિમેલી ઓબ્ઝર્વર છે. એનું કહેવું છે કે વિશ્વ સ્તરે કે ઓલિમ્પિક ગેમ્સમાં ભારતના એથ્લીટ્સ મેડલ જીતે એવી શક્યતા હજી ઘણી દૂર છે.

અંજુના મતે લોન્ગ જમ્પર નીના વારાકિલ અને નયના જેમ્સ સારા ફોર્મમાં છે. એ બંનેએ 2017ની એશિયન ચેમ્પિયનશિપમાં અનુક્રમે રજત અને કાંસ્ય ચંદ્રક જીત્યો હતો. પણ મેડલ જીતવા માટે 6.50 મીટર કે તેથી વધુના અંતરે લાંબો કૂદકો લગાવવાનું સતત જાળવી રાખવું પડે.

અંજુ કહે છે, ભારતીય એથ્લીટ્સના કંગાળ દેખાવનું કારણ છે આપણામાં પ્રોફેશનલ અભિગમનો અભાવ. આપણા પરિણામો એવરેજ હોય છે. એવા નિષ્ણાતો હોવા જોઈએ જેમાં ડોક્ટરો, રીકવરી એક્સપર્ટ્સ અને મેનેજરો હોય છે જેઓ મેડલ જીતવાના સમાન ધ્યેય પર કામ કરે.