તો ‘ઝંજીર’ની રિલીઝ રઝળી પડી હોત!

મ તો અશક્ય લાગે, પણ હકીકત છેઃ જે વર્ષે (1973) રાજ કપૂરની ‘બૉબી’ આવી ને એના હીરો રિશી કપૂરને રાતોરાત સ્ટાર બનાવી ગઈ એ જ વર્ષે ફ્લૉપ હીરો અમિતાભ બચ્ચનને ચમકાવતી, લો બજેટમાં બનેલી ‘ઝંજીર’ આવી અને “1973નો દાયકો તો અમિતાભ બચ્ચનનો જ” એવું પ્રસ્થાપિત કરી ગઈ. આ ફિલ્મે અમિતાભની કારકિર્દીમાં એક જોરદાર વળાંક સાબિત થઈ.

 

હમણાં ‘ઝંજીરે’ એની રજૂઆતનાં 48 વર્ષ પૂરાં કર્યાં. આ અવસરે એના વિશે એક ઓછી જાણીતી માહિતી મમળાવવી તમને ગમશે. એ તો સૌ જાણે છે કે ‘ઝંજીર’ માટે પ્રકાશ મેહરાને હીરો મળતો નહોતો ત્યારે ફિલ્મના લેખક સલીમ-જાવેદ અને સંગીતકાર કલ્યાણજી-આણંદજીએ ડઝનેક ફ્લૉપ ફિલ્મના ઍક્ટર અમિતાભની ભલામણ કરેલી. પ્રકાશજીએ અમિતાભને લઈને ‘ઝંજીર’ બનાવી તો ખરી, પણ કોઈ વિતરક એને ખરીદતું નહોતું. કંટાળીને પ્રકાશજી પહોંચ્યા કલ્યાણજી-આણંદજી પાસેઃ “તમે કહ્યું એટલે મેં ફ્લૉપ હીરોને લીધો, પણ કોઈ ફિલ્મ લેતું નથી.”

ત્યારે આણંદજીભાઈ કહેઃ “પ્રોબ્લેમ હીરોમાં નથી, તમારી ફિલ્મમાં છે.”

પ્રકાશ મેહરા ચોંક્યાઃ “એમ?”

થોડા સમય પહેલાં મુંબઈમાં આણંદજીભાઈના ઘરે થયેલી ગપ્પાં-ગોષ્ઠિમાં એમણે મને આ કિસ્સો કહેલો. તો, આણંદજીભાઈ પ્રકાશ મેહરાને કહ્યું કે “ફિલ્મનું એડિટિંગ હજી ચુસ્ત કરવાની જરૂર છે. તમે કહેતા હો તો કરું.”

પ્રકાશજીએ હા પાડી એટલે આણંદજીભાઈએ ફિલ્મની શરૂઆતમાં વાર્તાની પૂર્વભૂમિકા બાંધતા થોડા બિનજરૂરી સીન તથા વચ્ચેથી અમુક સીન ઉડાડ્યા ને લો- નવી, સુધારેલી ફિલ્મ ફટાક દઈને વેચાઈ ગઈ. એમ કહી શકાય કે ઝંજીરની દોમદોમ સફળતામાં આપણા કચ્છી માડું આણંદજીભાઈનો મોટો ફાળો છે.

બહુ ઓછા લોકોને ખબર હશે કે સંગીતકાર આણંદજીભાઈ પોતે કૅમેરાવર્ક તથા એડિટિંગના ઊંડા અભ્યાસુ છે. આણંદજીભાઈ કહેઃ “હું મુંબઈની કબુબાઈ સ્કૂલમાં ભણતો ત્યારે અમને એક ફિલ્મ-સ્ટુડિયોની વિઝટે લઈ ગયેલા. ત્યાં શૂટિંગ ચાલતું, એડિટિંગ થતું હતું. ખબર નહીં કેમ, પણ મને શૂટિંગ જોવા કરતાં ટેક્નિકલ વાતોમાં બહુ રસ પડતો. હું નિયમિત ત્યાં જવા માંડ્યો. ત્યાર બાદ ફિલ્મસંગીતમાં કલ્યાણજીભાઈ સાથે જોડાયો ત્યારે ‘ઉપકાર’ના શૂટિંગ દરમિયાન મનોજકુમાર સાથે ટેક્નિકલ ચર્ચા થતી. એ પછી અનેક ફિલ્મોમાં મેં આ કસબ અજમાવ્યો. ‘ઝંજીર’ ઉપરાંત સુલતાન એહમદની ‘હીરા’,’ બૈરાગ’, સુભાષ ઘાઈની ‘વિધાતા’ જેવી ફિલ્મોનો સમાવેશ થાય છે.”

આવા તો કંઈકેટલા યાદગાર કિસ્સા આણંદજીભાઈ પાસે છે. જેમ કે દેવ આનંદની યાદગાર ‘જૉની મેરા નામ. આ ફિલ્મનું ‘વાદા તો નિભાયા’… ગીત કેવી રીતે બન્યું એનો ઈન્ટરેસ્ટિંગ કિસ્સો છે. આણંદજીભાઈ કહેઃ “ગીતકાર રાજીન્દર ક્રિશન ઘોડાની રેસમાં ખૂબ પૈસા લગાડતા, નાની-મોટી જીત થતી, પણ ક્યારેય એમને જૅકપૉટ લાગતો નહીં. ‘જૉની મેરા નામ’નાં ગીત-સંગીતનું કામ ચાલતું હતું ત્યારે એક દિવસ એમનો ફોન આવ્યો કે ઘરે આવો. અમે ગયા તો કહેઃ મને ચાળીસ હજારનો જૅકપૉટ લાગ્યો છે. અમે એમને વધામણી આપતાં કહ્યું, બહુ સારું, પણ ગીત? એમણે અમારા હાથમાં કાગળ પકડાવ્યોઃ રેડી છે.

“અમે ગીતના શબ્દ જોયાઃ “ખફા ન હોના… દેર સે આયી… પર વાદા તો નિભાયા”..અર્થાત મોડો તો મોડો, પણ જૅકપૉટ લાગ્યો તો ખરો! ડિરેક્ટર વિજય આનંદે આ ગીત નાલંદા વિશ્ર્વ વિદ્યાલયની આસપાસ ચિત્રિત કરેલું.

આણંદજીભાઈ કહે છે કે અમે ક્યારેય કોઈની પાસે ન તો કામ માગવા ગયા ન ક્યારે કોઈ ફિલ્મએવૉર્ડ મેળવવા પ્રયત્ન કર્યા. જે મળ્યું એ કામ કર્યું, અમે કામ પણ કર્યું ને જલસા પણ કર્યા. એક જ ફરિયાદ છેઃ આજકાલ પુરાણાં ગીત રિમિક્સ કરીને વાપરવાની ચાલ છે. યાર, કમસે કમ ઓરિજિનલ સર્જકને જાણ કરવાનું સૌજન્ય તો દાખવો. આટલું ન કરી શકો?

 કેતન મિસ્ત્રી