તાજેતરમાં જેમની 39મી પુણ્યતિથિ ગઈ એ સંજીવકુમાર યુવાવસ્થામાં ઓલ્ડ એજના રોલ ખૂબ ભજવતા. કહો કે એમને આવી ભૂમિકા ભજવવાનું ગમતું. ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં એ આ માટે એ જાણીતા હતા. કિશોરાવસ્થામાં બ્લેક એન્ડ વ્હાઈટ ટેલિવિઝન પર ‘ફૂલ ખીલે હૈ ગુલશન ગુલશન’ કાર્યક્રમમાં સંજીવકુમારની મુલાકાત જોયાનું સ્મરણ છે. સંચાલક તબસ્સુમે આ ટોપિક છેડેલોઃ “આટલી યંગ એજમાં તમને વૃદ્ધોના રોલ ભજવવાનું કેમ ગમે છે?”
સંજીવકુમારે આનો શું જવાબ આપેલો? એ પછી… પહેલાં આ વાંચોઃ
બેએક દિવસ પહેલાં નેટફ્લિક્સ પર અનુપમ ખેરને મુખ્ય ભૂમિકામાં ચમકાવતી ‘વિજય 69’ જોઈ. ફિલ્મમાં ચંકી પાંડે પણ છે. આ ફિલ્મ આપણને હસાવે છે, એના કલાકારોને બિરદાવવા પ્રોત્સાહિત કરે છે, જીવનમાં કશુંક કરી બતાવવાની પ્રેરણા આપે છે અને દોસ્તીની હૂંફના પ્રેમમાં પાડે છે. 69 પાર કરી ગયેલા વિજય મેથ્યુ (અનુપમ ખેર) ઉંમરના આ પડાવ પર ટ્રાયથ્લૉનમાં ભાગ લેવાની જિદ પકડે છે. આમાં એમણે દોઢ કિલોમીટર તરવાનું છે, ચાળીસ કિલોમીટર સાઈકલ ચલાવવાની છે અને દસ કિલોમીટર દોડવાનું છે.
ડિરેક્ટર અક્ષય ઓબેરોયે સંવેદનશીલતાથી ફિલ્મ સર્જી છે, લેખન સારું છે. ફિલ્મનો એક સંવાદ રિટાયરમેન્ટ એટલે પૂર્ણવિરામ એવું સમજતા વડીલોને નવેસરથી વિચારવા મજબૂર કરે છે. વિજય મેથ્યુ કહે છેઃ “69નો થયો એટલે શું સપનાં જોવાનું બંધ કરી દઉં? સવારે ઊઠીને છાપું વાંચું? વૉક પર જાઉં ને રાતે દવા લઈને ઊંઘી જાઉં?” લગ્નસરામાંથી સમય મળે તો જરૂર જોઈ કાઢજો.
આ ફિલ્મના સંદર્ભમાં અનુપમ ખેરને સવાલ થયો કે “પરદા પર તમે જે ઉંમરના હો એ જ ઉંમરનું પાત્ર ભજવવાથી કોઈ ફરક પડે ખરો?”
જવાબમાં અનુપમજી કહે છેઃ “કદાચ આવું મેં પહેલી વાર કર્યું હશે. ‘સારાંશ’માં મેં 65 વર્ષના નિવૃત્ત, વયોવૃદ્ધ શિક્ષક વી.વી. પ્રધાનની ભૂમિકા ભજવી ત્યારે મારી ઉંમર હતી 28 વર્ષ. ઘણાએ મને ના પાડેલી, પણ કંઈ કરવું હોય તો જોખમ લેવું પડશે એમ માનીને મેં ડિરેક્ટર મહેશ ભટ્ટને હા પાડી. ફિલ્મ, મારું પાત્ર ખૂબ વખણાયાં. ‘વિજય 69’માં મારું પાત્ર દિલથી 28 વર્ષનું જ છે. આમ એક આખું ચક્ર પૂરું થવા જેવું થયું. અક્ષય (ડિરેક્ટર) જ્યારે વાર્તા સંભળાવવા આવ્યો ત્યારે હું 68નો હતો, જ્યારે મારા પાત્રની ઉંમર 69 હતી.” કહેવાનો અર્થ યુવાવસ્થામાં વૃદ્ધની ભૂમિકા ભજવવી પડકાર રૂપ છે.
-અને હવે સંજીવકુમાર. એમણે 36-37 વર્ષની વયે રૂપેરી વિગ લગાવીને, શાલ ઓઢીને એ ઠાકૂર બલદેવસિંહ બન્યા. તે પછી તો ‘મૌસમ,’ ‘આંધી,’ ‘દેવતા,’ ‘ત્રિશૂલ,’ ‘વિધાતા’ વગેરે ફિલ્મોમાં એમણે વૃદ્ધની ભૂમિકા ભજવી. ‘ફૂલ ખીલે હૈ ગુલશન ગુલશન’માં તબસ્સુમે આ વિશે સવાલ કર્યો ત્યારે એમણે જવાબ આપ્યોઃ “હકીકત એ છે કે વાસ્તવિક જીવનમાં હું વૃદ્ધ થવાનો નથી કેમ કે પચાસની આગળ હું જીવવાનો જ નથી. એટલે પરદા પર તો વૃદ્ધ બનવાનો અનુભવ લઈ લઉં.”
હા, એ હકીકત છે કે જરીવાલાપરિવારમાં કોઈ પુરુષ પચાસથી વધુ જીવ્યા નથી. શાંતાબહેન અને જેઠાલાલને પાંચ સંતાન. પહેલી દીકરીનું જન્મ સમયે મૃત્યુ. તે પછી હરિ, કિશોર, ગાયત્રી, નિકુલ. ત્રણે ભાઈના પિતા જેઠાલાલની જેમ હૃદયરોગથી અવસાન થયાં. એ પણ પચાસની અંદર.
1985ની 6ઠ્ઠી નવેમ્બરે સંજીવકુમારનું 47 વર્ષની વયે અવસાન થયું.
તાપીના તટેથી, સુરતથી નીકળેલા સંજીવકુમાર બહુ મોટા ઍક્ટર બન્યા, લખલૂટ પ્રસિદ્ધિ-પૈસા મેળવ્યા. પોતાના પરિવારનો ઈતિહાસ જાણતા હોવા છતાં એ કેમ પોતાના શરીરની કાળજી ન લઈ શક્યા? અમેરિકાની આધુનિક સાધનસગવડથી સજ્જ હૉસ્પિટલમાં હાર્ટસર્જરી કરાવેલી. તેમ છતાં એ શા માટે શરીર પ્રત્યે આટલા બેદરકાર રહ્યા? શા માટે આટલા વહેલા જતા રહ્યા?
છે કોઈની પાસે જવાબ?