ગયા શુક્રવારે (26 ફેબ્રુઆરીએ) પરિણીતી ચોપડા-અદિતિ રાવ હૈદરીને ચમકાવતી ‘ધ ગર્લ ઑન ધ ટ્રેન’ રિલીઝ થઈ. ફિલમમાં તો ઝાઝો ભલીવાર નથી, પણ આ ફિલ્મે આપણી કેટલીક પરદા પરની યાદગાર નાયિકા અને એની ટ્રેન-જર્નીની યાદ તાજી કરાવી દીધી.
જેમ કે થિયેટરમાં જઈને ફિલ્મ જોવી એટલે શું એની જ્યારે સમજ નહોતી એ અરસામાં જોયેલી એક ફિલ્મ હતી શક્તિ સામંતની ‘આરાધના’. ફિલ્મનું એક યાદગાર ગીત એટલે “મેરે સપનોં કી રાની”… હીરો રાજેશ ખન્ના મિત્ર સુજિતકુમાર સાથે ઓપન જીપમાં બાગડોગરાથી દાર્જીલિંગ જઈ રહ્યા છે. રસ્તાની સમાંતર, ‘દાર્જીલિંગ હિમાલયન રેલવે’ની ટૉય ટ્રેન ધીમી ગતિએ પાટા પર સરકી રહી છે. જેને ઉદ્દેશીને ગીત ગવાઈ રહ્યું છે એ શર્મિલા ટાગોર ટ્રેનમાં વિન્ડો સીટ પર બેસીને મીઠું મલકતાં મલકતાં નૉવેલ વાંચી રહી છે. આરડી બર્મનનું દિલડોલ સ્વરાંકન, કિશોરકુમારનો મસ્તીભર્યો સ્વર, શર્મિલાનું પુસ્તક વાંચતાં વાંચતાં હીરો તરફ તીરછી નજરે જોવું, આસપાસના હિમાલયના પહાડનું સૌંદર્ય એક કમાલનું વાતાવરણ સર્જી આપે છે. મારે માટે આ ધ ઓરિજિનલ ગર્લ ઑન ધ ટ્રેન છે.
મજાની વાત એ છે કે જે દિવસે ગીતનું શૂટિંગ કરવાનું હતું એ દિવસે શર્મિલા ટાગોર સત્યજિત રાયની ફિલ્મ ‘નાયક’ના શૂટિંગમાં વ્યસ્ત હતી એટલે એના ભાગનું શૂટિંગ મુંબઈના ‘નટરાજ સ્ટુડિયો’માં કરવામાં આવ્યું. કળાનિર્દેશક શાંતિ દાસે આબેહૂબ દાર્જીલિંગની રમકડાંગાડી, એના કમ્પાર્ટમેન્ટનો સેટ સર્જેલો. પરિણામ એવું હતું કે કોઈને ખ્યાલ પણ ન આવ્યો કે હીરો-હીરોઈનનાં દશ્ય અલગ અલગ શૂટ થયાં છે. સંયોગથી નાયકમાં પણ ટ્રેનનો સીન છે.
શક્તિદાની ‘આરાધના’થી પણ પહેલાં, દેવ આનંદની બે ફિલ્મમાં આ ટાઈપનાં ફેમસ સોંગ છે. બન્ને બ્લેક ઍન્ડ વ્હાઈટ. એક, ‘કાલા બાઝાર’નું “અપની તો હર આહ ઈક તૂફાન હૈ… ઉપર વાલા જાન કર અંજાન હૈ”. નાઈટ ટ્રેન-જર્ની છે. હીરોઈન વહિદા રેહમાન ઉપલી બર્થ પર પુસ્તક વાંચતાં વાંચતાં મીઠી નીંદર માણી રહી છે. એમ.એ. લતીફ અને મુમતાઝ બેગમ જેવાં મશહૂર કૅરેક્ટર ઍક્ટર્સ સહપ્રવાસી છે. વિન્ડો સીટ પાસે બેઠેલા દેવ આનંદ નાયિકાને ઉદ્દેશીને ગીત ગાય છે ને એની (નાયિકાની) ઊંઘ ઉડાડી મૂકે છે. સોંગમાં સચીન દેવ બર્મન સાહેબે ટ્રેનની સીટી સરસ રીતે વણી લીધી છે, જેનાથી એક માહોલ બંધાય છે. બીજું સોંગ છે 1961માં આવેલી ‘જબ પ્યાર કિસી સે હોતા હૈ’. આશા પારેખ સાથે ટૉય ટ્રેનમાં પ્રવાસ કરી રહેલા દેવસાહેબ એકાએક બહાર ઝંપલાવી, પાટાની સમાંતર સડક પર દોડી રહેલી કારની છત પર પહોંચી જાય છે ને ત્યાંથી લલકારે છેઃ “જિયા હો, જિયા હો જિયા કૂછ બોલ દો અરે હો… દિલ કા પરદા ખોલ દો”… હસરત જયપુરી-શંકર-જયકિશન-મોહમ્મદ રફીએ કમાલ કરી છે આ ગીતના સર્જનમાં.
પછી તો સમજણો થયો ને સિનેમાનો કાળોતરો વળગ્યો તે પછીની આવી એક ફિલ્મ સાંભરે છેઃ બાસુ ચેટર્જીની ‘બાતોં બાતોં મેં’, જેમાં ટીના મુનીમ-અમોલ પાલેકર દરરોજ એક જ લોકલ ટ્રેનમાં સાથે પ્રવાસ કરતાં કરતાં, વાતચીત કરતાં કરતાં પ્રેમમાં પડે છે. ત્યાર બાદ સિનેમાનાં રૂપરંગ બદલાયાં, હીરો-હીરોઈન મોટરમાં ને પ્લેનમાં પ્રવાસ કરવા લાગ્યાં, ટ્રેનમાં ભીડભાડમાં શૂટિંગ કરવું મુશ્કેલ બનતું ગયું ને સિનેમામાં ટ્રેન પાટા પરથી ઊતરતી ગઈ. ત્યાં વળી મણિરત્નમ-એઆર રેહમાને એક યાદગાર ગીત આપ્યુઃ “ચલ છૈંયા છૈંયા છૈંયા છૈંયા”… ઊટીની રમકડા ટ્રેનની છત પર, શાહરુખ-મલાઈકા અરોડા પર ચિત્રિત થયેલું આ ગીત વિતરકોને બતાવીને મણિરત્નમે ‘દિલ સે’ ફિલ્મ વેચેલી. પછી એ બધા પોશ પોશ આંસુએ રડેલા કેમ કે ફિલ્મ ફલૉપ થયેલી.
એ પછી આવી ઈમ્તિયાઝ અલીની ‘જબ વી મેટ’. ફિલ્મમાં ગીત (કરીના કપૂર)ની મુંબઈથી ભટિંડાનો ટ્રેનપ્રવાસ છે, એનો સહપ્રવાસી છે આદિત્ય કશ્યપ (શાહીદ કપૂર). રતલામમાં ટ્રેન ચૂકી જવી, ફરી મળવી, ફરી ચૂકી જવી… અને ટ્રેનના પ્રવાસ સાથે બન્નેનો એક આંતર પ્રવાસ સમાંતર ચાલી રહ્યો છે. છેલ્લે આવો રોમાન્સ જોવા મળ્યો રોહિત શેટ્ટીની ‘ચેન્નઈ એક્સપ્રેસ’માં. દીપિકા પદુકોણ-શાહરુખ ખાન એકમેક સાથે નોંકઝોંક કરતાં કરતાં મુંબઈથી દક્ષિણ ભારતના કુમ્બન ગામ સુધીનો પ્રવાસ કરે છે ને પ્રેક્ષકને જલસો કરાવે છે.
શું તમને પરદા પરની આવી કોઈ યાદગાર ધ ગર્લ ઑન ધ ટ્રેન યાદ છે? હોય તો જરૂર અહીં લખજો.
(કેતન મિસ્ત્રી)