ઈન્ડિયન ટેલિવિઝન દિવસે ને દિવસે કારણવિના રમૂજી બનતું જાય છે. ટીવીસિરિયલમાં ડ્રામા નથી હોતો અને સિંગિંગ-
ડેન્સ રિયલિટી શોમાં સિંગિંગ-ડાન્સિંગ ઓછાં, ડ્રામા વધારે હોય છે. એકાદ-બે અઠવાડિયાં પહેલાં કોમેડિયન ભારતીસિંહ ધણી હર્ષ લિમ્બાચિયા સાથે બચ્ચાંના ડાન્સ રિયાલિટી શો ‘સુપર ડાન્સર’માં પધારેલાં. એ એપિસોડ જોવાનું સૌભાગ્ય તો પ્રાપ્ત થયું નહોતું, પણ એના વિશે છાપાંમાં સમાચાર વાંચ્યા કે, અમુક બાળ-પાર્ટિસિપન્ટનો પરફોરમન્સ જોઈને ભારતીસિંહ ભાવુક થઈ ગઈ. એને પોતાનું બાળપણ અને ગર્દિશના દિવસો યાદ આવી ગયા. પછી તો એક પોડકાસ્ટમાં એણે માતા વિશે વધુ ચોંકાવનારી વાત કરી, પણ એ આ લેખનો વિષય નથી. જે બાળપણ, ઉછેર સાંભરીને ભારતી ભાવુક થઈ એના અનુસંધાનમાં કહેવાનું કે ‘ચિત્રલેખા’ માટે લીધેલા એના સુદીર્ઘ ઈન્ટરવ્યુમાં આ વિશે વિગતે ઘણી વાતો કરેલી.
મંબઈના મોહન સ્ટુડિયોમાં લેવાયેલા ઈન્ટરવ્યુમાં સંઘર્ષના દિવસો યાદ કરતી વખતે ભારતીની આંખોમાં ઝળઝળિયાં આવી ગયેલાં.
પ્રસ્તુત છે એ ઈન્ટરવ્યુના અમુક અંશ, એના જ શબ્દોમાં…
હું કાચી વયની હતી ત્યારે પિતાનો દેહાંત થયો. મા અમને, ત્રણ સંતાનોને જેમ-તેમ ઉછેરતી. હું ભણતાં ભણતાં રાઈફલ શૂટિંગ અને એવી સ્પોર્ટ્સમાં ભાગ લેતી, કારણ કે ત્યાં નાસ્તો-જમવાનું મફત મળતું. મળસકે પાંચ વાગ્યે અમૃતસરમાં સુવર્ણમંદિર નજીક આવેલી અમારી ઘોલકી જેવડી ઓરડીમાંથી મેદાન પર પહોંચી જતી. વહેલી સવારે જઈએ તો પૌષ્ટિક નાસ્તો, દૂધ મળે. બપોરે જમવાનું. સાંજે સાડાચાર-પાંચ વાગ્યે બધું પતી જાય, તેમ છતાં હું સાત વાગ્યા સુધી પ્રેક્ટિસ કરતી, કારણ સાત વાગ્યા સુધી પ્રેક્ટિસ કરનારને રાતનું જમવાનું મળે. રોજ પાંચ રૂપિયાની ફ્રૂટ્સની કૂપન મળે. હું મહિનાની કૂપન ભેગી કરી મા-બહેન-ભાઈ માટે ફ્રૂટ્સ લઈ જતી.

2008માં ટીવી-શો ‘લાફ્ટર ચેલેન્જ’ માટે ટેસ્ટ લેવા પ્રોડક્શન-ટીમ અમૃતસર આવે છે. હું હોટેલ પર ટેસ્ટ આપવા ગઈ. મનમાં એવા વિચાર આવતા કે હું રૂમમાં જઈશ એટલે એ લોકો મારી પર બળાત્કાર કરશે. મેં મારી બહેનપણીને હોટેલ પાસે ઊભી રાખીઃ “સાંભળ, અમુક સમયમાં પાછી ન આવું તો ફલાણા નંબરની રૂમમાં આવી જજે”. જો કે એવું કંઈ થયું નહીં. ટેસ્ટ આપ્યો.
બે દિવસ પછી મુંબઈથી ફોન આવ્યો: “આ પીએનઆર નંબર અને બીજી ડિટેલ્સ લખી લો”.
મને થયું કે આ પીએનઆર એટલે શું? પછી ખબર પડી કે જેટ એરવેઝની મુંબઈ જતી ફ્લાઈટની એ વિગત હતી.
હું ને મમ્મી સામાન લઈને અમૃતસર એરપોર્ટમાં ગયાં. ખબર નહોતી ટ્રોલી ફ્રી મળે. ફ્લાઈટમાં ખાવાનું-ચા-કોફી-પીણાં લીધાં નહીં. ખબર નહોતી કે ફ્રી સર્વિસ છે. અમે ભૂખ્યાં જ રહ્યાં. મુંબઈ એરપોર્ટ પર પ્રોડક્શન હાઉસનો માણસ લેવા આવેલો. એ મારી પહેલી મુંબઈસફર. ‘લાફ્ટર ચેલેન્જ’ની એ સીઝનમાં મને પૈસા નહોતા મળ્યા. આવવા-જવાનું વિમાન-ભાડું અને છ મહિના મુંબઈમાં રહેવાનું ફ્રી. લલ્લીનું પાત્ર ભજવી લોકપ્રિય થઈ તો ૪૦ ઈંચનું એલઈડી ટીવી બક્ષિસમાં મળ્યું, જેનો અમૃતસરના અમારા ઘરમાં જેમ-તેમ સમાવેશ થયો.
સાચું કહું તો મને કોમેડીનો કોઈ અનુભવ નહોતો… ‘લાફ્ટર ચેલેન્જ’ બાદ વિપુલ ડી. શાહની પ્રોડક્શન-કંપની ‘ઓપ્ટિમિસ્ટિક્સ’માંથી ‘કોમેડી સરકસ’ માટે ફોન આવ્યો તો હું અવઢવમાં હતી. એમણે પૂછ્યું કે “કેટલા પૈસા લેશો”? શું જવાબ આપવો એ ખબર નહોતી. પછી એમણે સામેથી કહ્યું, “અત્યારે સાઈનિંગ અમાઉન્ટ દસ લાખ રૂપિયા આપીએ છીએ. મુંબઈ આવો એટલે વિગતે વાત કરીએ”. મેં મારી જિંદગીમાં દસ લાખ રૂપિયા જોયા તો શું સાંભળ્યા પણ નહોતા.

એમણે મને મુંબઈમાં છ મહિના રહેવાનીયે વ્યવસ્થા કરી આપેલી. થેન્ક્સ ટુ ‘ઓપ્ટિમિસ્ટિક્સ’ અને એના સ્થાપક વિપુલ ડી. શાહ. આજ મેરે પાસ મર્સિડીઝ ગાડી હૈ, બમ્બઈ મેં દો ફ્લેટ હૈ, પંજાબમાં મિનરલ વોટરની ફેક્ટરી છે. જબરદસ્ત લોકપ્રિયતા છે, અનેક એવોર્ડ્સ મળ્યા છે. મારી મોટી બહેન (ત્યક્તા), એની દીકરી, મારી મા સુખેથી રહીએ છીએ. મોટા ભાઈનાં લગ્ન થઈ ગયાં છે, એ સ્થિર ગૃહસ્થી ચલાવે છે.
ભારતીને ગુજરાતીઓ સાથે ભારે લેણાદેણી છે. પહેલો મોટો પ્રોજેક્ટ ગુજરાતીની નિર્માણકંપની સાથે, એના ડિરેક્ટર ગુજરાતી, નિકુલ દેસાઈ, પતિ ગુજરાતી, સરિતા-પ્રવીણ જોશીની સુપુત્રી પૂર્બી જોશી સાથે કોમેડી સરકસમાં કામ કર્યું, વગૈરાહ વગૈરાહ. આ બધું તો ઠીક પણ પંજાબના નીચલા મધ્યમવર્ગની એક દીકરી પ્રતિભાના જોરે, સ્વબળે અહીં સુધી પહોંચી એ હકીકત ફેસિનેટિંગ છે, નહીં?


