ઈશ્ક હૈ પિયા… કાંઈ શોધનિબંધ નથી

બોલો, હવે ‘મોજમસ્તી…’માં મીઠા આગ્રહ જેવી ફરમાઈશ પણ આવવા માંડી છે. આ રસઝરતી (જસ્ટ જોકિંગ) કોલમના નિયમિત વાચકે સંદેશો પાઠવ્યો છે કે “થોડા સમય પહેલાં તમે અયાન મુખર્જીની ‘બ્રહાસ્ત્ર’ વિશે લખેલું, પણ હાલ આ ફિલ્મના ‘કેસરિયા’ સોંગ સામે ફિલ્મપ્રેમીઓએ કેસરિયાં કર્યાં છે તે આખો મામલો શું છે એ વિશે લખો.

વારુ. વસ્તુ એવી છે, સાહેબ, કે 17 જુલાઈએ ‘બ્રહ્માસ્ત્ર’નું ‘કેસરિયા’ સોંગ રિલીઝ કરવામાં આવ્યું. આમ તો બધાને આ રોમાન્ટિક સોંગ બહુ જ ગમ્યું, પણ અમુક વાંકદેખાઓને એમાં ‘લવસ્ટોરિયાં’ શબ્દ ગમ્યા નથી. એમની ફરિયાદ છે કે હિંદી, ઉર્દૂમિશ્રિત ગીતમાં આ તે કેવો વર્ણસંકર શબ્દ? પછી તો એમની સાથે બીજા સળીબાજ પણ જોડાયા, જાતજાતનાં મીમ્સ બન્યા, જોક્સ બન્યા, કહો કે, લોકો આદું ખાઈને આ ગીતની પાછળ પડી ગયા. પંક્તિ આવી છેઃ “કાજલ કી સિયાહી સે લિખી હૈ તુને જાને કિતનો કી લવસ્ટોરિયાં, કેસરિયા… તેરા ઈશ્ક હૈ પિયા.”

એક આડવાતઃ આપણે ત્યાં વર્ષોથી અંગ્રેજી ‘ફિલ્મ’ શબ્દ સાથે ‘અંકન’ની સંધિ કરી ‘ફિલ્માંકન’ જેવો વર્ણશંકર શબ્દ વપરાય છે. ખબર છેને? તો ગુલઝાર સાહેબે, “ગિલા ગિલા પાની” લખ્યું છે. જાણે સૂકું પાણી પણ હોય… “હવાઓં પે લિખ દો, હવાઓ કે નામ” એ ગીતમાં હવાનું બહુવચન કર્યું છે. વિશાલ ભારદ્વાજની ‘કમિને’ ફિલ્મમના ગીતમાં એમણે “રાત કી મટકી ફોડે, કોઈ ગૂડલક નિકાલે, ઢેન ટેણેએએએએન…”નો ઈસ્તેમાલ કર્યો છે. પણ ભઈ, એ તો ગુલઝાર છે. એમને બધું માફ. રિસ્પેક્ટ.

-અને હા, “સાડી કે ફૉલ સા,” “ધતિંગ નાચ,” “ચાર બોતલ વોડકા,” “દો પેગ માર,” “સેકન્ડ હેન્ડ જવાની,” જેવાં ગીતોનું શું કરીશું?

ઓક્કે, ફરી પાછા ‘બ્રહ્માસ્ત્ર’ પર પાછા ફરીએ તો, ઈસ ગીત કે બોલ હૈ અમિતાભ ભટ્ટાચાર્ય કે, ઔર ઈસે ગાયા હૈ અરિજિતસિંહને, સ્વરાંકન છે પ્રીતમનું. લોકોએ વાંધો અને વચકો એ કાઢ્યો છે કે કેવળ ‘કેસરિયા’ સાથે પ્રાસ બેસાડવા અમિતાભદાએ લવસ્ટોરિયાં ઘુસાડી દીધું. અમુકે તો એમ પણ કહ્યું કે પ્રાસ બેસાડવો જ હતો તો ‘પ્રેમકહાનિયાં,’ ‘ઈશ્કેદારિયાં,’ ‘જિંદ માહિયાં’ ક્યાં નથી?

બાકી અમિતાભ ભટ્ટાચાર્ય એક મજાના ગીતકાર છે. મારા કેટલાક પસંદીદા ગીતકારોમાંના એકઃ “અભી મુઝમે હૈ કહીં,” “ચન્ના મેરેયા,” “કબિરા,” “તેરા રાસ્તા છોડૂં ના,” “મન મસ્ત મગન,” જેવાં પોએટ્રી ગણાય એવાં ગીત એમણે આપ્યાં છે. વળી ‘કેસરિયાં’ એ કંઈ અમિતાભદાનું પહેલું ગીત નથી, જેમાં એમણે આવો પ્રયોગ કર્યો હોય. યાદ કરો ‘દેવ ડી’નું “ઈમોશનલ અત્યાચાર.” યાદ કરો ‘અય દિલ મુશ્કિલ’નું “બ્રેકઅપ” સોંગ. બલકે આવા પ્રયોગને લીધે જ એમનાં ગીતો ગણગણવાં ગમે છે. ‘કેસરિયા’ની નજીક આવતું એક સોંગ છે વરુણ ગ્રોવર લિખિત “ઓ વુમનિયા” (‘ગેંગ્સ ઓફ વસેપુર’).

કહેવાનું એટલું જ કે આ કંઈ એવો ઈન્ટરનેશનલ ઈશ્યૂ નથી, જેની પર આવા ને આટલા રાગડા તાણવામાં આવે. આ એક પ્યારનું, સ્નેહનું રોમાન્ટિક ગીત છે, કાંઈ પીએચડીનો થીસીસ નથી. અચ્છા, ‘કેસરિયા’ ગીતને તેલુગુ-કન્નડ-મલયાલમ તથા તમિળમાંયે સ્વરાંકિત કરવામાં આવ્યું છે. દખ્ખણની આ બધી ભાષાના ગાયક છે સિડ શ્રીરામ. હવે, આપણે તો એકેય ભાષામાં નથી સાંભળ્યું, પણ જેમણે સાંભળ્યું છે એમનું કહેવું છે કે હિંદી કરતાં આ બધી ભાષાનાં ‘કેસરિયાં’ ફાર બેટર, કારણ કે એમાં ‘લવસ્ટોરિયાં’ નથી. સિડ શ્રીરામ એ ફનકાર છે, જેમણે ‘પુષ્પા’નું ઓરિજિનલ “…શ્રીવલ્લી” સોંગ ગાયેલું.

કહેવાનું એટલું જ કે યાર, કવિ-ગીતકાર-સાહિત્યકારને આટલી તો છૂટ આપવી જ જોઈએ. જેમને આ કેસરિયાં ન ગમે એમણે ગુલઝાર સાહેબ રચિત, હૃદયાનથ મંગેશકર સ્વરાંકિત “કેસરિયા… બાલમા…. પધારો મ્હારે દેસ” સાંભળવું. ‘લેકિન’ ફિલ્મમાં લતાદીદીએ બે વર્ઝન ગાયાં છે. જલસો પડી જશે. ચૅલેન્જ. સાંભળીને કહેજો.