આ અઠવાડિયે મોજમસ્તી…’ થોડી મોડી રિલીઝ થઈ એનું એક નક્કર કારણ છે. ગઈ કાલે એટલે કે ગુરુવારે મોડી રાત સુધી હું મેટર લખી શક્યો નહીં, કારણ કે ‘કેજીએફ-ટુ’ જોઈને મારે કાનના સ્પેશિયલિસ્ટ ડૉક્ટર પાસે જવું પડ્યું. યાર, ઍક્શનનું પિક્ચર છે એમાં આટલો હથોડાછાપ ઘોંઘાટ, કાનના પરદા ફાટી જાય એવું બૅકગ્રાઉન્ડ મ્યુઝિક શું કામ?
ઍક્ચ્યુઅલી, ‘કેજીએફ-ટુ’ના બે પ્રકારના દર્શકો છેઃ “ભંગાર ફિલ્મ છે, દિમાગનું દહીં થઈ ગયું” કહેનારા અને “ક્યાબ્બાત હૈ, રૉકીભાઈએ એટલે કે હીરો યશે ન્યાલ કરી દીધા” કહેનારા. અમુક મારા જેવા મધ્યમમાર્ગી પણ છે, જે એ શોધવાનો પ્રયત્ન કરી રહ્યા છે કે ફિલ્મરસિકોને રીતસરના તાણી જતા આ તાઉતે વાવાઝોડામાં આખરે એવું તે છે શું?
સૌથી પહેલાં એક ચોખવટઃ હું દક્ષિણથી આવતી ફિલ્મોનો મોટો પંખો નથી. મને એ લોકોની ભાગ્યે જ કોઈ ફિલ્મ ગમી છે. જે ગમી એ પણ અમુક મલયાલમ ફિલ્મો. બાકી 10માંથી 9 ફિલ્મ ઓવર ધ ટૉપ હોય છે. જેમાં બેહિસાબ મારધાડ, સ્ટંટ, કઢંગાં નૃત્યો, મારીમચડીને ઊભી કરવામાં આવેલી કૉમેડી હોય છે. સિનેમેટિક લિબર્ટીને નામે એ લોકો કંઈ પણ બતાવે છે. કમથી કમ મારી સેન્સિબ્લિટીને આ બધું માફક નથી આવતું. ઓ હેલ્લો, આવું કહેવા માટે મારી અરેસ્ટ તો નહીં થાયને? કેમ કે હાલ ભારતીય સિનેમામાં ભળતો જ પવન ફૂંકાઈ રહ્યો છે.
ઓક્કે. ‘કેજીએફ-ટુ’ની વાર્તા ‘કેજીએફ 1’ જ્યાં પૂરી થયેલી ત્યાંથી આગળ ચાલે છેઃ ગુનાખોરીની દુનિયામાં મોટી બ્રાન્ડ બની ગયેલા રૉકીભાઈએ (યશ) કોલાર ગોલ્ડ ફિલ્ડ એટલે કે કેજીએફ પર કબજો કરી લીધો છે અને હવે ધંધાને વિસ્તારવાની યોજના ઘડી રહ્યો છે, પણ એણે બે દુશ્મનોનો સામનો કરવાનો છે. એક છે અધિરા (સંજય દત્ત) જે રૉકીને એના ઘરમાં ઘૂસીને મારવાની યોજના ઘડી રહ્યો છે અને, અને બીજાં છે દેશનાં વડાં પ્રધાન (રવિના ટંડન), જેમનું કેજીએફ વિસ્તારમાં કાંઈ ઊપજતું નથી. અંતે વિજય કોનો થાય છે? એ ધારી લેવા કોઈ પ્રાઈઝ નથી. બધાને બધી ખબર છે.
હવે વાત સફળતાનાં કારણોની. સૌથી પહેલાં તો કૅપ્ટન ઑફ ધ શિપ એટલે કે રાઈટર-ડિરેક્ટર પ્રશાંત નીલને સલામ. એમણે એક વાર્તા, એક વાતાવરણનિર્માણ કરવાની કલ્પના કરી ને એ કલ્પનાને પટ એટલે કે પરદા પર સુપેરે સાકાર કરી. ચતુરાઈપૂર્વકની વાર્તા, પરદાના પ્રેમમાં પાડી દેતી સિનેમેટોગ્રાફી, આંખો આંજી દેતા કલ્પનાતીત સેટિંગ્સ, વગેરે જેવી દરેક ટેક્નિકલિટીમાં પ્રશાંતનો સ્પર્શ દેખાય છે. બર્ડ આય્ અર્થાત્ પક્ષીની આંખો જેમ આકાશમાંથી નીચે જુવે એ રીતે ઊંચેથી ઝડપાયેલા સેટિંગ્સ એ પહેલી ‘કેજીએફ’ની ખાસિયત હતી. અહીં પણ એ કન્ટિન્યુઈટી પ્રશાંતે જાળવી રાખી છે. પ્રેક્ષક ફિલ્મ જોઈને થિએટરની બહાર નીકળે છે પછી પણ 180 મિનિટનો અનુભવ એના મગજમાં ઘુમરાયા કરે છે.
બીજી એક વાતઃ ભેજાબાજ પ્રશાંતે પહેલી ફિલ્મથી જ પ્રેક્ષકના મનમાં ઠસાવી દીધેલું કે, આ તો ખાલી એક ઝાંકી છે. વાર્તાનો મોટો ને મહત્વનો હિસ્સો તો બીજા ભાગમાં આવશે. આમ કરીને એમણે ચારેક વર્ષથી સિનેમાપ્રેમીમાં ઉત્કંઠા જગાડી. જેમ ‘મિરઝાપુર’ કે ‘ફૅમિલી મૅન’ જેવા વેબ-શોના બીજા મણકાની આતુરતાપૂર્વક વાટ જોતા એમ જ ‘કેજીએફ-2’ ક્યારે એની પ્રેક્ષકો પ્રતીક્ષા કરી રહ્યા હતા. એમનામાં આવી કુતૂહલતા જગાડવાનું શ્રેય પણ પ્રશાંતને મળે છે. બાકી રહ્યું તે યશે સંભાળી લીધું. આ કન્નડ ઍક્ટરની સ્ક્રીન પ્રેઝન્સ જબદસ્ત છે.
આનો અર્થ એ નહીં કે મને ફિલ્મ ગમી છે. ઑનેસ્ટ્લી, ‘કેજીએફ’ અને ‘કેજીએફ-ટુ’ મારા માટે નથી. દરેક ચીજનો અહીં અતિરેક છેઃ બૅકગ્રાઉન્ડ મ્યુઝિક, અકારણ ઘૂસી આવતાં-જતાં પાત્રો, વિચિત્ર સંવાદો (અહીં કોઈ બોલચચાલની ભાષામાં વાત કરતું જ નથી, બધા ડાયલોગ જ મારે છે). બાકી 1970ના દાયકામાં આવતી ગુંડાગીરી ને બૉસ ને અડ્ડા ને કારણવિનાની ડાયલોગબાજી (“લોભ તો સારી વાત છે, વિકાસનું બીજું નામ જ લોભ છે” અથવા “મૈં ખુદ એક બૂરા સપના હૂં”) 2022માં જોવી ગમતી હોય તો, પહોંચી જાઓ નજીકના મલ્ટિપ્લેક્સમાં ને મારો સીટી.