જેઠ વદ બીજની મંગળ સંધ્યાએ, મુંબઈના ઝરમર વરસાદી માહોલમાં, ગરમાગરમ ઍસોર્ટેડ ભજિયાંની સંગતે કોઈ સારી ફિલ્મ જોવાની લાયમાં હું એક પછી એક ઓટીટી પર કૂદકા માર્યા કરું છું ને અચાનક… ઝી5 પર સ્ટ્રીમ થઈ રહેલી ‘અર્ધ’ પર આવીને અટકું છું. કોઈ પણ જાણકારી વિના, માત્ર ટૂંકસાર વાંચીને ‘વૉચ ફુલ મૂવી’ પર ઓકે દબાવું છું અને…
જાણીતા મ્યુઝિક-કમ્પોઝર પલાશ મૂછાલે હવે ફિલ્મદિગ્દર્શન ક્ષેત્રે ઝંપલાવીને ‘અર્ધ’ સર્જી છે. આ ફિલ્મ એવાં પ્રતિભાશાળી સ્ટ્રગલર યુવાન-યુવતીઓને સમર્પિત છે, જેઓ ગૉડફાધર વિના બોલિવૂડમાં પોતાનું એક સ્થાન કંડારનારા શાહરુખ ખાન, વિકી કૌશલ, મનોજ બાજપાઈ, કાર્તિક આર્યન બનવાનાં સપનાં બગલથેલામાં નાખીને ગાડીમાં ચડી બેસે છે. મુંબઈ આવ્યા બાદ આમાંનાં અમુક સફળ થાય છે, અમુક આખી જિંદગી સ્ટ્રગલર રહી જાય છે, અમુક જીવનભર નાના-મોટા રોલ કર્યા કરે છે, તો કોઈ વળી ઈતર વ્યવસાય-નોકરી શોધી લે છે, અથવા કંટાળીને પાછાં જતાં રહે છે.
નાટ્યકલાકાર શિવા (રાજપાલ યાદવ) પણ આવો જ એક સંઘર્ષશીલ અભિનેતા છે. સિનેમામાં એન્ટ્રી મેળવવા એ રોજ પ્રોડ્યુસરોની ઑફિસમાં ધક્કા ખાય છે, પણ બાત બનતી નથી. એમાં વળી એની નાટક-કંપની બંધ થઈ જતાં આર્થિક સંકટ આવી પડે છે. એ દિવસે શિવા નાટકના મહિલા-પાત્રના ગેટઅપમાં જ બહાર નીકળી બસની પ્રતીક્ષામાં હોય છે ત્યાં કોઈ વટેમાર્ગુ એને વ્યંડળ સમજી પૈસા આપે છે ને કહે છે, “આશીર્વાદ આપો.” શિવાને થાય છે કે કમાણીનું આ એક અચ્છું સાધન છે. એ કિન્નર બનીને વિવિધ વિસ્તારમાં પૈસા માગવા માંડે છે. આમ શિવાની અંદર ધરબાયેલી પાર્વતી પરિવારની નાનીમોટી જરૂરિયાત પૂરી કરતી રહે છે. આ સાથે ફિલ્મ માટે ટેસ્ટ આપવાનું પણ ચાલુ જ છે, પત્ની મધુ (રુબિના દિલૈક) એને હિંમત આપતી રહે છે. પછી શું થાય છે? તમે જ જોઈ લો.
ફિલ્મની વાર્તા નિઃશંક હૃદયસ્પર્શી છે. મુંબઈ શહેરમાં ફિલ્મ-નાટક જેવા, આવકની અનિશ્ચિતતાવાળા વ્યવસાય સાથે સંકળાયેલા, ખાસ કરીને સ્ટ્રગલરોની મનોઝંઝટ રાજપાલ યાદવે સુપેરે રજૂ કરી છે. આવકની અનિશ્ચતતા વિકરાળ બની જાય જ્યારે પત્ની, બાળક, પૂરા ઘરસંસારની જવાબદારી ખભા પર હોય. ઑડિશન આપ્યા બાદ સતત “નો નો નો… નૉટ ફિટ” સાંભળી સાંભળીને એના કાન પાકી જાય છે, સતત રિજેક્શનનો, નેપોટીઝમનો અનુભવ કરે છે. ક્યારેક એને ટૂંકું કદ નડી જાય છેઃ “છોટી હાઈટ વાલોં કે લિયે ઑડિશન નહીં હૈ” એવું સાંભળીને શિવા પૂછે છે કે “તો છોટી હાઈટ વાળાનું ઑડિશન ક્યાં છે એટલું કહી દો…”
રાજપાલને સપોર્ટ આપ્યો છે રુબિના દિલૈકે. ‘બિગ બૉસ 14’ બાદ છવાઈ જનારી રુબિનાને અભિનયકૌશલ બતાવવાની સારી તક મળી છે, જે એણે વેડફી નાખી એવું તો ન કહી શકાય, પણ પાત્ર વાધારે નિખારી શકાયું હોત. શિવાના મિત્રની ભૂમિકામાં કસાયેલો કલાકાર હીતેન તેજવાની છે. સાથે કુલભૂષણ ખરબંદા, સ્વસ્તિક તિવારી છે.
આ ફિલ્મ એક બહેતરીન કૃતિ બનવાનું કૌવત ધરાવતી હતી, જો પટકથા-દિગ્દર્શન પર વધુ મહેનત કરવામાં આવી હોત. એને બદલે ‘અર્ધ’ સરેરાશ ફિલ્મ બનીને અટકી જાય છે. જો કે હું આ ફિલ્મ ખાસ રાજપાલ યાદવની અદાકારી, ક્લાઈમેક્સ તથા ત્રીસેક સેકન્ડ્સના એના મોનોલોગ માટે ભલામણ કરું છું.