વાચકોનું કહેવું છે કે…

બે’ એક અઠવાડિયા પહેલાં અહીંથી અર્જુન પિક્ચરની વાત માંડેલી, જેને અનેક વાચકોએ વધાવી લીધેલી, અનેકે પોતાની એક્સપર્ટ કમેન્ટ્સ પણ આપી. ગયા અઠવાડિયે એ લેવાનું આયોજન પણ કરેલું, કિંતુ સિંગર કેકેનું અકાળ અવસાન થતાં આપડે એમને શ્રદ્ધાંજલિ આપી. તો હવે આ વખતે મમળાવો અર્જુન વિશેના ચૂંટેલા પ્રતિભાવ…

જેમ કે

સુરતથી દિવ્યા ગોહિલ લખે છે કે ‘અર્જુન’માં પરેશ રાવલ કેવી રીતે આવ્યા એની એક ઈન્ટરેસ્ટિંગ કથા છે, જે ખુદ પરેશભાઈએ જ એક ઈન્ટરવ્યૂમાં વર્ણવેલી. પરેશભાઈ અને ફિલ્મના નિર્માતા કરીમ મોરાણી કૉલેજમાં સાથે ભણતા. પરેશભાઈ તખ્તા પર મસ્ત અભિનય કરતા એ કરીમભાઈને ખબર એટલે ‘અર્જુન’ના નિર્માણ વખતે એમણે પરેશભાઈને રોલ ઑફર કર્યો. પરેશભાઈએ હા પાડી એટલે ડિરેક્ટર રાહુલ રવૈલે મટકાકિંગ અનુપ લાલનું પાત્ર સમજાવ્યું. શૂટિંગના દિવસે પરેશભાઈએ બ્રિલિયન્ટ શૉટ આપ્યો ને બધાએ એમને તાળીથી વધાવી લીધા… બહોત ખૂબ દિવ્યાબહેન.

જેમ કે…

સંસ્કારનગરી વડોદરેથી પૂરવ નાયક મારો કાન આમળતાં પૂછે કે ‘અર્જુન’ સુપરહીટ થતાં એ કન્નડમાં ‘સંગ્રામા’ના નામે, તમિળમાં ‘સથ્યા’ના નામે અને સિંહાલા ભાષામાં ‘સુરાનિમાલા’ના નામે બની એ લખવાનું કેમ ભૂલી ગયા? શ્યોરી હોં, પૂરવભાઈ…

જેમ કે…

જામનગરથી જનાબ ઈકબાલભાઈ લખે છે કે 1985નું વર્ષ બોલિવૂડ ઈતિહાસમાં ઈન્ટરેસ્ટિંગ વર્ષ હતું, જેમાં નામચીન કલાકારોની વાહિયાત ફિલ્મો રજૂ થઈ અને ઓછા જાણીતા કલાકારોની ફિલ્મો ચાલી પડી. જેમ કે રાજીવ કપૂર-મંદાકિનીની ‘રામ તેરી ગંગા મૈલી’ સુપર હિટ તો અમિતાભ બચ્ચનની ‘ગિરફતાર’ રેઢિયાળ. મિથુન ચક્રવર્તી-પદ્મિની કોલ્હાપુરેની ‘પ્યાર ઝૂકતા નહીં’ સુપરહીટ હતી, જ્યારે વિનોદ મેહરા-જિતેન્દ્ર-જયાપ્રદાની ‘સંજોગ’ ફ્લૉપ. આ બધામાં ‘અર્જુન’ સુપર બેસ્ટ.

-અને આ એ વર્ષ હતું, જેમાં જેપી દત્તાની ‘ગુલામી’ રિલીઝ થઈ, જેના સોંગ “ઝિહાલ-એ-મસ્કીં મકુન બા-રંજિશ”ને આજની ઈન્સ્ટાગ્રામયુગ જનરેશન પણ યાદ કરે છે, એની પર જોક્સ, મીમ્સ બને છે.

જેમ કે…

મુંબઈના મુલુંડ પરામાંથી એક ભાઈ કહે છે કે મારું નામ નહીં લખતા, પણ ‘અર્જુન’ સાથે મારી, અમારી બહુ જ કડવી સ્મૃતિ સંકળાયેલી છે. તમે સાચું જ લખ્યું કે તે સમય મુંબઈની ઐતિહાસિક મિલહડતાળનો હતો. મારા પિતા અને કાકા એક જ મિલમાં હતા, અમારું સંયુક્ત કુટુંબ હતું, હડતાળના કારણે ઘરના બે મોભીની નોકરી જતાં અમારાં માથે આભ તૂટી પડ્યું. હું ત્યારે 14 વર્ષનો હતો. તે વખતે મને અર્જુન માલવણકર જેવા બની પિતા-કાકાને મદદ કરવાનું મન થઈ આવેલું.

જેમ કે…

અંતે, પ્રિન્સ્ટન, ન્યુ જર્સીથી ગિનીબહેન માલવિયા લખે છે કે ‘અર્જુન’નું મારું ગમતું ગીત છે “દુનિયા માને બૂરા તો ગોલી મારો…” મારી પ્રકૃતિ અનુસાર એમાં દુનિયાને ગોળી મારવાની વાત છે. ખેર, આ મૂવી સાથે મારી જરા જુદી સ્મૃતિ સંકળાયેલી છે. ફિલ્મ રિલીઝ થઈ એ વર્ષ અનામત આંદોલનનું વર્ષ હતું. તે સમયે રાતના હુમલાથી બચવા પાલડીની અમારી સોસાયટીમાં રોજ કોઈના ઘરઆંગણે ભેગાં થઈ ચોકી કરતાં. નાસ્તો અને “આઈ લવ યૂ રસના”વાળા ઑરેન્જ શરબતની ઉજાણી થતી. અમારો વારો આવ્યો ત્યારે કમ્પાઉન્ડમાં ભાડાનાં વીસીઆર-કેસેટ લાવી ‘અર્જુન’નો શો રાખ્યો. બીજા દિવસે સવારે આમંત્રણ નહીં પામેલા ચાર ઘર દૂરના પડોશીએ કહ્યું, “કાલે રાત જાગીને તારા ઘરેથી આવતા ‘અર્જુન’ના ડાયલોગ્સ સાંભળ્યા.” આ હતો ‘અર્જુન’ મૂવીનો જાદુ.

હમણાં ‘મોજમસ્તી’…માં આ ફિલ્મ વિશે તમારો લેખ વાંચ્યો. એમાં તમે બૅકગ્રાઉન્ડ મ્યુઝિકનો ઉલ્લેખ કર્યો છે. લેખ વાંચીને મેં તરત યુટ્યૂબ પર ફરી એક વાર ‘અર્જુન’ જોયું અને ખરેખર, ઈન્ટેન્સ સીન્સ વખતે પંચમદાએ જે બૅકગ્રાઉન્ડ મ્યુઝિક આપ્યું છે એનાથી એ સીન્સ ઔર નીખરી ઊઠ્યા છે. સ્મૃતિસફર પર લઈ જવા બદલ બિગ થૅન્કયુ.

તો મિત્રો, કોઈ બી ઈન્ટરેસ્ટિંગ મૂવી વિશે તમારી કોઈ બી સ્મૃતિ હોય તો જરૂરથી શૅર કરજો, ચિત્રલેખાના એફબી પેજ વિશે તો જાણો જ છોને?