મોગેમ્બો કરતાં કંઈક વિશેષ હતા આ અભિનેતા…

નાનકડા ડુંગર જેવી પ્રભાવશાળી, પડછંદ કાયા, તગતગતી-કરડી આંખો, ઘેઘૂર અવાજ… અમરીશલાલ નિહાલચંદ પુરી જો આજે (22, જૂન, 2022) હયાત હોત તો 90મો જન્મદિન ઊજવતા હોત અને આપણને આમંત્રણ આપ્યું હોતઃ

“આઓ કભી હવેલી પે…”

-અને અમરીશજી આજે હયાત હોય તો ‘નગીના’માં મદારી ભૈરવનાથની ભૂમિકા ભજવતી વખતે બોલેલા સંવાદના મીમ્સ, જોક્સ, ગીત જોઈ-સાંભળીને અચંબિત થયા હોત.

મૂળ રંગભૂમિના જીવ અમરીશ પુરીએ આયુના 39મા વર્ષે પરદા પર એન્ટ્રી મારી, સાત ભાષાની સાડાચારસો જેટલી ફિલ્મોમાં કામ કર્યું.

બાળપ્રેક્ષક તરીકે હું ફિરોઝ ખાનની ‘કુરબાની’ જોવા ગયો ને અમરીશ પુરીનો પરિચય થયો. આજેય એ સંવાદ યાદ છેઃ “હમારા આદમી પેહલે જિંદગી સે અલગ હોતા હૈ, બાદ મેં હમસે.” એના થોડા સમય બાદ, 1984માં પુરીસાહેબની, સ્ટિવન સ્પિલબર્ગ દિગ્દર્શિત ‘ઈન્ડિયાના જોન્સ ઍન્ડ ધ ટેમ્પલ ઑફ ડૂમ’ આવેલી. એ પહેલાં પુરીસાહેબ ‘નિશાંત’ -‘મંથન’-‘ભૂમિકા’-‘આક્રોશ’-‘મંડી’ જેવા પૅરેલેલ સિનેમામાં આવેલા. ગોવિંદ નિહલાનીની ‘અર્ધસત્ય’માં એ ઓમ પુરીના કડક શિસ્તવાળા પિતાની નાનકડી પણ દમદાર ભૂમિકામાં હતા. આ ઉપરાંત બાપુની ‘હમ પાંચ,’ સુભાષ ઘાઈની ‘વિધાતા,’ ‘હીરો’ તથા રમેશ શિપ્પીની ‘શક્તિ’માં પોતાનો અભિનય-કરતબ બતાવી ચૂકેલા. સુભાષજીએ પછી તો ‘ખલનાયક,’ ‘રામ લખન,’ ‘સૌદાગર,’ વગેરે જેવી ફિલ્મો બનાવી, જેમાં મુખ્ય ખલનાયક તો અમરીશજી જ રહેતા. હા, ‘પરદેસ’માં જરા જુદી ભૂમિકા આપેલી.

2005ના જાન્યુઆરીમાં આ દુનિયામાંથી આખરી એક્ઝિટ લેનારા અમરીશ પુરી માત્ર મોગેમ્બો કે બલવંતરાય કે દોંગ એટલે કે પ્રતિભાશાળી વિલન હતા એમ કહેવું સરાસર ગલત ગણાશે. એ તો એક કસાયેલા કલાકાર હતા, હા, 1980ના દાયકાની બીબાંઢાળ ફિલ્મોમાં ખલનાયક બની બનીને કૅરિકૅચર જેવા બની રહ્યા. હા, વચ્ચે વચ્ચે રાજકુમાર સંતોષીની ‘ઘાયલ’ કે ‘દામિની’માં એમને કૌવત બતાવવાનો મોકો મળતો.

પછી 1993માં આવી પ્રિયદર્શનની ‘ગર્દિશ.’ યાદ કરો અમરીશજીએ ભજવેલું પાત્ર કૉન્સ્ટેબલ પુરુષોત્તમ સાઠે, જેનું એકમાત્ર સપનું હોય છે દીકરા શિવા સાઠે (જૅકી શ્રોફ)ને પોતાની જેમ પોલીસમાં ભરતી કરાવવનું, પણ પછી પિતા-પુત્રનો ભ્રમ ભાંગે છે ને પંચમદા સર્જે છે કર્ણપ્રિય રચનાઃ “હમ ન સમઝે થે બાત ઈતની સી, ખ્વાબ શીશે થે, દુનિયા પત્થર થી…”

અહીંથી અમરીશ પુરીનો એ નવો પ્રવાસ શરૂ થયો, હા, વચ્ચે ‘કરણ અર્જુન’ કે ‘હલચલ’ (1995) પણ આવી જતી. અને 1995માં આવી આદિત્ય ચોપરાની ‘દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે’. એ પછી ભાગ્યે જ કોઈ સર્જકે એમને સ્મગલર કે ડૉન કે ડાકુ બનાવવાની હિંમત કરી. આવા દિગ્દર્શક હતાઃ કેસી બોકાડિયા (‘લાલ બાદશાહ’), અબ્બાસ-મસ્તાન (‘બાદશાહ’) એસ. શંકર (‘નાયક’), વગેરે.

રૂપેરી પરદા પર સુધરી ગયા બાદ અમરીશ પુરીએ ‘ઘાતક,’ ‘વિરાસત,’ ‘ફૂલ ઔર કાંટે,’ ‘મુજસે શાદી કરોગે,’ ‘હલચલ’ (2004) જેવી ફિલ્મો આપી.

અમરશી પુરીની ખતરનાક લાલ આંખો કે એમના મોંમાંથી નીકળતા સંવાદ, જેવા કે, “જબ ભી મૈં કિસી ગોરી હસીના કો દેખતા હૂં મેરી દિલ મેં સેંકડો કાલે કુત્તે દૌડને લગ જાતે હૈ… તબ મૈં બ્લૅક ડૉગ વ્હિસ્કી પીતા હૂં” જોતાં-સાંભળતા મોંમાંથી લાળ ટપકાવતા ખતરનાક બ્લૅક ડૉગની યાદ આવે ને થથરી જવાય, પણ પછી કમલ હસનની ‘ચાચી 420’ જોઈને એમની કોમિક ટાઈમિંગ સામે ઝૂકી જવાનું મન થાય. યાદ છે, ઓમ પુરી જ્યારે મુસ્લિમ રસોઈયા (નાસીર)ને શ્ર્લોક, વગેરે બોલવા કહે છે એ સીન? સેક્રેટરી (ઓમ પુરી)ની આવી ખણખોદથી છંછેડાયેલા દુર્ગાપ્રસાદ ભારદ્વાજ (અમરીશ પુરી) તાડૂકે છેઃ “અરે ઉસસે ખાના બનવાના હૈ યા તુમે હવન કરવાના હૈ?”

કોઈ એક વ્યક્તિને સસ્મિત વદને ધિક્કારી શકાય? હા, જો એ અમરીશ પુરી નામના ઑસ્સમ ઍક્ટર હોય તો.