સોશિયલ મિડિયા એક એવો ધોબીઘાટ છે, જ્યાં ભલભલા સ્ટાર્સની ધોલાઈ થતી રહે છે. અને અહીં ડર્ટી લિનન-વૉશિંગ માટે વર્ડ છેઃ ટ્રોલિંગ. સિનેસ્ટારની એકાદ વાત કે કમેન્ટ કે ફોટું પસંદ ન આવ્યાં તો લોકો એને ટ્રોલ કરવા માંડે છે એટલે કે એની પાછળ પડી જતા હોય છે. ઘણા સ્ટાર્સનાં નસીબ ઊંટ પર બેઠા હોય તો પણ શ્વાન બચકું ભરી લે એવાં હોય છે એટલે ટ્રોલિંગ બાદ સફાઈ આપે તો એ માટે પણ ટ્રોલ થાય છે. આનું તાજું ઉદાહરણ છે આપણા મહાન દેશભક્ત નટ અક્ષય કુમાર.
આમ તો અક્ષયભાઈ પીએમનો ઈન્ટરવ્યૂ લેવા માટે, ‘લક્ષ્મી’ ફિલ્મમાં કામ કરવા માટે કે પછી પત્ની ટ્વિન્કલની અમુક વાત માટે ટ્રોલ થતો રહે છે. લેટેસ્ટ વજહ છે એની વિમલ (સિલ્વર કોટેડ) એલચીની જાહેરખબર.
હવે એ તો ધાવણું છોકરું પણ જાણે છે કે આવીબધી ઍડનો સંબંધ ઍક્ચ્યુઅલી કંઈ ચીજ સાથે હોય છે. સ્ટાર જો એમ કહે કે “ખૂબ જમેગા રંગ, જબ મિલબૈઠેગેં તીન યારઃ આપ મૈં ઔર અમુકતમુક સોડા” ત્યારે સ્ટારનો ઈશારો કોની તરફ છે એ સૌને ખબર હોય છે.
અક્ષયની વાત કરીએ તો, વિમલ એલચીની ઍડમાં કામ કરવા માટે એના પ્રશંસકો પાછળ પડી ગયા એટલે એણે માફી માગી લીધી અને કહ્યું કેઃ આ જાહેરાતમાં કામ કરવા માટે જે પૈસા મળ્યા એ હું સદકાર્યમાં ખર્ચીશ. વિમલવાળા ચાહે તો કૉન્ટ્રેક્ટ પૂરો થાય ત્યાં સુધી ઍડ બતાવવાનું ચાલુ રાખી શકે છે… પ્રશંસકોનાં દિલ દુભાયાં હોય તો માફી માગું છું. બાકી તમાકુની ઍડ તો હું કરું જ નહીં.
આ વાંચીને અમુક ભેજાંબાજોએ એની એક જૂની ‘રેડ ઍન્ડ વ્હાઈટ’ સિગારેટની જાહેરખબરની કાપલી મોકલીઃ “તો આ શું છે, ભઈલા?” આપણામાં કહેવત છેનેઃ દોઢડાહ્યો વધુ ખરડાય.
બીજી એક વાતઃ ભઈ, જો એ સીધીસાદી એલચીની ઍડ હતી તો આમ પીછેહઠ કરવાની શું જરૂર હતી? અને જો એ તમાકુની ઍડ હતી તો માફી-દાન-ધર્માદાના વરખવાળી ઢોંગી એલચી ફૅન્સનાં મોંમાં ઓરવાની શું જરૂર હતી? બીજી એક વાત- અક્ષય કહે છે કે કૉન્ટ્રેક્ટ મુજબ થોડો સમય આ વિજ્ઞાપન ટેલિવિઝન પર આવતી રહેશે. એમ તો અમિતાભ બચ્ચને માફી માગી છતાં આજની તારીખે એ ઍડ (રણવીરસિંહ સાથે) તો આવતી રહે છે. અલ્લે ભાઈ, જો તમને બહુ લાગી આવ્યું હોય તો ઍડ અબઘડીથી જ બંધ કરાવી દોને. છોને એ માટે પૈસા ચૂકવવા પડે. કૉન્ટ્રેક્ટમાં આની જોગવાઈ પણ હોય જ છેને?
ડિયર રીડર, તમારું શું કહેવું છે?
* * *
ગયા વીકના ‘કેજીએફ-2’વાળા લેખ વિશે જાતજાતના પ્રતિભાવ મળ્યા, ઈમોજી મળ્યાં. શેમારૂવાળા કેતનભાઈથી લઈને મલાડના મુકેશભાઈ, એટલાન્ટાના નીમિષભાઈ, એન્ટવર્પના અલકેશભાઈ, અમદાવાદના મન્નુ શેખચલ્લી સુધીના વાચકોનો એક જ સૂર હતોઃ ‘તમે જે કહ્યું એની સાથે સંમત.’ પરંતુ સૌથી બેસ્ટ પ્રતિક્રિયાનું પ્રાઈઝ મળે છે ફિલ્મ-વેબશોના લેખક, કવિ નીરેન ભટ્ટને. એમણે કહ્યું-
“સરસ લખાણ. બધા ચોંટી પડ્યા છે કે બોલીવૂડને હીરોઈઝમ આવડતું નથી… લખાણમાં ‘લોભ સારી વાત છે’ એ સંવાદનો ઉલ્લેખ છે તો જત જણાવવાનું કે એ 1987માં આવેલી ડિરેક્ટર ઑલિવર સ્ટોનની ‘વૉલ સ્ટ્રીટ’ ફિલ્મમાંથી ઉઠાવેલું છે. ફિલ્મમાં માઈકલ ડગ્લસે આપેલી એની આકનિક સ્પીચમાં કહેલું કે ‘ગ્રીડ ઈઝ ગુડ…’ બાકી, સેક્સ-વાયોલન્સ-હિંસાનું તો પૉર્ન ફિલ્મ જેવું છે. એ માનવીની આદિમ વૃત્તિઓને સ્પર્શે છે, હંમેશાં લોકોને જોવું ગમે છે. સર્જક તરીકે એમ કરવું (બતાવવું) સહેલું છે, પણ પ્રેક્ષકને વિચારમાં પાડી દે એવી વાર્તા કહેવી અઘરી છે.”
બહોત ખૂબ નીરેન દાદા. ફીડબૅક બદલ સર્વે મિત્રોનો ખૂબ ખૂબ આભાર