સોશિયલ મિડિયાની કુંજગલીમાં નિયમિત લટાર મારનારાઓએ થોડા સમય પહેલાં એક વિડિયો જોયો હશે. આપણા શરમન જોશી-આમીર ખાન અને આર. માધવને મળીને શરમનની ફિલ્મ ‘કૉન્ગ્રેચ્યુલેશન્સ’ના પ્રચારાર્થે આ વિડિયો શૂટ કરેલો. સૌ જાણે છે એમ આ ત્રિપુટીએ થ્રી ઈડિયટ્સમાં કામ કરેલું. આ વિડિયોમાં ‘થ્રી ઈડિયટ્સ’ની સિક્વલનો કંઈ ઉલ્લેખ થયેલો. પછી તો ‘થ્રી ઈડિયટ્સ’ની હીરોઈન કરીના કપૂરે એ શૅર કર્યો ને વાઈરલ થતો થતો બોમન ઈરાની પાસે પહોંચ્યો, જેમણે નવો વિડિયો બનાવ્યો ને કહ્યું કે “વાઈરસ વિના તમે ‘થ્રી ઈડિયટ્સ’ની કલ્પના પણ કેવી રીતે કરી શકો? સારું થયું, કરીનાએ મને ફોન કરીને તમારા ત્રણનો વિડિયો જોવાનું કહ્યું એટલે મને ખબર પડી…”
હવે, આમાં કોણ કોનો પ્રચાર કરી રહ્યું છે એ તો બધું વાજતેગાજતે માંડવે આવશે ત્યારે ખબર પડશે, પણ વાત બોમન ભાઈની કરવી છે. બોમનજી ફિલમલાઈનમાં કેવી રીતે આવ્યા એની કહાણી ઈન્ટરેસ્ટિંગ છે. મુંબઈના ગ્રાન્ટ રોડ વિસ્તારમાં બોમન ઈરાનીના પિતાની દુકાન હતી. 1959ના ડિસેમ્બરમાં બોમનનો જન્મ થયો એના છ મહિના પહેલાં પિતાનો દેહાંત થયો. દસ બાય સાડાચાર ફૂટની દુકાનમાં ભઠ્ઠી હતી, જેમાં વેફર બનતી. દુકાનની આસપાસ ‘નૉવેલ્ટી,’ ‘અપ્સરા’ જેવાં સિંગલ સ્ક્રીન થિએટર હતાં, થોડેક આઘે ‘ઍલેક્ઝેન્ડર’ ટૉકીઝ હતી. મૂડ બની જાય તો એ ફિલ્મ જોવા બેસી જતા.
જુવાનીમાં એટલે એ પચીસના થયા ત્યારે ક-મને બેકરીના ગલ્લે બેસવાનું આવ્યું. એમના કહેવા મુજબ, એમણે ઍક્ટિંગ આ ગલ્લા પર બેસીને શીખી લીધી. કેમ કે દુકાનમાં વેફર લેવા જાતજાતના ઘરાક આવતા, બોમન એમની સાથે ગપ્પાં મારતા, એમનું નિરીક્ષણ કરતા. ગુજરાતી, મરાઠી, મદ્રાસી, વગેરે ઘરાકોની ભાષા, એમના હાવભાવ મગજની બૅન્કમાં જમા કર્યે જતા.
તે પછી સંજોગ એવા સર્જાયા કે એમણે પાલવા બંદર પર આવેલી ફાઈવ સ્ટાર તાજ હોટેલમાં રૂમ સર્વિસ બૉય તરીકે નોકરી લેવી પડી. હાથમાં ટ્રે લઈને એક પછી એક રૂમોમાં ચા-નાસ્તો-ભોજન, વગેરે લઈ જતા. સાથે ફોટોગ્રાફી પણ કરતા. એક દિવસ મિત્ર શામક દાવર (જાણીતા કોરિયોગ્રાફર) એમના સ્ટુડિયોમાં ફોટા પડાવવા આવ્યા. શામક એમને નાટ્યદિગ્દર્શક અલેક્ પદમશી પાસે લઈ ગયા ને અહીંથી એમની રંગભૂમિની કારકિર્દી શરૂ થઈ.
આ દરમિયાન (2001થી 2003) એમણે બે-ત્રણ ફિલ્મોમાં કામ કર્યું, પણ ખાસ નોંધનીય ભૂમિકા નહોતી. ત્યાર બાદ એમણે રામ માધવાની (નિર્જા અને વેબસિરીઝ આર્યાના સર્જક)ની ‘લેટ્સ ટૉક’ નામની ફિલ્મમાં કામ કર્યું. રામ માધવાનીએ આ ફિલ્મ વિધુ વિનોદ ચોપડાને બતાવી. એ બોમનના અભિનયથી ખાસ્સા પ્રભાવિત થયા અને એમને મળવા બોલાવ્યા. મિટિંગમાં વિધુએ એમના હાથમાં ચેક પકડાવતાં કહ્યું કે “આપણે સાથે મળીને કંઈ કરીશું.”
ઈન્ટરેસ્ટિંગ વાત એ છે કે બોમનને હિંદી ફિલ્મમાં કામ જ કરવું નહોતું કેમ કે એમનું હિંદી ખરાબ હતું. થોડા દિવસ બાદ વિધુએ એમને કહ્યું કે “આપણે મુન્નાભાઈ એમબીબીએસ નામની ફિલ્મ બનાવીએ છીએ, તમારે એમાં કામ કરવાનું છે.”
એક ઈન્ટરવ્યુમાં બોમનજીએ મને કહેલું કે, “સાચું કહું તો મને ફિલ્મનું શીર્ષક જ ગમ્યું નહોતું. ‘મુન્નાભાઈ એમબીબીએસ?’ આ વળી કેવું ટાઈટલ? પછી મારે રાજકુમાર હીરાણી (ડિરેક્ટર) મળવું એવું નક્કી થયું. મને એમ કે પંદર મિનિટમાં વાત પતાવીને ભાગી જઈશ, પણ અમે છ કલાક બેઠા, મારા કેરેક્ટર વિશે ડિટેલમાં ચર્ચા કરી…”
ફિલ્મ રિલીઝ થઈ અને બાકી ઈતિહાસ. મેડિકલ કૉલેજના ડીન ડૉ. અસ્થાના સૌને ગમી ગયા. પછી તો ‘લગે રહો મુન્નાભાઈ’માં એ પંજાબી એસ્ટેટ એજન્ટ લકીસિંહ બન્યા.
બોમન જે જે પાત્રો ભજવે એ ફિલ્મપ્રેમીનાં મગજમાં હંમેશ માટે કોતરાઈ જાય. જેમ કે ‘ખોસલા કા ઘોસલા’ના લૅન્ડ માફિયા કિશન ખુરાના, ‘3 ઈડિયટ્સ’ના વીરુ સહસ્રબુદ્ધે અથવા વાઈરસ, ‘જોલી એલએલબી’ના ઍડવોકેટ રાજપાલ, ‘હાઉસફુલ’ના બટુક પટેલ, ‘જયેશભાઈ જોરદાર’ના સમર્થ પારેખ, કે પછી ગયા વર્ષે રિલીઝ થયેલી ‘ઊંચાઈ’ના જાવેદ સિદ્દીકી.
પત્ની ઝેનોબિયા અને બે પુત્રો કાયોઝ અને દાનેશ સાથે મુંબઈમાં વસતા બોમન ટૂંક સમયમાં પ્રિય મિત્ર રાજકુમાર હીરાણીની ‘ડંકી’માં દેખાશે.