મિસિસ ચેટર્જી વર્સીસ નૉર્વેઃ સંતાનો માટે લડતી મર્દાની માતા

જય હો ‘નાટુ નાટુ…’ જય હો ગજરાજ, ‘ધ એલિફન્ટ વ્હિસ્પરર્સ…’ જય ઓસ્કાર. હજી કાનમાં એનાં નગારાં વાગ્યાં કરે છે ત્યારે એક અવળચંડો સવાલ મનમાં થાય છે કે “આપણે કેમ હજી સુધી લિયોનાર્દો ડીકાપ્રિયોને કે કેટ વિન્સ્લેટને કમલાપસંદ પાનમસાલા ફિલ્મફૅર એવૉર્ડ નથી આપ્યો. હેં?”

ઓલરાઈટ ઓલરાઈટ, આજે વાત ઓસ્કારની કે એ જેને જેને એનાયત થયો તે તે ભારતીય કૃતિ કે એના સર્જકોની કરવાની નથી. “તો પછી આરંભમાં એવૉર્ડની પળોજણ શું કામ કરી?” એવું જો તમે પૂછો તો સવાલ એકદમ વાજબી છે. એની વાત આપણે ધી એન્ડમાં કરીશું. અત્યારે જેનાં લગન છે એનાં ગીત ગાઈએઃ ‘મિસિસ ચેટર્જી વર્સીસ નૉર્વે’ આજે (17 માર્ચે) રિલીઝ થઈ છે. ‘મર્દાની ટુ’ (2019) પછી રાણી મુખર્જી ફરીથી બિગ સ્ક્રીન પર લૌટી છે. આ ફિલ્મ જે સત્ય ઘટના આધારિત છે તે કંઈ આમ છેઃ

કોલકાતાની સાગરિકા ચક્રવર્તીનાં લગ્ન જિઓફિઝિસ્ટ અનુરૂપ ભટ્ટાચાર્ય સાથે થયાં ને 2007માં નવદંપતી નૉર્વેમાં સૅટલ થયાં. એકાદ વર્ષ બાદ એમને ત્યાં બાબો જન્મ્યો, અભિજ્ઞાન. થોડા સમયમાં એમને બાળકમાં ઑટીઝમનાં ચિહ્ન દેખાવા માંડ્યાં. 2010માં અભિજ્ઞાનને એની સારસંભાળ લેતા એક ફૅમિલી કિન્ડરગાર્ટનમાં મૂકવામાં આવ્યો. આ દરમિયાન સાગરિકાએ બેબી ઐશ્વર્યાને જન્મ આપ્યો. મુસીબતની શરૂઆત 2011થી થઈ. ‘બર્નેવેર્નેટ’ (ચાઈલ્ડ પ્રોટેક્શન) તરીકે ઓળખાતી નૉર્વેના બાળકલ્યાણ વિભાગને લાગ્યું ભટ્ટાચાર્ય કપલ એમનાં બાળકોના ઉછેર પ્રોપર તરીકાથી નથી કરતું એટલે એમણે બન્ને બાળકોના કબજા લઈ એમને ફૉસ્ટર હોમમાં મોકલી આપ્યાં.

વારુ. શું ઈલ્ઝામ હતો એમની પર? બાળકો સૂતા એ જ પલંગ પર કપલ પણ સૂતું હતું, હેન્ડફીડિંગ, જેન નૉર્વેમાં જબરદસ્તી ગણવામાં આવે છે, એ માટે કડક સજાની જોગવાઈ છે. અને હા, એકાદ વાર સાગરિકાએ બેમાંથી એકને લાફો ચોડી દીધેલો.

ભારતીય સંદર્ભમાં આ બધું કદાચ નૉર્મલ ગણાય, પણ નૉર્વેમાં આ જઘન્ય અપરાધ ગણાય. ત્યાં બાળક અને બાળઉછેરને લગતા કડક કાયદા છે. પછી તમે ભલે ગમે તે કલ્ચરમાંથી આવતા હોવ. ભટ્ટાચાર્યદંપતીને કહેવામાં આવ્યું કે અભિજ્ઞાન-ઐશ્વર્યા અઢારનાં થશે ત્યારે પાછાં મળશે. એ પછી બાળકો પાછા મેળવવા ચાલી અદાલતી લડાઈ, સામસામી દલીલ… રોજેરોજ કોર્ટકેસ વિશે નૉર્વે તેમ જ ભારતનાં પ્રચાર, પ્રાસરમાધ્યમમાં વિગતો આવતી, નૉર્વેના વિચિત્ર બર્નેવેર્નેટ (ચાઈલ્ડ પ્રોટેક્શન)ની ચોમેર ટીકા થવા લાગી. આ તો સ્ટેટ-સ્પૉન્સર્ડ કિડનેપિંગ જ થયું, એને (બર્નેવેર્નેટને) ભારતીય બાળઉછેર વિશે કશી ગતાગમ નથી, પોતાનો કેસ મજબૂત કરવા સાગરિકા પર પર્સનલ અટૅક થઈ રહ્યા છે, વગેરે. મને યાદ છે ત્યાં સુધી કેસ એ હદે ગાજેલો કે તે વખતના એક્સટર્નલ અફૅર્સ મિનિસ્ટર એસએમ ક્રિશ્ના વચ્ચે પડેલા. પછી શું થયું નોપ, એ જણાવી દઈશ તો આ વિષય પર બનેલી ફિલ્મ જોવાનો તમારો રસ ઊડી જશે. હું ઈચ્છું છું કે તમે ફિલ્મ (‘મિસિસ ચેટર્જી વર્સીસ નૉર્વે’) જુઓ.

સંયોગથી આવો જ કિસ્સો ભારતીય મૂળની જૈન દીકરી અરિહા શાહનો ગાજી રહ્યો છે. જર્મનીમાં વસતાં શાહદંપતી અરિહાને પાછી મેળવવા આકાશપાતાળ એક કરી રહ્યાં છે. અરિહાનું ડાયપર ચેન્જ કરવા જતાં એનાં નાનીમાથી અજાણતાં જ અરિહાના પ્રાઈવેટ પાર્ટ પર ઈજા થયા બાદ જર્મનીની સરકારે અરિહાને જર્મનીના ફૉસ્ટર ચાઈલ્ડ કૅર સેન્ટરમાં મૂકી દીધી છે. અરિહાની મમ્મી ધારા અને પપ્પા ભાવેશ શાહ દોઢેક વર્ષથી આ લડાઈ લડી રહ્યાં છે.

હવે, લેખના પ્રારંભમાં એવૉર્ડ્સની જિકર કરી છે તેની વાત. ઓસ્કાર-બોસ્કારની તો ખબર નહીં, પણ આ ફિલ્મ અને રાણી મુખર્જીનો નૅશનલ એવૉર્ડ પાકો છે. લખી રાખજો. આમ પણ મને 2016માં પ્રસારિત થયેલી અશીમા છિબ્બર દિગ્દર્શિત મિની ટીવીસિરીઝ ‘લેડીસ રૂમ’ ગમી ગયેલી. સબા આઝાદ-શ્રેયા ધન્વંતરી-શિખા તલસાણિયા, વગેરે પાસેથી કમાલનું કામ લીધેલું અશીમાબહેને. તે પછી પહેલી ફિલ્મ ‘મેરે ડૅડ કી મારુતિ’માં ભલીવાર નહોતો.

-અને આ ફિલ્મ? ઝાઝું કંઈ ન લખતાં આટલું જ કહીશઃ ‘મિસિસ ચૅટર્જી વર્સીસ નૉર્વે’ જોવા તમારી નજીકના થિએટરમાં પહોંચી જાઓ. મુખર્જીના સહજ અભિનય માટે. બાકી ફિલ્મ તમને નાટકીય, લાઉડ, રડાવતી લાગી શકે, પણ રાણી? વેલ…

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]