|
ચાલતા બળદને આર ખોસવી |
બળદને સાંતી જોડે ત્યારે એને હાંકવા માટે જે લાકડી વપરાય છે તેને પરોણો કહે છે. આ પરોણાના એક છેડે અણીદાર
ખીલી બેસાડવામાં આવી હોય તેને આર કહેવાય છે.
બળદ ક્યારેક જીદ પર આવીને બેસી જાય છે અને ત્યારે એને ઊભા કરવાના બધા જ ઉપાયો કારગત ન નીવડે તે સમયે આ અણીદાર ખીલી એના શરીરમાં ઘુસાડે એટલે બળદ ઊભો થઈ જાય.
બરાબર આ જ રીતે બળદ તોફાની હોય, કાબૂમાં ન રહેતો હોય અને વચ્ચે વચ્ચે ઊભો રહી જતો હોય તો એને ચાલતો કરવા માટે આર મારવાનો પ્રયોગ થાય છે. પણ આ બધુ જે બળદ વ્યવસ્થિત ચાલતો નથી અથવા કામ નથી કરતો તેને ઠેકાણે લાવવા માટે કરાય છે. પણ કોઈ બળદ વ્યવસ્થિત ચાલતો હોય ત્યારે એને આર મારવાનો કોઈ અર્થ નથી.

બરાબર આ જ રીતે કોઈ વ્યક્તિ પોતાનું કામ સારી રીતે કર્યા કરતી હોય તો એની ખોટી હેરાનગતિ અથવા સતામણી ન કરવી જોઈએ. વારંવાર એને ટોકવો ના જોઈએ એ સંદર્ભમાં આ કહેવત વપરાય છે.
(ડો. જયનારાયણ વ્યાસ ગુજરાતના જાહેરજીવનનું એક ટોચનું નામ છે. ગુજરાત સરકારમાં કેબિનેટ મંત્રી તરીકે અનેક મહત્વની જવાબદારી સંભાળી ચૂકેલા જયનારાયણભાઇ નિષ્ણાત અર્થશાસ્ત્રી, ટેકનોક્રેટ અને કુશળ વક્તા હોવાની સાથે લોકપ્રિય લેખક પણ છે. ટેલિવિઝન એન્કર તરીકે પણ અર્થપૂર્ણ ચર્ચા યોજે છે. અહીં એ બાળપણમાં મા ના મુખેથી સાંભળેલી જાણીતી કહેવતોનો આસ્વાદ કરાવે છે.)


