મધ્યપ્રદેશના નીમચના રાઠોર પરિવારના સુમિત અને એમના પત્ની અનામિકા એમની બે વર્ષ, દસ મહિનાની દીકરી ઈભ્યા તથા કરોડો રૂપિયાની સંપત્તિ છોડીને સુરતમાં દીક્ષા ગ્રહણ કરવાના હતા. આ સમાચાર એ ખાસ્સી ચર્ચા, ઉત્સુકતા અને વિવાદ જગાડ્યા છે. સમગ્ર દેશના મિડિયાની નજર જેની ઉપર હતી એ આ દંપતીની દીક્ષા સરકારી પોલીસની મધ્યસ્થતા, કડક વલણને કારણે અટકી પડી હતી.
ગયા શનિવાર ૨૩ સપ્ટેમ્બરે પતિ અને પત્ની બંને સાથે દીક્ષા લેવાના હતા પરંતુ માત્ર પતિ સુમિત જ દીક્ષા લઈ શક્યા હતા કારણ કે એમની દીકરી ઈભ્યાનાં વાલીપણાની કાનૂની પ્રક્રિયા અધૂરી હતી. આખરે એ પ્રક્રિયા પણ પૂરી કરીને આજે સવારે અનામિકાએ પણ દીક્ષા લઈ લીધી હોવાની જાહેરાત સુરતમાં આયોજકોએ કરી હતી.
અનામિકા ચાર વર્ષ પહેલાં સુમિત સાથે લગ્ન કરીને રાઠોર બન્યાં હતાં આજે દીક્ષા ગ્રહણ કરીને સાધુમાર્ગી જૈન સંપ્રદાયના રામલાલજી મહારાજ સાહેબે એમને નવું નામ ‘અનકારશ્રીજી’ આપ્યું છે. સુમિત અને અનામિકાની દીકરી ઈભ્યા છેલ્લા એક મહિનાથી અનામિકાનું મોસાળ એટલે કે રાજસ્થાનના ચિતોડગઢના કપાસણમાં જ રહે છે. અનામિકાનાં પિતા અશોક ચંડાલિયા જાણીતા રાજકારણી છે અને જિલ્લા ભાજપના અધ્યક્ષ પણ રહી ચૂક્યા છે. ઈભ્યાની કાયદેસર વાલીપણાની જવાબદારી પણ અશોક ચંડાલિયાના પરિવારે સ્વીકારી છે. સુરતના બાળ સુરક્ષા અધિકારી સમક્ષ સમગ્ર કાયદાકીય પ્રક્રિયા પૂર્ણ થયા બાદ આજે સવારે અનામિકાની દીક્ષા થઈ હતી.
ઉલ્લેખનીય છે કે નીમચના રાઠોર પરિવાર અને સુરતના સાધુમાર્ગી જૈન સંપ્રદાયના દીક્ષા આયોજકોએ મીડિયાથી અંતર રાખીને અનેક ગેરસમજો ફેલાવી હતી. શુક્રવારે જયારે સુમિત અને અનામિકા સુરત આવ્યાં હતાં ત્યારે આયોજકોએ પત્રકાર પરિષદનું આયોજન કર્યું હતું પણ પત્રકારો સમક્ષ દંપતીએ તો વાત કરવાની જ ના પાડી દીધી હતી. એમાં જ સતત શું ચાલે છે એની નક્કર માહિતી વિના દીક્ષા સંબંધે અનેક વાતો ખુદ આયોજકો જ કરતા રહ્યા હતા.
આખરે ગયા શુક્રવાર ૨૨મી સપ્ટેમ્બરની રાત્રે સુરત પોલીસ કમિશ્નર, સમાજ સુરક્ષા અધિકારી, બાળ સુરક્ષા અધિકારીની જૈન આગેવાનો સાથે ૧૦ કલાકથી લાંબી મીટીંગ પછી અનામિકાની દીક્ષા મુલતવી રાખવામાં આવી હતી જે આજે સમ્પન્ન થઇ છે.
અહેવાલઃ ફયસલ બકિલી (સુરત)