જેરુસલેમ ઇઝરાયલની શાશ્વત રાજધાની છેઃ ડોનાલ્ડ ટ્રમ્પ

શિયાનો પશ્ચિમ છેડો એટલે ઇઝરાયલ અને તેના કબજામાં રહેલો કેટલોક પ્રદેશ જે પેલેસ્ટીન રાષ્ટ્ર તરીકે સંપૂર્ણ સ્વતંત્ર થવા માગે છે. ઇઝરાયલ અને પડોશી જોર્ડનની આસપાસનો પ્રદેશ સદીઓ પહેલાં રોમનના કબજામાં આવ્યો હતો. ઇસુ ખ્રિસ્તનું જન્મસ્થળ મનાતું બેથલેહેમ અહીં જ આવેલું છે. જેરુસલેમથી થોડે દૂર બેથલેહેમ છે. ઇસુ ખ્રિસ્તને સૂળીએ ચડાવી દેવાયાં તે સ્થળ જેરુસલમમાં આવેલું છે. ઇતિહાસ તેનાથીય પાછળ જાય છે અને યહુદીઓનું ભવ્ય દેવળ અથવા તો પ્રથમ ધર્મસ્થાન સોલોમને જેરુસલમમાં બાંધ્યું હતું. જેરુસલેમમાં અલ અક્સા મસ્જિદ બાંધવામાં આવી છે, જેને મુસ્લિમો પવિત્ર ગણે છે. એવી માન્યતા પણ છે કે પયગંબર મહંમદ જેરુસલેમથી જ જન્નતમાં ગયા હતા.આ કથાઓ અને માન્યતાને કારણે જેરુસલેમ નામનું નગર ત્રણ ધર્મો માટે પવિત્ર મહાત્મ્ય માનવામાં આવે છે. આ ત્રણ ધર્મો એટલે યહુદી, ખ્રિસ્તી અને ઇસ્લામ. સૌથી જૂનો ધર્મ યહુદી. યહુદીમાંથી જ ઊભો થયો નવો ધર્મ ખ્રિસ્તી અને અરબસ્તાનમાંથી ઊભો થયેલો ધર્મ ફેલાઇને જેરુસલેમ સુધી પહોંચ્યો હતો. એથી ત્રણેય ધર્મો માટે જેરુસલેમ પવિત્ર નગર મનાય છે. આ મામલો એટલો ગૂંચવાયેલો છે કે કોઈ નિર્ણય કરવો મુશ્કેલ છે કે જેરુસલેમ કોનું અને તેના પર કબજો કોનો હોવો જોઈએ.

જેરુસલેમ પર કબજો ઇઝરાયલનો છે, પણ પૂર્વ જેરુસલેમનો વિસ્તાર છે ત્યાં પેલેસ્ટીન લોકો પોતાની ભવિષ્યની રાજધાની ખસેડવા માગે છે. પેલેસ્ટીની સરકાર અત્યારે રામલ્લા નામના શહેરમાંથી ચાલે છે. ઇઝરાયલ સરકાર તેલ અવીવથી ચાલે છે, પણ જેરુસલેમનો કબજો છોડવા કે તેના પૂર્વ હિસ્સાને અલગ કરવા માટે તે તૈયાર નથી. વાટાઘાટો વર્ષોથી ચાલે છે અને ચાલતી રહેશે, પણ અત્યારે નવો ભડકો થયો છે અમેરિકાના પ્રમુખની જાહેરાતથી.
1995માં જેરુસલમમાં અમેરિકાની એલચી કચેરી હોવી જોઈએ તેવું નક્કી થયું હતું. નિર્ણય થયો હતો પણ તેનો અમલ થયો નહોતો. વિવાદ ટાળવા અમેરિકન પ્રમુખો તેનો અમલ ટાળતા હતા, પણ ડોનાલ્ડ ટ્રમ્પે અમલ કરવાનું નક્કી કરી નાખ્યું છે. ઇઝરાયલ ખાતેની અમેરિકન કચેરી તેલ અવીવમાં હોય તેનો અર્થ એ થાય કે ઇઝરાયલની રાજધાની જેરુસલેમ છે, સંપૂર્ણપણે છે અને તેનો પૂર્વ હિસ્સો પેલેસ્ટીનની રાજધાની તરીકે આપવામાં આવશે નહી. બીજો અર્થ એ થયો કે ઇઝરાયલ – પેલેસ્ટીન વિવાદને ઉકેલવા માટેના પ્રયાસો પડી ભાંગશે અને નવેસરથી સંઘર્ષ થશે.સંઘર્ષ માત્ર જેરુસલેમ પૂરતો મર્યાદિત નહીં રહે. ટ્રમ્પના નિવેદન પછી બેથલેહેમમાં વિરોધ પ્રદર્શનો થયા હતા અને તેમાં જે વાણી ઉચ્ચારવામાં આવી હતી તે યુરોપ અને અમેરિકામાં આવનારા દિવસોમાં થનારા હુમલાની ચેતવણી જેવા હતા. ડોનાલ્ડ ટ્રમ્પની વાણી સાંભળશો તો ખ્યાલ આવશે કે આ નિર્ણય માત્ર રાજકીય, ડિપ્લોમેટિક કે સ્ટ્રેટેજિક નથી. તેઓ આ મુદ્દે ચૂંટણી પ્રચાર વખતે જોશભેર બોલતા રહ્યાં હતાં. તેમણે કહ્યું કે ચૂંટણી વખતે આપેલું વચન પોતે પાળી રહ્યાં છે અને જેરુસલેમને ઇઝરાયલની રાજધાની તરીકે સ્વીકારી રહ્યાં છે. તેમણે અગાઉ એવું પણ કહ્યું હતું કે જેરુસલેમ ઇઝરાયલની ઇટરનલ રાજધાની છે. ઇટરનલ એટલે શાશ્વત.

જન્મજન્માંતરથી જેરુસલેમ યહુદીઓ માટે પવિત્ર નગર રહ્યું છે. કિંગ સોલોમને અહીં પ્રથમ દેવળ સ્થાપ્યું, પણ તે પછી યહુદીઓ સામે યુદ્ધો થયાં. યહુદીઓએ પોતાની ધરતી છોડીને ચારે તરફ ફેલાઇ જવું પડ્યું. હિજરતની પ્રાચીન કથાઓ પણ યહુદીઓ ભૂલ્યાં નથી. ઇજિપ્તના સામ્રાજ્યો સુધી વાત લંબાય છે. એટલે દૂર ના જઈએ, પણ 1947માં જે થયું તેનાથી આ વિવાદ અત્યાર સુધી ચાલતો રહ્યો છે. બ્રિટીશ સામ્રાજ્ય ખતમ થવા લાગ્યું હતું. ભારત છોડવું પડ્યું. ભારત સાથે એશિયામાંથી પણ અંગ્રેજોએ ઉચાળા ભરવા પડે તેમ હતાં. બ્રિટીશરો જે રીતે ભારતના ભાગલાં કરીને સળગતું છોડી ગયાં તેવું જ ઉંબાડિયું પશ્ચિમ એશિયામાં પણ કર્યું હતું. ઇરાન, ઇરાક અને અરબસ્તાનની પશ્ચિમમાં આવેલા પ્રદેશમાં જોર્ડન પછી દરિયાકિનારા તરફનો પ્રદેશ હતો ત્યાં યહુદીઓનું રાષ્ટ્ર બને તેની વ્યવસ્થા કરી. ઇઝરાયલની સ્થાપના 1947માં થઈ અને તરત જ 1948માં યુદ્ધ પણ થયું. અરબ અને ઇઝરાયલ વચ્ચેના યુદ્ધમાં પશ્ચિમના દેશોની મદદથી ઇઝરાયલ જીત્યું હતું. બે દાયકા પછી ફરી 1967માં ફરી અરબ-ઇઝરાયલ યુદ્ધ થયું. પાંચ જ દિવસ ચાલેલા યુદ્ધમાં ટચૂકડા ઇઝરાયલે ચારેબાજુ ફેલાયેલા અરબ અને ઇસ્લામ રાષ્ટ્રોને ધૂળ ચાટતા કરી દીધાં. ઇઝરાયલે વિશાળ પ્રદેશ કબજે કર્યો, જે આજ સુધી તેના કબજામાં છે.

ઇઝરાયલે ધીરે ધીરે મુસ્લિમ વસતીની ફરતે યહુદી વસાહતો સ્થાપવાની નીતિ અપનાવી. 1948માં યુદ્ધ થયું ત્યારે પશ્ચિમ જેરુસલેમ પર ઇઝરાયલે કબજો કરી લીધો હતો. 1967માં અરબોની હાર પછી ઇઝરાયલની સ્થિતિ મજબૂત બની હતી અને પૂર્વ જેરુસલેમ પણ કબજામાં લીધું હતું. 1980માં સમગ્ર જેરુસલેમને ઇઝરાયલનો હિસ્સો જાહેર કરી દેવાયો હતો. પૂર્વ જેરુસલેમમાં પણ મુસ્લિમ વસતી ફરતે યહુદી વસાહતો ઊભી કરાતી રહી છે. તેના કારણે આટલા દાયકા સુધી સતત સંઘર્ષ થતો રહ્યો છે.

વસાહતો સ્થાપ્યા પછી અને દુનિયાભરમાંથી યહુદીઓને ઇઝરાયલ આવીને વસવા માટેની નીતિ પછીય વિશાળ અરબ વસતી આ પ્રદેશમાં છે. જેરુસલમના પશ્ચિમ હિસ્સા પર કબજો કરીને ત્યાંથી પેલેસ્ટીનિયનોને ખસેડવામાં આવ્યાં હતાં. તે વખતે લગભગ સાડા સાત લાખ પેલેસ્ટીની લોકોને હટાવી દેવાયા હતાં. જોકે આજેય નવ લાખની વસતી છે તેમાં 37 ટકા વસતિ પેલેસ્ટીની લોકોની છે. પૂર્વ જેરુસલેમને પેલેસ્ટીનની રાજધાની બનાવવી કે નહી તેની વાટાઘાટો ચાલતી રહે છે અને સત્તાવાર રીતે ઇઝરાયલના કબજાને માન્ય કરાયો નથી. પણ અમેરિકાએ તેલ અવીવના બદલે જેરુસલેમમાં એમ્બેસી રાખવાની વાત કરી તે પગલું ઇઝરાયલની રાજધાની (યહુદીઓની જન્મજન્માંતરની પવિત્ર નગરી), જેરુસલેમ બનીને રહેશે તે દિશાનું મનાયું છે.

યહુદીઓની એક સ્વપ્ન હતું કે પોતાનું અલગ સમૃદ્ધ રાષ્ટ્ર હશે. તેની રાજધાની જેરુસલેમ હશે અને કિંગ સોલોમને બાંધેલું પ્રથમ દેવળ ફરીથી તેની ભવ્યતા પ્રાપ્ત કરશે. ઇસ્લામમાં સોલોમનનો ઉલ્લેખ સુલેમાન તરીકે આવે છે. પેલેસ્ટીન લોકોનું પણ સ્વપ્ન છે કે જેરુસલેમ તેમની ભવ્ય રાજધાની બનશે અને તેમનું સંપૂર્ણ સ્વતંત્ર રાષ્ટ્ર ઊભું થશે અને ઇઝરાયલી સેનાનો કબજો છે તે દૂર થશે.

એવું પણ નથી કે યહુદી અને પેલેસ્ટીન વચ્ચે સમાધાન માટે પ્રયાસો નથી થતાં. સતત વાટાઘાટો ચાલતી રહે છે અને કેટલીક છૂટછાટો અપાતી પણ રહે છે. અલ-અક્સા મસ્જિદમાં પ્રવેશ માટે પેલેસ્ટીની લોકોને છૂટ આપવામાં આવી છે. પણ તે માટે પ્રવેશ માટેની અરજી કરવી અને મંજૂરી લેવી વગેરે વિધિઓ કરવી પડે. વિશ્વના આગેવાનો સતત એવી વાતો કરતાં હોય છે કે ધીરે ધીમે ઇઝરાયલ અને પેલેસ્ટીન વચ્ચે સમાધાનના કરારો થશે અને બંને પ્રજા પોતપોતાના પ્રદેશોમાં શાંતિ અને સહઅસ્તિત્વની ભાવનાથી રહી શકશે.

જુદી જુદી પ્રજા સહકારથી રહી પણ શકે. વાત અશક્ય નથી, પણ કેટલાક મુદ્દા એવા છે જે માત્ર ભૌગોલિક સરહદના નથી. ધાર્મિક લાગણીના મુદ્દા છે અને તેનો ઉકેલ કેમ લાવવો તે સમજવું મુશ્કેલ બને છે. ભવિષ્યમાં શું થશે તે કહેવું મુશ્કેલ છે, પણ અત્યારે અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે સ્પષ્ટપણે ઇઝરાયલની તરફેણ કરી છે. યહુદીઓની ઇટરનલ રાજધાની તરીકે જેરુસલેમને ગણાવીને તેમણે ધાર્મિક મુદ્દો પણ છેડ્યો છે. આઠ મુસ્લિમ દેશોના લોકોને વીઝા ના આપવા એવું ટ્રમ્પે નક્કી કર્યું હતું. તેની સામે સ્થાનિક કોર્ટે સ્ટે આપ્યો હતો, પણ અમેરિકાની સર્વોચ્ચ અદાલતમાં તે સ્ટે હાલમાં જ નીકળી ગયો છે. ઉદ્દામવાદી ઇસ્લામ તરફથી અમેરિકાને ખતરો છે તે વાત ટ્રમ્પ બીજા કોઈ પણ નેતા કરતાં વધારે સ્પષ્ટપણે બોલે છે. જેરુસલેમના મુદ્દે તેમણે લીધેલું પગલું એ જ નીતિના ભાગરૂપે છે.