ડીસેમ્બર મહિનાની શરૂઆતમાં ભારતીય નૌકા દળના વડા એડમિરલ સુનીલ લાંબા નવી દિલ્હીમાં પત્રકારોને મળ્યાં ત્યારે તેમણે ચિંતા વ્યક્ત કરી હતી કે પાકિસ્તાનના ગ્વાદર બંદરે ચીની લશ્કરી જહાજોની હાજરી વધી રહી છે. પીપલ્સ લિબરેશન આર્મીના જહાજો ગ્વાદર બંદરે આવનજાવન કરે તે ચિંતાનું કારણ છે જ, કેમ કે ગ્વાદર બંદર એક વેપારી બંદર છે, નૌકામથક નથી. પણ આ પોર્ટનું ડેવલપમેન્ટ ચીનના ઇશારે થઈ રહ્યું છે તે વાત દુનિયા જાણે છે. ચીન પાકિસ્તાન ઇકોનોમિક કોરિડોર ભાગરૂપે તેનો વિકાસ થઈ રહ્યો છે. પોર્ટનું સંચાલન કરતી કંપનીમાં ચીનની કંપનીઓનો બહુમતી હિસ્સો છે એટલે તેના વેપારી સંચાલનમાં પણ ચીનનું પ્રભુત્વ રહેવાનું છે.આ સંજોગોમાં ચીનના નૌકા દળના જહાજો બંદરે આવનજાવન કરે તેના પર ભારતે નજર રાખવી પડે. એડમિરલ લાંબાએ પત્રકારોને જણાવ્યું હતું કે ભારત સતત નજર રાખે છે અને હિન્દ મહાસાગરમાં ચીની જહાજોની ભાળ લેવા દર 24 કે 48 કલાકે વિમાનોને મોકલવામાં આવે છે. તેમણે જે અંદાજ આપ્યો તે પણ ધ્યાન ખેંચે તેવો છે. 2008થી હિન્દ મહાસાગરમાં ચીનના આઠ યુદ્ધજહાજોની હાજરી નિયમિત બની છે. તેમાંથી ત્રણ આફ્રિકા અને યમન નજીક પાયરસી સામે કામગીરીમાં લાગેલા હોય છે. વર્ષમાં બેએકવાર સબમરીન પણ એસ્કોર્ટ શિપ સાથે અહીં આટો મારી જાય છે.
ગુજરાતમાં ચૂંટણીના સમાચારોના મારામાં નૌકાદળના વડાની પત્રકાર પરિષદની બહુ નોંધ લેવાઈ નથી. તે જ રીતે ત્રણ તારીખે ચાબહર બંદરનો શુભારંભ ઇરાનના પ્રમુખ હસન રુહાનીના હસ્તે કરી દેવાયો તે સમાચારને પણ ખાસ મહત્ત્વ મળ્યું નથી. પણ ચાબહર બંદર ભારત વિકસાવી રહ્યું છે તે વાત પણ દુનિયા જાણે છે. ચીનને જવાબ આપવા માટે જ ભારતે આ પગલું લીધું હતું. બલુચિસ્તાનના દરિયાકિનારે ચીને ગ્વાદર બંદર તૈયાર કરવામાં પાકિસ્તાનને મદદ કરી તો ભારતે તેનાથી નજીક ઇરાનમાં ચાબહર પોર્ટ વિકસાવવામાં મદદ કરી છે. આ બંદર પણ કમર્શિયલ પોર્ટ છે. ભારત તેનો ઉપયોગ કરીને માત્ર ઇરાન સાથે નહીં, પણ ઇરાનની ઉત્તરમાં આવેલા તુર્કમેનિસ્તાન, ઉઝબેકિસ્તાન, કઝાખસ્તાન જેવા દેશો સાથે સીધો વેપાર કરી શકશે. જમીન માર્ગે આ દેશો સાથે વેપાર કરવા માટે પાકિસ્તાનમાંથી પસાર થવું પડે. પાકિસ્તાનને બાયપાસ કરવા માટે ભારતે આ પોર્ટને ડેવલપ કરવામાં રસ લીધો છે.
બીજો રસ ચીનને જવાબ આપવાનો હતો. ગ્વાદર બંદરમાં ચીનાઓ હોય તો ત્યાંથી ભારતવિરોધી પ્રવૃત્તિઓ થઈ શકે. નૌકાદળના વડાએ ચિંતા વ્યક્ત કરી તે રીતે યુદ્ધજહાજો પણ ત્યાં આવીને લાંગરે. સબમરીનને સપોર્ટ માટેનું તંત્ર ત્યાં તૈયાર થઈ શકે. તેનો જવાબ આપવા માટે ભારત પાસે ગુજરાતનો દરિયાકિનારો નજીક છે, પણ દુશ્મનને પાછળથી પણ ઘેરવા માટે ઇરાનનું આ ચાબહર બંદર બહુ ઉપયોગી થાય તેમ છે. પોર્ટ પરથી ભારત સાથે સૌથી વધુ વેપાર થવાનો છે અને પોર્ટને ડેવલપ કરી મેઇન્ટેન કરવામાં ભારતીયો હશે એટલે ચીનને તેની ભાષામાં અહીં જવાબ આપી શકાશે.બંદરથી અફઘાનિસ્તાન પણ નજીક પડે છે. અફઘાનિસ્તાન સાથે લેવડદેવડમાં પણ પાકિસ્તાનને ટાળવા માટે આ પોર્ટ ઉપયોગી થશે. આ પોર્ટથી રોડ ડેવલપ કરી અફઘાનિસ્તાન સાથે કડી તૈયાર થઈ શકે છે. રવિવારે ચાબહરના ઉદઘાટન વખતે ભારત, ઇરાન અને અફઘાનિસ્તાનના અધિકારીઓ વચ્ચે આ મુદ્દે ચર્ચાઓ પણ થઈ હતી. અફઘાનિસ્તાનના ચાર મુખ્ય શહેરોને જોડતો હાઇવે ભારતે તૈયાર પણ કરી આપ્યો છે. તેનો એક છેડો ઇરાનની સરહદ સુધી પહોંચાડી દેવાયો છે. ત્યાંથી ચાબહર સુધીનો હાઇવે પણ તૈયાર કરાશે.
પ્રથમ તબક્કામાં મૂહુર્તના કામ તરીકે ભારતમાંથી અફઘાનિસ્તાન માટેનો ઘઉંનો જથ્થો મોકલાયો હતો. (ઓક્ટોબરમાં જ આ પોર્ટ પર મોકલી દેવાયો હતો, જ્યાંથી તેને અફઘાનિસ્તાન રોડ માર્ગે મોકલાયો હતો.) આ પ્રોજેક્ટમાં ઇરાન ઉપરાંત તેના પડોશી દેશોને સાથે લેવા માટે પોર્ટના પ્રથમ તબક્કાના પ્રારંભે 17 દેશોના મહેમાનોને બોલાવાયા હતા. ભારતમાંથી શિપિંગ મંત્રાલયના રાજ્યકક્ષાના પ્રધાન પી. રાધાકૃષ્ણન હાજર રહ્યા હતા. અફઘાનિસ્તાન સહિતના આ દેશોને દરિયો નથી મળતો એટલે આ પોર્ટનો લાભ વાયા ઇરાન તેમને મળી શકે છે.
ભારત, ઇરાન અને અફઘાનિસ્તાન વચ્ચે ત્રિપક્ષી બેઠક બાદ ચાબહરના બીજા તબક્કાનું કામ ઝડપથી થાય તે માટેની આશા ત્રણેય દેશોના પ્રધાનોના સત્તાવાર સંયુક્ત નિવેદનમાં વ્યક્ત કરવામાં આવી હતી. અહીં બે પોર્ટ બનવાના છે, તેમાંથી પ્રથમ પોર્ટ તૈયાર થયું તેનું નામ શાહીદ બેહેસ્તી છે, જ્યારે બીજું પોર્ટ તૈયાર થશે તેનું નામ શાહીદ કલાંતરી છે. પોર્ટ સાથે રેલવેનું જોડાણ જરૂરી હોય છે. ઇરાનના આ પોર્ટથી અફઘાનિસ્તાન અને તુર્કમેનિસ્તાન સુધી પહોંચે તે રીતે રેલલાઇન તૈયાર થશે. પ્રથમ તબક્કે જે પ્રાંતમાં બંદર આવેલું છે તેના પાટનગર ઝાહેદાન સુધીની રેલલાઇન તૈયાર કરવા માટે ભારત મદદ કરવાનું છે. ઝાહેદાનથી બીજા તબક્કે ઇરાનના પડોશી દેશો સુધી રેલ નેટવર્ક લંબાવવામાં આવશે.ચીન દ્વારા જે રીતે ગ્વાદરનું કામ ઝડપી ઉપાડી લેવાયું તે પછી ભારતે સચેત થઇ જવું પડ્યું હતું. ભારતે પણ મોકો જોઈને ઇરાન સાથે આ માટે કરાર કર્યો હતો. ગયા વર્ષ મે મહિનામાં કરાર બાદ ભારતે ઝડપથી કામ પૂરું કરીને પ્રથમ તબક્કામાં બે જેટ્ટી તૈયાર કરી દીધી છે. તેનું સંચાલન પણ ભારત કરવાનું છે તે વાત અગત્યની છે.
ઇરાન પછી સૌથી વધુ ખુશી અફઘાનિસ્તાનને થઈ છે. કેમ કે અફઘાનિસ્તાનને પણ દરિયાકિનારો નથી અને આયાતનિકાસ માટે પાકિસ્તાન પર આધાર રાખવો પડે છે. પાકિસ્તાનના રોડનો ઉપયોગ કરવાનો અને પાકિસ્તાનના કરાંચી કે ગ્વાદર બંદરનો. તેના બદલે હવે ઇરાનના આ બંદરનો મહત્તમ ઉપયોગ કરવામાં આવશે. મૂળ હેતુ વેપારનો અને માલ પરિવહનનો છે, પણ જે રીતે ચીન ગ્વાદર બંદરે યુદ્ધજહાજો મોકલીને શક્તિ પ્રદર્શન કરી રહ્યું છે, ભારતે તેનો જવાબ આપવો જરૂરી હતો. ભારત પણ સોમાલીયા નજીકના મહાસાગરમાં ચાંચિયાઓ સામે કામગીરી માટે પોતાના યુદ્ધજહાજો રાખે છે. પણ તે યુદ્ધજહાજોને લાંગરવા માટે છેક ભારત આવવું પડે. તેના બદલે ભારત પણ પોતાના યુદ્ધજહાજો ચાબહર બંદર લાંગરી શકે છે. એ રીતે ચીનને વેપાર ઉપરાંત સુરક્ષાના મામલે પણ ભારતનો આ જવાબ છે.