નેપાલઃ અણધાર્યા ચૂંટણી પરિણામો અસ્થિરતાનો અંત લાવશે?

નેપાલમાં એક સાથે સંસદ અને પ્રાંતીય ધારાસભાઓની ચૂંટણીઓ યોજાઈ ગઈ. ઈવીએમથી નહોતી યોજાઈ એટલે પરિણામો ધીમે ધીમે આવ્યા, પણ ત્રીજા દિવસે 10 તારીખે લગભગ સ્થિતિ સ્પષ્ટ થઈ ગઈ હતી. ડાબેરી મોરચો સ્પષ્ટ બહુમતી તરફ આગળ વધી રહ્યો હતો. આ વાંચતા હશો ત્યારે સંપૂર્ણ પરિણામો આવી ગયા હશે. રવિવારે સાંજે 89 બેઠકોના પરિણામ આવ્યા તેમાંથી 72 જીતી લીધી હતી એટલે સમજી શકાય કે સંપૂર્ણ બહુમતી મળી જશે.કમ્યુનિસ્ટ પાર્ટી ઓફ નેપાલ – યુનિફાઇલ માર્ક્સસિસ્ટ-લેનિનિસ્ટ (સીપીએન-યુએમએલ) અને બીજી ડાબેરી પાર્ટી સીપીએમ-માઓવાદી એ બંને વચ્ચે ગઠબંધન થયું હતું. સીપીએન-યુએમએલને 51 બેઠકો મળી ગઈ છે, જ્યારે માઓવાદીઓને 21 બેઠકો મળી છે. સાત રાજ્યો બન્યા છે તેમાં પણ ડાબેરી જૂથને બહુમતી મળી રહી છે. આ પરિણામો અણધાર્યા છે. ભારત તરફી મનાતી નેપાળી કોંગ્રેસ ધોવાઈ ગઈ છે અને ચીન તરફી મનાતી ડાબેરી પાર્ટીઓનો ઘોડો વીનમાં છે. સત્તામાં રહેલી નેપાળી કોંગ્રેસ માંડ માંડ બે આંકડામાં 10 બેઠકો સુધી પહોંચી શકી છે. બીજી બે મધેસી પ્રદેશની પાર્ટીઓને માંડ પાંચ બેઠકો મળી છે.

નેપાળની સંસદ માટે બે પ્રકારે સભ્યો પસંદ કરવા 26 નવેમ્બરે અને 7 ડિસેમ્બરે બે તબક્કામાં ચૂંટણી યોજાઈ હતી. કુલ 275 સભ્યોની સંસદમાં 165 બેઠકો સીધી જીતથી નક્કી થશે. સીધી જીત મતલબ જે ઉમેદવારને સૌથી વધુ મતો મળે તે જીતે. બાકીની 110 બેઠકો પર દરેક ઉમેદવારને મળેલા મતોમાં પ્રમાણ નક્કી કરીને વિજેતા જાહેર કરવામાં આવશે. તેની ગણતરી થોડી અટપટી હોય છે, પણ ડાબેરી પક્ષોને સીધી જીતમાં જ જંગી લીડ મળી ગઈ છે. આ લખાય છે ત્યારે મતગણતરી બાકી છે, તેમાંથી પણ 75 ટકા બેઠકો પર ડાબેરીઓ આગળ છે એટલે સત્તામાં ડાબેરી સરકાર નિશ્ચિત થઈ ગઈ છે.

નેપાળ માટે આ પહેલી ચૂંટણી નથી, છતાંય ઐતિહાસિક છે, કેમ કે નવું બંધારણ 2015માં લાંબી ચર્ચાઓ બાદ સ્વીકારી લેવાયું છે તે પછી થયેલી આ પ્રથમ ચૂંટણી છે. નવા બંધારણ પ્રમાણે દેશને સાત રાજ્યોમાં વહેંચી દેવાયો છે અને સાતેય રાજ્યોની ચૂંટણી પણ સાથોસાથ જ યોજાઈ છે. ભારત પણ રાજ્યો અને કેન્દ્રની ચૂંટણી એક સાથે યોજવા માગે છે, પણ ભારત બહુ વિશાળ દેશ છે. તેથી તે ક્યારે શક્ય બનશે, કે બનશે કે કેમ તે સવાલ છે. પણ નેપાળે સફળતાપૂર્વક ચૂંટણી કરી. હવે ઐતિહાસિક પરિણામો આવી રહ્યા છે.

જાણકારો એવું કહી રહ્યા છે કે સ્પષ્ટ બહુમતી સાથે ડાબેરી પક્ષો આવશે એટલે સ્થિરતા આવશે. જોકે સ્થાનિક જાણકારો હજીય શંકા વ્યક્ત કરે છે કે એક તરફી પરિણામો પછીય લાંબા ગાળાની શાંતિ આવતા હજી નેપાળે રાહ જોવી પડશે. તેનું કારણ એ છે કે રાજાશાહી નાબુદ થઈ અને નેપાળમાં સરકારો બની તે પછી સ્થિરતા મળી નથી. છેલ્લા દસ વર્ષમાં દસ વડા પ્રધાન બદલાઇ ગયા. નવી સરકારમાં વડા પ્રધાન કોણ બનશે તેની પણ ચર્ચા છે. સીપીએન-યુએમએલના નેતા કે. પી. ઓલી પ્રમુખ રહી ચૂક્યા છે અને માઓવાદી પક્ષના નેતા પ્રચંડ વડા પ્રધાન રહી ચૂક્યા છે. ઓલીના પક્ષને એકલા હાથે પણ સત્તા મળી જાય તેમ છે એટલે ગઠબંધનના સાથી પ્રચંડને કેટલું મહત્ત્વ અપાશે તે પણ જોવાનું રહ્યું. ચૂંટણી પહેલાં ગરજ હોય ત્યારે બે પક્ષો સમજૂતિ કરતાં હોય છે, પણ પરિણામો પછી એક પક્ષને એકલે હાથે બહુમતી મળી જાય ત્યારે સત્તામાં ભાગ આપવાની ઇચ્છા થતી હોતી નથી. મહારાષ્ટ્રમાં શિવસેનાને સત્તામાં ભાગ આપવાનું ભાજપને હવે જરાય ગમતું નથી તે દાખલો આપણી સામે છે.

165માંથી 83 બેઠકો બહુમતી માટે જોઈએ. 72 મળી ગઈ છે અને દસની જ જરૂર છે. ઓલીની પાર્ટીને 51 મળી છે અને 29માં રવિવારે આગળ હતી. તેની એકલાની બેઠકો 80 થઈ જાય છે જે બહુમતીની બહુ નજીક છે. એટલે કેટલાક જૂના જાણકારો કહે છે કે નેપાળને સ્થિર સરકાર મળશે, પણ ગઠબંધનમાં અસ્થિરતા આવી શકે છે. ડાબેરી ગઠબંધન સામે લોકતાત્રિક મોરચો પણ બનેલો છે, પણ તેને બહુ ઓછી બેઠકો મળી રહી છે.

જોકે નવા બંધારણમાં એક જોગવાઈ એવી કરાઈ છે કે પ્રથમ બે વર્ષ સુધી વિપક્ષ અવિશ્વાસની દરખાસ્ત લાવી શકે નહીં. અવિશ્વાસની દરખાસ્ત લાવવા જેટલી બહુમતી પણ વિપક્ષને મળે કે કેમ તે જોવાનું રહે છે. જો ગઠબંધનમાં જ આંતરિક અસંતોષ ઊભો થાય તો વાત જુદી છે. તેમ છતાં બે વર્ષ સરકાર સામે ચિંતા નહિ હોય એટલું નક્કી. તેની સામે ચિંતા એ છે કે નવા બંધારણ સાથેની નવી સંસદમાં ચહેરા તો મોટા ભાગના જૂના જ રહેવાના છે અને રાજકારણ તો જૂનું જ રહેવાનું છે.

બે વર્ષ સુધી વિપક્ષ અવિશ્વાસ ના વ્યક્ત કરે પણ શાસક મોરચામાં જ ભૂતકાળમાં થયું હતું તેમ આંતરિક અસંતોષ ઊભો થાય તો શું તે સવાલ બંધારણના નિષ્ણાતો વ્યક્ત કરી રહ્યા છે. બંધારણ નવું છે અને કોઈ પ્રિસિડેન્ટ નથી. જેવી સ્થિતિ ઊભી થશે તેવું અર્થઘટન થશે એટલે અત્યારથી જ એક તરફી પરિણામો છતાં ઘણા લોકો કહે છે કે અસ્થિરતાનો અંત આવી જશે એમ કહેવું વહેલું ગણાશે.

બીજી બાજુ આશાવાદીઓ પણ છે અને કહી રહ્યા છે કે લાંબો સમય ગૃહયુદ્ધ જેવી સ્થિતિ પછી નાગરિકોએ સ્પષ્ટ મેન્ટેડ આપ્યો છે. મતદારોએ સ્થિરતા માટેનું મતદાન કર્યું છે એટલે રાજકીય પક્ષોના જૂના નેતાઓએ પણ નવેસરથી રાજનીતિ કરવી પડશે. વિરોધાભાસી વિચારસરણી છતાં નેતાઓએ ગઠબંધનો કર્યા છે અને લોકોએ તે જોઈને મતો આપ્યા છે. એટલે લાંબા ગાળાના સમર્થન માટે હવે નેતાઓની જવાબદારી બને છે કે ગઠબંધનનો ધર્મ નિભાવે.
ભારતમાં આપણે ગઠબંધનોનો લાંબો ઇતિહાસ જોયો છે. વ્યાખ્યાથી ગઠબંધનો અસ્થિર ગણાય છે, પણ વાસ્તવિકતામાં ગઠબંધનો ચાલ્યા પણ છે. અત્યારે પણ નરેન્દ્ર મોદીની ભાજપની સરકાર હકીકતમાં ગઠબંધનની, એનડીએની સરકાર છે. તેના પહેલાં દસ વર્ષ મનમોહનસિંહની કોંગ્રેસની સરકાર ચાલી તે પણ ગઠબંધનની, યુપીએની સરકાર હતી. એટલે અત્યારે તો નેપાળની ચૂંટણીના અણધાર્યા પરિણામોને અસ્થિરતાનો અંત લાવનારા ગણાવાઈ રહ્યા છે.