વિશ્વવિહારી ઇન્ડિયન ડાયાસ્પોરા નવા ટ્રેન્ડને નજરઅંદાજ નહીં કરી શકે

મેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ચૂંટણી પ્રચાર કરતાં હતાં ત્યારે એનઆરઆઇનું એક જૂથ તેમના સમર્થનમાં હતું. હિલેરી ક્લિન્ટનની ટીમમાં પણ એશિયનો – ભારતીયોનું મહત્ત્વ હતું અને તેમાંય ગુજરાતીઓનું જોર હતું. આ કંઈ નવી વાત નથી. અમેરિકામાં ભારતીયોની બોલબાલા હવે અભ્યાસનો કે આશ્ચર્યનો વિષય રહ્યો નથી. આ એક સાર્વત્રિક વિષય છે. તેના સમાચારો આવતા રહે છે અને તેની નોંધ લેવાતી રહે છે, સહજ રીતે. જેમ કે હાલમાં જ અમેરિકન પ્રમુખ ટ્રમ્પે એક ઓફિસરને કાતર ભેટમાં આપી તે સમાચાર બન્યાં હતાં. તે ઓફિસર ભારતીય હતાં એટલે આપણે જરા તેની અલગથી નોંધ લીધી.નેઓમી જહાંગીર રાવ નામની ભારતીયે ટ્રમ્પ સરકારમાં બહુ સરસ કામ કર્યું છે. નરેન્દ્ર મોદીએ એક મુદ્દો ઉઠાવ્યો હતો કે જૂનાપુરાણા થઈ ગયેલા કાયદાઓ નાબૂદ કરવા જોઈએ. અમેરિકામાં પણ એવું થઈ રહ્યું છે. ટ્રમ્પે ચૂંટણી વખતે જ વચન આપ્યું હતું કે જૂના કાયદાઓ દૂર કરવા. નવા કાયદા પણ બનાવવા પડે સ્થિતિ પ્રમાણે, પણ તેની સામે જૂના દૂર કરવા પડે. એક નવા કાયદા સામે બે જૂના દૂર કરીશ એવું ટ્રમ્પે કહ્યું હતું. તે કામમાં સૌથી વધુ મદદ કરી છે નેઓમીએ. હજી જુલાઈ મહિનામાં જ ડિરેગ્યુલેશન વિભાગમાં તેમની નિમણૂક થઈ હતી. ટૂંક સમયમાં તેમણે 22 જૂના બિનઉપયોગી કાયદાઓ અલગ તારવીને તેને દૂર કરી શકાય તે માટે ટ્રમ્પને મદદ કરી છે. લગભગ 8.1 બિલિયન ડોલરનો ફાયદો થયાની ગણતરી છે.

આ એક દાખલો છે અને તેના પરથી કહેવાનો ભાવ એ છે કે અમેરિકામાં દરેક ક્ષેત્રમાં સરકારી કે ખાનગી કે સામાજિક કે સેવાકીય ભારતીયની હાજરી હોય જ. આ માત્ર પરસેપ્શન નથી રહ્યું પણ આંકડાંથી એ સાબિત થઈ રહ્યું છે કે વિશ્વમાં સૌથી વધુ પ્રવાસીઓ, સૌથી વધુ ઇમિગ્રેશન કરનારી પ્રજા ભારતીયોની છે. આવી પ્રજા માટે ડાયાસ્પોરા શબ્દ વધુ વપરાય છે.

ઇન્ડિયન ડાયસ્પોરાની સંખ્યા દોઢ કરોડને વધી ગઈ છે. એક કરોડ છપ્પન લાખ. વિશ્વના ડાયસ્પોરામાં એકલા ભારતીયોનું પ્રમાણ છ ટકા છે. વિશ્વમાં કુલ 24 કરોડ લોકો એવા છે, જેમણે પોતાની જન્મભૂમિ છોડીને વિદેશની વાટ પકડી હોય. આ આંકડાં 2015 સુધીના છે. અગાઉ 2010માં ગણતરી થઈ હતી તેની સાથે સરખામણી થઈ છે. પાંચ વર્ષમાં ડાયાસ્પોરાની વસતિ 10 ટકા વધી છે.યુનાઇટેડ નેશન્સ આ પ્રકારના રીપોર્ટ તૈયાર કરતું હોય છે.

વિશ્વની વસતિ સાતસો અબજને વટાવી ગઈ છે. તેમાંથી 3.2 ટકા વસતિ ડાયસ્પોરા બની હતી અને પાંચ વર્ષમાં તે ટ્રેન્ડમાં વધારો થયો છે. વધીને 3.3 ટકા ડાયાસ્પોરા થયા છે. આ ટ્રેન્ડ ગુજરાતમાં આપણે વધારે સારી રીતે સમજી શકીએ છીએ, કેમ કે વધુને વધુ લોકોને વિદેશ જવું છે. માત્ર ચરોતરમાંથી લોકો વિદેશ જાય તે વાત હવે રહી નથી. પોતાનું સગું વિદેશ હોય તેમણે વિદેશ જવું છે તેવી વાત રહી નથી. વધુ ભણેલા હોય કે આઇટીમાં હોય તેમણે વિદેશ જવું છે એવું નથી. સૌને જાણે વિદેશ જવું છે. સૌ ફાઇલો મૂકે છે. ફાઇલો ચાલે છે. વીઝા મળી જાય એટલે ભયોભયો.
માઇગ્રેશનમાં વચ્ચેના વર્ષોમાં વધારો થયો તેમાં મધ્ય એશિયાની સ્થિતિ પણ કારણભૂત હતી. સિરિયામાં જેહાદી આતંકવાદી સંસ્થા આઇએસ, જે સ્થાનિક રીતે દાયેશ તરીકે ઓળખાય છે, તેનો ત્રાસ વધ્યો હતો. મુસ્લિમો જ તેનાથી એટલા ત્રાસ્યા હતા કે જોખમી રીતે હોડીમાં બેસીને યુરોપના દરિયાકિનારે પહોંચી જતા હતા. હોડી ડૂબી જાય અને અનેક સિરિયનો અને આરબોના મોત થાય તે ખબરો તમે વાંચી હશે.

ફરી અમેરિકાના પ્રમુખ ટ્રમ્પને યાદ કરીએ. ટ્રમ્પની સરકારે એક યોજના જાહેર કરી છે – મેક્સિકોની સરહદે દિવાલ બનાવવી. આપણે પાકિસ્તાન અને બાંગલાદેશની સરકારે ફેન્સિંગ કરવાની વાત જાણીએ છીએ. બંને દેશોને ઘૂસણખોરીની ચિંતા છે. મેક્સિકોમાંથી મોટી સંખ્યામાં અમેરિકામાં ઘૂસણખોરી થાય છે. પરંતુ તે સિવાય ઇમિગ્રેશનની બાબતમાં સૌથી આગળ એશિયા છે. એશિયા વિકસતો ખંડ છે અને તેના વિકસતા દેશોની સ્પીડથી કંટાળેલી ટેલેન્ટ પશ્ચિમમાં જવા માગે છે. યુરોપ કે અમેરિકા જવા માગે છે. તે સિવાય ભારતમાંથી મોટા પ્રમાણે ગલ્ફના દેશોમાં પણ રોજી માટે લોકો જાય છે. એ રીતે ભારતમાંથી થતું ઇમિગ્રેશન દરેક પ્રકારનું છે – એન્જિનિયર અને ડોક્ટર પણ જાય છે અને પ્લમ્બર અને ફિટર પણ જાય છે.

મેક્સિકો અમેરિકા અને કેનેડા જેવા દેશોની નજીક હોવા છતાં એટલો વિકાસ થયો નથી. ગુજરાતનો કિશોર યુવાન થાય એટલે મુંબઈની (હવે સૂરત કે અમદાવાદની) વાટ પકડે એમ યુવાન મેક્સિકન અમેરિકાની વાટ પકડે. અમેરિકામાં ગેરકાયદે ઇમિગ્રન્ટ્સમાં બહુ મોટી સંખ્યા મેક્સિકનની છે અને તે પછી એશિયનોનો નંબર આવે. તે રીતે જ વિશ્વમાં કુલ ડાયાસ્પોરામાં ભારતીયો પછી મેક્સિકનનો નંબર આવે છે. ભારતીયોની જેમ ચીનાઓ પણ વિદેશ જઈને વધુ સમૃદ્ધ થવા માગે છે. ભારતીયોનું જોઈને પાકિસ્તાની અને બંગલાદેશીઓ પણ વિદેશ મોટા પ્રમાણમાં જાય છે. આવા ઘણા રસપ્રદ આંકડાં વર્લ્ડ માઇગ્રેશન રીપોર્ટમાં આવ્યાં છે. માઇગ્રેશન કરનારાઓમાં સૌથી વધુ 20થી 64ની વય હોય છે તેવું આવ્યું છે. તે પણ સમજી શકાય તેવું છે, કેમ કે ભારતમાં કોલેજ કર્યા પછી ઉચ્ચ ડિગ્રી માટે યુરોપ કે અમેરિકા જવાનું અને ત્યાં સ્થાયી થવાનું એ ટ્રેન્ડ આપણે જાણીએ છીએ.1970માં અમેરિકામાં ઇમિગ્રન્ટ્સની સંખ્યા સવા કરોડની હતી, પણ હવે તે વધીને 4 કરોડ 66 લાખથી પણ વધી થઈ છે. જોકે બધા ભારતીયો અમેરિકા નથી જતાં, 22 ટકા એટલે કે 35 લાખ ભારતીયો ગલ્ફના દેશોમાં છે. બીજા 19 લાખ સાઉદી અરેબિયામાં છે.

સાઉદી અરેબિયામાંથી ઇમિગ્રન્ટ્સને ઓછું કરવાનું ચાલું થયું છે. ભારતીયોને વધારે ભીંસ પડી રહી છે. દુબઇ સહિતના બીજા ગલ્ફના દેશોમાં પણ ભારતીયોની સંખ્યા ઘટે તેવી કોશિશો થવા લાગી છે. ડોનાલ્ડ ટ્રમ્પ પણ ઇમિગ્રેશન ઘટાડવા માગે છે. તેમણે અત્યારે તો કેટલાક મુસ્લિમ દેશોના લોકોને વીઝા આપવાનું બંધ કર્યું છે. ભવિષ્યમાં બીજા ઇમિગ્રન્ટ્સ પર પણ બ્રેક લાગી શકે છે. માત્ર ભારત કે મેક્સિકોના નહિ, વિશ્વના મોટા ભાગના દેશોમાંથી પ્રથમ પસંદગી અમેરિકાની હોય છે. યુરોપ બીજી પસંદગી હોય છે. યુરોપના દેશોને ઇમિગ્રેશનને કારણે ડેમોગ્રાફીમાં થતા ફેરફાર અને તેની સાથે આવતી સમસ્યાઓ દેખાવા લાગી છે. અમેરિકામાં પણ તેની સામે વિરોધ વધી રહ્યો છે ત્યારે ઇન્ડિયન ડાયાસ્પોરાએ આ નવી સ્થિતિને ધ્યાનમાં રાખીને પોતાનો વિશ્વવિહાર કરવાનો રહેશે એમ અત્યારે કહી શકાય.