અમેરિકાની યુનિવર્સિટીમાં ટોપ ગ્રેડ મેળવનાર ભારતીય વિદ્યાર્થીની મુશ્કેલી..

શિકાગો-અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા હાલમાં ટ્વિટ કરીને, અમેરિકાની H1B વિઝા પોલિસીમાં સુધાર લાવવાની જાહેરાત કરવામાં આવી છે. તેમ છતાં હજારો ભારતીય વિદ્યાર્થીઓ પોતાના વિઝા સ્ટેટસને લઇને હજી અસમંજસ જેવી પરિસ્થિતિમાં છે. ત્યારે અમેરિકાની અભ્યાસ બાદની વિઝા પોલિસી અંગે ભારતીય વિદ્યાર્થીઓ માટે chitralekha.com સૌથી મહત્વની સ્પષ્ટતા કરે છે.

અમેરિકામાં નવા શૈક્ષણિક સત્રમાં ભારતમાંથી અંદાજે ૧૮૬૦૦૦ વિદ્યાર્થીઓ પ્રવેશ મેળવ્યો છે. જે ગત વર્ષની સરખામણીએ ૨૧૦૦૦ વિદ્યાર્થીઓનો વધારો થયો છે. જોકે અમેરિકાની યુનિવર્સિટીઓમાં અભ્યાસ કરતાં સાયન્સ, એન્જિનિયરિંગ, મેથેમેટિક્સ અને ટેકનિકલ વિષયના કોર્સમાં જ વિદ્યાર્થીઓને અભ્યાસ બાદ ત્રણ વર્ષ સુધીનો સમયગાળો મળે છે. જે સમયગાળા દરમિયાન વિદ્યાર્થીઓએ પોતાની પ્રેક્ટિકલ ટ્રેનિંગ મેળવી નોકરી મેળવવા તેમજ H1B વિઝા અંગેની કાર્યવાહી કરી શકવાનો સમય મળે છે. આ ઉપરાંત અન્ય કોર્સમાં અભ્યાસ કરતા તમામ વિદ્યાર્થીઓને  કોર્ષ પૂર્ણ કર્યા બાદ માત્ર એક વર્ષનો જ સમયગાળો તેમની પ્રેક્ટિકલ ટ્રેનિંગ તેમજ નોકરી શોધી H1B વિઝા માટે તૈયારી કરી શકવાનો સમય મળે છે. આ તમામ વિદ્યાર્થીઓ પાસે ખૂબ જ ઓછો સમય હોવાથી અહીંની કંપનીઓ આ વિદ્યાર્થીઓને નોકરી આપવા માટે જોખમ લેવા તૈયાર થતી નથી. શિકાગો ખાતેની ખ્યાતનામ યુનિવર્સિટીના ટોપ ગ્રેડના ત્રણ વિદ્યાર્થીઓ સાથે chitralekha.com દ્વારા  આ અંગે વાત કરવામાં આવી.
આ વિદ્યાર્થીઓએ પોતાના નામનો ઉલ્લેખ ન કરવાની શરતે જણાવ્યું છે કે, તેઓ અહીં ભારતથી ત્રણ વર્ષ પહેલાં અભ્યાસ માટે આવ્યા હતા, અને હાલ અભ્યાસ પૂર્ણ કરી તેમની પ્રેક્ટિકલ ટ્રેનિંગનો સમય આવી ચૂક્યો છે. પરંતુ અમેરિકાની યુનિવર્સિટીઓની આ પદ્ધતિને કારણે આ વિદ્યાર્થીઓ યુનિવર્સિટીમાં ટોપ ગ્રેડ મેળવ્યો હોવા છતાં પણ નોકરી શોધવા તેમજ H1B વિઝાની તૈયારી માટે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે.
જ્યારે બીજી તરફ વિજ્ઞાન પ્રવાહ, એન્જિનિયરિંગ,ટેક્નિકલ અને મેથેમેટિક્સના વિષયોમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને ત્રણ વર્ષનો સમયગાળો મળતો હોવાથી આ વિદ્યાર્થીઓને મોટાભાગે મુશ્કેલી નડતી નથી.
આ પ્રકારની જાણકારી પ્રવેશ મેળવતી વખતે એક પણ વિદ્યાર્થીઓ પાસે હોતી નથી. ત્યારે આવનારા સમયમાં અમેરિકામાં અભ્યાસ કરી પોતાની કારકિર્દી બનાવવા ઇચ્છુક ભારતીય વિદ્યાર્થીઓએ પ્રવેશ મેળવતી વખતે, જે કોર્સમાં પ્રવેશ મેળવે છે તે અંગેની તમામ જાણકારી મેળવી અભ્યાસ શરૂ કરવો હિતાવહ છે.
USAથી નીરવ ગોવાણીનો અહેવાલ