પ્રિયંકાઃ વિશ્વની ૧૦૦ સૌથી શક્તિશાળી મહિલાઓની યાદીમાં સામેલ

વિશ્વપ્રસિદ્ધ ફોર્બ્સ મેગેઝિને વર્ષ ૨૦૧૭ માટે એના મતે ‘વિશ્વની ૧૦૦ સૌથી શક્તિશાળી મહિલાઓ’ની એક યાદી બહાર પાડી છે. એમાં નવાંગતુકો તરીકે યૂએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના ઉદ્યોગસાહસી પુત્રી ઈવાન્કા ટ્રમ્પની સાથે બોલીવૂડ અભિનેત્રી પ્રિયંકા ચોપરાનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે.

યાદીમાં પહેલી જ વાર સ્થાન મળ્યુંઃ ઈવાન્કા ટ્રમ્પ, પ્રિયંકા ચોપરા

આ યાદીમાં કુલ પાંચ ભારતીય મહિલાઓ છે. પ્રિયંકા ચોપરા ઉપરાંત અન્ય છે – આઈસીઆઈસીઆઈ બેન્કનાં ચીફ એક્ઝિક્યૂટિવ ઓફિસર અને મેનેજિંગ ડાયરેક્ટર ચંદા કોચર, એચસીએલ એન્ટરપ્રાઈઝીસના સીઈઓ રોશની નાદર મલ્હોત્રા, બાયોકોનનાં ચેરપર્સન કિરણ મઝૂમદાર શૉ અને હિન્દુસ્તાન ટાઈમ્સનાં ચેરપર્સન શોભના ભારતીયા.

પ્રિયંકા ચોપરા સમગ્ર યાદીની દ્રષ્ટિએ ૯૭મા નંબરે છે. મનોરંજન અને મિડિયા ક્ષેત્રમાં સૌથી શક્તિશાળી મહિલાઓની યાદીમાં પ્રિયંકા ૧૫મા નંબરે છે. તો સૌથી નાની ઉંમરની મહિલાઓમાં પ્રિયંકા ત્રીજા નંબરે છે.

ચંદા કોચર સમગ્ર યાદીમાં ૩૨મા નંબરે, રોશની મલ્હોત્રા ૫૭, કિરણ મઝૂમદાર શૉ ૭૧મા અને શોભના ભારતીયા ૯૨મા નંબર પર છે.

(ક્લોકવાઈઝ) ચંદા કોચર, રોશની મલ્હોત્રા, કિરણ મઝૂમદાર શૉ, શોભના ભારતીયા

યાદીમાં નંબર-વન પર જર્મનીનાં ચાન્સેલર એન્જેલા મર્કેલ છે. બીજા નંબરે બ્રિટનનાં વડાંપ્રધાન થેરેસા મે છે. ત્યારબાદના ક્રમે બિલ એન્ડ મેલિન્ડા ગેટ્સ ફાઉન્ડેશનનાં સહ-ચેરપર્સન મેલિન્ડા ગેટ્સ, ફેસબુકનાં સીઓઓ શેરીલ સેન્ડબર્ગ અને જનરલ મોટર્સનાં સીઈઓ મેરી બારા છે.

ફોર્બ્સ દ્વારા આ યાદીમાં મહિલાઓનો સમાવેશ કરતી વખતે આ બાબતોને ધ્યાનમાં લેવામાં આવે છે – પૈસાની કમાણી (નેટવર્થ અથવા કંપનીની રેવેન્યૂ, સંપત્તિ અથવા ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ), મિડિયામાં હાજરી, ક્ષેત્રમાં વગ અને અસર, સમાજના અન્ય ક્ષેત્રોમાં યોગદાન.

પ્રિયંકાને એબીસી કંપનીની ક્વાન્ટિકો ટીવી સિરીઝ માટે બે વખત પિપલ્સ ચોઈસ એવોર્ડ મળ્યો છે. હાલ એ બોલીવૂડમાં બે ફિલ્મ અને હોલીવૂડમાં એક ફિલ્મનું શૂટિંગ કરી રહી છે. ક્વાન્ટિકો સિરીઝમાં અભિનય કર્યા બાદ પ્રિયંકાને ફોર્બ્સ મેગેઝિને સૌથી વધુ કમાણી કરતી ટીવી અભિનેત્રીઓની યાદીમાં સામેલ કરી છે. આ યાદીમાં સ્થાન પામનાર એ પહેલી ભારતીય અભિનેત્રી છે. તો ટીવી જગતમાં સૌથી વધારે કમાણી કરનાર અભિનેત્રીઓમાં એ આઠમા નંબરે છે.

પ્રિયંકા એની અભિનય ક્ષમતા ઉપરાંત યૂનિસેફ સંસ્થાની ગુડવિલ એમ્બેસેડર તરીકે પણ જાણીતી છે.