એક જૂથનું આંદોલન જ્યારે બીજા ગળામાં ગાળીયો બને…

ગુજરાતમાં થઈ રહેલા આંદોલનની આ વાત નથી. ગુજરાતમાં પણ આ મથાળામાં ઈશારો કર્યો છે તેવી સ્થિતિ છે, પણ તે ચૂંટણી પૂરતી મર્યાદિત લાગે છે. ચૂંટણી પતી જશે એટલે આંદોલનો શમી જશે, પણ મથાળામાં જે વાત કરી છે તેવી સ્થિતિ દુનિયાના જુદાજુદા ભાગોમાં, જુદાજુદા સમયે જોવા મળી છે. મૂળ વાત કેટેલોનિયા છે. કેટેલોનિયા સ્પેનનું સૌથી સમૃદ્ધ રાજ્ય છે અને ત્યાં એક મોટું જૂથ સ્વતંત્ર થવા માગે છે. તે પહેલાં આવી સ્થિતિ બ્રિટનમાં પણ જોવા મળી હતી. યુરોપિયન યુનિયનમાંથી છૂટાં પડી જવું જોઈએ એવું કહેનારું એક જૂથ યુકેમાં ઊભું થયું અને વોટ લેવાયો તો પાતળી બહુમતીથી છૂટાં પડી જવાનું પરિણામ આવ્યું. બહુ પાતળી બહુમતીથી. આવો જ જનમત લેવાયો હતો સ્કોટલેન્ડમાં. બ્રિટનમાંથી છૂટાં પડી સ્વતંત્ર થવું કે કેમ તે જનમત લેવાયો અને તેમાં પાતળી બહુમતીથી સ્વતંત્રતાની માગણી કરનારા જૂથની હાર થઈ.

જનમતનું પરિણામ વિપરિત પણ આવી શક્યું હોત. એમ થયું હોત તો સ્કોટલેન્ડ અલગ થઈ ગયું હોત. ઓલમોસ્ટ પચાસ ટકા જેટલી વસતી નારાજ રહી જાત. તેમને બ્રિટનમાં જ રહેવામાં રસ હતો, પણ ભાવનાત્મક માહોલમાં થયેલા જનમતમાં છૂટાં પડી જવાનો નિર્ણય આવે તે મન મારીને પાળવો પડ્યો હોત. હવે મૂળ વાત પર આવીએ – કેટેલોનિયાની વાત પર. કેટેલોનિયામાં પણ ધારાસભાએ વોટિંગ કર્યું અને તેમાં બહુમતીથી સ્પેનથી છૂટાં પડવાનું પરિણામ આવ્યું. પણ આ રેફરેન્ડમ સ્પેનની કેન્દ્ર સરકારે માન્ય ગણ્યો નહોતો. તેથી કેટેલોનિયાની ધારાસભાને વિખેરી નાખવામાં આવી અને કેન્દ્ર સરકારે શાસનનો હવાલો સંભાળી લીધો છે. સ્કોટલેન્ડમાં જનમત લેવાયો તે નાગરિકોનો લેવાયો હતો અને તેમાં બ્રિટન સરકારની સહમતી હતી, તેથી તેનું પરિણામ માન્ય રખાયું હતું, જ્યારે કેટેલોનિયાના સ્વતંત્રતાની બાબતે સ્પેન સરકારે રેફરેન્ડમ લેવાની મંજૂરી આપી નહોતી.

મંજૂરી વિના રેફરેન્ડમ લઈને સ્પેનથી સ્વતંત્ર થવાની જાહેરાત થઈ એ સાથે જ સ્પેનની કેન્દ્ર સરકારે પગલાં લીધાં. હવે ડિસેમ્બરમાં જ ચૂંટણી થશે અને નવી રાજ્ય સરકાર આવશે. સાથોસાથે એ પણ નક્કી થઈ જશે કે ખરેખર કેટલાં નાગરિકો સ્પેનથી છૂટાં થવા માગે છે. છૂટાં પડવાની તરફેણ કરનારો પક્ષ જો હારી જશે તો માની લેવાશે કે બહુમતી સ્પેનની સાથે રહેવા માગે છે. પણ અહીં બહુમતી અને લઘુમતી વચ્ચે તફાવત માત્ર 51 અને 49 ટકાનો હોય ત્યારે આ મુશ્કેલી ઊભી થાય છે. ગુજરાતમાં આંદોલનો ચાલે છે તેમાં અમુક પક્ષની તરફેણ અને અમુક પક્ષનો વિરોધ થતો જણાય. ગુજરાતની ચૂંટણીનું પરિણામ આવશે ત્યારે જીતનાર પક્ષ સાચો હતો તેમ માની લેવાશે. પણ એ માન્યતા સાચી ખરી? ચૂંટણીમાં હારજીત બીજા પરિબળોથી પણ થઈ હોય. તે એક મુદ્દો. બીજો મુદ્દો એ કે વ્યાપક અસર કરનારા નિર્ણયમાં માત્ર પાતળી શા માટે સારી એવી બહુમતીથી પણ નિર્ણય લેવો લાંબા ગાળે સમાજ માટે હિતકારક થાય ખરો?આવો સવાલ સ્પેનના કેટેલોનિયામાં પણ ડાહ્યાં લોકો વિચારી રહ્યાં છે. કેટેલોનિયામાં જુદાજુદા સર્વે થયા છે. તેમાં એવું બહાર આવ્યું છે કે બહુમતી લોકો, લગભગ 55 ટકા સુધીના લોકો સ્પેનથી અલગ થવા માગતાં નથી. તેમ છતાં રાજ્યની ધારાસભામાં ભારે બહુમતીથી છૂટાં પડવાનો નિર્ણય લેવાયો. આવો નિર્ણય આવ્યો તેનું એક કારણ એ પણ ખરું કે આ પ્રકારના મુદ્દામાં એક વર્ગ બહુ જોરથી અને જોશથી બોલનારો હોય છે. આક્રોશ સાથે, લાગણીને સ્પર્શે તેવા મુદ્દા ઉછાળીને આ વર્ગ એવી જોરદાર દલીલો કરતો હોય છે કે વિરોધ કરનારો વર્ગ ચૂપ થઈ જાય છે. પોતાની લાગણી તે દર્શાવી શકતો નથી.

સ્પેનની સરકારને પણ એવું જ લાગ્યું છે. કેમ કે સ્વતંત્ર થવા માગનારાએ વિશાળ સંમેલનો બોલાવેલાં અને તેમાં જુદા જુદા અહેવાલો પ્રમાણે 3 લાખથી 10 લાખ લોકો એકઠાં થયાં હતાં. આવા વિશાળ ટોળાં સામે અલગ મત વ્યક્ત કરવાની હિંમત કરવી મુશ્કેલ હોય છે. પણ મતપેટીમાં મત નાખવાનો હોય ત્યારે ડાહ્યો અને શાંત નાગરિક પણ નિર્ભય થઈને મત વ્યક્ત કરી શકે છે. તેથી કેટેલોનિયાની ચૂંટણી ગુજરાતની ચૂંટણી પછી તરત થશે ત્યારે ખ્યાલ આવશે કે હવા કઈ બાજુ ચાલી રહી છે.

કેટેલોનિયા સ્પેનનો સૌથી સમૃદ્ધ વિસ્તાર છે. દેશની વસતીનો 16 ટકા હિસ્સો અહીં વસે છે અને વેપાર ઉદ્યોગ ધમધમે છે તેથી દેશની જીડીપીમાં 19 ટકાનો હિસ્સો ધરાવે છે. પણ લોકોને ફરિયાદ છે કે કેન્દ્ર સરકાર ટેક્સ લઈ જાય છે, પણ ફંડ આપતી નથી. યાદ આવે છે ગુજરાતને કેન્દ્રનો હડહડતો અન્યાય? જોકે આર્થિક રીતે સમૃદ્ધ હોવાથી 2008માં ગ્લોબલ ક્રાઇસિસ ઊભી થઈ ત્યારે કેટેલોનિયાને જ સૌથી વધુ અસર થઈ હતી. સરખાવો – નોટબંધી અને જીએસટીની સૌથી વધુ અસર વેપારઉદ્યોગના કેન્દ્ર ગુજરાતને થઈ હતી.

એકતરફ આવી અન્યાયની લાગણી અને બીજીતરફ એક હજાર વર્ષનો ઇતિહાસ. અહીંના રજવાડાં અલગ હતાં અને કેટલીક આગવી સાંસ્કૃતિક બાબતો પણ હતી. ગુજરાતની અસ્મિતા જેવું. આ આગવાપણાંને કારણે સ્પેનમાં હોવા છતાં કેટેલોનિયાને ઘણી સ્વાયત્તતા આપવામાં આવી હતી તેથી સદીઓ સુધી સ્પેનની સાથેના સંબંધોમાં બહુ ખટાશ આવી ન હતી. પરંતુ સ્પેનમાં વિશ્વ યુદ્ધ પછી આંતરિક અસંતોષ ઊભો થયો તેમાં રાજકીય પરિવર્તનો આવ્યાં. સ્પેનિશ સિવિલ વોર તરીકે ઓળખાતા અસંતોષને 1939માં જનરલ ફ્રાન્સિસ્કો ફ્રાન્કોએ દાબી દીધો. તે પછી શરૂ થઈ ફ્રાન્કોની ડિક્ટેટરશિપ, જે છેક 1975 સુધી ચાલી હતી. આ લાંબી સરમુખ્યતારશાહીને કારણે સદીઓથી સ્પેન સાથેનું જોડાણ હતું તે કેટેલોનિયાના લોકોને કઠવા લાગ્યું હતું.

1975માં સ્પેનમાં ફરી લોકશાહીની સ્થાપના થઈ. તે પછીય આ સમસ્યા વકરી નહીં, કેમ કે કેટેલોનિયાને ફરી ખાસ્સી સ્વાયત્તતા મળી ગઈ હતી. ફ્રાન્કોના દાદાગીરી કરનારા શાસનના અંત પછી કેટેલોનિયાનો અસંતોષ બહાર આવ્યો હતો. કેટેલોનિયા અલગ રાષ્ટ્ર છે તે ભાવના ફરી પ્રબળ બની હતી, પણ બંધારણમાં 1978માં સુધારો કરીને તેને મોટા ભાગની બાબતોમાં સ્વાયત્તતા અપાઈ તેથી અસંતોષ આગળ વધ્યો નહીં.

જોકે 2006માં બંધારણમાં એક સુધારો દાખલ કરાયો, તેમાં આર્થિક બાબતોમાં નીતિ તૈયાર કરવાની વધુ સ્વતંત્રતા કેટેલોનિયા રાજ્ય સરકારને અપાઈ હતી. આ સુધારામાં એક શબ્દ મહત્ત્વનો બન્યો. તેમાં એવું લખાયું કે એક રાષ્ટ્રની જેમ કેટેલોનિયા પોતાની આર્થિક નીતિ તૈયાર કરી શકે, પણ તેની સામે વાંધો ઉઠાવાયો એટલે સ્પેનની બંધારણીય અદાલતે 2010માં આ સુધારો રદ કર્યો. ફરી એકવાર કેટેલોનિયામાં અસંતોષ ઊભો થયો. બીજીબાજુ કેન્દ્ર સરકાર દ્વારા થતી ફંડની ફાળવણી ઓછી છે તેવી ફરિયાદ તો ઊભી જ હતી. તેથી 2014ના નવેમ્બરમાં બિનસત્તાવાર જનમત લેવાયો. જનમતમાં 80 ટકા લોકોએ કહ્યું કે સ્પેનથી છૂટાં થઈ જાવ. ત્યારથી ઉકળવા લાગેલા અસંતોષના ચરૂમાં આખરે 27 ઓક્ટોબરે કેટેલોનિયાની ધારાસભાએ સ્વતંત્રતાની જાહેરાત કરી દીધી.

અહીં આ જનમતનો મુદ્દો ચકાસવા જેવો છે અને તેના આધારે જ આપણે મથાળું બાંધ્યું છે કે કઈ રીતે જનમતના પરિણામો ઘણીવાર એક મોટા જૂથના ગળામાં ગાળીયો બની જતાં હોય છે. એક તો જનમત ગેરકાયદે લેવાયો હતો. બંધારણની જોગવાઈઓની વિરુદ્ધ. બીજું તેમાં કેટેલોનિયાના માત્ર 37 ટકા લોકોએ જ મતદાન કર્યું હતું. 37 ટકાએ મતદાન કર્યું તેમાંથી 80 ટકાએ સ્વતંત્રતાની માગણી કરેલી, પણ મતદાન કરવા જ ના આવેલા 63 ટકા લોકોનું શું? આ સવાલ ભારતના સમજદાર લોકો તરત સમજી શકશે, કેમ કે ભારતમાં પણ મતદાનની ટકાવારી હવે છેક 70 ટકા સુધી પહોંચી છે. ઘણા સંજોગોમાં બહુ ઓછા મતદાનમાં જીતી જનારા પણ ભવ્ય જીતનો દાવો કરતા હોય છે. વિરોધ કરનારાનો અવાજ હંમેશા મોટો હોય છે. શાણપણ ધરાવનાર લોકોનો અવાજ સૌમ્ય હોય છે. પ્રચારના મારામાં જોરથી બોલનારા અને જોશથી બોલનારાને કારણે એક મોટો વર્ગ લાગણી દબાવીને બેસી જતો હોય છે. એટલે જ કોઈ પણ બાબત માટે આંદોલન થાય ત્યારે આંદોલનનો અવાજ બહુ તીવ્ર હોય છે, પણ તેની સામે એક એટલો જ વિશાળ વર્ગ તેનાથી વિરુદ્ધ છે તે શાંત રહી જાય છે અને આંદોલનના કારણે કોઈ નિર્ણય આવે તે નિર્ણયનો ગાળીયો તેમણે પણ પોતાના ગળામાં પહેરવો પડે છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]