નામ નવાઝ શરીફ, પણ કામ બદમાશીના. ભારત સાથે દોસ્તીની વાતો કરીને પીઠ પાછળ ઘા મારનારા નવાઝ શરીફનો પાકિસ્તાનના રાજકારણમાં ખેલ ખતમ કરી દેવાયો છે. પાકિસ્તાની સેના સાથે તેમના સંબંધોમાં ઉતારચઢાવ આવતા રહ્યાં હતાં. પાકિસ્તાનના રાજકારણમાં રહેવું હશે તો સેનાનું આધિપત્ય સ્વીકારવું પડશે તે વાત તેમણે સ્વીકારી લીધી હતી, પણ સેનાને તેમના પર પૂરો ભરોસો ક્યારેય નહોતો. પરંતુ બેનઝીર ભુટ્ટો સામે એક રાજકીય ચહેરાની જરૂર હતી એટલે શરીફને ચાલવા દેવાતાં હતાં.હવે રાજકીય રીતે આ ચહેરો સેના ચલાવવા માગતી હોય તો પણ નહીં ચાલે, કેમ કે પાકિસ્તાનની સર્વોચ્ચ અદાલતે તેમના પર કાયમી પ્રતિબંધ મૂકી દીધો છે. ભવિષ્યમાં હવે કોઈ ચૂંટણી નવાઝ શરીફ લડી શકશે નહીં. પનામા પેપર્સ તરીકે જાણીતા થયેલા દસ્તાવેજો લીક થયા ત્યારે દુનિયાભરમાં હલચલ મચી હતી. પનામા ટેક્સ હેવન છે. પનામા ખાતે વીઆઈપી લોકોની કંપનીઓ અને બેન્ક ખાતાં હતાં, જેમાં અબજો રૂપિયા ગેરકાયદે જમા થયેલા છે. નેતાઓ, અભિનેતાઓ, ઉદ્યોગપતિઓ, દલાલો એમ અનેક લોકોના નામ આ પનામા પેપર્સ લીક થયા ત્યારે તેમાં જાહેર થયાં. ભારતમાં હજી સુધી માત્ર તપાસનું નાટક થયું છે, કોઈને કશી સજા થઈ નથી, પણ શરીફને પનામા પેપર્સમાં નામ આવ્યું તે ભારે પડી ગયું છે.
જોકે માત્ર પનામા પેપર્સના કારણે શરીફ સામે પગલાં લેવાયા હોય અને પાકિસ્તાનની સુપ્રીમ કોર્ટ ભ્રષ્ટાચાર સહન ના કરે તેટલી સારી સ્થિતિ હજી આવી નથી. ઘણા બધા પરિબળોને કારણે શરીફને આખરે લાઇફટાઇમ બેન કરી દેવાયા છે.
પાકિસ્તાનમાં સંસદની ચૂંટણીઓ માથે જ ઊભી છે. આ ચૂકાદાની અસર તેના પર અવશ્ય પડશે. સાથોસાથ નવાઝ શરીફના પક્ષમાં પણ આંતરિક ખેંચતાણ વધશે. તેમનો રાજકીય વારસો આખરે કોને જાય છે તે ચૂંટણી વખતે અમુક અંશે નક્કી થઈ જશે. જોકે સીધી રીતે ચૂંટણી નહીં લડીને અને જેલમાં રહીને પણ ચૂંટણીમાં મહત્ત્વની ભૂમિકા ભજવવાનું ભારતીય ઉપખંડમાં શક્ય છે. ભારતમાં આપણે જોયું છે કે જેલમાં રહીને પણ લાલુ પ્રસાદ યાદવ બિહારમાં અસર ઊભી કરી શકે છે. ભૂતકાળમાં પોતે સીએમ બની શકે તેમ નહોતાં ત્યારે પ્રોક્સી તરીકે પત્નીને બેસાડીને તેમણે કામ ચલાવ્યું હતું. સોનિયા ગાંધીના પ્રોક્સી તરીકે જ મનમોહન સિંહ દસ વર્ષ કાઢી નાખ્યાં હતાં.
તેના કારણે નવાઝ શરીફનું મહત્ત્વ ઓછું નહીં થાય, પણ તેઓ ભવિષ્યમાં પણ હવે વડાપ્રધાન નથી બનવાના ત્યારે કોને બનવામાં મદદ કરશે તે સવાલ અગત્યનો સાબિત થશે. અદાલતનું વલણ આકરું છે તે ખ્યાલ આવી ગયો હતો અને તેથી જ તેમની દીકરી મરિયમે કહ્યું હતું કે મારા પિતા સામે કાવતરું ઘડાયું છે. અલીબાબા અને ચાલીસ ચોરની જેમ ખુલ જા સીમ સીમ કરીને ચૂકાદો આપી દેવાયો છે એવી ટીકા તેમણે કરી હતી.
ગત જુલાઈમાં પનામા પેપર્સમાં નામ આવ્યું તે પછી પાંચ જજોની બેન્ચ સમક્ષ તેમનો કેસ આવ્યો હતો. પાકિસ્તાનના બંધારણની કલમ 62(1)(f) પ્રમાણે સંસદ સભ્ય સાદિક અને આમીન (સત્યવાન અને પ્રામાણિક) હોવો જોઈએ. નવાઝ શરીફ સામે મની લોન્ડરિંગનો કેસ પણ હતો. 1990ના દાયકામાં તેઓ વડાપ્રધાન હતાં ત્યારે લંડનમાં તેમણે મિલકતો ખરીદી હતી અને તે માટે ગેરકાયદે દેશમાંથી પૈસા મોકલ્યાં હતાં.
સુપ્રીમ કોર્ટે તેમને વડાપ્રધાન તરીકે દૂર કર્યા પછી તેમના પક્ષના શાહીદ અબ્બાસીને વડાપ્રધાન બનાવાયા છે. જોકે સુપ્રીમ કોર્ટે ગયા ફેબ્રુઆરીમાં એવો પણ આદેશ કર્યો હતો કે તેઓ પોતાના પક્ષ પાકિસ્તાન મુસ્લિમ લીગના વડા તરીકે પણ રહી શકશે નહીં. એટલે તેમણે પરદા પાછળ રહીને જ કામ કરવું પડશે.
કૌટુંબિક રીતે પણ નવાઝ શરીફ મુશ્કેલીમાં છે, કેમ કે તેમણે લાલુની જેમ બેગમથી કામ ચાલે તેમ નથી. તેમના પત્ની કુલસૂમને લાહોર બેઠક પરથી જીત મળી, પણ તેમની તબિયત વધારે ખરાબ છે અને હાલમાં લંડનમાં તેમની સારવાર ચાલી રહી છે. દીકરી મરિયમ પિતાના કેસમાં સતત રસ લેતી આવી છે, પણ તે રાજકીય રીતે કેટલી સક્ષમ છે તે જોવાનું બાકી છે. તેમણે અખિલેશની જેમ કાકા સાથે કામ પાર પાડવાનું છે. નવાઝના નાના ભાઈ પોતે મુખ્યપ્રધાન તરીકેનો અનુભવ ધરાવે છે, પણ તેમને વડાપ્રધાન બનાવી શકાયા નહોતા. અથવા બનાવાયા નહોતા.
નાના ભાઈ શાહબાઝ શરીફ પંજાબ પ્રાંતના મુખ્યપ્રધાન છે. પોતે વડાપ્રધાન બને અને દીકરાને પંજાબમાં મુખ્યપ્રધાન બનાવે તેવી ગણતરી હતી, પણ તે શક્ય બન્યું નહોતું. શાહબાઝ અને તેમનો દીકરો બંને મહત્ત્વના હોદ્દા પર હોય તો ભવિષ્યમાં શરીફ અને તેના સંતાનો માટે ઘરમાંથી જ સ્પર્ધા ઊભી થાય.
આ બધા વચ્ચે વર્તમાન વડાપ્રધાન શાહિદ અબ્બાસી ફાવી જાય તેવું બને. પોતાની સાદગી માટે જાણીતા શાહિદે આટલા મહિના ચૂપચાપ કામ કર્યું છે. કુલસૂમની તબિયત સારી થાય ત્યારે તેમને વડાંપ્રધાન બનાવી દેવાશે તેવી શક્યતા વચ્ચે તેમણે પોતાની ઓળખ ઊભી કરવા પ્રયાસ કર્યો નહોતો અને વફાદાર સાથીની ભૂમિકા જાળવી રાખી હતી. અબ્બાસીના કારણે પક્ષના બીજા જૂથોને પણ સાચવી શકાયા છે એટલે હાલમાં સ્થિતિ એ છે કે નવી ચૂંટણી સુધી તેમને જ વડાપ્રધાન તરીકે રાખવાના છે.હવે પાકિસ્તાન મુસ્લિમ લીગના વડા કોણ બનશે તે સવાલ પણ ઊભો થયો છે. સુપ્રીમ કોર્ટે ફેબ્રુઆરીમાં ચૂકાદો આપ્યો તે પછી તરત જ અબ્બાસીએ પક્ષનું વડપણ સંભાળી લીધું હતું. દેશ અને પક્ષ બંનેની જવાબદારી સાથે અબ્બાસીનું કદ વધ્યું છે તેનો ઇનકાર થઈ શકે તેમ નથી. ચૂંટણી સુધી કોઈ ફેરફાર કરવાને કારણે બીજી સમસ્યાઓ પણ ઊભી થાય તેમ છે, ત્યારે હાલ પૂરતી આ વ્યવસ્થા શરીફના ફેમિલીએ અને પક્ષના બીજા નેતાઓએ સ્વીકારી લીધી છે.
હવે સૌથી મોટી કસોટી થશે સંસદની ચૂંટણી વખતે. કોઈ પણ ઘડીએ તેની તારીખો જાહેર થાય તેવી શક્યતા છે.
પાકિસ્તાન મુસ્લિમ લીગે પક્ષ તરીકે વજૂદ જાળવવા માટે ચૂંટણી જીતવા જોર કરવું પડે. શાહબાઝે પંજાબ સંભાળવાનું છે. પંજાબમાં તે પક્ષને મજબૂત બનાવી શકે તો જ રાષ્ટ્રીય સ્તરે તેમનું વજન વધે. ઇમરાન ખાન સતત કેમ્પેઇન કરી રહ્યા છે અને ચૂંટણી તેમના માટે તક છે. વ્યક્તિગત રીતે ઇમરાનની લોકપ્રિયતા ગમે તેટલી હોય, તેમનો પક્ષ પૂરતી બેઠકો જીતે નહીં ત્યાં સુધી રાજકીય રીતે ઇમરાન ખાન કશું કરી શકે નહીં. ભુટ્ટોની નવી પેઢીએ, બેનઝીરના પુત્રે પણ રાજકીય પરીક્ષા આપવાની છે.
સુપ્રીમ કોર્ટના ચૂકાદા પછી પાકિસ્તાનમાં હવે કોઈ રાષ્ટ્રવ્યાપી નેતા રહ્યો નથી. પાકિસ્તાની સેના માટે મોકળું મેદાન છે. મજબૂત નેતાની ગેરહાજરીમાં સેનાના લો-પ્રોફાઇલ જનરલ પણ પ્રોક્સી શાસન ચલાવી શકશે. ભારત માટે શરીફ હતાં ત્યારે પણ કોઈ આશા નહોતી. નવો શક્તિશાળી નેતા પાકિસ્તાનમાં ઊભો ના થાય ત્યાં સુધી ભારત સાથેના સંબંધોમાં શું કરવું તેમાં સેનાનો હાથ ઉપર રહેવાનો છે. જોકે શરીફ વડાપ્રધાન નહીં બની શકે તેના કારણે બીજી પણ એક સ્થિતિ ઊભી થઈ છે. ભારત સાથે કેવા સંબંધો રાખશે તે મુદ્દો દરેક નેતા ચૂંટણીમાં ચગાવતો હોય છે. કદાચ પાકિસ્તાનમાં ઘણા વર્ષે એવી ચૂંટણી થશે, જેમાં આંતરિક રીતે દેશની નવી નેતાગીરી કેવી ઊભી થશે તેનો મુદ્દો મહત્ત્વનો બની રહેશે.