જાપાનના સમ્રાટની નિવૃત્તિ- સમસ્યા કેવી રીતે બની?

રાજા રિટાયર્ડ થાય નહિ, પણ જાપાનના સમ્રાટે સામેથી ઇચ્છા જાહેર કરી કે હવે મને મુક્ત કરો. ભારતને આપણે રૂઢીચૂસ્ત, પરંપરામાં માનતો, સામંતવાદી અને ગુલામી માનસિકતા ધરાવતો દેશ કહીએ છીએ, પણ બ્રિટન અને જાપાન જેવા ધનાઢ્ય દેશોના લોકો પોતાના રાજા માટે અહોઅહો થાય ત્યારે નવાઇ પામવાનો વારો આપણો આવે છે. તેથી જાપાનના સમ્રાટ નિવૃત્તિ માગે અને જાપાનની સરકાર ચિંતામાં પડે તે સમાચાર આપણા માટે ચિત્રવિચિત્ર કેટેગરીના સમાચાર છે.જાપાનના સમ્રાટનું નામ અકિહિટો છે અને તેમના ગાદીત્યાગનો દિવસ નક્કી થઈ ગયો છે – 30 એપ્રિલ 2019. ગુજરાતમાં મહેમાન બનીને ગયેલા શિન્ઝો આબે ફરીવાર જાપાનના વડાપ્રધાન બન્યા છે. તેમણે સત્તાવાર રીતે જાહેરાત કરી કે આખરે જાપાનના સમ્રાટને સરકાર નિવૃત્તિ આપશે. ઇમ્પિરિયલ કાઉન્સિલની વિશેષ બેઠક બોલાવાઇ હતી. તેમાં પરંપરાનું શું થશે તેની ચિંતા કર્યા બાદ 83 વર્ષના શહેનશાહને માનભેર વિદાય આપવાનું નક્કી કરાયું. અકિહિટોને પ્રોસ્ટેટ કેન્સર છે અને હાર્ટ સર્જરી પણ કરાવી ચૂક્યા છે. સ્વાસ્થ્યના કારણસર તેઓ સમ્રાટ તરીકેની વિધિઓમાંથી મુક્તિ ઇચ્છતા હતા. આવી મુક્તિ અમે ‘સરળતાથી નિર્ણય’ કરી શક્યા તેવું જણાવતા આબે ‘ભાવુક’ થયા હતા.

આ પણ ખરું! વડા પ્રધાને કાળજી લઈને નિવેદન આપ્યું અને એવું પણ કહ્યું કે સરકાર તમામ પ્રયત્નો કરશે. જાપાનની પ્રજાસમ્રાટ નિવૃત્ત થાય અને તેમની જગ્યાએ રાજકુંવરનો રાજ્યાભિષેક થાય તેની ઉજવણી કરી શકે તેમાં કશી કચાશ ના રહે તે માટે બે વર્ષ જાપાની સરકાર તૈયારીઓ કરશે! રાજકુંવર નારુહિટો પણ 57 વર્ષના થઈ ગયા છે. નારુહિટોને ક્રિસેન્થિમમ થ્રોન તરીકે ઓળખાતા સિંહાસન પર બેસાડાશે. ભારતમાં સિંહ સત્તાનું પ્રતીક છે તેથી સિંહાસન, જ્યારે જાપાનમાં ક્રિસેન્થિમમ એટલે કે સેવંતીનું ફૂલ પવીત્ર ગણાય છે તેથી તેને ફૂલસન કે ફૂલગાદી કહી શકાય.
વિશ્વના બધા રાજકૂળોમાં સૌથી સળંગ રાજકૂળ જાપાનનું ગણાય છે. આમ તો 2600 વર્ષનો ઇતિહાસ ગણાય છે, પણ કમ સે કમ 600 વર્ષ તો સળંગ એક જ કૂળનું રાજ રહ્યું છે. તેમાં ભૂતકાળમાં સમ્રાટે ગાદી છોડી હોય તેવું બન્યું છે, પણ છેલ્લા બસ્સો વર્ષથી આવો બનાવ બન્યો નહોતો એટલે નવી પેઢી જરા નવું લાગી રહ્યું છે. અકિહિટો સળંગ 125માં રાજા છે, જે સેવંતીના ફૂલની રાજગાદી પર બેઠા હતા. આ કૂળ સૂર્યની દેવીનું વંશજ મનાય છે. જાપાનમાં બૌદ્ધ ધર્મ ફેલાયો, પણ શિન્ટો જૂનો ધર્મ છે અને તેના સંરક્ષણ સંવર્ધનની જવાબદારી રાજકૂળની રહી છે. સમ્રાટ રાષ્ટ્રના રાષ્ટ્રીય તહેવારો, પરંપરાઓ પણ જાળવે. તેના કારણે જૂની પેઢીના લોકો માટે તેમનું મહત્ત્વ રહ્યું છે.
જોકે અકિહિટોએ જ પરંપરામાં કેટલાક ફેરફારોની શરૂઆત પણ કરેલી. જેમ કે તેમણે પ્રથમવાર રાજકૂળની બહાર લગ્ન કરેલા. અન્ય કૂળની કન્યા સાથે લગ્ન કરવાની તેમની પરંપરા પૌત્રીએ પણ અપનાવી. પૌત્રીનો રાજવી દરજ્જો જતો રહ્યો, પણ સમ્રાટ હોવાથી અકિહિટોએ પરંપરા તોડી તે ચાલે. જોકે તેમણે નિવૃત્તિની જાહેરાત કરી ત્યારે કરવું શું તે સરકાર સામે સવાલ હતો, કેમ કે બંધારણમાં એવી કોઈ જોગવાઈ નથી.બીજા વિશ્વ યુદ્ધ વખતે જાપાને પૂર્વ એશિયામાં તરખાટ મચાવ્યો હતો. અકિહિટો ત્યારે બાળક હતા અને તેમના પિતા હિરોહિટોની આગેવાની હેઠળ જાપાની સેના ચારે તરફ ફરી વળી હતી. પરંતુ અમેરિકાએ અણુબોમ્બ ફેંક્યો અને જાપાને શરણાગતિ સ્વીકારવી પડી. સમ્રાટ માટે તે બહુ આઘાતજનક હતું. સમ્રાટ સૂર્ય કૂળના હોવાથી પવિત્ર અને ઇશ્વરીય ગણાતા હતા. હાર પછી તેમનો એ દરજ્જો નાબૂદ કરી દેવાયો. તેની જગ્યાએ લોકશાહી આવી. જોકે રાતોરાત રાજાને તદ્દન હટાવી દેવા શક્ય નહોતા એટલે તેમને બંધારણીય વડા તરીકે રખાયા. તેમની પાસે કોઈ સત્તા રહી નહોતી.
સત્તા વિનાના સમ્રાટનો દરજ્જો અને માન મર્યાદા જાપાની પ્રજા જાળવે છે. બીજા વિશ્વ યુદ્ધના ગાળામાં હાર મળી તે જાપાનીઓને આકરું લાગ્યું હતું. જૂનો મોભો જાળવવા રાજાશાહીને પ્રજા વાગોળતી રહે છે. ભારતમાં પણ આપણે પ્રાચીન વારસાના ગુણગાન ગાતા રહીએ છીએ.

નારુહિટોને ક્રિસેન્થિમમ થ્રોન, ભાવી સમ્રાટ, જાપાન

બ્રિટનમાં પણ રાજાશાહીનું શું કરવું તેની વચ્ચે વચ્ચે ચર્ચા ચાલે છે, પણ એકવીસમી સદી આગળ વધી છે છતાં કશું નક્કર વિચારાયું નથી. જાપાનમાં પણ નજીકના ભવિષ્યમાં સમ્રાટના દરજ્જામાં બહુ ફરક પડે તેમ લાગતું નથી. જોકે ભાવી સમ્રાટ વિશે અનિશ્ચિતતા છે. રાજકુંવર નારુહિટો સમ્રાટ બનશે, પણ તેમને કોઈ દીકરો નથી. દીકરી પણ રાજકૂળને બદલે અન્યને પરણી તેથી રાજપરંપરામાંથી બહાર થઈ ગઈ છે. નારુહિટોના નાના ભાઇનો દીકરો 11 વર્ષનો છે. અત્યારે તો આ ભત્રીજો જ ભાવી સમ્રાટ ગણાય. આ ભત્રીજો અત્યારે છેલ્લો વારસદાર છે. તે રાજકૂળમાં જ પરણે અને તેને દીકરો થાય તો પરંપરા આગળ વધે. દરમિયાન જાપાનમાં રાજકૂળમાં રાજકુંવરીને વારસદાર ગણવી કે કેમ તેની ચર્ચા ચાલતી થઈ છે ખરી.