લોકોને સાવધ રહેવા માટે સચેત કરવાના હતા, પણ ગભરાવાના નહોતા, તેથી મોટા ભાગના નિષ્ણાતો જણાવી રહ્યા છે કે ચેપ લાગ્યા પછી મરણાંક ઓછો છે. ભારતમાં પણ હજી મરણાંક ઓછો છે, પણ તેમાં રાજ્યો વચ્ચે પ્રમાણ અને સંખ્યા જુદીજુદી છે. દાખલા તરીકે કેરળમાં સૌ પ્રથમ કેસ થયો હતો અને સૌથી વધુ કેસ કેરળમાં જ છે. છતાં ત્યાં એક જ દર્દીનું મોત થયું, જ્યારે એટલી જ મોટી સંખ્યામાં કેસ ધરાવતા મહારાષ્ટ્રમાં મરણાંક 8 થઈ ગયો છે. ગુજરાતમાં કેરળ અને મહારાષ્ટ્ર કરતાં અડધા જેટલા કેસો છે, પણ મરણાંક 6 થયો છે, જે મહારાષ્ટ્ર પછી બીજા નંબરે આવે છે.
હાલમાં તંત્રની અગ્રતા દેખરેખ અને સારવાર છે એટલે બાદમાં અભ્યાસ થશે ત્યારે ખ્યાલ આવશે કે મરણાંક શા માટે અલગ અલગ હોય છે. પ્રદેશ પ્રમાણે ભૌગોલિક, સામાજિક, આર્થિક સ્થિતિ અલગ હોય છે, તેથી સ્થિતિમાં ફરક દેખાય. વિશ્વના કેટલાક દેશોમાં સંકટ સાથે જ અભ્યાસ પણ શરૂ થઈ જતો હોય છે અને પ્રાથમિક તારણો કાઢવામાં આવતા હોય છે. આવા પ્રાથમિક તારણો પ્રમાણે ઇટાલીમાં મરણાંક બહુ ઊંચો ગયો છે, જ્યારે જર્મનીમાં મરણાંક કાબૂમાં રહ્યો છે. કેસોની સંખ્યાની બાબતમાં પણ ચીન કરતાંય અમેરિકાની સ્થિતિ કપરી બની અને મોટા પ્રમાણમાં ત્યાં કેસો નોંધાયા છે. તેનું એક કારણ જોકે એ પણ ખરું કે ચીનના આંકડાં પર ભરોસો હોતો નથી. ચીનના સરમુખત્યાર સામ્યવાદીઓએ પહેલેથી જ આંકડાં દબાઈને રાખ્યા હોય તેવું લાગે છે.
ભારત બધી બાબતમાં આગળ રહેવા કોશિશ કરે છે, ત્યારે સંશોધન અને અભ્યાસમાં પણ વધારે સજ્જતાની જરૂર છે. કોરોના પછી તેના તરફ કદાચ ધ્યાન જશે. દરમિયાન વિશ્વમાં નિષ્ણાતોએ પ્રાથમિક અભ્યાસ કરીને કેટલાક તારણો કાઢ્યા છે. ઇટાલીમાં સૌથી વધુ મૃત્યુ 52 પ્લસ લોકોના થયા છે. વૃદ્ધ, થોડી બીમારી અને ચેપની તીવ્રતાને કારણે ઇટાલીમાં મરણાંક વધી ગયો, કેમ કે આમ પણ ઇટાલીના નાગરિકોની સરેરાશ ઉંમર યુરોપમાં સૌથી વધુ છે. તેની સામે જર્મીનમાં નાગરિકોની સરેરાશ ઉંમર ઓછી છે.
બીજી એક ક્રૂર વાસ્તવિકતા પણ સામે આવી હતી. એક સાથે દર્દીઓ આવવા લાગ્યા ત્યારે ઇટાલીનું કહેવાતું આધુનિક આરોગ્ય તંત્ર પણ પહોંચી વળે શકે તેવી સ્થિતિમાં નહોતું. એવા અહેવાલો તમે જોયા હશે કે વૃદ્ધોને સારવાર જ ના મળી હોય. સોશ્યલ મીડિયાના માધ્યમથી આવતા આવા સમાચારોમાં થોડી અતિશયોક્તિ થઈ હશે, પણ એ વાત સાચી પણ છે કે ઇટાલીમાં એક તબક્કે 62 પ્લસ ઉંમરના વૃદ્ધ દર્દી હોય, તેમને ઑલરેડી હાર્ટ, કિડની કે ડાયાબિટિસની સમસ્યા હોય તો તેમને વેન્ટિલેટર અને આઇસીયુમાં પ્રાથમિકતા મળતી નહોતી. તેની સામે 45 વર્ષના, બીજી બીમારી ના ધરાવતા અને બચવાની શક્યતા ધરાવતા દર્દીને પ્રાથમિકતા મળતી હતી.
જર્મનીના છેલ્લા આંકડાં પ્રમાણે કુલ ચેપના કેસ આવ્યા તેમાંથી માત્ર 0.4 ટકા દર્દીઓના મોત થયા. ઇટાલીમાં તે પ્રમાણ 8 ટકા જેટલું ઊંચું ગયું છે. લગભગ 20 ગણું વધારે પ્રમાણ થયું. દર 10 લાખની વસતિએ, માર્ચના છેલ્લા અઠવાડિયા સુધીમાં, કયા દેશમાં કેટલો મૃત્યુ દર હતો તેના આંકડાં સ્થિતિને થોડી સ્પષ્ટ કરી આપશે.
10 લાખની વસતિએ મરણાંક
ઇટાલી | 124.16 |
સ્પેન | 78.05 |
ઈરાન | 25.39 |
નેધરલેન્ડ | 20.72 |
ફ્રાન્સ | 19.90 |
યુ.કે. | 07.02 |
અમેરિકા | 03.21 |
દ.કોરિયા | 02.54 |
જર્મની | 02.48 |
ચીન | 02.36 |
આ કોઠા પરથી એ પણ ખ્યાલ આવે છે કે ચીનનો દર સૌથી નીચે છે તે પણ ભરોસાપાત્ર ના હોઈ શકે. ચીનનાં આંકડાં પર હંમેશા શંકા રહેવાની. પરંતુ બાકીના દેશોના આંકડાંમાં ફરક દેશની સ્થિતિ, નાગરિકોની સરેરાશ ઉંમર, ચેપના ટેસ્ટ માટે અને સારવાર માટે લેવાયેલા ઝડપી પગલાં, આરોગ્યની સુવિધાઓ, હવામાન, જેનેટિક બંધારણ વગેરે વિવિધ પરિબળો જવાબદાર હોઈ શકે છે. આટલી મોટી મહામારી છે એટલે તેનો બહુ ઝીણવટભર્યો અભ્યાસ થશે ત્યારે વધુ ખ્યાલ આવશે.
આ આંકડાં પરથી અને પ્રાથમિક અંદાજ પરથી સૌથી મોટો ફરક દેખાયો છે દેશના નાગરિકોની સરેરાશ ઉંમર અને ચેપ લાગ્યો હોય તે દર્દીઓની સરરેશા ઉંમર. ઇટાલી બુઢ્ઢો દેશ થવા લાગ્યો છે, જ્યારે પશ્ચિમ અને પૂર્વ જર્મનીના એકીકરણ પછી પ્રમાણમાં યુવાન વસતિ જર્મનીમાં છે. ચીન અને ભારતમાં ગંજાવર વસતિ છે, પણ તેમાં યુવા વર્ગનું પ્રમાણ સૌથી વધુ છે, તેથી ચેપની સંખ્યા અને મૃત્યુ દર ઓછો રહ્યો છે. જાપાન સૌથી વયોવૃદ્ધ દેશ થઈ ગયો છે, પણ ત્યાં વસતિ ઓછી છે, આરોગ્યની સુવિધા સૌથી સારી છે તેની અસર દેખાઈ છે. જાપાન અને દક્ષિણ કોરિયા ચીનથી નજીક હોવા છતાં સાવચેતની કારણે બચી શક્યા છે. બંને દેશો ટેક્નોલૉજી, વિજ્ઞાન, સંશોધનમાં બહુ આગળ છે તેનું પરિણામ આજે જોવા મળી રહ્યું છે.
દક્ષિણ કોરિયા માટે બધા જ માને છે તેણે સૌથી વધુ પ્રમાણમાં ટેસ્ટિંગ કરવાનું શરૂ કર્યું હતું. ચીનમાંથી જોખમ ફેલાઇ રહ્યું છે તેનો ખ્યાલ આવતા જ મોટા પ્રમાણમાં ટેસ્ટિંગ શરૂ કર્યું હતું. તેનો એક ખ્રિસ્તી કલ્ટ રહસ્યમય અને ગુપચુપ કામ કરે છે. તેના બે લાખ જેટલા સભ્યો છે. તેમાં ચેપ ફેલાયો હતો પણ અનુયાયીઓ ટેસ્ટ કરાવતા નહોતા. પ્રારંભના બધા જ કેસ આ પંથના સભ્યોમાંથી આવ્યા હતા. બાદમાં સરકારે કડક પગલાં લઈને ભક્તોને શોધી શોધીને ટેસ્ટ કરાવ્યા હતા. જો આ કલ્ટના લોકોએ મૂર્ખામી ના કરી હોત તો દક્ષિણ કોરિયાનો આંક સિંગાપોર અને તાઇવાન જેટલો નીચે આવ્યો હોત.
ભારતમાં 135 કરોડથી વધુની વસતિ સામે અંદાજે એક લાખ આઇસીયુ જ છે. તેથી જ કામચલાઉ આઇસીયુની સંખ્યા વધારવા માટે તંત્રને દોડાવાઇ રહ્યું છે. સુઝુકી અને મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા જેવી કંપનીઓએ વેન્ટિલેટરનું ઉત્પાદન કરવાનું શરૂ કરી દીધું છે. આઇસીયુ અને વેન્ટિલેટરની સંખ્યા દેશમાં બહુ ઓછી છે. તેથી જ ઘરમાં રહીને, સંચારબંધી પાળીને ચેપ ફેલાઇ નહિ તેની કાળજી નાગરિકોએ ગંભીરતાથી લેવી જરૂરી છે. આપણે બહાર જઈએ નહિ અને ચેપ ઘરમાં લાવીએ નહિ તેવી પ્રતિજ્ઞા જરૂરી છે.
આઇસીયુની સંખ્યા વસતિ પ્રમાણે કેટલી છે તેના આંક પણ સ્થિતિ દર્શાવી આપશે. દર એક લાખની વસતિએ આઇસીયુ બેડની સંખ્યા જોઈએ તોઃ
અમેરિકા | 34 |
જર્મની | 29 |
ઇટાલી | 12 |
સ્પેન | 10 |
દ.કોરિયા | 10 |
આ આંકડાં એ પણ દર્શાવે છે કે પોતાની આરોગ્ય સુવિધાને ધ્યાનમાં રાખીને દેશોએ આગોતરી તૈયારી કરવી પડે. દક્ષિણ કોરિયા ટેક્નોલૉજીમાં આગળ, પણ આરોગ્ય તંત્રમાં અમેરિકાથી ઘણું પાછળ છે. તેથી શરૂઆતથી જ વધારે ટેસ્ટ કર્યા અને હોસ્પિટલમાં સુવિધા ના હોવાથી લોકો કારમાં આવે, કારમાં જ બેઠા રહે અને પોતાના નમૂના આપીને જતા રહે અને બાદમાં તેમને ટેસ્ટનું રિઝલ્ટ મળી જાય તેવી વ્યવસ્થા ગોઠવી હતી.
ભારતમાં એક લાખ જેટલા જ આઇસીયુ છે, ત્યારે એક લાખની વસતિએ કેટલા તેની ગણતરી કરવાનો કોઈ અર્થ નથી. લૉકડાઉનને કારણે હજી સુધી ભારતમાં દર્દીઓની સંખ્યા કાબૂમાં છે. ચાર્ટ પર ટ્રેજેક્ટરી દોરીને જોવામાં આવે, તેમાં પ્રથમ બે અઠવાડિયાની સ્થિતિ બીજા દેશો કરતાં પ્રમાણમાં સારી છે. અમેરિકામાં આગળ જતાં આંકડો ઝડપથી વધવા લાગ્યો છે. ભારત વધુ એક અઠવાડિયું કાળજી રાખશે, ભારતીયો વધુ બે અઠવાડિયા બહાર નહિ નીકળે તો દર્દીઓની સંખ્યા અને મરણાંક બંને જાળવી શકાશે. ભારતની પોતાની આગવી સ્થિતિ, યુવાન વર્ગની સંખ્યા વધારે, ઉનાળાની સ્થિતિ જેવા પરિબળો કેટલા ઉપયોગી થશે તેનો ખ્યાલ ટૂંકમાં આવી જશે.