અમેરિકાએ શા માટે સાચવ્યાં ટાગોરના સંભારણાં…

વીન્દ્રનાથ ટાગોર તરીકે દુનિયા તેમને વધારે ઓળખે છે. મૂળ બંગાળના જમીનદાર ઠાકુર પરિવારના રવીન્દ્રનાથ ભારતમાંથી સાહિત્યનું નોબેલ મેળવનારા એકમાત્ર સર્જક છે. તેના કારણે પણ તેમનું નામ વિશ્વમાં જાણીતું થયું છે. તેમના કાવ્યસંગ્રહ ગીતાંજલિનો અંગ્રેજીમાં અનુવાદ થયો અને તેને નોબેલ પારિતોષિક મળ્યું. જોકે નોબેલ મળ્યું તે પહેલાંથી જ તેઓ પશ્ચિમના બૌદ્ધિક વર્તુળોમાં જાણીતાં હતાં. યુરોપનો પણ પ્રવાસ કરતા રહેતાં હતાં અને ગાંધીજી સાથેના નિકટના સંબંધોને કારણે ભારતીય આઝાદીની ચળવળની ઘટનાઓમાં તેમને પણ યાદ કરાતાં રહ્યાં હતાં.1930માં રવિન્દ્રનાથ ઠાકુર પારિસની મુલાકાતે ગયા હતા. તે વખતની કેટલીક તસવીરો ન્યૂ યોર્ક ટાઇમ્સના ફોટોગ્રાફરે લીધી હતી. પારિસમાં વિવિધ સ્થળે તેમની તસવીરો ન્યૂ યોર્ક ટાઇમ્સના પારિસ બ્યૂરોમાં સચવાયેલી રહી હતી. હાલમાં જ અમેરિકાના માહિતી વિભાગે આ તસવીરોને પારિસ બ્યૂરોમાંથી મેળવીને પોાતાની આર્કાઇવ્ઝમાં જોડી છે.

અમેરિકાના માહિતી ખાતામાં આ રીતે વિશ્વના અગ્રણીઓના સંભારણાં સાચવી રાખવાની પરંપરા છે. વિભાગ પાસે અમેરિકા મુલાકાતની તસવીરો, હસ્તપ્રતો, પત્રો વગેરે હતા જ, પણ આ તસવીરો પણ તેમાં જોડાઈ છે.અમેરિકાને શા માટે ટાગોરમાં આટલો રસ પડે, તેવો સવાલ થાય. તેના એકથી વધુ કારણો છે. એક કારણ એ પણ ખરું કે અમેરિકાની મુલાકાત દરમિયાન તેઓ સ્થાનિક ચર્ચના આગેવાનો સાથે લાંબો સમય સંપર્કમાં રહ્યાં હતાં. એ જ રીતે ભારતને આઝાદી મળે તે માટેના પ્રયાસોમાં તેમણે અમેરિકન નેતાઓનો સાથ પણ માગ્યો હતો. તેના કારણે પણ અમેરિકા રાજકીય ઇતિહાસમાં અને અમેરિકાના પ્રમુખો સાથે જોડાયેલી ઐતિહાસિક બાબતોમાં ટાગોરના નામનો ઉલ્લેખ થયા કરે છે.

રવીન્દ્રનાથના પુત્ર અમેરિકામાં ભણતા હતા. તેમને મળવા માટે તથા શાંતિનિકેતનના કાર્યક્રમો માટે તેઓ વારંવાર અમેરિકા ગયા હતા. 1912માં તેઓ સૌપ્રથમ વાર અમેરિકાની મુલાકાતે ગયેલા. તે પહેલાં શિકાગોના કવિતાના એક જાણીતા સામયિકમાં તેમની ગીતાંજલિની કેટલીક રચનાઓનો અંગ્રેજી અનુવાદ પ્રગટ પણ થયો હતો. તે વખતે હજી તેમને નોબેલ મળ્યું નહોતું. તે પછીના વર્ષે 1913માં તેઓ બીજી વાર મુલાકાતે ગયાં ત્યારે વધુ જાણીતા થયાં હતાં, કેમ કે હવે તેઓ નોબેલ વિજેતા હતા. તે પછી 1930 સુધીમાં તેઓ પાંચવાર અમેરિકાનો પ્રવાસ કરી આવ્યાં હતાં.
1912માં તેઓ લગભગ સાત મહિના અમેરિકામાં રહ્યાં હતાં. તેમના પુત્ર અને પુત્રવધુ બંને અમેરિકામાં હતાં. તેઓ ઇલિનોયી યુનિવર્સિટીમાં ભણતાં હતાં. ઉર્બાના યુનિટેરિયન નામની ખ્રિસ્તી સભાના તેઓ સભ્ય પણ બન્યાં હતાં. રવીન્દ્રનાથે પણ સ્થાનિક ચર્ચના સભ્યો સાથે ઘણો સમય વિતાવ્યો હતો.

હાર્વર્ડમાં તેમની લેક્ટર સિરિઝ યોજાઈ હતી. તે વખતે જ તેમના ચાહકોનું જૂથ ઊભું થવા લાગ્યું હતું અને નોબેલ મળ્યું તે સાથે જ વધુ લોકોને તેમના સર્જનમાં રસ પડવા લાગ્યો હતો. ટાગોર સર્કલ નામે ગ્રુપ પણ બન્યાં હતાં, જે તેમના સાહિત્યનો અભ્યાસ કરતાં હતાં, કેમ કે તેમાં તેમને વૈશ્વિક ચેતનાનો સ્વર સંભળાતો હતો. ઉર્બાનાના યુનિટેરિયન ચર્ચ સાથેની તેમની ચર્ચા અને તે વખતે તૈયાર થયેલા સાહિત્યમાં પણ તેમનો ઉલ્લેખ થતો રહ્યો હતો. આગળ જતાં 1991માં યુનિટેરિયન ચર્ચે કેટલાક ઐતિહાસિક દસ્તાવેજો સરકારને સોંપ્યા, તેમાં ટાગોર સંબંધિત સાહિત્યનો પણ સમાવેશ થતો હતો. આ ચર્ચ ઇલિનોઇ યુનિવર્સિટી સાથે સંકળાયેલું હતું અને તે વખતથી ત્યાં વિદેશી વિદ્યાર્થીઓને આવકાર અપાતો હતો. બિનખ્રિસ્તી વિદ્યાર્થીઓને પણ પ્રવેશ અપાતો હતો. તેના ભાગરૂપે જ ઠાકુરના પુત્રે ત્યાં એડમિશન લીધું હતું.
1913માં તેમણે અમેરિકાની બીજી મુલાકાત લીધી ત્યારે એકથી વધારે શહેરોમાં ફર્યા હતા. નોબેલ વિજેતા સાહિત્યકાર તરીકે તેમનું ઠેરઠેર ઉમળકાથી સ્વાગત પણ થયું હતું. નોબેલને કારણે મળેલી પ્રસિદ્ધને કારણે તેમણે હવે પશ્ચિમના દેશોમાં પોતાના પ્રવચનોની સિરિઝ માટે પણ પ્રવાસ કરવાનું શરૂ કર્યું હતું. પ્રવચનો સાથે તેઓ શાંતિનિકેતન માટે ભંડોળ પણ ઊભું કરતા રહ્યા હતા. આ પ્રવાસો સાથે ક્યાંય હજી રાજકારણ ભળ્યું નહોતું, પણ બાદમાં રાજકીય બાબતોને કારણે પણ અમેરિકામાં ટાગોરનું નામ ચમક્યું હતું.

બીજા વિશ્વ યુદ્ધ દરમિયાન સેન ફ્રાન્સિસ્કોમાં એક કેસ ચાલ્યો હતો, જેને હિન્દુ-જર્મન કાવતરાં તરીકે ઓળખવામાં આવતો હતો. બ્રિટિશ સિક્રેટ સર્વિસે લાગ્યું હતું કે અમેરિકામાં રહીને ભારતીયો અને જર્મન સામ્રાજ્ય વિરોધી કાવતરું કરી રહ્યાં છે. તે વખતે અમેરિકા જગતમાં હજી એટલી દખલ કરતું નહોતું અને મહાસત્તા બન્યું નહોતું. બ્રિટન મહાસત્તા હતું અને અમેરિકા પોતાના સામ્રાજ્યમાં દખલ કરનારાને છાવરે તે ચલાવી લે નહીં. અમેરિકામાં કાયદો પણ હતો, જે અન્વયે તેણે તટસ્થ રહેવાનું હતું અને વિદેશી બાબતોમાં દખલ કરવાની નહોતી. 1918માં કેટલાક અખબારોમાં બ્રિટન વિરુદ્ધના કાવતરાના સમાચારો પણ ચમક્યાં હતાં. તેમાં એવું જણાવાયું હતું કે ભારતના રાષ્ટ્રવાદીઓએ અમેરિકામાં રહેલા જાપાનના પ્રતિનિધિઓ સાથે મુલાકાતો કરીને ભારતની સ્વતંત્રતા માટે તેમની મદદ માગી હતી. આવા ભારતીય લોકોમાં ટાગોરનું નામ પણ હતું. ભારતના રાષ્ટ્રવાદીઓ તે વખતે બ્રિટનમાં રહીને પણ લડત આપતા હતા, કેટલાક પારિસ જતા રહ્યાં હતાં અને બોઝ અને તેમના સાથીઓ જર્મનીમાં પહોંચ્યાં હતાં.
આ બધી બાબતો સાથે સંકળાયેલા દસ્તાવેજો, ચિત્રો, પત્રો વગેરે અમેરિકાએ સાચવી રાખ્યા છે. જોકે આ વાત નવી, કેમ કે 1961માં રવીન્દ્રનાથ ઠાકુરની જન્મ શતાબ્દીની ઉજવણી અમેરિકાના માહિતી ખાતાએ પણ કરી હતી. તે વખતે અમેરિકામાં ટાગોર એવી રીતે કેટલાક પ્રકાશનો પણ થયાં હતાં. અમેરિકાનું માહિતી ખાતું દુનિયાભરમાં પોતાની ઓફિસો ચલાવે છે અને અમેરિકાની નીતિઓના પ્રચારનું કામ કરતી રહેતી હોય છે. સોવિયેટ સંઘનું પણ એટલું જ વિશાળ પ્રચાર તંત્ર હતું તેનો સામનો પણ કરવાનું હતું. આવા પ્રચારમાં આડકતરી રીતે ટાગોર જેવા મહાનુભાવોના ચરિત્ર ઉપયોગી થતા હોય છે.
1961માં ટાગોરની જન્મશતાબ્દી નિમિત્તે થયેલા કાર્યક્રમો, પ્રકાશનોનું સારી રીતે ડોક્યુમેન્ટેશન થયેલું છે. તેમાં હવે પેરિસમાંથી મેળવાયેલી તસવીરો પણ ઉમેરાશે. 1961ના કાર્યક્રમોમાં તે વખતના પ્રમુખ કેનેડીનો સંદેશ પણ આવરી લેવાયો હતો. તેમણે પણ સ્વાભાવિક છે કે ગીતાંજલિમાંથી જ કેટલીક પંક્તિઓ પસંદ કરીને લીધી હતી. તેમાં કહેવાનો ભાવ એ હતો કે વર્તમાન યુગમાં પણ ગીતાંજલિની આ પંક્તિઓ સમગ્ર જગત માટે પ્રાર્થના સમાન બની રહે તેવી છે. બીજા વિશ્વ યુદ્ધ વખતે અમેરિકા વધારે સક્રિય બન્યું હતું. પારિસને નજીકથી જાણતા ટાગોરને ચિંતા થઈ હતી, કેમ કે જર્મન સેના પારિસ સુધી પહોંચી ગઈ હતી. પારિસની હાર પછી જૂન 1940માં રવીન્દ્રનાથ ઠાકુરે તે વખતના અમેરિકન પ્રમુખ ફ્રેન્કલિન રુઝવેલ્ટને પત્ર લખ્યો હતો. તેમાં તેમણે ચિંતા પણ વ્યક્ત કરી હતી કે દુનિયામાં હલચલ મચાવી દેનારી તાકતો ચારે તરફ ફેલાઈ રહી છે. દુનિયાભરમાં અસ્થિરતા સર્જાઈ છે ત્યારે અમેરિકા જ એક એવી તાકાત છે, જેના તરફ સૌની દ્રષ્ટિ પડી રહી છે. અમેરિકા તેમના પર આવેલી જવાબદારી સારી રીતે નભાવશે અને દુનિયામાં સ્થિરતા લાવશે તે પ્રકારનો સૂર તેમના પત્રમાં હતો. આ પત્રને પણ અમેરિકાએ બહુ સારી રીતે પોતાની આર્કાઇવ્ઝમાં સાચવી રાખ્યો છે.

બીજા વિશ્વ યુદ્ધમાં અમેરિકાએ અગત્યની ભૂમિકા ભજવી પણ હતી. આ તરફ જાપાન પણ બહુ ઝડપથી આગળ વધી રહ્યું હતું અને બ્રિટનને હરાવીને સમગ્ર એશિયામાં કબજો જમાવી રહ્યું હતું. જાપાન ભારતને મદદરૂપ થશે તેમ લાગતું હતું, પણ તે છેક ભારતની સરહદે પહોંચ્યું ત્યારે જાપાનને પણ અટકાવવું જરૂરી છે તેમ વિશ્વને લાગ્યું હતું. સુભાષચંદ્ર બોઝ અને તેમની આઝાદ હિન્દ ફૌઝ પણ ભારતની પૂર્વ સરહદે આવી પહોંચી હતી. પણ તે પછી ઇતિહાસે બહુ ઝડપથી વળાંક લીધો. અમેરિકાએ જાપાન પર અણુબોમ્બ ફેંક્યા અને જાપાને શરણાગતિ સ્વીકારી લેવી પડી. આઝાદ હિન્દ ફૌઝનો મુખ્ય આધાર છીનવાઈ ગયો હતો. ભારતે થોડા વધુ વર્ષો આઝાદી માટે રાહ જોવી પડી હતી.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]