10 ફેબ્રુઆરી 1996ના રોજ વિશ્વમાં એક અનોખી સ્પર્ધા યોજાયેલી. સ્પર્ધા હતી ગેરી કાસ્પારોવ અને ટેક-કંપની આઇબીએમના સુપર કમ્પ્યુટર વચ્ચે યોજાએલી શતરંજની રમતની. અહીં માણસની સામે માણસ નહીં, એક મશીન સ્પર્ધામાં હતું અને માણસ સામે એ પૂરવાર કરવાનો પડકાર હતો કે એ મશીન કરતાં ચડિયાતો છે.
અને જ્યારે આ સ્પર્ધામાં માણસ સામે મશીન જીતી ગયું ત્યારે સંભવતઃ પહેલીવાર સવાલ ઊઠેલો કે મશીન તરફની માણસજાતની આ દોડમાં છેવટે કોણ વધારે પાવરફૂલ પૂરવાર થશે? મશીન કે એને બનાવનાર માણસ?
આજે ૨૧મી સદીના બે દાયકા પછી પણ આ સવાલ, કદાચ વધારે ગંભીરતાપૂર્વક, વિશ્વ સામે ઝળૂંબી રહ્યો છે. પેલી રાજાની કુંવરીની ઉંમર કરતાં ક્યાંય ઝડપથી આગળ વધતી મશીન-ટેકનોલોજીએ એટલે કે આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સે આપણા રોજબરોજના જીવનમાં જે હદે પગપેસારો કર્યો છે એ જોતાં આ ટેકનોલોજી આગામી સમયમાં માનવજીવનનાં, દેશ અને દુનિયાનાં તમામ સમીકરણો ફેરવી નાખશે એ વાત નક્કી છે.
સવાલ એ છે કે આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સની આ દોટમાં ભારત ક્યાં છે અને આપણા પર એની ભવિષ્યમાં શું અસર થવાની છે?
આ બાબતને લઇને આજકાલ જાણીતા ભારતીય-અમેરિકી લેખક અને વિચારક રાજીવ મલ્હોત્રા અને એમનું હમણાં જ પ્રકાશિત થયેલું પુસ્તક આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ એન્ડ ફ્યુચર ઓફ પાવર ખૂબ ચર્ચામાં છે.
નવીદિલ્હીની સેન્ટ સ્ટીફન કોલેજના વિદ્યાર્થી રહી ચૂકેલા રાજીવજી ફિઝીક્સ અને કમ્પ્યુટર સાયન્સનું ભણેલા છે. બૌરાજ મલ્હોત્રા બૌધ્ધિક વિશ્વમાં દેશ-દુનિયામાં જાણીતું નામ છે અને અનેક વૌશ્વિક યુનિવર્સિટીઓ સાથે એક યા બીજી રીતે જોડાયેલા છે. હિન્દુ સંસ્કૃતિ અને હિંદુ ફિલોસોફીને નવેસરથી વિશ્વ સમક્ષ મૂકવાનો પ્રયત્ન કરતા રહેલા રાજીવ મલ્હોત્રાએ અગાઉ બ્રેકિંગ ઇન્ડિયા બિઇંગ ડિફરન્ટ ઇન્દ્રાઝ નેટ અને અને ધ બેટલ ફોર સંસ્કૃત જેવા પુસ્તકો પણ લખ્યાં છે. સિવિલાઈઝેશન, જિયો-પોલિટિક્સ, રિલિજિયન અને સાયન્સ જેવા વિષયો પર એ રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય પ્રકાશનોમાં સતત લખતા રહે છે.
ચિત્રલેખા.કોમ સાથેની આ મુલાકાતમાં એ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના ક્ષેત્રે ભારત ક્યાં છે એનો સ્પષ્ટ ચિતાર આપતા જણાવે છે કે, ‘આપણે આજે પણ ચાઇના કરતાં ક્યાંય પાછળ છીએ અને આ દોટમાં આપણને ચીન કે અમેરિકા જેવા દેશો આજે જ્યાં છે ત્યાં પહોંચતા હજુ બીજા એક કે બે દાયકા લાગી શકે છે.’
એમના મતે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ના કારણે આપણાં અર્થતંત્ર, ઉદ્યોગો અને રોજગારીના સર્જન સામે પણ મોટા પડકાર સર્જાઇ શકે છે.
વળી, આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સના ક્ષેત્રે હાલ ચાઇના અને બીજા શક્તિશાળી દેશો જે રીતે આડકતરી રીતે દુનિયા પર શાસન કરવા તરફ જઈ રહ્યા છે એ જોતાં ભવિષ્યમાં આપણે આ દેશોના ડિજિટલ ગુલામ પણ બની શકીએ છીએ. એક સમયે બ્રિટીશરોએ સંસ્થાનવાદ દ્વારા દુનિયા પર રાજ કરેલું. હવે જમાનો આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સનો છે એ જોતાં ડિજીટલ કોલોનાઇઝેશન પણ સર્જાઇ શકે છે.
આટલું જ નહીં, વિશ્વના ભૂ-રાજકીય સમીકરણો પણ આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સના કારણે બદલાઈ શકે છે. જે રીતે ડિફેન્સ સેક્ટરમાં આર્ટીફીશીયલ ઈન્ટેલીજન્સનું પ્રમાણ વધી રહ્યું છે એ જોતાં ભવિષ્યમાં ભૌગોલિક સુરક્ષા માટે પણ આપણને એવા આધુનિક હથિયારો ની જરૂર પડશે. એવા હથિયારો કે જે એક ખૂણામાં કમ્પ્યુટર પર બેસીને ઓપરેટ કરી શકાય અને માણસની જરૂર ન પડે. શક્તિશાળી દેશોના લશ્કરો આ દિશામાં તાકાતવર બનતા જાય છે અથવા તો બની ચૂક્યા છે.
એમણે આ પુસ્તકમાં આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સના કારણે ભવિષ્યમાં ભારત સામે તોળાઇ રહેલા ખતરાને પાંચ અલગ અલગ વિભાગમાં વહેંચીને તેનું ઝીણવટપૂર્વક એનાલિસિસ કર્યું છે.
ચિત્રલેખા.કોમ સાથેની વાતચીતમાં રાજીવજી એમ પણ ઉમેરે છે કે, ‘ભારતની સંસ્કૃતિ, સામાજિક જીવન શૈલી અને સમાજ જીવન પર પણ આર્ટીફીશીયલ ઈન્ટેલીજન્સ ખૂબ મોટી અસર કરી શકે છે.
એમના મતે આપણી સરકાર, નીતિ નિર્ધારકો, આર્થિક ક્ષેત્રના નિષ્ણાતો અને ઉદ્યોગોએ આ દિશામાં ગંભીરતાથી વિચારવાની જરૂર છે.’
આ મુલાકાતની વિડીયો નિહાળવા ક્લિક કરોઃ
(કેતન ત્રિવેદી)