સ્ત્રીઓમાં ચરબીનું વધતુંઓછું પ્રમાણ અને હૃદયરોગ…

0
1190

૦ના દાયકામાં શ્રીદેવી, સિલ્ક સ્મિતા વગેરે દક્ષિણની અભિનેત્રીઓ હિન્દી ફિલ્મ પડદે આગ લગાવી દેતી હતી. તેનું કારણ એ હતું કે તેઓ અંગ પ્રદર્શન કરવામાં છોછ નહોતી અનુભવતી. પોતાનાં સાથળો બિકિની કે સ્વિમિંગ પોશાક દ્વારા દર્શાવતી. ક્યારેક સ્કર્ટમાં પણ તેમનાં સુંદર પગનું પ્રદર્શન થતું. આ અભિનેત્રીઓ સુડોળ તો હતી જ પરંતુ સાથે તેઓ અભિનેત્રીની સામાન્ય વ્યાખ્યામાં બંધબેસતી નહોતી. બંધબેસતી એટલા માટે નહોતી કે સામાન્ય રીતે હિન્દી ફિલ્મ ઉદ્યોગમાં રીનારોય, અનિતા રાજ વગેરે પાતળી અભિનેત્રીઓની બોલબાલા હતી.

આથી આવી અભિનેત્રીઓને ‘થંડરથાઇસ’ કહેવાતી હતી. જોકે ફરી સમયનું ચક્ર ફર્યું અને કરીના કપૂરનો જમાનો આવ્યો. કરીના કપૂરે અને તેની સાથે દીપિકા પદુકોણે ‘ઝીરો ફિગર’નો દાખલો બેસાડ્યો. જોકે સમયનું ચક્ર ફરતું જ રહે છે. તે પછી વિદ્યા બાલને, હુમાકુરૈશી અને ભૂમિ પેડનેકરે ફરીથી દાખલો બેસાડ્યો કે તમે જાડાં હો પરંતુ સાથે સુડોળ હો તો મેદ તમારા સૌંદર્યમાં ઉમેરો કરે છે અને લોકો આવી અભિનેત્રીઓને પણ પસંદ કરે જ છે. એટલે જાડા હોવાથી શરમ અનુભવવી નહીં. વિદેશમાં તો પ્લસસાઇઝ મૉડલની પણ બોલબાલા હોય છે.

તમને થશે કે આ તો આરોગ્યની કૉલમ છે તેમાં ફિલ્મ અભિનેત્રીઓની રામાયણ કેમ માંડી? એ એટલા માટે કે એક નવો અભ્યાસ આવ્યો છે જે આવી પ્લસસાઇઝ સ્ત્રી, જેમની થંડરથાઇસ છે તેમને રાજીના રેડ કરશે. અભ્યાસ મુજબ, જો તમે જાડાં હો, તમારી પણ થંડરથાઇસ હોય તો શરમાવાની કોઈ જરૂર નથી. નવા અભ્યાસમાં એવું તારણ નીકળ્યું છે કે નાસપતી આકારની સ્ત્રીઓ સફરજન આકારની સ્ત્રીઓ કરતાં વધુ તંદુરસ્ત હોય છે. આ તારણ હૃદયના સ્વાસ્થ્ય બાબતે વધુ સાચું છે.

આ અભ્યાસ યુરોપીયન હાર્ટ જર્નલમાં પ્રકાશિત કરવામાં આવ્યો છે. આ અભ્યાસમાં જેમનું માસિક બંધ થઈ ગયું છે અને જેમનું સામાન્ય શ્રેણીનું બૉડી માસ ઇન્ડેક્સ (બીએમઆઈ) છે તેવી ૨,૬૮૩ સ્ત્રીઓ પર ૧૮ વર્ષ અભ્યાસ કરવામાં આવ્યો. સંશોધકોએ આ મહિલાઓમાં કમર અને જાંઘની ચરબીનું આકલન કાઢ્યું. તેમણે તેનું વર્ગીકરણ કર્યું અને તેમને સૌથી વધુથી લઈને સૌથી ઓછું એવા વર્ગ પાડ્યા. દા.ત. જે સ્ત્રીને કમર પર ચરબી હોય તેને સૌથી વધુના ખાનામાં મૂકવામાં આવી અને જેને જાંઘ પર વધુ ચરબી હોય તેને બીજા સૌથી ઓછાના ખાનામાં મૂકવામાં આવી.

આ અભ્યાસમાં જે આંકડા મળ્યાં તેનું વિશ્લેષણ કરવામાં આવ્યું. તેમાં જાણવા મળ્યું કે જે સ્ત્રીઓને તેમની કમર પર વધુ ચરબી હતી તેમને જે સ્ત્રીઓને પગ પર વધુ ચરબી હતી તે સ્ત્રીઓની સરખામણીમાં એથેરોસ્ક્લેરૉસિસ એટલે કે ધમનીઓ કઠણ થવાની તક વધુ હતી.

બધાં પરિબળોને સરખાવવામાં આવ્યાં. સંશોધકોએ તેના પરથી તારણ કાઢ્યું કે હૃદયના જોખમ સાથે શરીરની ચરબીની ટકાવારી સંકળાયેલી નથી. પરંતુ જેમને કમર પર ચરબી વધુ હતી તેમને કમર પર ઓછી ચરબી હતી તેવી સ્ત્રીઓની સરખામણીએ કૉરૉનરી હાર્ટ રોગ થવાની તક ૯૧ ટકા વધી ગઈ હતી. જેમને પગ પર ચરબીનું પ્રમાણ સૌથી વધુ હતું તેવી સ્ત્રીઓને, જેમને પગ પર ચરબીનું પ્રમાણ ઓછું હતું તેવી સ્ત્રીઓની સરખામણીએ હૃદય રોગ થવાનું જોખમ ૩૨ ટકા વધી ગયું હતું.

હૃદય રોગ થવાનાં જાણીતાં પરિબળોમાં ધૂમ્રપાન, બેઠાડુજીવનશૈલી વગેરેનો સમાવેશ થાય છે. આવાં પરિબળો સાથે ઉપરોક્ત ચરબીનાં પરિબળો ભળે ત્યારે હૃદયરોગ થવાનું જોખમ વધી જાય છે. આ અભ્યાસ સૂચવે છે કે થંડરથાઇસ પ્રકારની સ્ત્રીઓને એથેરોસ્ક્લેરૉસિસ થવાનું જોખમ ઓછું છે. પગની ચરબી ઓછું મેટાબૉલિઝમરિલીઝ કરે છે.

લેખકોએ અંતે એવું પણ તારણ આપ્યું કે ચરબી મહત્ત્ત્વની નથી. મહત્ત્વનું એ છે કે ચરબી ક્યાં જમા થઈ છે. તેનું વિતરણ કઈ રીતે થયું છે? શરીર પર ચરબી ક્યાં છે તે હૃદયરોગ વિકસસે કે કેમ તેમાં ચાવીરૂપ ભૂમિકા ભજવે છે. અને એટલે જ થંડરથાઇસવાળી સ્ત્રીઓને વધુ તંદુરસ્ત હૃદય હોઈ શકે છે.