એચઆઈવીના દર્દીઓમાં અહીં થયો ઘટાડો!

રોગ્ય ક્ષેત્રે મોટા ભાગે આપણે ખરાબ સમાચાર જ સાંભળીએ છીએ. સ્વાઇનફ્લૂનો ચેપ વધ્યો, ચાંદીપુરમવાઇરસથી એક બાળકીનું મૃત્યુ…વગેરે. સારા સમાચાર ઓછા સાંભળવા મળે છે. જોકે ક્યારેક સારા સમાચાર પણ જાણવા મળી જતા હોય છે. આવા જ એક સારા સમાચાર એઇડ્સ બાબતે આવ્યા છે. જી હા, એઇડ્સ બાબતે. આ રોગ વિશે સારા સમાચાર એ છે કે તેના દર્દીઓની સંખ્યામાં ઘટાડો થયો છે! નવાઈ લાગશે, પરંતુ આ સાચી વાત છે. વૈશ્વિક આંકડાઓ આમ કહી રહ્યા છે. વર્ષ ૨૦૧૮માં વિશ્વ ભરમાં ૧૭ લાખ લોકો એચઆઈવીના નવા દર્દી બન્યા. તમને થશે કે આમાં ઘટાડો ક્યાં થયો? તો ઘટાડો એ રીતે થયો કે વર્ષ ૨૦૧૦થી આ ૧૬ ટકા ઘટાડો છે. અને આ યુએન એઇડ્સ સંસ્થાએ તેના તાજેતરમાં જાહેર થયેલા રિપૉર્ટમાં કહ્યું છે.

આ ઘટાડાનું કારણ પણ જાણવા મળ્યું છે. તે મુજબ, દક્ષિણ અને પૂર્વીય આફ્રિકામાં આ રોગ સામે લડવામાં સ્થિર પ્રગતિ થવાના કારણે આ ઘટાડો થઈ શક્યો છે. યુએન એઇડ્સનું વૈશ્વિક એઇડ્સ અપડેટ બતાવે છે કે દક્ષિણ આફ્રિકાએ આ ક્ષેત્રે સારી પ્રગતિ કરી છે અને સફળતાપૂર્વક નવા એચઆઈવી ચેપમાં ઘટાડો કરી બતાવ્યો છે. આ ઘટાડો સાધારણ નથી. ૪૦ ટકાથી વધુ છે.

માત્ર દર્દીઓમાં જ ઘટાડો થયો છે તેવું નથી. એઇડ્સ સંબંધિત મૃત્યુમાં પણ ઘટાડો થયો છે. વર્ષ ૨૦૧૦થી એઇડ્સના લીધે થતાં મૃત્યુમાં લગભગ ૪૦ ટકા ઘટાડો થયો છે. આ અહેવાલમાં એવું પણ જાણવા મળ્યું છે કે એઇડ્સ સંબંધિત મૃત્યુમાં ઘટાડો થવાનું કારણ એ છે કે તેની સારવાર વિસ્તરી રહી છે અને એચઆઈવી/ટીબીસેવાઓ આપવામાં પણ સુધારો જોવા મળ્યો છે. વર્ષ ૨૦૧૦થી એઇડ્સ સંબંધિત મૃત્યુમાં ૩૩ ટકા ઘટાડો થયો છે અને વર્ષ ૨૦૧૮માં આ રીતે મૃત્યુ પામનારાઓની સંખ્યા ૭.૭૦ લાખ થઈ ગઈ છે.

પરંતુ આનાથી સંતોષ માની લેવો જોઈએ નહીં, કારણકે એક જણનું મૃત્યુ પણ સાંખી ન શકાય. પૂર્વીય અને દક્ષિણ આફ્રિકામાં હજુ પણ આ ક્ષેત્રે ઘણું અંતર કાપવાનું બાકી છે. આ પ્રદેશ એચઆઈવીથી સૌથી વધુ ગ્રસ્ત છે. બીજી તરફ, પૂર્વીય યુરોપ અને મધ્ય એશિયા, મધ્ય પૂર્વ, ઉત્તર આફ્રિકા અને લેટિન અમેરિકામાં નવા ચેપમાં ચિંતાજનક વધારો જોવા મળ્યો છે. આનો અર્થ એ થયો કે એક તરફ પૂર્વીય અને દક્ષિણ આફ્રિકામાં ઘટાડો જોવા મળ્યો છે ત્યારે યુરોપ અને એશિયામાં વધારો જોવા મળ્યો છે. પૂર્વીય યુરોપ અને મધ્ય એશિયામાં ૨૯ ટકા, મધ્ય પૂર્વ અને ઉત્તર આફ્રિકામાં ૧૦ ટકા અને લેટિન અમેરિકામાં સાત ટકા વધારો નોંધાયો છે.

આ અહેવાલમાં એમ પણ કહેવાયું છે કે “મહત્ત્વની વસતિઓ અને તેમના જાતીય સાથીદારોની  વિશ્વભરમાં નવા એચઆઈવી ચેપમાં ૫૪ ટકાથી વધુ સંખ્યા છે.” વર્ષ ૨૦૧૮માં પૂર્વીય યુરોપ, મધ્ય એશિયા, મધ્ય પૂર્વ અને ઉત્તર આફ્રિકામાં જે લોકો ડ્રગ્સ લે છે, સજાતીય પુરુષો અને અન્ય પુરુષો, કિન્નરો, વેશ્યાઓ અને કેદીઓ, નવા એચઆઈવી ચેપગ્રસ્ત લોકોમાં ૯૫ ટકા જેટલા છે. એઇડ્સ નિવારવામાં કૉન્ડોમ, સલામત સેક્સ વગેરેને ઉત્તેજન અપાય છે પરંતુ સાથે પોતાના જીવનસાથી સાથે જ સેક્સ, કુદરતી સેક્સને પણ ઉત્તેજન આપવાની જરૂર છે. આજે સજાતીયતાને ઉત્તેજન અપાઈ રહ્યું છે પરંતુ સજાતીયતાને લીધે એઇડ્સના પ્રમાણમાં વધારો છે. યુએસ સેન્ટર્સ ફૉર ડિસિઝ કંટ્રૉલ એન્ડ પિવેન્શન્સ (સીડીસી) મુજબ, ૬૧ ટકા એચઆઈવી ચેપ ગે અને બાયસેક્સ્યુઅલ પુરુષોના લીધે છે (અને આ આંકડો વર્ષ ૨૦૦૯નો છે! અને માત્ર અમેરિકાનો જ છે!)

દરમિયાન, અમેરિકાના પ્રમુખ ડૉનાલ્ડ ટ્રમ્પે કહ્યું છે કે અમેરિકા હવે એવા તબક્કે પહોંચી ગયું છે કે તે એક દાયકામાં એઇડ્સને નાબૂદ કરી શકે છે. આરોગ્ય અને માનવ સેવા પ્રધાન એલેક્સઅઝરે કેબિનેટના સાથીઓને કહ્યું હતું કે અમેરિકા સરકારે અમેરિકી બાયૉટૅક્નૉલૉજી કંપની ગિલીડ સાથે જોડાણ કર્યું છે જે મુખ્યત્વે એચઆઈવી, હિપેટાઇટિસ બી, હિપેટાઇટિસ સી અને ઇન્ફ્લુએન્ઝાની સારવારમાં વપરાતા એન્ટીવાઇરલ ડ્રગ્સ પર ધ્યાન આપે છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]