ચોખાના ઓસામણના ફાયદા મણ મણ…

ભારતમાં અને અનેક એશિયાઈ દેશોમાં ચોખા મુખ્ય ખોરાક અથવા ખોરાકના મુખ્ય ભાગ તરીકે જાણીતા છે. તેમાંથી ભાત થાય છે જે દરેક ગુજરાતીની થાળીમાં મહદંશે જોવા મળે જ. દક્ષિણ ભારતના લોકો તો જાણે ભાત પર જ જીવતા હોય તેવી માન્યતા બંધાઈ ગઈ છે. પૂર્વ ભારતમાં પણ ભાત વધુ ખવાય. પરંતુ શું તમને ખબર છે કે ભાતની સાથે તેનું પાણી જેને ફેંકી દેવામાં આવે છે તે પણ આરોગ્ય માટે ખૂબ જ ઉપયોગી છે?આમ તો ગુજરાતી શબ્દો હવે ભૂલાતા જાય છે. તેથી ‘ઓસામણ’ શબ્દનો અર્થ ઘણાને સમજાવવો પડે. ઓસામણ એટલે મગ, ચોખા વગેરે રાંધતાં વધેલું ગરમ પાણી. આ પાણીમાં સ્ટાર્ચ રહેલો હોય છે. ઉપરાંત તેમાં ઘણાં પોષક તત્ત્વો પણ રહેલાં હોય છે. આ પાણી ઝાડાની પણ અકસીર દવા મનાય છે. ગૅસ્ટ્ર્રૉઍન્ટરાઇટિસમાં પણ તે રાહત આપે છે. આ બધાથી ઉપર, સ્ત્રીઓને જેમાં ખાસ રસ પડે, તે બાબત એ છે કે તે સૌંદર્ય વધારવા માટે પણ ઉપયોગી છે. એશિયાઈ ખંડની સ્ત્રીઓ તેનો ઉપયોગ ત્વચા અને વાળની સારવાર માટે ઘણાં ઘણાં વર્ષોથી કરતી આવી છે પરંતુ હવે આધુનિક સમયમાં દાદીમાના નુસ્ખા તરીકે ઓળખાતી આ બધી બાબતો ભૂલાઈ રહી છે. આવો જોઈએ આ ચોખાના ઓસામણના ફાયદા.

સોજા વિરોધી તરીકે કાર્ય કરે છે

ચોખાના ઓસામણમાં વિટામીન, ખનીજ અને એમિનો એસિડ મોટા પ્રમાણમાં હોય છે. તે સોજા વિરોધી તરીકે કુદરતી રીતે જ કાર્ય કરે છે. આથી તે આપણા શરીરને ચોક્કસ રોગોથી બચાવવામાં મદદ કરે છે.

તન અને મનને હળવું કરે છે

ચોખાના ઓસામણનો મોટો ફાયદો એ પણ છે કે તે આપણા તન અને મનને હળવું રાખે છે. તન અને મનને હળવું બનાવવા તમે જ્યારે નહાવા જાવ ત્યારે તમારા સ્નાનના પાણીમાં ચોખાનું ઓસામણ ઉમેરી દો. આનાથી તમારું તન અને મન બંને હળવું થશે અને તમે તમારા જીવનને સારી રીતે માણી શકશો.

ઊર્જા આપે છે

તમે કસરત દ્વારા તો શરીરમાં ઊર્જા મળે જ છે પરંતુ તમે જો આહારવિહારમાં ધ્યાન રાખો તો પણ તમે ઊર્જાવાન રહી શકો છો. હવે ચોખાના ઓસામણમાં સારાં પોષકતત્ત્વો હોય તો સ્વાભાવિક છે કે તે શરીર માટે સારું જ છે. તેમાં કાર્બૉહાઇડ્રેટ હોય છે જે શરીરને વધુ ઊર્જા પૂરી પાડે છે. અને જો તમે ઊર્જા અનુભવતા હશો તો તમે આનંદમાં રહેશો. આનાથી તમારો પરિવાર પણ સુખી રહેશે અને તમારા બૉસ કે ધંધો હોય તો તમારા કર્મચારીઓ પણ સુખી રહેશે.

કબજિયાત દૂર કરે છે

ચોખાના ઓસામણમાં રહેલા સારાં એવાં પોષકતત્ત્વોના કારણે તેનાથી પાચકતંત્ર સુધરે છે. પરિણામે કબજિયાત થતી અટકે છે. આપણે ઘણો ખોરાક એવો મને-કમને ખાવો પડતો હોય છે જે પચવામાં મુશ્કેલ હોય છે. પરંતુ ચોખાના ઓસામણના કારણે આ કામ સરળ બનશે.

શરીરનું તાપમાન નિયંત્રિત કરે છે

ચોખાના ઓસામણનો એક ફાયદો એ પણ છે કે તેનાથી શરીરનું તાપમાન નિયંત્રણમાં રહે છે. તેનાથી તાવ દૂર થવામાં મદદ મળે છે. આથી જ આપણા વડવાઓ તાવ વગેરેમાં મગ કે ચોખાના ઓસામણને પીવાની સલાહ કદાચ આપતા હશે.

સ્નાયુબદ્ધ શરીર બને

કયા પુરુષને પોતાનું શરીર સ્નાયુબદ્ધ હોય તે ન ગમે? ચોખાના ઓસામણથી સ્નાયુ કેળવાય છે. આ માટે વ્યક્તિને સામાન્ય રીતે પૈસા ખર્ચીને જિમમાં જવું પડે છે, પરંતુ ચોખાના ઓસામણમાં એમિનો એસિડ રહેલા હોવાથી સ્નાયુ સારા બને છે.

તંદુરસ્ત વાળ બને છે

ચોખાનું ઓસામણ વાળની તંદુરસ્તી પણ સુધારે છે. ઘણાં વર્ષો પહેલાં લોકો શેમ્પૂ અને હૅર કન્ડિશનર તરીકે આ ઓસામણનો ઉપયોગ કરતા હતા. તેમાં ઇનોસિટૉલ નામનું કાર્બૉહાઇડ્રેટ રહેલું છે જે વાળની લચીલાપણું સુધારે છે. આમ, તેનો ઉપયોગ હૅર માસ્ક તરીકે કરવાથી વાળ લાંબા, તંદુરસ્ત અને સુંદર બને છે. ઉપરાંત તે વાળનાં મૂળને પણ મજબૂત કરે છે.

તમારા ચહેરાની રંગત વધારે છે

ચોખાનું કુદરતી ઓસામણ સ્કિન ટૉનર તરીકે પણ વાપરી શકાય છે. તેનાથી ચામડી લીસી, દીપ્તિમાન અને તંદુરસ્ત બને છે. તમારા ચહેરા પર તેને રૂના દડા વડે લગાડો જેથી ચહેરા પર લોહીનું પરિભ્રમણ વધશે. તેનાથી એક્ઝીમા નામના રોગની સારવારમાં પણ રાહત મળે છે. એક્ઝીમા એવો રોગ છે જેમાં ત્વચા લાલ બને છે, તેમાં ખંજવાળ આવે છે અને તેમાં તિરાડ પડે છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]