વર્તમાનમાં જીવવાની કળા, શાંતિ મેળવવાની એક સોનેરી ચાવી

શું આપણે હમેશાં જ્યાં હોઈએ ત્યાં ઉપસ્થિત હોઈએ છીએ?

આધુનિક યુગમાં મોબાઈલના માધ્યમે જીવનમાં ક્રાંતિ કરી છે, માનવ જીવનને ધરમૂળથી બદલી નાખ્યું છે. માણસ ચપટી વગાડતા બધો ડેટા મેળવી શકે છે, ભવિષ્ય માટે આર્થિક યોજનાઓ ગણી શકે છે. આવનારી તારીખોને પહેલેથી જ નક્કી કરી લે છે. ભૂતકાળની ઘટનાના કાગળ અને ફોટા તેને જાણે જકડી રાખે છે. માણસ ભૂત અને ભવિષ્યથી ઘેરાયેલું એક પરવશ પ્રાણી બની ગયું છે. મન વગર વિચાર્યે ચારે તરફ ગતિ કરે છે. ન જોવાના સમાચાર પહેલાં જોઈ લે છે. ન ગમતા કાર્યો યાદ આવી જાય છે. ન ગમતા ચહેરા અને પ્રસંગો પણ માણસનો જાણે પીછો નથી છોડતાં. એક દિવસ વિતાવવો જાણે રમત બની ગયું છે, ઘણા લોકો બે ફ્લાઈટની વચ્ચેનો આખો દિવસ વિતાવી દે છે એરપોર્ટ પર. જીવન એક સદંતર વધતી ગતિએ નીરસ રીતે ચાલી રહ્યું છે, આ સમસ્યા આજના યુગમાં દરેકની છે. માણસ સુખના નામે સુખના પડછાયા જ જુએ છે, તેનું મૂળ કારણ મનુષ્યનું વિચલિત મન છે.

આજના સમયમાં એક શબ્દ “માઈન્ડફૂલનેસ” ખૂબ પ્રચલિત બન્યો છે. જે લોકો મનને ઊંડાણથી સમજવા માંગતા હોય, શાંતિ મેળવવા માંગતા હોય તેમણે આ શબ્દને બરાબર સમજવો જોઈએ. ભૌતિક સુખો અને દૈહિક સુખોથી પ્રચુર જીવન જીવતા પશ્ચિમના ધનકુબેરો પણ આ શબ્દ પાછળ આકર્ષિત થયા છે. ‘માઈન્ડફૂલનેસ’ને સરળ ભાષામાં સમજીએ તો પોતાની સભાનતા અને જાગૃતિ વધારવી તેમ કહી શકાય. આપણે બધા મોટેભાગે જે ઘટના કે ચીજ જેવી છે તેવી જ તેને જોઈ શકતા નથી. પરંતુ આપણા અનુભવો અને પૂર્વગ્રહોને લીધે આપણે એક ચીજને સરળતાથી સમજવાની જગ્યાએ મતમતાંતરમાં પડી જઈએ છીએ. આપણે જ્યાં પણ જઈએ આપનું મન નિરંતર આપણને પ્રતિભાવ આપતું રહે છે પરંતુ આ પ્રતિભાવ મોટેભાગે બીજા સાથે સરખામણીમાંથી ઉદભવેલો જ હોય છે. મન સારા વિચારો જ આપે તે બહુધા મુશ્કેલ જ હોય છે. દાખલા તરીકે એક હિંસક સમાચાર તમારા મનમાંથી બહાર નથી નીકળી શકતા. કેટલાય દિવસો સુધી તે સમાચારને લીધે તેના ચિત્રો અને વિચારો તમને વારંવાર વ્યથિત કરી મુકે છે. તમે જ્યાં પણ જાઓ તે તમારો પીછો નથી છોડતા.

આપણે નાના બાળકને તેની ભૂલનો અહેસાસ કરાવીએ છીએ, પણ શું કાયમ તેને તેની ભૂલ જ બતાવ્યા કરશું? મન આપણી પાસે આમ જ કરે છે. મન માણસને હમેશા ભૂતકાળની ભૂલોની તસ્વીર જ બતાવ્યા કરે છે. રીત રીવાજો અને માન્યતાઓનો ભાર માથે મુક્યા જ કરે છે. જીવનમાં તકલીફ હોઈ શકે પણ તેનો મતલબ એ નથી કે થોડી તકલીફોને લીધે કુદરતે આપેલ મહામુલા જીવનને ચિંતાઓ, સરખામણી અને નિરાશાઓમાં વેડફી નાખીએ.

દુનિયાની સૌથી કીમતી ચીજો મનુષ્ય પાસે નહી પણ કુદરત પાસે છે. ગુલાબનું સુંદર ફૂલ, ઘૂઘવતાં દરિયાના અફાટ કિનારા, બાળકનું નિર્દોષ સ્મિત, સવારના પહોરમાં થતો સોનેરી પ્રકાશ, ઠંડો અને તાજો પવન તો ચોમાસામાં થતો છમ છમ વરસાદ લાખો રૂપિયા ખર્ચીને પણ ના બનાવી શકાય. કુદરતે આ ચીજો મનુષ્ય માટે મફત રાખી છે. પણ મનુષ્ય તેના મનથી બનેલા ખોટા ચિત્રોના શિકારમાં તેનો મહામુલો વર્તમાન ખોઈ બેસે છે, કુદરતના આ ખજાનાને માણી નથી શકતો. એક વાત વિચરવા જેવી છે કે ગમે તેટલો અમીર માણસ હોય તેને પણ નિશ્ચિત સમયે વિદાય લેવી પડે છે, તે પોતાની પાસેનું કશું પરલોકમાં સાથે લઇ જઈ શકતો નથી.

ભૂતકાળમાંથી મનુષ્યે માત્ર શીખવાનું છે બસ એટલું જ, ભૂતકાળને પકડીને વર્તમાનનો સમય બગાડવો ખોટું છે. ભવિષ્યની ચિંતા નકામી છે, કારણ કે ભવિષ્ય પણ તમારા વર્તમાનના કાર્યો પર આધારિત છે. કોઈ મહાપુરુષે કહ્યું છે કે, ભવિષ્ય હોતું નથી તેને બનાવવું પડે છે. ક્ષણે ક્ષણે જીવન છે. ચારે તરફ આનંદનો બગીચો છે, વારંવાર ઘડિયાળના કાંટા જોવાથી તમે સમયને નહિ બદલી શકો. ઘડિયાળના કાંટા એમની ફરજ બજાવે છે આપણે આપણું કામ કરવાનું છે, વર્તમાનને ઓળખી આજ ને સુંદર બનાવવાની છે. આજ સૌથી મોટી સમજદારી છે.

વર્તમાનમાં સ્થિર થવા માટે નીચેના સૂચનો અપનાવો તમે ચોક્કસ શાંતિ અનુભવશો:

  1. ધ્યાન એ બે વિચારો વચ્ચે જાગૃત રહેવાની કળા છે. માટે હમેશાં જાગૃત રહો અને પોતાની આસપાસની ચીજોનું યથાર્થ નિરીક્ષણ કરો તેમના ખરા સ્વરૂપને સમજો. બની શકે તો પોતાના પૂર્વગ્રહો કે ભવિષ્યનો અંદાજ કાઢી લેવાની વૃતિથી બચો. એક બાળકની જેમ વર્તમાનમાં જીવો. જે ક્ષણ કે કાર્ય જયારે કરવાનું થાય ત્યારે જ તેની પર પુરતું ધ્યાન આપો.
  2. સુંદર વિચારો અને યુક્તિઓ શાંત મનમાં જન્મે છે, મન શાંત હશે તો જ એ બરાબર કાર્ય કરશે. બુદ્ધિ અને મન એક નથી, બુદ્ધિ વડે મનને સમજો. બુદ્ધિનો ઉપયોગ કરો અને દરેક ઘટના અને સંબંધની હકીકતને સમજો.
  3. એ હમેશાં યાદ રાખો કે મનએ પાગલ હાથી પણ છે અને બેભાન-બેધ્યાન વાંદરું પણ છે, તે ગમે તે ક્ષણે ગમે તે ચિત્ર અને વિચાર આપી શકે, તેને સમજવાની જવાબદારી આપણી છે તેની માટે ઈશ્વરે આપણને બુદ્ધિ આપી જ છે.
  4. કોઈ શાંત સ્થળે બેસીને, ઊંડા શ્વાસ લો ધ્યાન દરમ્યાન માત્ર પોતાના શ્વાસની ગતિ પર જ ધ્યાન આપો બની શકે તો પોતાને નવા વિચારોથી બચાઓ. શ્વાસોશ્વાસ ગણો. પોતાના શરીરની અવસ્થાને અનુભવો, પોતાની આસપાસના અવાજને ઓળખો અને ક્ષણે ક્ષણે પોતાની જાગરૂકતા “અવેરનેસ” વધારો. તમે શાંતિ પામશો. મનુષ્યનું જીવન મન, આત્મા અને શરીરનું બનેલું છે. આત્મા ક્યારેય સીધો કાર્યમાં સામેલ નથી થતો. શરીર મનથી ખેંચાય છે, માટે આ ત્રણેયનું પરમ કારણ તો મન જ છે. મન શાંત થતા રોગો અને શારીરિક વ્યાધિઓથી પણ ધીરે ધીરે મુક્તિ મળશે.

અહેવાલ- નીરવ રંજન