વધુ પડતી તાણ: શરીર અને મન બંને માટે જોખમી!

વજન વધવું કે, ડાયાબિટીસ, થાયરોઈડ જેવી અન્ય બિમારી થવી એ લાંબા સમયથી રહેલી તાણનું પરિણામ છે. લાંબા સમયથી મનમાં ધરબી રાખેલી ચિંતાને કારણે બિમારીઓ થાય છે. જેવી કે, અપચાને લીધે વજન વધવું અને એ જ પરિસ્થિતિ લાંબો સમય રહી તો તે કોલેસ્ટ્રોલ તેમજ ઉચ્ચ રક્તચાપને આમંત્રે છે, જે હૃદય રોગનું જોખમ ઉભું કરે છે.

લાંબા સમયની તાણ તમે ધારો એના કરતાં ઘણી જ ખતરનાક છે. તે કોર્ટીસોલ એટલે કે, સ્ટ્રેસ હોર્મોન્સને વધારે છે. કોર્ટીસોલ શરીરમાં ચરબી અને કાર્બોહાઈડ્રેટની ચયાપચયની ક્રિયાને અસર કરે છે. વધુ પડતું ઈન્સ્યુલિન ઉત્પન્ન કરીને લોહીમાં સાકરનું પ્રમાણ વધારી દે છે. આ બધાને કારણે શરીરમાં અપચો થાય છે અને વજન વધે છે.

લાઈફસ્ટાઈલ કોચ લ્યુક કુટીનો કહે છે, ‘તમે જો તાણને તમારા મન પર ઓછી હાવી થવા દો, તો ફાયદો એ છે કે, કારણ વગર વજન વધતું અટકે છે તથા ડિપ્રેશન જેવી માનસિક બિમારીથી બચી શકાય છે.’ વધુમાં કુટીનો તાણ મેનેજ કરવાના થોડાં ઉપાય પણ અહીં જણાવી રહ્યાં છે.

પેટનો ઘેરાવો વધવો, ડાયાબિટીસ થવું કે થાયરોઈડ, કોલેસ્ટ્રોલ તેમજ ઉચ્ચ રક્તચાપ જેવી બિમારી થવી એ બધાનું મુખ્ય કારણ અતિશય તાણ તેમજ તેને લીધે શરીરના હોર્મોન્સનું સમતુલન વિખેરાવું છે.

1. તમે જ્યારે તાણમાં હોવ છો, ત્યારે શરીરમાં કોર્ટીસોલ તથા એડ્રેનલાઈનનું પ્રમાણ વધી જાય છે. પરિણામે કોલેસ્ટ્રોલ તેમજ બ્લડ પ્રેશરનું સ્તર વધવાની સાથે પાચન ક્રિયા પણ નબળી થતી જાય છે. એવું કુટીનો આઈજીટીવીને જણાવે છે.

2. આ જ કારણસર અતિશય તાણમાં રહેતી વ્યક્તિ ગેસ, એસિડિટી, પેટનું ફૂલવું તેમજ કબજીયાતનો અનુભવ કરે છે.

3. અસમતોલ હોર્મોન્સને લીધે ઉંઘની ગુણવત્તામાં પણ અસર થાય છે. પૂરતી ઉંઘ ન લેવાવાળા લોકોને કાં તો ભૂખ નથી લાગતી અથવા વધુ પડતી ભૂખ લાગે છે, જે શરીરનું વજન વધારી દે છે.

4. શારીરિક શ્રમ કરતી વખતે વચ્ચે એક પણ દિવસ આરામ ના લેવામાં આવે તો, આ ઓવરટ્રેનિંગ તમારા શરીરને સિમ્પથેટીક નર્વસ સિસ્ટમ તરફ વાળી દે છે, જે આખરે હોર્મોન્સમાં અસમતુલનપણું લાવે છે.

5. બ્લડ પ્રેશર તેમજ કોલેસ્ટ્રોલનું ઉંચું પ્રમાણ હૃદય રોગ નોતરે છે.

ઉપર જણાવેલાં બધા કારણો એટલું કહેવા માટે પર્યાપ્ત છે કે, તાણમાં રહેવું શરીર માટે કેટલું બધું નુકસાનકારક છે. તમે ગમે તેટલી અણગમતી, તાણભરી સ્થિતિમાંથી પસાર થતાં હોવ, તો પણ તમારો અભિગમ બદલી નાખો. બને ત્યાં સુધી એ પ્રયત્ન કરવો કે, દરેકે દરેક ચિંતાપ્રેરક પરિસ્થિતિને ધ્યાનમાં લઈને એને રીએક્ટ કરવાની જરૂર નથી હોતી. અમુક બાબતોને પડતી મૂકવી જોઈએ.

તો છતાં જો તમે અઠવાડિયા કે મહિના સુધી ચિંતામુક્ત નથી થઈ શકતા, નિરાશા, હતાશા, કે અસમર્થતા ઘેરી વળતી હોય, તો ડોક્ટરની સલાહ અચૂક લેવી.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]