જીવનના વણઉકલ્યા પ્રશ્નોનાં મૂળ શોધવાની કવાયત – પાસ્ટ લાઈફ રીગ્રેશન

આપણાં હિન્દુ શાસ્ત્રોમાં પુનર્જન્મ અને કર્મનાં સિદ્ધાંત વિશે ઘણું ઊંડાણમાં સમજાવવામાં આવ્યું છે. આપણાં ઋષિ-મુનિઓએ આ બાબત પર ઘણી સ્પષ્ટતા કરી છે. પરંતુ જેમ જેમ માનવે વિકાસ કર્યો તેમ તેમ માનવ દરેક તથ્યોને લૉજિક અને વિજ્ઞાનના ત્રાજવે તોળીને જ અપનાવવાનો અભિગમ રાખતો થઈ ગયો છે. આપણાં શાસ્ત્રોમાં જણાવેલા તથ્યોને પણ સર્વસ્વીકૃતિ પામવા માટે આજે વિજ્ઞાનની એરણ ઉપર ઊતરવું પડે છે. આપણાં મન ઉપર ઘણા બધા સંશોધનો થયા છે અને હજુય થયા જ કરે છે. આપણાં અવચેતન મનનો તાગ પામવા માટે ઘણી જૂની, પરંતુ નવા નામે આપણી પાસે પાસ્ટ લાઈફ રીગ્રેશન થેરેપી છે, જેનો ધીમે-ધીમે સ્વીકાર થતો જાય છે. આ થેરપી વિશે તેના જાણકાર-અભ્યાસુ થેરપિસ્ટ દંપતી – મેહુલ દૂતિયા અને ધારા દૂતિયા પાસેથી સમજીએ.

‘તમારા વર્તમાનમાં હંમેશા તમારો ભૂતકાળ વસેલો છે. તમે તમારા ભૂતકાળથી બનેલા છો. જો તમારો ભૂતકાળ સારો હશે તો એ તમને મદદરૂપ નીવડશે, પરંતુ જો એ નકારાત્મક હશે તો એ તમને ભય, આઘાત, વારંવાર ઊથલો મારતા સાયકોસૉમેટીક રોગો રૂપે તમને પરેશાન કરતો રહેશે’. આ શબ્દો છે પાસ્ટ લાઈફ થેરેપિસ્ટ મેહુલ દૂતિયાના.

મેહુલભાઈ અને એમના પત્ની ધારા બંને, ‘સેક્રેડ સૉલ સાયન્સિસ હીલિંગ સર્વિસિસ’નાં ફાઉન્ડર છે. તેઓ બંને અધ્યાત્મના સાધકો છે. મેહુલભાઈ એમબીએ થયેલા છે અને ૧૮ વર્ષ સુધી બેન્કિંગ અને ફાયનાન્સના ક્ષેત્રે કાર્ય કરી ચૂક્યા છે. ધારાબેન આઈટી ક્ષેત્રે ૧૬ વર્ષથી કાર્યરત છે. બંને જણ સર્ટિફાઈડ પાસ્ટ લાઈફ રીગ્રેશન થેરપિસ્ટ છે અને ઋષિકેશ તેમ જ મુંબઈમાં પ્રેકટિસ કરે છે.

પાસ્ટ લાઈફ રીગ્રેશન એટલે શું?

આપણે અવગત છીએ કે આપણું ચેતન મન એટલે કોન્શિયસ માઈન્ડ અને અવચેતન મન એટલે સબ-કોન્શિયસ માઈન્ડ. આ બંનેના કાર્યક્ષેત્ર જુદા છે. કોન્શિયસ માઈન્ડ એટલે કે ચેતન મન તત્કાળ સમયની જાગરૂકતા, તર્કસંગત વિચાર, સમજણ, સક્રિય રીતે નિર્ણય લેવાની શક્તિ, જ્ઞાનેન્દ્રિયો દ્વારા થતાં અનુભવો વગેરે મારફત આપણને વર્તમાનમાં પ્રવર્તતી આપણી આજુબાજુની દુનિયા સાથે જોડે છે. આમાં ટૂંકા ગાળાની યાદો, ઘટનાઓ વગેરે સંઘરાયેલી હોય છે. આ મનથી આપણે બહારની દુનિયા સાથે સંપર્કમાં રહીએ છીએ અને તત્કાળ મળતી માહિતીઓને તરત જ સમજીને તેની સામે પ્રતિક્રિયાઓ આપી શકીએ છીએ. આપણા રોજબરોજનાં જીવનમાં ચેતન મન અતિ મહત્વનો ભાગ ભજવે છે. માહિતીઓને સંઘરવાની ચેતન મનની ક્ષમતા ટૂંકા ગાળા માટેની હોય છે. ચેતન મનને સાયકોલોજી, ન્યૂરોસાયન્સનાં અભ્યાસ દ્વારા સમજી શકાય છે.

અવચેતન મન આપણાં વર્તમાન જીવન અને બધા જ પૂર્વજીવનોની માહિતીઓનો સંગ્રહ કરે છે. તે આ માહિતીઓને આધારે આપણી માન્યતાઓ, લાગણીઓ, વર્તનને ઘડે છે. ચેતન મનની સંડોવણી વગર જ અવચેતન મન સમસ્યાોનો ઉકેલ શોધતું રહે છે અને અણધારી રીતે આપણને ઉકેલ પણ આપી દે છે. અવચેતન મનમાં ધરબાયેલી માન્યતાઓને આધારે આપણી નિર્ણયશક્તિ કામ કરે છે. સપનાઓ પણ અવચેતન મન સાથે સંકળાયેલા હોય છે. સપનાઓ દ્વારા અજ્ઞાત ભયો, ઈચ્છાઓ, વિચારો વગેરે વ્યક્ત થતાં હોય છે. ઘણી વાર આપણે અવચેતન મનમાં ધરબાયેલા ભય, ઈચ્છાઓ અથવા પૂર્વગ્રહોને આધારે નિર્ણયો લેતા હોઈએ છીએ. હિપ્નોટિઝમ, મેડિટેશન અને અન્ય થેરેપ્યુટીક ક્રિયાઓ દ્વારા અવચેતન મન સુધી પહોંચીને અમુક સમસ્યાઓ અને વર્તનો બાબત સમાધાન મેળવી શકાય છે. પાસ્ટ લાઈફ રીગ્રેશન આવી એક થેરેપી છે.

પાસ્ટ લાઈફ થેરપિસ્ટ બનવાની સ્ફુરણા કેવી રીતે થઈ?

ધારાબેન કહે છે કે, નાનપણથી જ એમને આંતરમનમાંથી ઘણી સ્ફુરણાઓ થતી રહી છે. એમને અમુક અગોચર સંદેશાઓ મળતા હતા એને લીધે નાનપણથી જ અગોચર વિશ્વ વિષે જાણવાની ઉત્કંઠા જાગી. ફક્ત ૧૫ વર્ષની કાચી વયે આવા ગહન વિષય પરના પુસ્તકો એમણે વાંચ્યા. હીરાભાઈ ઠક્કરના પુસ્તકો ‘મૃત્યુનું મહાત્મ્ય’ અને ‘કર્મનો સિદ્ધાંત’ એમણે વાંચ્યા. આ પછી પુનર્જન્મ અને કર્મોના બંધનો વિષે એમને વધુ કુતૂહલતા જાગી. એટલે આ કુતૂહલતાને પોષવા માટે મૃત્યુ પછીના જીવન વિષેની શોધખોળ કરવા વધુ ને વધુ પુસ્તકો તેઓ વાંચતાં ગયા. શરીર છોડ્યા પછી આપણું શું થતું હશે – એ વિષે જાણવાની ઈચ્છા વધુ તીવ્ર થતી ગઈ. એમની આધ્યાત્મિક યાત્રા વિષે જણાવતા કહે છે કે એ સાત વર્ષના હતા ત્યારથી એમના જીવનમાં ગુરુનો પ્રવેશ થયો હતો. આધ્યાત્મિક જીવનના રંગે તેઓ ત્યારથી જ રંગાયેલા છે. ‘નામસ્મરણ’ ને કારણે એમનો આદ્યાત્મિક પાયો મજબૂત થતો ગયો અને સપનામાં એમને જીવન વિશેના અમુક જવાબો મળવા લાગ્યા. અને એમણે કરેલી ઈચ્છાઓ પણ ફળતી હતી.  પણ એમને એ નહોતું સમજાતું કે કોણ મને સપનામાં આ પ્રશ્નોનાં જવાબો આપે છે, કઈ રીતે આ વાતચીત થાય છે, આ બધા સવાલો એમને મુંઝવતા હતા. એમને આ વિજ્ઞાન સમજવું હતું. ૨૦૧૬ની આજુ બાજુમાં એમણે બ્રાયન વિસનુ એક પુસ્તક ‘મેની લાઈવ્ઝ, મેની માસ્ટર્સ, અને ભાવનગરીનું ‘લૉ ઑફ સ્પિરિટ વર્લ્ડ’ વાંચ્યા. આ પુસ્તકો દ્વારા એમને પાસ્ટ લાઈફ રીગ્રેશન વિષે જાણવા મળ્યું. એટલે એમને એ શીખવાની ઉત્કંઠા જાગી. એમને ખાતરી થઈ ગઈ કે કોઈ તો છે જે મને મારા પ્રશ્નોનાં જવાબો આપે છે એટલે એ વિષે શીખવાનું એમણે નક્કી કર્યું. એમણે એવું અનુભવ્યું કે આવી કોઈ પ્રક્રિયા કદાચ એમણે પાછલા કોઈ જન્મોમાં શીખી હશે અને એટલે જ એમને નાનપણથી જ ‘પર’ દુનિયાના અનુભવો થાય છે.

પાસ્ટ લાઈફ રીગ્રેશન થેરેપી કેવી રીતે મદદ કરે છે?

મેહુલભાઈ કહે છે કે, ‘વર્તમાન જીવનમાં આપણે જે પણ ભોગવતા હોઈએ એના મૂળિયાં આપણાં ભૂતકાળમાં રહેલા છે. તો આપણાં વર્તમાનને દુરસ્ત કરવા માટે ભૂતકાળને સમજીને ત્યાંનાં પ્રશ્નોને, ભાવનાઓને સાફ કરીએ, માફ કરીએ તો આગળ વધીને ભવિષ્ય ઉજળું કરી શકાય છે. વર્તમાન જીવનમાં સંબંધોમાં તિરાડ, શારીરિક અને માનસિક રોગો, કુટુંબમાં ઉપરાછાપરી ઘટતી દુ:ખદ ઘટનાઓ, પ્રગતિમાં અવરોધ, ગભરાટ, વ્યસનો, ધ્યાન કેન્દ્રિત કરવામાં અસફળતા, આત્મહત્યાના વિચારો, ઈર્ષા, અસુરક્ષિતતાની ભાવના, આત્મવિશ્વાસનો અભાવ વગેરે જોવા મળે છે. આના મૂળિયાં આપણાં અવચેતન મનમાં પડેલા હોય છે. સભાનપણે આપણે અજાણ હોઈએ છીએ, પણ મોટા ભાગના આપણાં નિર્ણયો અવચેતન મનની પ્રેરણાથી જ લેવાતા હોય છે. એટલે એ ખૂબ જ અગત્યનું છે કે આપણે જન્મથી લઈને આવેલા આપણાં ન જોઈતા અનુભવોની યાદોને વિસરી જઈએ. પાસ્ટ લાઈફ રીગ્રેશન થેરેપીની મદદ લઈને આપણે અવચેતન મનને રિપ્રોગ્રામ કરી શકીએ છીએ. પંચકોષોમાં બ્લૉક થયેલી એનર્જીને રીલીઝ કરીને આપણે સમસ્યાઓનું નિરાકરણ લાવી શકી છીએ.’

પાસ્ટ લાઈફ રીગ્રેશન થેરેપી ક્યારે કરાવવી જોઈએ?

મેહુલભાઈ સમજાવે છે કે, ‘તમને જ્યારે એમ લાગે કે તમે જીવનમાં ક્યાંક અટકી રહ્યા છો, સંબંધોમાં અડચણ આવે છે, વારંવાર મેડિકલ સમસ્યાઓ આવી રહી છે જેના કારણો ડોકટરો સમજાવી શકતા નથી, લાઈફસ્ટાઈલ ડિસીસ સિવાયના બધા જ સાયકોસૉમેટિક રોગો માટે, ભાવનાત્મક ક્ષેત્રે ગૂંગળામણ અનુભવવી, વગેરે જેવા બીજા ઘણા પ્રશ્નો, કે જેના જવાબો તમને સામાન્ય રીતે મળતા નથી ત્યારે તમે પાસ્ટ લાઈફ રીગ્રેશન થેરેપીની મદદ લઈ શકો છો.’

પાસ્ટ લાઈફ રીગ્રેશન થેરેપી કોને માટે જરૂરી છે?

આનો જવાબ આપતાં ધારાબેન કહે છે કે, ‘આપણે બધાં આ પૃથ્વી ઉપર કંઇક શીખવા માટે જ આવ્યાં છીએ. નહીં તો આપણે અહીં ફરીથી આવવાની જરૂર જ નહોતી. વર્તમાન જીવનમાં જો તમને ખબર છે કે તમે પૃથ્વી ઉપર શા માટે આવ્યો છો તો તમારે પાસ્ટ લાઈફ રીગ્રેશન કરાવવાની કઈં જરૂર નથી. પરંતુ ૯૯ ટકા લોકોને પોતાના જીવનનો હેતુ ખબર નથી હોતો. આપણે ચોક્કસ રીતે ફક્ત પૈસા કમાવવા કે પૈસાથી ખરીદી શકાતા ભોગો ભોગવવા નથી આવ્યા. અહીં પહેલાનાં જન્મો દરમિયાન કરેલા કર્મો કાપવા આવ્યા છીએ. અવચેતન મન ભગવાને આપ્યું જ એટલા માટે છે કે તમે અવચેતન મનની મદદથી તમારી પોતાની જાતને સમજી શકો, તમારા પ્રશ્નો ઉકેલી શકો અને આ પૃથ્વી પરની તમારી ભવિષ્યની યાત્રાને સફળ બનાવી શકો.’

(સોનલ કાંટાવાળા)