પેલી જાણીતી રમૂજ યાદ છે? ગાંધીજીને જો પૂછવામાં આવ્યું હોત કે આઝાદી પછી તમે ચૂંટણી કેમ ન લડ્યા તો ગાંધીજી ચૂંટણી-રાજકારણના એમના પહેલા જ કડવા અનુભવ પરથી કહી દેત કે ‘આ ચૂંટણી લડવુંબડવું ને મ્હાળુ પછી હારવુંબારવું આપણને નો ફાવે!!’
યસ, ગાંધીજી એમના જીવનમાં ફક્ત એક જ ચૂંટણી લડ્યા હતા અને એમાં ય એ હાર્યા હતા! એ ચૂંટણી હતી ગુજરાતી સાહિત્ય પરિષદના છઠ્ઠા પ્રમુખના પદ માટેની. વર્ષ હતું 1920.
આજે 2020માં એટલે કે બરાબર 100 વર્ષ પછી એ જ પરિષદના બાવનમા પ્રમુખના પદ માટેની હાલ ચૂંટણી યોજાઈ રહી છે અને સોશિયલ મિડીયામાં ઉમેદવારોએ પોતાનો પ્રચાર ધામધૂમથી શરૂ કરી દીધો છે એટલે ગુજરાતી સાહિત્યરસિકડાંઓનું ધ્યાન આજકાલ આ ચૂંટણી પર છે.
વેલ, સામાન્ય લોકોને પહેલાં તો એવા સવાલ થાય કે આજના મોબાઈલ-ઈન્ટરનેટિયા યુગમાં, મનોરંજનનાં અધધધ સાધનો વચ્ચે, માહિતીવિસ્ફોટના કાટમાળમાં પણ આ બધાં સાહિત્યો ને આ બધી સંસ્થાઓ ને આ બધી ચૂંટણીઓ ને આ બધા પ્રમુખપદો ને એની મધ્યસ્થ સમિતિઓની જફા શા માટે? જફા હોય તો ય એમાં ય ચૂંટણીની જફા શા માટે? શા માટે?
માન્યું કે, સો-સવાસો વરસ પહેલાં આ બધાની જરૂર હતી એટલે એ સમયના જ્ઞાની અને ગુણીજનોએ રાત-દિવસ જોયા વગર મહેનત કરી, લોકોને સાહિત્યરસ-કલારસમાં તરબોળ રાખવા આવીબધી સંસ્થાઓ ઊભી કરી, પણ હવે એ સંસ્થાઓની ભૂમિકા સામે ય કેટલાકે લોકો જ્યારે સવાલો ઉઠાવી રહયા છે ત્યારે એમાં વળી આવી ચૂંટણી યોજીને આવા વાંકાદેખાઓને વધારે સવાલો ઉઠાવવાની તક શા માટે આપવાની? શા માટે?
વેલ, આ વાતોના જવાબ મેળવતાં પહેલાં ગુજરાતી સાહિત્ય પરિષદ વિશે થોડું જાણી લઇએ.
વર્ષ 1905માં સ્થપાયેલી સાહિત્ય પરિષદે નિઃશંકપણે ગુજરાતી ભાષા-સાહિત્યને સમૃદ્ધ કરવામાં મહત્વની ભૂમિકા ભજવી છે. આ 115 વરસમાં પરિષદના પહેલા પ્રમુખ રહેલા ગોવર્ધનરામ માધવરામ ત્રિપાઠીથી લઇને હાલના 51મા પ્રમુખ સિતાંશુ યશશ્ચંદ્ર સુધીના વિદ્વાન પ્રમુખોનાં નામ અને સમાજ-સાહિત્યમાં એમના પ્રદાનને જોઈએ તો પણ ખયાલ આવે કે પરિષદની પ્રવૃત્તિઓ આ સદીમાં કેવા સમર્થ હાથોથી પોષાઈ છે. પરિષદની પ્રવૃત્તિઓમાં પુસ્તક પ્રકાશન, સાહિત્યિક સંશોધન, અનુવાદ, સંપાદન, કાર્યશાળાથી લઈ અનેક સાહિત્યિક કાર્યક્રમ-ઉપક્રમનો સમાવેશ થાય છે. પરિષદ દ્વારા વિવિધ શહેરમાં દર વર્ષે જ્ઞાનસત્ર અને અધિવેશન વારાફરતી યોજાય છે.
ગુજરાતી સાહિત્ય પરિષદ એ લોકોના અનુદાનથી ચાલતી પ્રજાકીય સંસ્થા છે, જે એક રીતે પ્રજા માટે અને પ્રજા દ્વારા જ ચાલે છે. પરિષદની કામગીરી અને સંચાલન એના પ્રતિનિધિઓ અને હોદ્દાની જવાબદારી સંભાળતા સાહિત્યકારો દ્વારા થાય છે. તમામ હોદ્દેદારોની નિમણૂક પરિષદના આજીવન સભ્યો દ્વારા પોસ્ટલ ચૂંટણીથી કરવામાં આવે છે. દર ત્રીજા વર્ષે ચૂંટણીમાં મધ્યસ્થ સમિતિમાં 40 જેટલા પ્રતિનિધિ અને એક પ્રમુખ ચૂંટાય છે. મધ્યસ્થ સમિતિના પ્રતિનિધિઓ એક કાર્યવાહક સમિતિ ચૂંટે છે, જેમાં બે ઉપપ્રમુખ, છ મંત્રી, કોષાધ્યક્ષ, સંસ્થા પ્રતિનિધિઓ વગેરે માટે જવાબદારી પ્રમાણે પ્રતિનિધિ ચૂંટાય છે. ટૂંકમાં, લોકશાહી ઢબે ચૂંટાઇ આવેલા આ પ્રતિનિધિઓ પરસ્પર ચર્ચાવિચારણાથી પરિષદની પ્રવૃત્તિઓનું સંચાલન કરે છે.
આ વખતની ચૂંટણીમાં મધ્યસ્થ સમિતિમાં 81 અને પ્રમુખપદ માટે ત્રણ-ત્રણ ધરખમ ઉમેદવાર મેદાનમાં છે. ધરખમ એ અર્થમાં કે, ત્રણેય ઉમેદવારો પોતપોતાના સર્જન-ક્ષેત્રમાં નામ ધરાવે છે. અહીં એ પણ નોંધવું પડે કે પરિષદના પ્રમુખપદ માટે કોઈ ઉમેદવાર પોતે ઉમેદવારી નથી કરી શકતો, પણ ઓછામાં ઓછા દસ આજીવન સભ્ય દ્વારા જે નામની ભલામણ થઈ હોય એ જ નામ ઉમેદવારીમાં ગણાય છે.
આ વખતે પહેલીવાર પરિષદમાં દ્વિપક્ષી નહીં, પણ ત્રિપાંખીયો જંગ છે. ‘બાંકડે બેઠો છું’-ફેમ 82 વર્ષના લોકપ્રિય કવિ હરિકૃષ્ણ પાઠક, ‘નિરીક્ષક’ સામયિક-ફેમ 80 વર્ષના જાણીતા પત્રકાર-લેખક પ્રકાશ ન. શાહ અને ‘શબ્દસૃષ્ટિ’ સામયિક-ફેમ 62 વર્ષના સાહિત્યકાર હર્ષદ ત્રિવેદી!
(હરિકૃષ્ણ પાઠક)
હવે સ્વાભાવિક છે કે, ચૂંટણી શબ્દ આવે એટલે આપણા જેવા ઘણાના માનસ પર હોદ્દા માટે ખેંચાખેંચ કરતા દાવેદારો ઊભરી આવે. ચૂંટણીમાં ઉભા રહેલા ઉમેદવારો જાણે મેદાનમાં કુસ્તી કરવા ઉતર્યા હોય એમ સામસામે આક્ષેપ-પ્રતિઆક્ષેપના દાવપેચ રમાતા હશે. સામસામે શબ્દ-બાણ પણ છોડાતા હશે….
ના, સદભાગ્યે આ ઉમેદવારો કાદવ-કીચડ ઉછાળની આ પ્રવૃત્તિમાં પડયા નથી અને વળી, પરિષદના પ્રમુખપદ સાથે એવા કોઈ લાભ-ગેરલાભ પણ જોડાયેલા નથી એટલે ચૂંટણીમાં આપણે જે જોવા ટેવાયેલા છીએ એ રાજકીય મનોરંજન આ ચૂંટણીમાં જોવા મળતું નથી.
ઉદાહરણ તરીકે, મધ્યસ્થ સમિતિમાં જ ગુજરાતની સાહિત્યિક અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના પ્રચાર-પ્રસાર માટે સમર્પિતભાવથી કામ કરતા સિનિયર પત્રકાર ભીખેશ ભટ્ટ પણ ઉમેદવાર તરીકે મેદાનમાં છે. સાલસ સ્વભાવના ભીખેશભાઇ પરિષદની મધ્યસ્થ સમિતિમાં હોય કે ન હોય, એ ચૂંટાય કે ન ચૂંટાય, પણ પરિષદ અને સાહિત્યની સેવાકીય પ્રવૃત્તિ માટે એ કાયમ તૈયાર જ હોય એવું વ્યક્તિત્વ છે. આવા ઉમેદવારોના કારણે આવી ચૂંટણીઓ રાજકીય અખાડો બનતા અટકતી હોય છે એટલે એ આ ચૂંટણીનું વિશેષ પાસું છે.
(ભીખેશ ભટ્ટ)
હા, પ્રમુખપદના ઉમેદવારો કે મધ્યસ્થ સમિતિના ઉમેદવારો સોશિયલ મિડીયાના માધ્યમથી પોતાનો પ્રચાર જરૂર કરતા જોવા મળે છે અને એમાં કશું ખોટું ય નથી.
રહી વાત ચૂંટણીના મુદ્દાની, તો છેલ્લાં કેટલાક વર્ષોથી ચાલ્યો આવતો ‘સાહિત્ય અકાદમી’ ની સ્વાયત્તાનો મુદ્દો પરિષદની આ ચૂંટણીમાં પણ પહેલો મુદ્દો રહ્યો છે. અત્યારના ત્રણેય ઉમેદવાર પણ એ મુદ્દે તો એકસ્વરે કહે છે કે “અકાદમીની સ્વાયત્તા માટેની લડત તો ચાલુ જ રહેશે.”
અલબત્ત, એ પછીય આજના સમયમાં સાહિત્ય પરિષદની ભૂમિકા, ડિજિટલ યુગના આક્રમણ અને વાચકોની બદલાઇ રહેલી રૂચિ, સાહિત્યકારો અને પરિષદની બદલાયેલી ભૂમિકા વિશે આ ત્રણેય ઉમેદવાર સાથે chitralekha.com એ વાત કરી તો ઘણા રસપ્રદ જવાબ જાણવા મળ્યા.
કવિ હરિકૃષ્ણ પાઠક chitralekha.com સાથે વાત કરતા કહે છે કે ‘પરિષદ તરફથી સ્વાયત્તાની માંગ તો ચાલુ જ રહેશે. પરિષદને ખર્ચમાં કરકસર લાવી આર્થિક રીતે વધુ સદ્ધર કરવાની જરૂર છે. પરિષદના પોતે કરવાના કામમાં સક્રિયતા લાવવાની જરૂર છે. બીજી વાત, ડિજિટલ માધ્યમમાં સત્વશીલતા શોધવી અઘરી છે એટલે સારા સાહિત્યકારોએ ચિંતા કરવાની જરૂર નથી. લાઈકથી અંજાઈ જનારા એ વાત ચૂકી જાય છે કે લખાણોને સ્થાયી મૂલ્ય તો કાવ્યસંગ્રહ કે પુસ્તકમાં જ મળે છે. સાહિત્યના સ્થાયી મૂલ્ય માટેની પ્રવૃત્તિઓ પરિષદ એકસો પંદર વર્ષથી કરી રહી છે એટલે એ ગઈકાલ જેટલી જ આજે પ્રસ્તુત છે અને આવતીકાલે પણ એટલી જ પ્રસ્તુત રહેશે.’
(પ્રકાશ ન. શાહ)
તો પ્રકાશ ન. શાહ chitralekha.com ને જણાવે છે કે ‘પરિષદે કોરોનાકાળમાં પણ સિતાંશુભાઈના વડપણમાં નોળવેલની મ્હેક નામે ડિજિટલ આગેકદમી યોજી જે ખૂબ નોંધનીય છે. જો કે ડિજિટલમાં સમસ્યા એ છે કે એમાં ખૂંપી જવાથી વાસ્તવબોધ ગુમાવી દેવાનો ભય રહે છે. નવા માધ્યમોનો ઉપયોગ જરૂરી છે, પણ લિખિત-મુદ્રિત અક્ષરોના વિકલ્પે નહીં. લિખિત-મુદ્રિત અક્ષરનો એક નોખો ચાર્મ છે, એમની જુદી ભૂમિકા પણ છે. એ ભૂમિકા છે વિચાર પેદા કરવાની. ડિજિટલ વર્ડ્સ ઝડપી માહિતી માટે સારા છે, પણ પ્રિન્ટેડ વર્ડ્સ જેટલા માનસમાં ખૂંપી જવાની ક્ષમતા નથી ધરાવતા. ટૂંકમાં, ડિજિટલ માધ્યમ મદદરૂપ છે, પણ પરંપરાગત માધ્યમનું રિપ્લેસમેન્ટ નથી. હા, સાહિત્યકારોનું મૂળ કામ લોકોને રસ પડે એવું ગુણવત્તાસભર સાહિત્ય સર્જતા રહેવાનું છે. વર્ગખંડમાં પણ સાહિત્યશિક્ષણને વધારે રસપૂર્વક ભણાવવાની જરૂર છે, જેનાથી બાળકોની સમજ ખીલી શકે છે.’
(હર્ષદ ત્રિવેદી)
ત્રીજા ઉમેદવાર હર્ષદ ત્રિવેદી કહે છે કે ‘આજનો સમય ઘણો પડકારજનક છે. સમાજમાં ઘસાતાં જતાં જીવનમૂલ્યો સામે માણસને સંવેદનશીલ રાખવાનું કામ સાહિત્ય અને બીજી કલાઓ કરે છે. એ રીતે સાહિત્ય તો હંમેશાં પ્રસ્તુત રહેવાનું જ છે. આ સાહિત્યને વધારે સમૃદ્ધ કરવાનું-એનો પ્રચાર-પ્રસાર કરવાનું કામ સાહિત્ય પરિષદ છેલ્લાં 115 વર્ષથી કરી રહી છે. આજે એ આપણી સંસ્કારિતાનું કેન્દ્ર છે. આજના ડિજિટલ યુગમાં સાહિત્યિક સંસ્થાઓએ અભિગમ બદલવાની જરૂર છે. પરંપરા જાળવી રાખીને નવીનતા સાથે કદમ મેળવવાની જરૂર છે. જોકે અત્યાર સુધી પણ પરિષદ દ્વારા ઘણાં કામ થયાં છે-થઈ રહ્યાં. એને વધુ વેગ આપવાની જરૂર છે. મારો પ્રયાસ છે કે સાહિત્યની જૂની ને નવી પેઢી વચ્ચે એક સેતુની ભૂમિકા ભજવી શકાય તો ઘણું થઈ શકે છે.’
હવે આ ત્રણ મહારથીમાંથી પરિષદના રથની લગામ કોના હાથમાં આવે છે એ તો મતદાતાઓ નક્કી કરશે, પણ પરિષદ પાસે આજના ગુજરાતની તાતી માગ છે સાહિત્યશિક્ષણની-ભાષાશિક્ષણની! ગુજરાતી ભાષામાં અડધોઅડધ નાપાસ થતા વિદ્યાર્થીઓના આંકડાઓ જ આ વાત કહી આપે છે.
છેલ્લાં દોઢેક દાયકાથી તો સાવ કથળેલી શિક્ષણવ્યવસ્થા, લાચાર શિક્ષકો, ઊંડી સમજ વગરનાં પાઠ્યપુસ્તકો અને રાજ્યભરમાં નકરી આપલેની નીતિથી ચાલતા સ્તર વગરના સાહિત્યિક કાર્યક્રમો વચ્ચે ભવિષ્યની પેઢીમાં સાહિત્યરસ સીંચાય એવા કોઈ સંકેત નથી દેખાતા. રાજ્યના પચાસ ટકાથી વધારે વિદ્યાર્થીઓને ગુજરાતી ભાષા બરાબર લખતા-વાંચતા પણ નથી આવડતી ત્યારે પરિષદ જેવી સંસ્થાઓ અત્યાર સુધી એ વિશે સક્રિય ચિંતા કરવામાં ઊણી ઊતરી છે, પણ હજી એ દિશામાં યોગ્ય પગલાં ભરી શકાય છે.
નોંધનીય છે કે પરિષદના બંધારણના પહેલા ચારેય ચાર હેતુમાં ‘ભાષા સંરક્ષવા’ની વાત છે ને ચોથા હેતુમાં તો સ્પષ્ટ લખ્યું છે કે ’શિક્ષણમાં ગુજરાતી ભાષા સુબોધ અને પ્રાણવાન બને એ માટે પ્રયત્ન કરવા!’
નવા પ્રમુખ માટે આ પડકાર ય છે ને અવસર પણ.
(અહેવાલઃ સુનીલ મેવાડા)
(તસવીરોઃ પ્રજ્ઞેશ વ્યાસ)