વીરે દી વેડિંગઃ નકલી ચળકાટવાળાં, બોરિંગ લગ્ન

ફિલ્મઃ વીરે દી વેડિંગ

કલાકારોઃ કરીના કપૂર, સોનમ કે. આહુજા, શિખા તલસાણિયા, સ્વરા ભાસ્કર

ડિરેક્ટરઃ શષાંક ઘોષ

અવધિઃ આશરે બે કલાક

★ બકવાસ
★★ ઠીક મારા ભઈ
★★★ ટાઈમપાસ
★★★★ મસ્ત
★★★★★ જબરદસ્ત

ફિલ્મોમીટર રેટિંગઃ
★ ★

ધારો કે તમને કોઈ વેડિંગ-ઈન્વિટેશન મળે, જેમાં લખ્યું હોય કે આ એક મોંઘાદાટ ડેસ્ટિનેશન વેડિંગ છે. તમે એમાં હાજરી આપવા થનગની રહ્યા છો. પછી ખબર પડે છે કે ડેસ્ટિનેશન એટલે ઉદયપુર કે બાલી નહીં, પણ શહેરની પાદરે આવેલું એક બકવાસ સ્થળ છે, જ્યાં બે દિવસ તો શું બે કલાક પસાર કરવા કપરા છે.

કંઈ આવી જ લાગણી થઈ ‘વીરે દી વેડિંગ’ જોઈને. ફિલ્મના ડિરેક્ટર શશાંક ઘોષ આ પહેલાં ‘ખૂબસૂરત’ (સોનમ-ફવાદ ખાન) બનાવી ચૂક્યા છે. જે સરેરાશ ચાલેલી, જ્યારે ‘વીરે દી વેડિંગ’ માનુનીઓની મૈત્રી વિશેની, નારીવાદના ઝંડા લહેરાવવા વિશેની પોકળ, તકલાદી ફિલ્મ છે. આખી ફિલ્મમાં ક્યાંય એવું લાગતું નથી કે સર્જકે પુરુષ-સ્ત્રી વચ્ચેના સામાજિક-વૈચારિક ભેદની દીવાલને તોડવાનો ગંભીર પ્રયાસ કર્યો હોય. નિધિ મેહરા-મેહુલ સુરિની શિથિલ પટકથા પણ આ માટે જવાબદાર છે.

વાર્તા ચાર નારીપાત્રોની આસપાસ ફરે છે. આને લીધે ફિલ્મને ચિક ફ્લિક (હોલિવૂડની ‘બ્રાઈડ્સમેડ’ જેવી લડકિયોં કી ફિલ્મ) તરીકે સંબોધે છે તો સર્જકોને ખોટું લાગી જાય છે. આનો જવાબ આપવા નિર્માતાઓએ ટિવટર પર હૅશટૅગ પણ બનાવ્યું કે ‘આ ચિક ફ્લિક નથી.’ તો વાત દિલ્હીની ચાર બહેનપણી કાલિંદી-અવનિ-મીરા-સાક્ષી (એ ક્રમે કરીના કપૂર-સોનમ કે. આહુજા-શિખા તલસાણિયા-સ્વરા ભાસ્કર)ની છે. છેક સ્કૂલથી એમની દોસ્તી છે. બધી પૈસેટકે સાધનસંપન્ન છે, સશક્ત (એમ્પાવર્ડ) છે. કાલિંદી સિડનીમાં વસે છે બૉયફ્રેન્ડ રિષભ (સુમીત વ્યાસ) સાથે. ત્રણેક વર્ષથી બન્ને સાથે રહે છે. એક સમી સાંજે રિષભ પ્રસ્તાવ મૂકે છે ‘ચાલને, લગન કરી લઈએ.’ કાલિંદી લગન કરવા વિશે, કમિટમેન્ટ માટે ઉત્સાહી નથી કેમ કે એણે પોતાનાં મમ્મી-પપ્પાનું ભાંગેલું-તૂટેલું લગ્નજીવન જોયું છે. બીજી બહેનપણીઓમાં, અવનિ ડિવોર્સ લૉયર છે, દિલ્હીની તીસ હઝારી કોર્ટમાં પ્રૅક્ટિસ કરે છે ને મૅટ્રિમૉનિયલ વેબસાઈટ પર ભાવિ ભરથારની તલાશ કર્યા કરે છે. મીરા કોઈ ધોળિયા સાથે પરણીને વિદેશમાં વસી છે. એને બે વર્ષનો બેટો છે, જ્યારે સાક્ષી ધણીને છોડીને પિયર આવી ગઈ છે. ડિવોર્સ ગમે ત્યારે થઈ શકે છે. ચારેય બહેનપણી પોતપોતાની સમસ્યા સાથે દિલ્હીમાં ફરી એક વાર ભેગી થાય છે કાલિંદી-રિષભનાં વેડિંગ માટે.

થ્રૂઆઉટ ફિલ્મમાં ડિરક્ટર સતત એવું બતાવવા મથ્યા કરે છે કે આ જુવો, આ છે આજની આધુનિક નારી. એ સિગારેટ ફૂંકે છે, દારૂ પીવે છે, ગાળ બોલે છે, વગેરે. બીજા શબ્દોમાં, આ બધું સહજ લાગવાને બદલે પ્રયાસપૂર્વક થયું છે. એક જ આશય છેઃ પ્રેક્ષકના ડોળા સતત પહોળા રહેવા જોઈએ, ભ્રમરો સતત ઊંચકાયેલી રહેવી જોઈએ. જેમ કે ચારેવ બહેનપણી સતત મજાકમસ્તી કરે છે, ગ્રુપ હગ કરે છે, સેક્સ વિશે વાતો કરે છે, ગાળો બોલે છે, લગ્ન તથા સંયુક્ત કુટુંબની, મૅરેજની ખિલ્લી ઉડાડે છે.

ફિલ્મમાં હિંદીની મજાક ઉડાડીને રમૂજ નિષ્પન્ન કરવાનો પણ વ્યર્થ પ્રયાસ કરવામાં આવ્યો છે. એક સીનમાં શિખા તલસાણિયા કહે છેઃ ‘બેબી, ઓર્ગેઝમને હિંદીમાં શું કહેવાય, ખબર છે? ચરમ સુખ!’ આ સંવાદ એવી રીતે બોલવામાં આવે છે તથા સહેલી એની પર એવી રીતે રિઍક્ટ કરે છે જાણે હિંદી બોલવું ડાઉન માર્કેટ ગણાય અને એમાં બહુ કૉમેડી થઈ ગઈ. શિખાના જ મોંમાં બીજો એક સંવાદ છેઃ ‘તેરી લેને કે લિયે અબ ડિગ્રી ભી ચાહિયે.’ હિંદીમાં ‘કિસી કી લે લેના’ જેવી શબ્દસંજ્ઞા ખરાબ અર્થમાં વપરાય છે. કદાચ લેખકને-સર્જકને કદાચ એવો વહેમ હશે કે આવું બધું આજકાલ કૂલ ગણાય છે.

અધૂરામાં પૂરું, દિલ્હીમાં સ્ત્રી-આઝાદી બતાવવી ઓછી લાગતાં ડિરેક્ટર ચારેયને ફુકેત મોકલે છે, જેથી એ સ્ટ્રિપટીઝ ક્લબમાં જઈ શકે, સ્વિમિંગ કૉસ્ચ્યૂમ પહેરી શકે, સ્વિમિંગ પૂલમાં સિગારેટ ફૂંકી શકે, વધુ શરાબ પી શકે.

1988માં અરુણા રાજેએ એક બોલ્ડ સબ્જેક્ટ પર ફિલ્મ બનાવેલીઃ ‘રિહાઈ’, પણ એમાં સ્ત્રીને દારૂ-સિગારેટ પીતી, ગાળો બોલતી બતાવવામાં આવી નહોતી. વિષય એવો હતો કે રાજસ્થાન નજીક આવેલા એક ગામમાંથી પુરુષો શહેરમાં કમાવા ગયા છે. પાછળ એમની પત્નીઓને સેક્સની ઈચ્છા જાગે છે તો ગામમાં આવેલો એક પુરુષ એમની ઈચ્છા સંતોષે છે. ત્રીસ વર્ષ પછી આપણે એની નજીક પણ આવી શક્યા નથી.

(જુઓ ‘વીરે દી વેડિંગ’નું ટ્રેલર)

httpss://youtu.be/IZODr96ZRCc

 

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]