કલાકારોઃ સારા અલી ખાન, કાર્તિક આર્યન, રણદીપ હૂડા
ડાયરેક્ટરઃ ઈમ્તિયાઝ અલી
અવધિઃ બે કલાક વીસ મિનિટ
★ વાહિયાત
★★ ઠીક ઠીક
★★★ ટાઈમપાસ
★★★★ મસ્ત
★★★★★ અદ્દભુત
ફિલ્મોમીટર રેટિંગઃ
★
લેખક-દિગ્દર્શક ઈમ્તિયાઝ અલીની આ મહાબોરિંગ, મહાટોર્ચર ફિલ્મમાં સૂત્રધારની અદામાં રણદીપ હૂડા વર્ષો પહેલાં થયેલા પોતાના પ્રેમની, પ્રેમભંગની કથની 2020ની એક જવાન કન્યાને સંભળાવી રહ્યો હોય છે. અચાનક પેલી કન્યા (સારા અલી ખાન) એની પર તાડૂકે છેઃ “ક્યોં દિમાગ ખરાબ કર રહે હો અપની રોમાન્ટિક સ્ટોરી સુના કે? ક્યોં સુના રહે હો યે સબ? ક્યા ફરક પડતા હૈ મુઝે”?
એક્ઝેક્ટલી દર્શક પણ ઈમ્તિયાઝ અલીને આ જ કહેવા માગે છેઃ વ્હાય? વ્હાય? વ્હાય? 11 વર્ષ પહેલાં એક ફિલ્મ (2009ની ‘લવ આજ કલ’) ચાલી ગઈ એટલે એના રવાડે ચડી જવાનું? ફિલ્મ આફ્ટર ફિલ્મમાં એકની એક કૉમ્પ્લેક્સ લવસ્ટોરીની પત્તર ખાંડ્યા કરવાની? જો એ જ વાત કરવાની હોય, નવું કંઈ કહેવાનું જ ન હોય તો યાર, ફિલ્મ બનાવવાની જરૂર શું છે? એ ફિલ્મમાં સૈફ અલી ખાન, દીપિકા પદુકોણ, રિશી કપૂર અને એક સરસમજાની નવોદિતા જિસેલ મોન્તેરિયો જેવા કલાકારો હતાં. આ પૉઈન્ટલેસ ફિલ્મમાં કાર્તિક આર્યન, સારા અલી ખાન અને નવોદિતા આરુષી શર્મા છે. રિશી કપૂરની જગ્યાએ રણદીપ હૂડા છે. ઓક્કે, જૂની ફિલ્મમાં ગઈ કાલ ને આજના પ્રેમવાળું કથાકથન હિંદી સિનેમા માટે નવીનવાઈનું હતું, સંગીત કર્ણપ્રિય હતું, પરફોરમન્સીસ સારા હતા. અહીં કાર્તિક આર્યન અભિનય કેટલો ખરાબ કરી શકાય એની જાણે સ્પર્ધા કરતો હોય એટલો ખરાબ ને ઈરિટેટિંગ છે.
ફરી એક વાર, ઈમ્તિયાઝ મિયાં બે કન્ફ્યુઝ પ્રેમકથા લઈને આવ્યા છેઃ એક પાંગરે છે 1990માં ઉદયપુરમાં અને બીજી, 2020માં મૉડર્ન દિલ્હીમાં – 1990માં ઉદયપુરની સ્કૂલ ગર્લ લીના (આરુષી શર્મા)ના પ્રેમમાં પડેલો રઘુ એ ખરેખર તો રણદીપ હૂડા છે. મતલબ રણદીપ હૂડાનું કેરેક્ટર કાર્તિક ભજવે છે. આજે 2020માં રણદીપ હૂડા નવી દિલ્હીમાં એક કેફે ચલાવે છે, જેમાં નિયમિત આવતી જૂઈ (સારા અલી ખાન)ને પોતાની લવસ્ટોરી સંભળાવ્યા કરે છે. એ જ કેફેમાં આવતો વીર (કાર્તિક આર્યન) અને જૂઈ પ્રેમમાં પડે છે. વીર અને રઘુના બન્ને રોલ કાર્તિકે ભયંકર ખરાબ રીતે ભજવ્યા છે. સારા અલી ખાન વાતવાતમાં “તૂમ આઈટમ ક્યા હો”? અને “કરિયર પે ફોકસ કરના હૈ”… અને “વોટેવર” બોલ્યા કરે છે, બોલ્યા જ કરે છે, બોલ્યા જ કરે છે (જેના કોઈ અર્થ નથી)… પણ એનો અભિનય ઠીકઠાક છે.
ઈમ્તિયાઝ અલી હવે વહેલી તકે અસ્તિત્વની ઓળખનો પ્રવાસ-સાચો પ્યાર-કમિટમેન્ટ, વગેરે વગેરે વગેરેમાંથી બહાર નીકળે તો સારું. ‘તમાશા’ અને ‘હેરી મેટ સેજલ’, વગેરે ટાઈટલ જ બદલાય છે બાકી વાર્તા, કથાકથન એ જ રહે છે. ટૂંકમાં ‘કલ આજ કલ’ની વાત કરીએ તો, જો તમારે વેલેન્ટાઈન્સ ડે અને મગજ બગાડવાં હોય તો ‘લવ આજ કલ’ જોવા જજો.
(જુઓ ‘લવ આજ કલ’નું ટ્રેલર)