જુલી 2: મહામેલોડ્રામેટિક

ફિલ્મઃ જુલી 2

કલાકારોઃ રાય લક્ષ્મી, રવિ કિશન, આદિત્ય શ્રીવાસ્તવ, પંકજ ત્રિપાઠી

ડિરેક્ટરઃ દીપક શિવદાસાની

અવધિઃ આશરે અઢી કલાક

★ બકવાસ
★★ ઠીક મારા ભઈ
★★★ ટાઈમપાસ
★★★★ મસ્ત
★★★★★ પૈસા વસૂલ

ફિલ્મોમીટર રેટિંગઃ
★ ★ 

તું વર્જિન હશે એવી તો મેં આશા રાખી જ નહોતી, પણ… એક લિમિટ હોય છે”            

આના પરથી તમને ‘જુલી ટુ’ ઓવરઑલ કેવી હશે એનો અંદાજ આવી જશે. ફિલ્મ ફોકસ તાકે છે એક જુવાન, મહત્ત્વાકાંક્ષી (કોણ નથી હોતું) ઍક્ટ્રેસ જુલી (રાય લક્ષ્મી)ની ચડતી અને પડતી પર. કથાનક જેમ જેમ આગળ વધતું જાય છે તેમ તેમ કટ્ટર ફિલ્મીને બત્તી થવા માંડે છેઃ અરે યાર, આ તો ઓલી, નગમા. એક જમાનાની ફેમસ ઍક્ટ્રેસ!

જુલીને સ્ટાર નથી બનવું- સુપરસ્ટાર બનવું છે. એને તેલુગુ સુપરસ્ટાર (રવિ કિશન) સાથે સંબંધ બંધાય છે. ટૂંક સમયમાં સંબંધવિચ્છેદ થાય છે… વળી જુલી ટૉપના ક્રિકેટર સાથે નવો સંબંધ બાંધે છે. એ સંબંધનો અંત આણતાં ક્રિકેટર કહે છે કે આની (ઍક્ટ્રેસની) સાથે હું એટલા માટે લગ્ન ન કરી શકું કેમ કે એના અફૅર્સની યાદી અનંત છે. અને પેલો સંવાદઃ “તું વર્જિન હશે એવી તો મેં આશા રાખી જ નહોતી, પણ…”

વક્રતા જુઓઃ ‘જુલી ટુ’ના રાઈટર-ડિરેક્ટર દીપક શિવદાસાનીએ જ નગમાને એની કારકિર્દીની પહેલપરથમ ફિલ્મ આપીઃ ‘બાઘી’ (1990). એના 12-13 વર્ષ પછી દીપક શિવદાસાનીએ નેહા ધુપિયાને લઈને ‘જુલી’ બનાવી.

ફિલ્મમાં ક્રૂડ સંવાદ, દશ્ય સતત આવતાં રહે છે. ઈવન જુલીને જે રીતે જોવામાં આવે છે એ પણ ચીતરી ચડે એવું છે. એક પીઢ ઍક્ટર (અનંત જોગ) જુલીને જોતાં મોંમાંથી રીતસરની લાળ ટપકાવે છે. કમૉન યાર. જુલીની કારકિર્દીની ફર્સ્ટ ફિલ્મ ડિરેક્ટ કરનાર (નિશિકાંત કામત)ને બાદ કરતાં દીપક શિવદાસાનીએ ‘જુલી’ના જીવનમાં આવેલા બધા પુરુષોને કાં તો ના-લાયક, વિલન અથવા બળાત્કાર કરવાની ખેવના રાખનારા બતાવ્યા છે. એક તબકક્કે જુલી નિસાસો નાખતાં કહે છેઃ “મુઝે કોઈ પ્યાર નહીં કરતા. સબકો જુલી કા શરીર ચાહીએ. લેકિન ઉસે સિર્ફ પ્યાર ચાહીએ.” બીજો એક સંવાદઃ યહા સિર્ફ બૉડી ચલતી હૈ… ગરમાગરમ બૉડી!

બોલિવૂડની ચમકદમકની પાછળનો અંધકાર બતાવવાનો કે પછી, હાર્વે વીન્સ્ટેઈન, કેવિન સ્પેસી, વગેરે આપણે ત્યાં પણ છે એવું કહેવાનો સર્જકનો ઈરાદો છે, પણ એની રજૂઆત અત્યંત ક્રૂડ અને મેલોડ્રામેટિક રીતે કરવામાં આવી છે, જે આપણે 1990ના દાયકાની ફિલ્મમાં જોતા હતા. હા, ફિલ્મમાં ઘણા વળવળાંક આવતાં રહે છે, પણ એમાંના ઘણા ગળે ઊતરતા નથી. (હિંદી સિનેસૃષ્ટિ માટે) નવોદિતા રાય લક્ષ્મીએ પોતાના પાત્રમાં લોહીપરસેવો રેડી દીધાં છે.

-અને હા, ‘જુલી ટુ’ જોતાં ચારેક વર્ષ પહેલાં આવેલી મધુર ભંડારકરની ‘હીરોઈન’ અને કરીના કપૂર યાદ આવી જાય તો નવાઈ ન પામતા. હું તો એટલું જ કહીશ કે, બોલિવૂડમાં કાસ્ટિંગ કાઉચની ક્લિશે કથા જોવા કરતાં ઘરના કાઉચ પર બેસીને ગમતીલું પુસ્તક વાંચવું બહેતર પર્યાય છે.

(જુઓ ‘જુલી 2’નું ટ્રેલર)

httpss://www.youtube.com/watch?v=hntAuiLz69M